For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : દિલ્હીમાં કેજરીવાલના ડાએટ પર રાજકારણ

Updated: Apr 20th, 2024

દિલ્હીની વાત : દિલ્હીમાં કેજરીવાલના ડાએટ પર રાજકારણ

નવી દિલ્હી : નિવેદનો અને ઘટનાઓને પોતાની તરફેણમાં વાળવામાં ભાજપનો કોઈ મુકાબલો નથી, પણ દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ ભાજપને એમાં બરાબરની ટક્કર આપી છે. સીએમ કેજરીવાલને શરાબનીતિમાં જેલમાં બંધ કરાયા છે. વારંવાર શરાબનીતિના નામે ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાવીને ભાજપ આપને ઘેરે છે, પરંતુ આપના નેતાઓએ શરાબનીતિને બદલે આખું રાજકારણ કેજરીવાલના ડાએટ પર શિફ્ટ કરીને હોશિયારી બતાવી છે. કેજરીવાલને જેલમાં ખાવા-પીવામાં મુશ્કેલી પડી રહી છે અને ભેદભાવ થઈ રહ્યો છે ને તેનાથી એમનું સુગરલેવલ વધી જાય છે એવો દાવો કરીને આપે દિલ્હીના નાગરિકોની સહાનુભૂતિ અંકે કરવાની કોશિશ શરૂ કરી છે. આપે આ મામલો કોર્ટમાં પહોંચાડીને ચર્ચા જગાવી છે.

બિહારમાં 15 યાદવ વોટબેંક પર ભાજપની નજર

બિહારમાં લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાજદ એમવાય સમીકરણના આધારે છેલ્લી બે વિધાનસભામાં સારું પ્રદર્શન કરે છે. લોકસભામાં પણ એ જ સમીકરણથી વધુમાં વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય રાજદે રાખ્યું છે. એમવાય વોટર્સ એટલે મુસ્લિમ અને યાદવ મતદારો. રાજ્યમાં ૧૫ ટકા યાદવ મતદારો છે અને ૧૭ ટકા મુસ્લિમ વોટર્સ છે. જો બંને મળે તો ૩૨ ટકા વોટશેર થાય છે. એ બંને બિહારમાં પરંપરાગત રીતે લાલુ પ્રસાદ યાદવને સમર્થન કરે છે. પરંતુ આ વખતે ભાજપે યાદવ વોટબેંકને પોતાની તરફ વાળવાનો વ્યૂહ ઘડયો છે. ભાજપે ત્રણ યાદવ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે અને આ સમાજને પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું હોવાનો પ્રચાર કર્યો છે. તેજસ્વીએ આ વખતે આઠ યાદવ ઉમેદવારોને ટિકિટ આપી છે અને બે મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.

મમતા બેનર્જીનો ભાજપ કાર્યકરો પર હિંસાનો આરોપ

પશ્વિમ બંગાળમાં ત્રણ જ બેઠકો પર મતદાન હતું, તેમ છતાં સૌથી વધુ ફરિયાદો ત્યાં થઈ. તૃણમૂલ કોંગ્રેસે ભાજપના કાર્યકરો મતદાનમાં વિઘ્ન ખડું કરતા હોવાની નવ ફરિયાદ ચૂંટણી પંચને કરી હતી. મમતા બેનર્જીએ ભાજપના કાર્યકરો પર હિંસાનો આરોપ લગાવ્યો હતો. ભાજપના કાર્યકરોએ રાજ્યમાં સ્થાનિક ઉમેદવારોની ઓફિસ પર પથ્થરમારો કરીને આગ લગાવી દીધાનું ટીએમસીએ કહ્યું હતું. ભાજપના નેતાઓ બચાવમાં કહે છે કે ટીએમસીના કાર્યકરો ઉશ્કેરણી કરીને ઘર્ષણ વધારી રહ્યા છે. બંગાળમાં તંગ સ્થિતિની શક્યતા હોવાથી દરેક વખતે થોડી થોડી બેઠકો પર મતદાન રાખવામાં આવ્યું છે. મમતાએ ઈદ અને રામનવમીની રજામાં આવેલા તમામને મતદાન માટે રોકાઈ જવાની અપીલ કરવાની સાથે એવુંય કહ્યું કે મતદાનથી દૂર રહેશો તો સરકાર તમારી નાગરિકતા છીનવી લેશે. 

