Get The App

દિલ્હીની વાત : યોગી સરકારના પ્રચારમાં કોંગ્રેસનો પોસ્ટર બોય

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
દિલ્હીની વાત : યોગી સરકારના પ્રચારમાં કોંગ્રેસનો પોસ્ટર બોય 1 - image


નવી દિલ્હી : ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકાર ખેડૂતોના કલ્યાણ માટેની યોજનાઓનો પ્રચાર કરવા માટે લગાવાયેલાં હોર્ડિંગ્સના કારણે હાંસીને પાત્ર બની ગઈ છે. આ પોસ્ટરમા દર્શાવાયેલા ખેડૂતનો ફોટો કોંગ્રેસે ત્રણ વર્ષ પહેલાં રાજીવ ગાંધીની જન્મજ્યંતિ પ્રસંગે બનાવેલાં પોસ્ટર્સમાં વાપર્યો હતો. કોંગ્રેસે રાજીવ ગાંધી અને કોંગ્રેસના શાસનમાં ખેડૂતોના જીવનમાં કેવી ખુશહાલી આવી છે એ દર્શાવવા જે ખેડૂત હરનામ સિંહને પોસ્ટર બોય બનાવ્યો હતો તેને જ યોગીની સરકારે પણ પોસ્ટર બોય બનાવી દીધો છે. યોગી સરકારે આ ગોટાળા માટે ડીઝાઈનર પર દોષનો ટોપલો ઢોળી દીધો છે પણ સોશિયલ મીડિયા પર લોકો યોગી સરકારની ફિરકી લઈ રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે, ભાજપ બીજી બધી વાતોમાં કોંગ્રેેસની નકલ કરે છે એ તો સમજ્યા પણ ખેડૂતના પોસ્ટરમાં તો કશુંક ઓરિજિનલ કરવું હતું.

આપ સાથે જોડાણ પહેલાં સ્થાનિક નેતાઓને પૂછાશે

હૈદરાબાદમાં મળેલી કોંગ્રેસ કારોબારીની બેઠકમાં આમ આદમી પાર્ટી સાથે જોડાણ મુદ્દે કોંગ્રેેસના નેતાઓએ નારાજગી દર્શાવી છે. અજય માકન અને પ્રતાપ બાજવાએ આપ પર વિશ્વાસ ના કરી શકાય એવો મુદ્દો ઉઠાવતાં મલ્લિકાર્જુન ખડગેએ તેમને ખાતરી આપવી પડી કે, દિલ્હી અને પંજાબમાં આપ સાથે લોકસભાની ચૂંટણી માટે જોડાણ કરતાં પહેલાં બંને રાજ્યોના નેતાઓ અંગે ચર્ચા કરવામાં આવશે. ભોપાલમાં મળનારી બેઠકોની વહેંચણી માટેની બેઠક પહેલાં સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા કરાશે.

આપનો વિરોધ કરી રહેલા નેતાઓએ સવાલ કર્યો કે, આપ ખરેખર ભાજપને હરાવવા ઈચ્છતી હોય તો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેેસના મતો કાપીને ભાજપને મદદ કેમ કરી કરી છે ? આ ત્રણેય રાજ્યોમાં આપએ વિધાનસભાની ચૂંટણીમાં ખસી જવું જોઈએ અને કોંગ્રેસને મદદ કરવી જોઈએ એવો મત આ નેતાઓનો છે. ખડગેએ ઈન્ડિયાની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવાની ખાતરી આપી છે.

કોંગ્રેસના ધારાસભ્યનો નોટોના ઢગ વચ્ચે વીડિયો

છત્તીસગઢના કોંગ્રેસના ધારાસભ્ય રામકુમાર યાદવનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં યાદવ સોફા પર બેઠા છે ને સામે પાંચસો રૂપિયાની નોટોનાં ઘણાં બધાં બંડલ પડયાં છે. યાદવનો દાવો છે કે, આ નોટો સાથે પોતાને કોઈ લેવાદેવા નથી ને પોતે નોટો સામે જોતા પણ નથી. પોતાની ઈમેજ બગાડવાના કાવતરાના ભાગરૂપે આ વીડિયો બનાવાયો છે.

યાદવે રસપ્રદ દલીલ કરી છે કે, મારો પ્લેન સાથેનો ફોટો પ્રસિદ્ધ કરાય તેનો મતલબ એવો થોડો છે કે હું પ્લેનનો માલિક છું ? કોઈ મહેલ સામે ઉભો રહીને ફોટો પડાવું તો મહેલ મારી માલિકીનો થોડો થઈ જાય ?

ભાજપે આ વીડિયોની સીબીઆઈ દ્વારા તપાસની માગ કરી છે. ભાજપનું કહેવું છે કે, છત્તીસગઢમાં સત્તા મળી તેનો દુરૂપયોગ કરીને કોંગ્રેસે બેફામ ભ્રષ્ટાચાર કર્યો તેનો આ પુરાવો છે.

