Get The App

દિલ્હીની વાત : નેશનલ હેરલ્ડ કેસમાં ઇડીની 661 કરોડની સંપત્તિ જપ્ત કરવાની માગ

Updated: Apr 19th, 2025

GS TEAM


Google News
Google News
દિલ્હીની વાત : નેશનલ હેરલ્ડ કેસમાં ઇડીની 661 કરોડની સંપત્તિ જપ્ત કરવાની માગ 1 - image


નવીદિલ્હી : એસોસીએટેડ જર્નલ લીમીટેડ - યંગ ઇન્ડિયન - નેશનલ હેરલ્ડ મનીલોન્ડરીંગ કેસની ચાર્જશીટમાં ૬૬૧ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવાની માંગણી ઇડીએ કરી છે. તપાસ દરમિયાન ઇડીએ આ સંપત્તિ ટાંચમાં લીધી છે. ઇડીએ દાખલ કરેલી ચાર્જશીટમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નિવેદનો પણ સામેલ કર્યા છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કોઈપણ આર્થિક ગેરરીતી કરી હોવાના ઇડીના આક્ષેપો નકાર્યા હતા. દેવામાં ડુબેલી કંપની એજેએલની મદદ કરવા માટે નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હતા. ઇડીએ વિવિધ કલમો હેઠળ આરોપીઓને સજા આપવાની માંગણી કરી છે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે, ફક્ત રાજકીય રીતે હેરાન કરવા માટે ભાજપના દોરી સંચારથી ઇડી કાર્યવાહી કરી રહી છે.

'આ સુધારો નથી, લઘુમતીઓના હક પર હુમલો છે' : કોંગ્રેસના પ્રહાર

કેન્દ્ર સરકારે પસાર કરેલા વકફ સુધારા બિલ બાબતે કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસના કહેવા પ્રમાણે આ કાયદો ફક્ત કાયદાની દ્રષ્ટિએ તો ખોટો છે જ પરંતુ નૈતિક રીતે પણ નબળો છે. આ કાયદો દેશના બંધારણના આત્મા પર ઘા કરે છે. કોંગ્રેસના નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ અભિષેક મનુ સંઘવીએ કહ્યું હતું કે, સરકાર ભલે આ કાયદાને સુધારેલો કાયદો ગણાવતી હોય. પરંતુ હકીકતમાં આ કાયદો લઘુમતિઓના હક પર હુમલો છે. રાજકીય કારણોસર સરકારે વકફ કાયદામાં સુધારા કર્યા છે. સંઘવીએ એવો પણ આરોપ મુક્યો છે કે આ કાયદો ધાર્મિક સંસ્થાઓની સ્વતંત્રતા ખતમ કરી નાખી એમને સરકારના તાબામાં લેવાનો પ્રયત્ન છે.

ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પહેલાં રાજ્યના પ્રમુખોની નિમણૂક થશે

રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી પહેલાં ભાજપ કેટલાક રાજ્યોના પ્રમુખોની પસંદગી કરશે. રાજકીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે હમણા જ્યારે ભાજપના ટોચના નેતાઓ ભેગા થયા હતા ત્યારે આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. મોટા ભાગના રાજ્યોના સંગઠનમાં ફેરફાર કરવાની કસરત ટૂક સમયમાં પૂરી થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથસિંહ તેમ જ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાએ ભેગા મળીને કેટલાક નિર્ણયો લીધા છે. ભાજપના બંધારણ પ્રમાણે રાષ્ટ્રીય પ્રમુખને ચૂંટવાની પ્રક્રિયા શરૂ કરતા પહેલાં પક્ષે ૩૭ રાજ્યોમાંથી ૧૯ રાજ્યોના પ્રદેશ પ્રમુખો પસંદ કરવાની પ્રક્રિયા પૂરી કરવી પડશે. આરએસએસના નેતાઓ સાથે પણ પક્ષના સિનિયર નેતાઓની વાતચીત ચાલુ છે.