માધવી લતાનો મસ્જિદ સામે તીર તાકવાનો વિવાદ

દાયકાઓથી ઓવૈસીના પરિવારનો ગઢ ગણાતી હૈદરાબાદની બેઠક પરથી ભાજપે આ વખતે માધવી લતાને મેદાનમાં ઉતાર્યા છે. માધવી હૈદરાબાદમાં સામાજિક કાર્યકર છે અને મુસ્લિમ મહિલાઓને આર્થિક મદદ કરતા હોવાથી જે જૂના હૈદરાબાદમાંથી ઓવૈસી માર્જિન મેળવે છે તેમાં ગાબડું પાડશે એમ મનાય છે. માધવી એડીચોટીનું બળ લગાવીને ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. એ દરમિયાન એક વિવાદ પણ થયો છે. માધવીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એ કાલ્પનિક રીતે તીર તાકતા હોય એવું દેખાય છે ને સામે જે બિલ્ડિંગ છે એ મસ્જિદ હોવાનો દાવો ઓવૈસી કરે છે. માધવી લતાએ આ વાત નકારી હતી ને વીડિયોની અધૂરી ક્લિપ બતાવીને ખોટો આરોપ લગાવાતો હોવાનો બચાવ કર્યો હતો. 

યુપીના યુવાનોને આકર્ષવા ક્રિકેટર શમીના વખાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના અમરોહામાં સભા સંબોધી હતી. એ દરમિયાન તેમણે ક્રિકેટર મોહમ્મદ શમીના વર્લ્ડ કપના પ્રદર્શનને યાદ કરીને વખાણ કર્યા હતા. પીએમ મોદીએ યોગી સરકાર યુપીમાં મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવે છે એવું કહીને સ્પોર્ટ્સમાં યુપી આગળ વધી રહ્યું હોવાનું જણાવ્યું હતું. યુપીના યુવાનોમાં શમી પોપ્યુલર છે. ખાસ તો મુસ્લિમ યુવાનો માટે શમી રોલમોડલ છે. ભાજપના નેતાઓ એને ધ્યાનમાં રાખીને શમીના પ્રદર્શનને યાદ કરીને એ યુવાનોને આકર્ષવા પ્રયાસો કરે છે. યુપીમાં શમી જેવા ક્રિકટરો તૈયાર થાય તે માટે સરકારે યુવાઓને ક્રિકેટની તાલીમની વ્યવસ્થા કરી છે અને સ્ટેડિયમ બનાવીને સ્પોર્ટ્સનો વિકાસ કર્યો છે એ પ્રકારની ઘણી પ્રચાર સામગ્રી સોશિયલ મીડિયામાં ફરી રહી છે.

છેલ્લી વખત લડી રહ્યો છું, જીતાડજો : દિગ્વિજય

કોંગ્રેસના સીનિયર નેતા દિગ્વિજય સિંહ મધ્યપ્રદેશની રાજગઢ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ૩૩ વર્ષ પછી આ બેઠક પરથી દિગ્વિજયે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. ૧૯૯૧માં છેલ્લી વખત દિગ્વિજય આ બેઠક પરથી ચૂંટણી લડીને જીત્યા હતા. એ પછી તેમના નાનાભાઈ લક્ષ્મણ સિંહ કોંગ્રેસની ટિકિટ પર ચાર વખત જીત્યા હતા. વર્ષો સુધી કોંગ્રેસનો ગઢ રહેલી આ બેઠક પરથી છેલ્લી બે ચૂંટણીમાં ભાજપના રોડમલ નાગર જીતે છે. ભાજપે રોડમલને રિપીટ કર્યા છે. બીએસપી કોંગ્રેસની વોટબેંક તોડશે એટલે દિગ્વિજય માટે કપરાં ચઢાણ છે. દિગ્વિજયે સમય પારખીને નિવૃત્તિની જાહેરાત કરી છે અને અપીલ કરી છે કે છેલ્લી વખત આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યો છું. જીતાડીને દિલ્હી મોકલજો.

વસુંધરા રાજે લોકસભાના ચૂંટણી પ્રચારમાંથી ગાયબ

વસુંધરા રાજેએ હજુ ગયા વર્ષે જ થયેલી રાજસ્થાનના વિધાનસભાની ચૂંટણીમાં વિવિધ અટકળો વચ્ચે પ્રચાર કર્યો હતો ને મુખ્યમંત્રી બનવાની દોડમાં પણ સામેલ હતા. પરંતુ ભાજપે ભજનલાલ શર્માને મુખ્યમંત્રી બનાવી દીધા હોવાથી વસુંધરા નારાજ છે એવી વાતો આવી હતી. હવે વસુંધરા લોકસભાની ચૂંટણીના પ્રચારમાં ખાસ દેખાયા નથી એટલે સવાલો ઉઠયા છે કે તેમને પ્રચારથી દૂર રાખવામાં આવ્યા છે કે તેમણે જ દૂર રહેવાનું પસંદ કર્યું છે. ભાજપે રાજસ્થાનમાં સ્ટાર પ્રચારકોની યાદીમાં તેમનું નામ રાખ્યું તો છે, પરંતુ સામાન્ય રીતે સભાઓ ગજવીને કોંગ્રેસને ઘેરતા વસુંધરા આ વખતે ક્યાંય સભાઓમાં દેખાતા નથી. ઝાલાવાડની બેઠક પરથી વસુંધરાના દીકરા દુષ્યંત સિંહને ભાજપે ટિકિટ આપી છે. વસુંધરા એ એક જ બેઠકમાં પ્રચાર કરી રહ્યાં છે.