પંજાબમાં ભાજપના હોદ્દેદારોમાં પક્ષપલટુઓની ભરમાર

પંજાબમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સુનિલ જાખડે પ્રદેશ હોદ્દેદારોની જાહેરાત કરી તેના કારણે ભાજપના જૂના નેતાઓમાં કચવાટ અને અસંતોષ છે. જાખડે જાહેર કરેલા ૬૧ હોદ્દેદારોમાંથી ૩૦ નેતા એવા છે કે જે થોડા મહિના પહેલાં જ કોંગ્રેસે, આપ કે અકાલી દળને છોડીને ભાજપમાં જોડાયા છે.

ભાજપની કોર કમિટીમાં તો મૂળ ભાજપના કરતાં પક્ષપલટુ વધી ગયા છે. ૨૧ સભ્યોની કોર કમિટીમાં મૂળ ભાજપના ૧૦ સભ્યો છે જ્યારે પક્ષપલટો કરીને આવેલા ૧૧ સભ્યો છે. કેપ્ટન અમરિંદરસિંહ અને મનપ્રીત બાદલ સહિતના પક્ષપલટુઓને કોર કમિટીમાં લેવાયા છે.

ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, જાખડનો પક્ષપલટુઓને મહત્વ આપ્યા વિના છૂટકો નથી. મૂળ ભાજપના નેતા પંજાબમાં કોઈ ફાયદો કરાવી શકે તેમ નથી એ વાત આટલાં વરસોમાં સાબિત થઈ છે. ભાજપે આગળ વધવું હોય તો બીજા પક્ષમાંથી આવેલા મજબૂત નેતાઓ પર જ મદાર રાખવો પડે તેમ છે.

કર્ણાટકમાં કોંગ્રેસ વધુ ત્રણ નાયબ મુખ્યમંત્રી બનાવશે

કર્ણાટકમાં લોકસભાની ચૂંટણી પહેલાં સિધ્ધરામૈયા સરકારમાં ત્રણ નવા નાયબ મુખ્યમંત્રીની નિમણૂક કરવાની માગ ઉઠી છે. સહકાર મંત્રી કે.એન. રંજનાએ કહ્યું છે કે, લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવવી હોય તો વીરશૈવ લિંગાયત, એસસી-એસટી અને લઘુમતી સમુદાયમાંથી નાયબ  મુખ્યમંત્રી બનાવવા જોઈએ. વર્તમાન મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર વોક્કાલિંગા સમુદાયના છે તેથી કર્ણાટકમાં મહત્વની મતબેકં મનાતા ચારેય સમુદાયને મહત્વ મળી જશે એનો રંજનાનો મત છે. રંજના મુખ્યમંત્રી સિધ્ધરામૈયાની અત્યંત નજીક મનાય છે તેથી રંજનાએ સિધ્ધરામૈયાના ઈશારે આ નિવેદન આપ્યું હોવાનું મનાય છે. આ ફોર્મ્યુલા શિવકુમારને સ્વીકૃત છે કે નહીં એ જાણવા રંજનાને આગળ કરાયા છે.

શિવકુમારની નજીકનાં સૂત્રોનું કહેવું છે કે, બીજા ત્રણ નહીં પણ તેર નાયબ મુખ્યમંત્રી બનાવાય તો પણ શિવકુમારને ફરક પડતો નથી. શિવકુમારને લોકસભાની ચૂંટણી પછી મુખ્યમંત્રીપદ આપવું પડશે એવો પણ તેમનો દાવો છે.

મહિલા અનામત ખરડો લાવવાની તૈયારી

સંસદનું વિશેષ સત્ર શરૂ થઈ ગયું છે પણ મોદી સરકારે આ સત્રમાં સંસદ અને રાજ્યોની વિધાનસભાઓમાં ૩૩ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાનો ખરડો લાવવા અંગે સ્પષ્ટતા કરી નથી.

ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, મોદી સરકાર ૨૦ સપ્ટેમ્બરે સંસદમાં આ અંગેનો ખરડો લાવીને સૌને સરપ્રાઈઝ આપશે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદી સરકાર એક પછી એક જાહેરાતો કરી રહી છે. મહિલા અનામત ખરડો પણ એ દિશામાં લેવાયેલું કદમ હશે એવું ભાજપનું કહેવું છે. આ ખરડો કેવો હશે એ અંગે ભાજપની નેતાગીરી મૌન છે.

કોંગ્રેસ સહિતના વિપક્ષોનું કહેવું છે કે, મહિલા અનામત ખરડો લાવવાની વિપક્ષોએ રજૂઆત કરી જ છે ત્યારે મોદી સરકાર ખરડો લાવશે તો એ સરપ્રાઈઝ નહીં હોય પણ વિપક્ષોની જીત હશે. વિપક્ષોએ સરકાર દ્વારા બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં પણ મહિલા અનામત ખરડો લાવવાની રજૂઆત કરી હતી.


Google NewsGoogle News