એઆઇથી બાલાસાહેબના અવાજની નકલ કરવા બાબતે શિંદે બગડયા

નાસિકમાં એક સભા દરમિયાન શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતાઓએ આર્ટીફિશિયલ ઇન્ટલિજન્સ (એઆઇ)ની મદદથી બાલાસાહેબ ઠાકરેના અવાજમાં શિવસેના (એકનાથ શિંદે)ની ટીકા કરી હતી. આ બાબતે હવે રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને પ્રતિઉત્તર આપ્યો છે. શિંદેના કહેવા પ્રમાણે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)એ એઆઇ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જે રીતે શિવસેનાના સ્વ. પ્રમુખ બાલા સાહેબ ઠાકરેના અવાજની કોપી કરી છે એ અપમાનજનક છે. ઉદ્ધવ ઠાકરેએ એમના પિતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. અમે શિવસેનાને કોંગ્રેસના સકંજામાંથી મુક્ત કરી છે. જો ઉદ્ધવ ઠાકરેમાં થોડી પણ શરમ બચી હોય તો એમણે આવી બાલીસતા બંધ કરવી જોઈએ.

ફડણવીસ સરકારે હિન્દીને ત્રીજી અનિવાર્ય ભાષા તરીકે સ્વીકારી

મહારાષ્ટ્ર સરકારે નક્કી કર્યું છે કે રાજ્યમાં આવેલી મરાઠી અને અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં અભ્યાસ કરતા ૧થી ૫ ધોરણના વિદ્યાર્થીઓએ ત્રીજી ભાષા તરીકે હિન્દીનો અભ્યાસ કરવો ફરજીયાત રહેશે. આ જ બાબતે તામિલનાડુમાં રાજકીય મહાભારત ચાલી રહ્યું છે. તામિલનાડુની સરકાર ત્રીજી ભાષા તરીકે હિન્દીને સ્વીકારવા તૈયાર નથી. તામિલનાડુ જેવો વિવાદ હવે મહારાષ્ટ્રમાં પણ શરૂ થઈ શકે છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ સરકારના આ નિર્ણયની ટીકા કરી છે. મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું છે કે એમનો પક્ષ આ નિર્ણયનો વિરોધ કરશે. મહારાષ્ટ્રમાં કોઈપણ સંજોગોમાં આ નિર્ણય લાગુ કરવા દેવામાં નહીં આવે. દેશની નેશનલ એજ્યુકેશન પોલીસી (એનઇપી) હેઠળ ત્રણ ભાષા ફોર્મ્યુલાનું અમલીકરણ દરેક રાજ્યએ કરવાનું છે.

હેતુના અભાવે હત્યાના આરોપીને છોડી શકાય નહીં

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, હત્યાના કિસ્સામાં હેતુ ન હોવાથી આરોપીને છોડી શકાય નહીં. મતલબ કે આરોપીને છોડવા માટે હેતુનો અભાવ એક માત્ર કારણ હોય શકે નહીં. ૨૦૧૨ના વર્ષમાં એક વ્યક્તિએ પોતાના પુત્રની કરેલી હત્યા બાબતે સુપ્રીમ કોર્ટે એની આજીવન કેદની સજા માન્ય રાખી હતી. જસ્ટીસ સુધાંશુ ધુલિયા અને કે વિનોદ ચંદ્રનની બેન્ચે એક માત્ર પુત્રની હત્યા સંભવિત ન હોવાની દલીલને બાલિસ ગણાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અપીલ કરતાની વધુ એક આકર્ષક દલીલ હેતુના અભાવની હતી. બેન્ચે કહ્યું છે કે જે રીતે મજબૂત હેતુ હોવાથી કોઈને દોષિત માની શકાય નહીં એ જ રીતે હેતુનો અભાવ આરોપીને નિર્દોષ છોડવા માટેનું કારણ બની શકે નહીં. ૨૦૨૨માં દિલ્હી હાઇકોર્ટે આપેલા ચૂકાદા બાબતે થયેલી અપીલની સુનાવણી બેન્ચે કરી હતી.

