દિલ્હીની વાત : ભારત - કેનેડાના વિવાદથી ભારતીય વિદ્યાર્થીઓ ચિંતિત
નવીદિલ્હી : ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાને કારણે ભારત અને કેનેડા સામ-સામે થઈ ગયા છે. નિજ્જરની હત્યા બાબતે કેનેડા સરકારે ભારતીય રાજદૂત સામે શંકા વ્યક્ત કરી હતી. ભારતે આ આરોપો નકારી કાઢયા હતા. કેનેડામા મોટી સંખ્યામાં ભારતીયો નિવાસ કરી રહ્યા છે. લગભગ ૧૮ લાખ પ્રવાસી ભારતીયો તેમ જ ૧૦ લાખ એનઆરઆઇ કેનેડામાં વસવાટ કરે છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે કેનેડાની વસ્તીનો ત્રીજો ભાગ મૂળ ભારતીય છે. ભારતના વિદ્યાર્થીઓ હવે અમેરિકાને બદલે કેનેડાની યુનિવર્સિટીઓમાં ભણવાનું પસંદ કરે છે. કેનેડામાં લગભગ ૧,૨૬,૭૪૭ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ભારત અને કેનેડા વચ્ચે થયેલા વિવાદ પછી આ વિદ્યાર્થીઓ અને ભારતમાં રહેતા એમના વાલીઓ સતત ચિંતામાં છે.
અખિલેશ યાદવ મહારાષ્ટ્રમાં ઓવૈસીના ગઢમાં સભાઓ કરશે
સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ખાસ રસ લઈ રહ્યા છે. મહારાષ્ટ્રના કેટલાક મુસ્લિમ મતદારો સમાજવાદી પક્ષની પડખે છે. અખિલેશ યાદવ મહારાષ્ટ્રના માલેગાવ અને ધૂળેમાં ચૂંટણી સભાઓ સંબોધશે. આ બંને મતવિસ્તાર ઓવૈસીનો ગઢ ગણાય છે. લોકસભાની ચૂંટણીમાં સપાએ ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ બેઠકો જીતી હતી. મહારાષ્ટ્રમાં સપાના બે ધારાસભ્યો છે. અખિલેશ યાદવ માને છે કે મહારાષ્ટ્રની ૩૦ બેઠકો પર સપા જીતી શકે એમ છે. અખિલેશને મહાવિકાસ અઘાડી ગઢબંધનમાં સ્થાન જોઈએ છે. સપાની માંગણી છે કે, મહાવિકાસ અઘાડીએ એમને ૧૦થી ૧૨ બેઠકો આપવી જોઈએ. જોકે આ બાબતે શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને એનસીપી (શરદ પવાર) સહમત થતા નથી. વધુમાં વધુ સપાને ચાર બેઠકો આપવા માટે મહાવિકાસ અઘાડી સહમત થઈ શકે એમ છે.
મહારાષ્ટ્ર સરકારે શિવાજી મહારાજનો વારસો બદનામ કર્યોઃ કોંગ્રેસ
મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ ભગવાનની જેમ પૂજાય છે. કોંગ્રેસનું માનવું છે કે, મહારાષ્ટ્રની મહાયુતિ સરકારે સત્તા પર આવ્યા પછી શિવાજી મહારાજની બદનામી થાય એવા કૃત્યો કર્યા છે. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે કહ્યું છે કે, 'જે લોકો મહારાષ્ટ્રનો ગૌરવભર્યો ઇતિહાસ અને સંસ્કૃતિનો સ્વિકાર નથી કરતા એમને આવતા મહિને પ્રજા જવાબ આપશે. મહારાષ્ટ્રની સરકારે જે રીતે લૂંટફાટ ચાલુ કરી છે એ શિવાજીનું અપમાન છે. ભ્રષ્ટાચારને કારણે સિંઘુદૂર્ગમાં આવેલી શિવાજી મહારાજની ૩૫ ફૂટ ઉંચી પ્રતિમા તૂટી ગઈ હતી. ભ્રષ્ટ સરકારે શિવાજી મહારાજને પણ છોડયા નથી.
