દિલ્હીની વાત : દિલ્હી વિધાનસભાની સૌથી જૂની બેઠક નરેલામાં શું થશે
નવીદિલ્હી : દિલ્હી વિધાનસભાની ચૂંટણી હવે થોડા દિવસો જ દુર છે. ૨૦મી જાન્યુઆરી ઉમેદવારી પાછા લેવાની છેલ્લી તારીખ છે. દિલ્હીની ૭૦ વિધાનસભા બેઠકમાંથી નરેલા વિધાનસભા બેઠક સૌથી જુની ગણાય છે. નરેલા વિધાનસભા બેઠક હરિયાણાને અડીને આવેલી છે. આ બેઠક પર મેટ્રોની કનેક્ટીવીટી મોટો મુદ્દો છે. નરેલા બેઠક પર ૧૯૭૨માં કોંગ્રેસના હિરાસિંહ ૧૨,૭૪૪ મતોથી જીત્યા હતા. એમણે ભારતીય જનસંઘના બાબુરામ ત્યાગીને હરાવ્યા હતા. ૧૯૭૭માં આ બેઠક પરથી જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા હતા. ૧૯૯૩માં પહેલી વખત આ બેઠક પર ભાજપને જીત મળી હતી. આ વખતે આપે ધારાસભ્ય શરદકુમારને રીપીટ કર્યા છે. કોંગ્રેસે અરૂણાકુમારીને ટિકિટ આપી છે જ્યારે ભાજપ તરફથી કરણ ખત્રી લડશે. નરેલા વિધાનસભાની બેઠક પર ત્રિપાંખ્યો જંગ રસાકસીવાળો બની શકે એમ છે.
મુખ્યમંત્રી નિતિશકુમારનો પુત્ર પહેલીવાર સમાચારમાં
બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારના પુત્ર નિશાંતકુમાર સામાન્ય રીતે જાહેરજીવનથી દુર રહે છે. પરંતુ હવે તેઓ પહેલી વખત પિતા નિતિશકુમારને ટેકો જાહેર કરીને ચર્ચામાં આવ્યા છે. બિહારમાં એમ મનાતુ હતું કે નિશાંતકુમારને રાજકારણમાં ખાસ રસ નથી. પરંતુ હવે એમ લાગી રહ્યું છે કે, નિતિશકુમાર પુત્ર નિશાંતને સક્રિય રાજકારણમાં લાવવા માંગે છે. નિશાંતે બિહારની જનતાને અપિલ કરી છે કે આગામી ચૂંટણીઓમાં એમના પિતા નિતિશકુમારને મત આપે. સ્વતંત્રસેનાનીના એક કાર્યક્રમમાં નિશાંત ગયા હતા અને ત્યાં એમના દાદાને પણ યાદ કર્યા હતા. એમના દાદા આઝાદીની લડાઈમાં જેલમાં ગયા હતા એ વાત પણ એમણે લોકોને કરી હતી.
અખિલેશ - મમતાના ટેકાથી આપને કેટલો ફાયદો થશે એની અટકળો
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી ઇન્ડિયા ગઠબંધનમાં પડેલી તડ વધતી જ જાય છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ વચ્ચે જોડાણ થઈ શક્યું નથી. કોંગ્રેસના નેતાઓ આપ સામે પ્રહારો વધારી રહ્યા છે ત્યારે અખિલેશ યાદવ અને મમતા બેનર્જીએ કોંગ્રેસને બદલે આપને ટેકો આપવાનું નક્કી કર્યું છે. નિષ્ણાતો માની રહ્યા છે કે સમાજવાદી પાર્ટી અને તૃણમુલ કોંગ્રેસનું દિલ્હીમાં કોઈ અસ્તિત્વ નથી. ભૂતકાળના પરિણામો બતાવે છે કે, દિલ્હીના મતદારો પર ટીએમસી અને સપા કોઈ પ્રભાવ પાડી શક્યા નથી. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં સપાના ૩૬ ઉમેદવારોને કુલ ૩૦,૦૭૩ મતો જ મળ્યા હતા. તૃણમુલ કોંગ્રેસે ૨૦૦૩માં દિલ્હીની બે બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા. આ બંને બેઠકો પર ટીએમસીને હાર મળી હતી અને એટલે જ રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે અખિલેશ - મમતાના ટેકાથી આપને કોઈ ફાયદો નહીં થાય.