ઝડપથી ચાલો, 46 ટકા સુધી હૃદયના અનિયમિત ધબકારા કાબુમાં આવશે

ચાલવાની ઝડપ વધુ રાખવાથી હૃદયના અનિયમિત ધબકારા સામાન્ય થઈ શકે છે. આને મેડિકલ સાયન્સની ભાષામાં એટ્રીયલ ફેબ્રિલેશન કહે છે. કેટલીક વ્યક્તિઓના હૃદયના ધબકારા અસામાન્ય રીતે વધી જાય છે. કેટલાકના ધબકારા અચાનક જ ધીમા થઈ જાય છે. તાજેતરમાં થયેલા રીસર્ચ પ્રમાણે જાણવા મળ્યું છે કે, ઝડપથી ચાલવાથી આ સમસ્યા કાબુમાં આવી શકે છે અને અનિયમિત ધબકારાનું જોખમ ૪૬ ટકા સુધી ઘટી શકે છે. ગ્લાસગો વીવીના સંશોધકોનું રિસર્ચ 'હાર્ટ' જનરલમાં પ્રકાશિત થયું છે. યુકેના ૪,૨૦,૦૦૦ વ્યક્તિઓના સર્વેક્ષણ પછી અભ્યાસુઓ આ તારતમ્ય પર પહોંચ્યા છે. ૧૩ વર્ષ સુધી આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ દરમિયાન ઘણાને હૃદયના અનિયમિત ધબકારા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

ગાંગુલી માન્યા નહીં તો આખરે બંગાળમાં ભાજપ મિથુનના ભરોસે

ભાજપને મમતા બેનર્જી સામે કરિશ્મા ઉભો કરી શકે એવા ચહેરાની બંગાળમાં તલાશ છે. ૨૦૨૧ની ચૂંટણી પહેલાંથી ભાજપે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ભાજપમાં લાવવાના પૂરજોશ પ્રયાસો કર્યા હતા, પરંતુ ગાંગુલીએ રાજકારણથી સલામત અંતર રાખ્યું. લોકસભા પહેલાંય ગાંગુલીને મનાવવાની કોશિશ થઈ, પરંતુ ગાંગુલીએ ઈનકાર કરી દીધો. હવે ભાજપે એક્ટરમાંથી રાજકારણી બનેલા મિથુન ચક્રવર્તીને મેદાનમાં ઉતાર્યા છે. મિથુન અગાઉ ટીએમસીમાં જ હતા, ભાજપમાં આવ્યા પછી હિન્દુત્ત્વના મુદ્દે આક્રમક થઈને મમતા બેનર્જીને ઘેરી રહેલા મિથુન પર ભાજપને ઘણી આશા છે.

તેલંગણાના અધિકારીએ બૂલડોઝરની જિબલી ઈમેજ શેર કરતાં વિવાદ

તેલંગણાના આઈએએસ અધિકારી સ્મિતા સભરવાલે એક જિબલી ઈમેજ શેર કરીને વિવાદ ખડો કર્યો છે. તેલંગણામાં ૪૦૦ એકરની જમીનનો જે વિવાદ ચાલી રહ્યો છે. કાંચા ગાચીબોવલીમાં ૪૦૦ એકરની જમીન પર આઈટી પાર્ક બનાવવાની યોજનાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હરણ, મોરની સામે બૂલડોઝરોની લાઈન છે. આ ઘટનાને ઉત્તેજક રીતે બતાવવા બદલ આઈએએસ અધિકારીને સાઈબર ક્રાઈમે નોટિસ પણ પાઠવી છે.