એકનાથ શિંદેના સાંસદ પુત્રએ મહાકાલ મંદિરના નિયમો તોડયા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના સાંસદ પુત્ર શ્રીકાંત શિંદે પર મધ્યપ્રદેશમાં આવેલા મહાકાલ મંદિરના નિયમો તોડવાનો આરોપ લાગ્યો છે. મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં જઈને પૂજા કરવાની પરવાનગી કોઈને નથી. શ્રીકાંત શિંદેએ પત્ની અને બીજા બે સાથીદારો સાથે મંદિરના ગર્ભગૃહમાં જઈને પૂજા કરી હતી. આ બાબતે વિવાદ થતા મંદિરના સંચાલકોએ કહ્યું હતું કે તપાસ કર્યા પછી જે પણ કોઈ દોશી જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. શ્રીકાંત શિંદે ગર્ભગૃહમાં પૂજા કરતા હોય એવા વીડિયો અને ફોટોગ્રાફસ પણ વાયરલ થઈ રહ્યા છે.
પિતાની હત્યા બાદ જીસાન સિદ્દીકીનું પહેલું નિવેદન
પિતા બાબા સિદ્દીકીની હત્યા પછી એમના પુત્ર અને કોંગ્રેસના ધારાસભ્ય જીસાન સિદ્દીકીએ સોશિયલ મીડિયા પર લાગણીશીલ પોસ્ટ મૂકી છે. એમણે લખ્યું છે કે, 'આજે મારો પરિવાર તૂટી ગયો છે. આ બાબતે રાજકારણ થવું જોઈએ નહીં. જો પિતાના મોત પર રાજકારણ થશે તો એ યોગ્ય નહીં હોય. મને ન્યાય જોઈએ છે, મારા પરિવારને પણ ન્યાય જોઈએ છે.' બાબા સિદ્દીકી વર્ષો સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા હતા. પરંતુ ઇડીની તપાસ શરૂ થતા જ તેઓ સત્તાધારી પક્ષ એનસીપી (અજીત પવાર) સાથે જોડાઈ ગયા હતા. જોકે એમના પુત્ર જીસાને કોંગ્રેસમાં રહેવાનું પસંદ કર્યું હતું.
વાયનાડમાં પ્રિયંકા વાડ્રાની સામે સીપીઆઇએ ઉમેદવાર ઉભો રાખ્યો
વાયનાડમાં ૧૩મી નવેમ્બરે લોકસભાની પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ બેઠક પરથી પ્રિયંકા વાડ્રા કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવાના છે. વાયનાડ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે. આ બેઠક પરથી અગાઉ રાહુલ ગાંધી પણ સાંસદ તરીકે ચૂંટાયા હતા. હવે સીપીઆઇએ પણ વાયનાડની બેઠક પરથી ઉમેદવાર ઉભો રાખવાનું નક્કી કર્યું છે. સીપીઆઇના નેતા સત્યન મોકેરી વાયનાડથી લોકસભાની ઉપ ચૂંટણી લડશે. મોકેરી ૨૦૧૪માં પણ રાહુલ ગાંધી સામે ઉભા રહ્યા હતા, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા. આ વખતે પણ મોકેરીના જીતવાના કોઈ ચાન્સ નથી પરંતુ સીપીઆઇએ વાયનાડના કાર્યકર્તાઓની માંગણીને કારણે ઉમેદવાર ઉભા રાખ્યા છે.
લઠ્ઠાકાંડ મામલે તેજસ્વીના નિતિશકુમાર સામે ગંભીર આરોપ
ગુજરાત અને બિહારમાં દારૂબંધી છે અને આ બંને રાજ્યોમાં વારંવાર લઠ્ઠાકાંડ થતા રહે છે. બિહારમાં લઠ્ઠાકાંડને કારણે ૩૦થી વધુના મૃત્યુ થયા છે અને સેંકડોએ દ્રષ્ટી ગુમાવી છે. આ બાબતે બિહાર વિરોધપક્ષના નેતા તેજસ્વી યાદવે નિતિશકુમારને સંકજામાં લીધા છે. તેજસ્વી યાદવનું કહેવું છે કે આટલી મોટી સંખ્યામાં ગરીબોના મૃત્યુ થયા હોવા છતાં મુખ્યમંત્રી મૌન છે. બિહારમાં દારૂબંધીને કારણે લીકર માફિયા બેફામ બન્યા છે. લઠ્ઠાકાંડને કારણે લોકો મર્યા નથી. એમની હત્યા થઈ છે. આટલી મોટી ઘટના બની હોવા છતાં કોઈ અધિકારી પર પગલાં લેવામાં આવ્યા નથી. ગરીબો સામે કેસ થાય છે, પરંતુ જ્યાંથી દારૂ સપ્લાય થાય છે એમને કઈ થતું નથી. પોલીસને પણ બધી જ ખબર છે, પરંતુ ભ્રષ્ટાચારને કારણે કોઈ પગલાં લેવામાં આવતા નથી.