ખરાબ ઓનલાઇન ફૂડ ડિલિવરી બાબતે મહુવા મૌઇતરાનો હોબાળો
પોતાના આક્રમક તેવર માટે તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુવા મૌઇતરા જાણીતા છે. સંસદમાં પોતાની વાત પુરા જોશ સાથે તેઓ કરે છે. તેમણે ઓનલાઇન ડિલિવરી સેવા મારફતે મોંઘુ આઇસ્ક્રીમ મંગાવ્યું હતું. મૌઇતરાને આઇસ્ક્રીમ પસંદ નહીં આવ્યું એટલે એમણે આ બાબતની ફરીયાદ સોશિયલ મીડિયા એક્સ પર લખી છે. એમણે લખ્યું છે કે 'સોરી સ્વિગી, તમારે તમારી સેવામાં સુધારો કરવાની જરૂર છે. મેં મોંઘો આઇસ્ક્રીમ મંગાવ્યો હતો, પરંતુ એ મારા સુધી પહોંચ્યો ત્યારે ખાવા લાયક રહ્યો નહોતો. મને જલ્દીથી રીફંડ આપો.' મૌઇતરાનો ગુસ્સો જોઈને સ્વિગીના સંચાલકો ટેન્શનમાં આવી ગયા હતા અને તરત જ એમને જવાબ આપીને માફી માંગી લીધી હતી.
ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ફટાકડા પર પ્રતિબંધ મુકવા સુપ્રીમનું સૂચન
દેશમાં વધી રહેલા વાયુ પ્રદુષણ બાબતે સુપ્રીમ કોર્ટ ચિંતીત છે. સુપ્રીમ કોર્ટે આ સમસ્યાને ખૂબ ગંભીર ગણાવી છે. કોર્ટે કહ્યું છે કે, વાયુ પ્રદુષણની સમસ્યા સામે કડક ઉપાયો લેવાની જરૂર છે. કોર્ટે કેન્દ્ર સરકારને પણ કહ્યું છે કે ફટાકડા બનાવતી કંપનીઓ વિરૂદ્ધ થયેલી અરજીઓ બાબતે જવાબ આપે. સુપ્રીમ કોર્ટે રાજસ્થાનનું ઉદાહરણ આપીને ઉત્તર પ્રદેશ અને હરિયાણાની સરકારોને પણ ફટાકડા પર પ્રતિબંધ મુકવા કહ્યું છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં તો વર્ષોથી ફટાકડા પર પ્રતિબંધ છે. જોકે કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ફક્ત ફટાકડા પર પ્રતિબંધ મૂકવાથી પ્રદુષણ કાબુમાં આવવાનું નથી.
સૈફ અલીને હોસ્પિટલ પહોંચાડનાર રીક્ષા ડ્રાયવરની પૂછપરછ થઈ
ફિલ્મસ્ટાર સૈફઅલી ખાનના ઘરમાં ઘૂસેલા ચોરે એના પર હુમલો કર્યો હોવાની ઘટના બન્યા પછી મુંબઈ પોલીસે ૨૦ જેટલી ટીમો બનાવીને ચોરની શોધખોળ શરૂ કરી છે. મુંબઇગરાઓ કહી રહ્યા છે કે સામાન્ય વ્યક્તિને ત્યાં ચોરી થાય કે તેના પર હુમલો થાય તો તપાસની વાત તો દૂર રહી પોલીસ દિવસો સુધી ફરીયાદ પણ લેતી નથી. સૈફઅલી ખાનને સમયસર હોસ્પિટલ પહોંચાડનાર રીક્ષા ડ્રાયવર સામે પણ પોલીસે શંકા વ્યક્ત કરી છે. મીડિયાએ રીક્ષા ડ્રાયવરને શોધીને એની પાસે માહિતી માગી હતી. હવે પોલીસ પણ રીક્ષા ડ્રાયવરને બાંદ્રા પોલીસ સ્ટેશને બોલાવીને કડક પૂછપરછ કરી રહી છે. મુંબઈમાં એવી ચર્ચા થઈ રહી છે કે, પોલીસ સાચી દિશામાં તપાસ કરે તો તરત જ ગુનો ઉકેલાઇ જાય એમ છે.