* *  *

આક્રમક પ્રચાર તમિલનાડુમાં ભાજપને મજબૂત કરશે

તમિલનાડુમાં અગાઉ આવો ત્રિકોણિયો જંગ જોવા મળ્યો નથી. કરોડો મતદારોએ રાજ્યની ૩૯ લોકસભા બેઠકો માટે ૯૫૦ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ કરી દીધું છે. એક્સપર્ટ્સે માને છે કે ત્રિકોણીય હરીફાઈથી ડીએમકેને ફાયદો થઈ શકે છે. ડીએમકે રાજ્યમાં સત્તાસ્થાને છે અને ૨૦૧૯માં ૩૮ બેઠકો જીતીને સપાટો બોલાવ્યો હતો. ડીએમકે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને રાજ્યમાં મોટી જીત મેળવશે એવા અનુમાનો રજૂ થઈ ચૂક્યા છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ભાજપ તેના પૂર્વ સાથી એઆઈએડીએમકેને બીજા સ્થાનેથી ખસેડીને એનું સ્થાન રાજ્યમાં મેળવી લેશે? ભાજપે આ વખતે નાના પણ મહત્ત્વના પક્ષો સાથે ગઠબંધન કરીને રાજ્યમાં આક્રમક પ્રચાર કર્યો હતો. એ પ્રચાર ભાજપને તમિલનાડુમાં મૂળિયા નાખવામાં મદદ કરશે.

કર્ણાટકમાં મહિલા ઉમેદવારોની સંખ્યા ઓછી

કર્ણાટકમાં મતદાર યાદી મુજબ ૨૮ સંસદીય મતવિસ્તારોમાંથી ૧૭માં પુરૂષો કરતાં મહિલાઓની સંખ્યા વધુ છે, પરંતુ રાજકીય પ્રતિનિધિત્વ ઓછું છે. રાજકીય પક્ષો મહિલાઓની સરખામણીએ પુરુષોને ટિકિટ આપવાનું પસંદ કરે છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષો જેવા કે ભાજપ, કોંગ્રેસ અને જેડીએસે ચાર મહિલાઓને ચૂંટણી જંગમાં ઊતારી હતી. આ વખતે મહિલાઓની સંખ્યા ચારથી વધીને આઠ થઈ ગઈ છે, તેમ છતાં ૨.૭ કરોડની મહિલા મતદારોની વસતિની સરખામણીમાં પ્રતિનિધિત્વ ઘણું ઓછું ગણાય. રાજ્યમાં કોંગ્રેસે છ મહિલાઓને મેદાનમાં ઉતારી છે, જ્યારે ભાજપે વર્તમાન સાંસદ શોભા કરંદલાજે અને ગાયત્રી સિદ્ધેશ્વરને મેદાનમાં ઉતાર્યાં છે. જેડીએસે કર્ણાટકમાં એકેય મહિલાને મેદાનમાં ઉતારી નથી.

ગૂગલમાં સૌથી વધુ જાહેરાતો ભાજપની

આ વર્ષે ગૂગલની ચૂંટણી જાહેરાતોમાં ભાજપ પહેલા ક્રમે છે. ગૂગલે ૧,૧૯,૩૮૭ જાહેરાતો આપી હતી. ગૂગલ ટ્રાન્સપરન્સી સેન્ટરના અહેવાલમાં દાવો થયો હતો. અહેવાલ પ્રમાણે ૩૦ દિવસમાં જ ભાજપે ૩૦ કરોડ રૂપિયાનો ખર્ચ ગૂગલ એડ માટે કર્યો હતો, જે બધી જ પાર્ટીઓમાં ત્રીજા ભાગનો હિસ્સો છે. કોંગ્રેસે ૧૧ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ફેસબુકમાં પણ આવો જ ટ્રેન્ડ ચાલ્યો હતો. ભાજપે ફેસબુકમાં ૮.૧ કરોડ રૂપિયા તો કોંગ્રેસે ૨.૬ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. અહેવાલોમાં દાવો થયો હતો કે ભાજપે ૨૦૧૯ની સરખામણીએ ૨૦૨૪માં ગૂગલ-ફેસબુકની એડ પાછળ બમણો ખર્ચ કર્યો હતો. ગત ચૂંટણીમાં ભાજપે ગૂગલમાં ૧૨,૬૦૦ જાહેરાતો ઓનલાઈન દર્શાવવા બદલ ૧૨.૩ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

- ઈન્દર સાહની

Gujarat