ગિરિરાજની પદયાત્રાને બિહાર ભાજપે ખાનગી ગણાવી
બિહારમાં ગિરિરાજ સિંહની હિન્દુ સ્વાભિમાન યાત્રા શરૂ થઈ છે. સંગઠિત હિન્દુ, સુરક્ષિત હિન્દુ એવા સૂત્ર સાથે ગિરિરાજે યાત્રા શરૂ તો કરી, પરંતુ બિહાર ભાજપે આ યાત્રાથી અંતર રાખીને તેને કેન્દ્રીય મંત્રી ગિરિરાજની વ્યક્તિગત યાત્રા ગણાવી છે. બિહારમાં ભાજપ-જેડીયુ વચ્ચે ગઠબંધન છે અને જેડીયુ કટ્ટર હિન્દુત્વના મુદ્દે ચૂંટણી લડવાના પક્ષમાં નથી. ૨૦૨૫માં બિહારમાં વિધાનસભાની ચૂંટણી છે. અત્યારે નીતિશ કુમાર કેન્દ્રની ભાજપની સરકાર માટે મજબૂરી છે એટલે નીતિશને નારાજ કરવાનું પરવડે તેમ નથી. છતાં ગિરિરાજે આ યાત્રા કાઢી છે તેની ચર્ચા છે. બિહાર ભાજપના નેતાઓ અંદરો અંદર ચર્ચા કરે છે કે ગિરિરાજ ઉપરથી પાવર મેળવીને યાત્રા માટે બિહાર આવ્યા છે.
હરિયાણાની હાર પછી કોંગ્રેસ યુપીની પેટા ચૂંટણીમાં ઢીલ મૂકશે
હરિયાણામાં કોંગ્રેસને હાર મળી. ગઠબંધનના સહયોગીઓ પણ કોંગ્રેસની ચૂંટણી રણનીતિથી નારાજ થયા. આપ સાથે ગઠબંધન કર્યું હોત તો ફાયદો થયો હોત એવી બધી વાતો વચ્ચે હવે યુપીમાં ૧૦ બેઠકોમાંથી કોંગ્રેસે પાંચ બેઠકો માગી હતી, પરંતુ સપા કોંગ્રેસને બે બેઠકો આપવા માગે છે. અત્યાર સુધી યુપી કોંગ્રેસના નેતાઓ પીછેહઠ કરવાના પક્ષમાં ન હતા, પરંતુ હરિયાણામાં પરાજય થયો પછી બાંધછોડ કરીને ત્રણ કે ચાર બેઠકો લઈને ગઠબંધન કરી લેવાની વાતો ચાલતી હતી, પરંતુ ઓમર અબ્દુલ્લાના શપથ સમારોહમાં રાહુલ-અખિલેશની મુલાકાત થઈ હતી. કહે છે કે અખિલેશે રાહુલને યુપીમાં બંને પાર્ટીના હિતમાં બાંધછોડ કરવા મનાવી લીધા છે. યુપી કોંગ્રેસના અધ્યક્ષ કહે છે કે મને ગઠબંધનની બેઠકો વહેચણી બાબતે કોઈ જાણકારી નથી.
કલ્ચરલ વૉર : તમિલનાડુમાં ભાજપના રાષ્ટ્રવાદ સામે સ્ટાલિનનો રાજ્યવાદ
તમિલનાડુમાં રેડિયોના માધ્યમથી હિન્દી ભાષાનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે તેની સામે મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને વિરોધ નોંધાવ્યો છે. ચેન્નાઈ દૂરદર્શનની સુવર્ણ જયંતી ઉજવાઈ રહી છે. એમાં હિન્દી મહિનાનો એક કાર્યક્રમ પણ જોડવામાં આવ્યો છે. તેનાથી સ્થાનિક લોકોમાં આક્રોશ હતો. સ્ટાલિને પત્રમાં દલીલ કરી છે કે સરકારે હિન્દી ભાષા બિન હિન્દી રાજ્યોમાં થોપવી ન જોઈએ અને બંધારણે આપેલી ભાષાની આઝાદીનું સન્માન કરવું જોઈએ. સ્ટાલિન હિન્દી ભાષા ઉપરાંત તમિલ સંસ્કૃતિ પર ખતરો હોવાનો મુદ્દો ઉઠાવીને રાજ્યમાં વધતો જતો ભાજપનો પ્રભાવ રોકવા માગે છે. તમિલનાડુમાં ભાજપના રાષ્ટ્રવાદ સામે સ્ટાલિનનો રાજ્યવાદ ચર્ચાનો વિષય છે.