રાહુલ ગાંધી તેજસ્વી યાદવને ઉષ્માભેર મળ્યા
રાહુલ ગાંધી બિહારની યાત્રાએ પહોંચ્યા. રાહુલ પટણા એરપોર્ટ પરથી જે હોટેલમાં ગયા હતા એ જ હોટેલમાં આરજેડીની કાર્યકારિણીની બેઠક ચાલતી હતી. રાહુલે એન્ટ્રી એ જ વખતે તેજસ્વી તેમને હોટલમાં મળી ગયા. આ મીટિંગ પૂર્વનિર્ધારિત ન હતી એટલે તેજસ્વીએ રાહુલનું ઉમળકાથી અભિવાદન તો કર્યું, પરંતુ મુલાકાત માત્ર ૨૦-૩૦ સેકન્ડની હતી. રાહુલ ઉતાવળમાં હતા અને તેજસ્વી પણ વ્યસ્ત હતા. રાહુલે તેમના અને પરિવારના હાલચાલ પૂછ્યા. સામે તેજસ્વીએ પણ રાહુલને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. જોકે, ૨૦ સેકન્ડની ટૂંકી મુલાકાતમાં બંને વચ્ચે ઉષ્મા દેખાતી હતી.
63 વર્ષ જૂના ઈન્કમટેક્સ એક્ટને બદલવાની કેન્દ્રની તજવીજ
૩૧મી જાન્યુઆરીથી સંસદનું બજેટસત્ર શરૂ થવાનું છે. એમાં સરકાર ૬૩ વર્ષ જૂના ઈન્કમટેક્સ એક્ટને બદલે તેવી ચર્ચા ચાલી રહી છે. સરકારે અધિકારીઓનો મત લીધો તો જાણ્યું કે નવો એક્ટ પસાર કરવાથી તેને પડકાર મળશે અને કાયદાકીય લડત પણ લડવી પડે એવી શક્યતા નકારી શકાતી નથી. સરકારે કેટલાય અર્થશાસ્ત્રીઓના ઓપિનિયન પણ મેળવ્યા છે. અર્થશાસ્ત્રીઓએ સરકારને ટેક્સપેયર્સ અને એક્સપર્ટ્સના ઓપિનિયનના આધારે સુધારા-વધારા કરવા સૂચન કર્યું છે. એવી શક્યતા છે કે નાણામંત્રી બજેટ ભાષણમાં નવા ટેક્સ કાયદાનો ઉલ્લેખ કરશે અને પછી કેવી પ્રતિક્રિયા આવે છે એના આધારે આગળ શું કરવું એનો વ્યૂહ ઘડાશે.
ટ્રમ્પ ઈફેક્ટ : નેતન્યાહૂ હમાસ સાથે યુદ્ધવિરામ માટે તૈયાર
ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે શપથ ગ્રહણ કરશે. તે પહેલાં જ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હમાસ સાથે યુદ્ધવિરામ કરવાની તૈયારી બતાવી દીધી છે અને રવિવારથી તેને લાગુ કરવાની વાત સ્વીકારી લીધી છે. હમાસના ૭૩૫ કેદીઓને મુક્ત કરાશે. સામે ઈઝરાયલના નાગરિકોને પણ હમાસ મુક્ત કરી દેશે. ઈઝરાયલની કેબિનેટે આ યુદ્ધવિરામના કરારને ૨૪ વિરૂદ્ધ આઠ મતોથી મંજૂરી આપી દીધી છે. નેતન્યાહૂના સલાહકારો, જાસૂસી એજન્સી મોસાદના વડા સહિત સૌએ નેતન્યાહૂને સલાહ આપી હતી કે ટ્રમ્પ સત્તામાં આવશે પછી કોઈ પગલું ભરે તે પહેલાં યુદ્ધવિરામ સ્વીકારી લેવાથી આગામી ચાર વર્ષ ટ્રમ્પ ઈઝરાયલ તરફ નરમ રહેશે.
પૂજા સ્થળ એક્ટ અંગે કેન્દ્રનું વલણ અસ્પષ્ટ : સંઘની રદ્ કરવાની માગણી
કેન્દ્ર સરકારે ૧૯૯૧ના પૂજા સ્થળ અધિનિયમ અંગે પોતાનું વલણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. એક તરફ સંઘ અને ભાજપના નેતાઓ આ એક્ટ રદ્ કરવાની માગણી કરી રહ્યા છે. આ એક્ટ પ્રમાણે પૂજાના જે સ્થળ જે ધર્મના છે તેમને રક્ષણ મળે છે. કેન્દ્રનું વલણ અસ્પષ્ટ છે એ વચ્ચે કોંગ્રેસે સુપ્રીમમાં આ એક્ટ બચાવવા અરજી કરી છે. કેન્દ્ર સરકાર સંઘની માગણીથી અવઢવમાં છે. એક તરફ આંતરરાષ્ટ્રીય પ્રેશર પણ છે. ધર્મનિરપેક્ષ દેશમાં સતત લઘુમતીઓના સ્થળો પર દાવો થાય તો તેનાથી સરકારની ઈમેજ ખરડાઈ શકે છે. બીજી તરફ લઘુમતીઓની નારાજગીનો ડર છે.
હરિયાણા સરકારે જમીનના રેકોર્ડમાં ગરબડ કરનારા અધિકારીનું લિસ્ટ બનાવ્યું
હરિયાણામાં ગ્રામ્ય સ્તરે જમીનના સત્તાવાર રેકોર્ડમાં છેડછાડ કરનારા ૩૭૦ અધિકારીઓનું લિસ્ટ બનાવ્યું છે. ટૂંક સમયમાં મુખ્યમંત્રી આ અધિકારીઓ સામે પગલાં ભરશે. હરિયાણામાં આ અધિકારીઓને પતવારી કહેવાય છે. રેવન્યૂ વિભાગમાં કામ કરનારા આ અધિકારીઓએ જમીનના રેકોર્ડમાં છેડછાડ કરવાના બદલામાં ભ્રષ્ટાચાર કર્યાનું સામે આવ્યું છે. એમાંથી ૧૭૦ અધિકારીઓએ તો જમીનના રેકોર્ડમાં છેડછાડ કરવાના બદલામાં પૈસા વસૂલી શકે તે માટે વહીવટદારો રાખ્યા હતા. ગ્રામ્ય સ્તરે હરિયાણામાં જમીનના વિવાદો વધ્યા ત્યારથી રેવન્યૂ વિભાગના આ અધિકારીઓ સામે વિરોધનો સૂર ઉઠયો હતો. લોકો સવાલ એ કરી રહ્યા છે કે ૧૦ વર્ષથી હરિયાણામાં ભાજપની સરકાર છે. એ દરમિયાન આ પતવારીઓ ભ્રષ્ટાચાર કરતા હતા તો તેમની સામે કાર્યવાહી કેમ ન થઈ? હવે લોકોનો આક્રોશ વધ્યો એટલે રહી રહીને કાર્યવાહી કરવી પડી છે.
- ઈન્દર સાહની