એઆઈએડીએમકેએ કાર્યકરોને ગઠબંધન મુદ્દે મેસેજ આપ્યો

તમિલનાડુમાં એઆઈએડીએમકે અને ભાજપ વચ્ચે ગઠબંધન થતાં તો થઈ ગયું, પરંતુ એઆઈએડીએમકેમાં એનાથી ભારે નારાજગી છે. કાર્યકરો ઈચ્છતા નથી કે ભાજપ ત્રિભાષીય શિક્ષણનીતિ લાગુ પાડે. કારણ કે તેનાથી રાજ્યની સંસ્કૃતિ પર જોખમ છે એવી લોકોની માન્યતા છે. આવી સ્થિતિમાં ગઠબંધનના કારણે એઆઈડીએમકેને ફાયદો ઓછો ને નુકસાન ઝાઝું થાય. કાર્યકરોનો આક્રોશ ઠારવા તમિલનાડુએ સૌને ખાસ મેસેજ આપ્યો છે કે રાજ્યમાં કેન્દ્ર સામે જે મુદ્દા ચાલી રહ્યા છે એમાં જરૂર પડયે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે, લોકોના પ્રશ્નોના મુદ્દે જરૂર પડશે તો ગઠબંધનનો વિચાર કરવામાં નહીં આવે. આ મેસેજથી એ વાત સ્પષ્ટ થાય છે કે હજુય આવતા વર્ષની ચૂંટણી પહેલાં એનડીએ ગઠબંધનમાં નવાજૂનીની પૂરી શક્યતા છે. એઆઈડીએમકેને લાગશે કે ભાજપ સાથે ગઠબંધનની નુકસાન થઈ રહ્યું છે તો કદાચ એ બીજો વિકલ્પ તલાશી શકે.

કેરળ સહિત 13 રાજ્યોમાં ખ્રિસ્તી મતદારોને વક્ફના ફાયદા સમજાવાશે

કેરળમાં ૨૦૨૬માં ચૂંટણી થવાની છે. કેરળમાં ક્રિસ્ટિયન સમુદાયનું ઘણાં વિસ્તારોમાં સારું એવું પ્રભુત્વ છે. તેને ધ્યાનમાં રાખીને ભાજપે નવો વ્યૂહ અપનાવ્યો છે. ભાજપ કેરળ સહિતના જે રાજ્યોમાં ખ્રિસ્તી વસતિ છે ત્યાં વક્ફ સુધારણા જનજાગૃતિ અભિયાન ચલાવશે. એના ભાગરૂપે ઈસાઈ સદ્ભાવ નામનો એક કાર્યક્રમ પણ થશે. આ કાર્યક્રમ હેઠળ ભાજપ ખ્રિસ્તીઓને વક્ફ બિલના ફાયદા સમજાવશે. ખ્રિસ્તી મતદારોને આ બિલના ફાયદા સમજાવીને ભાજપ નવા સમીકરણો સાધવાની કોશિશમાં છે. કોંગ્રેસ સહિતના વિપક્ષોએ કટાક્ષ કર્યો હતો એક તરફ સંઘના મુખપત્રમાં ઈસાઈઓ પાસે કેટલી સંપત્તિ છે એનું લિસ્ટ આપવામાં આવે છે અને એની ટીકા થાય છે, બીજી તરફ ભાજપ સદ્ભાવ બતાવે છે.

હિમાચલના ચીફ સેક્રેટરીનું હોળી પાર્ટીનું 1.2 લાખનું બિલ

હિમાચલ પ્રદેશના ચીફ સેક્રેટરી પ્રબોધ સક્સેનાએ એક મહિના પહેલાં અધિકારીઓ, સ્વજનો, મિત્રોને હોળીની પાર્ટી આપી હતી. હવે એનું ૧.૨ લાખ રૂપિયાનું બિલ સરકારને મોકલ્યું છે. આ મુદ્દે વિવાદ થયો છે. એક લંચ પાછળ એક હજાર રૂપિયાનો ખર્ચ બતાવાયો છે. વિવાદ પછી પ્રબોધ સક્સેનાએ બચાવમાં કહ્યું કે સીએમ, રાજ્યપાલ, મુખ્ય સચિવના સ્તરે આ પ્રકારના આયોજનો થતા હોય છે. બધા રાજ્યોમાં આવું થાય છે. એને લઈને બિનજરૂરી વિવાદ ખડો થયો છે. હિમાચલ પ્રદેશ એક લાખ કરોડ રૂપિયાના કરજ સામે ઝઝૂમે છે ત્યારે બાબુશાહી પાછળ આવો ખર્ચ કેટલો યોગ્ય છે એવો સવાલ થઈ રહ્યો છે. લોકોએ ચીફ સેક્રેટરીની પણ ટીકા કરી હતી કે તેમણે પાર્ટી આપવી હોય તો પોતાના ખર્ચે આપવી જોઈએ. એમની હોળી પાર્ટી સાથે સરકારને શું લેવા દેવા?

- ઈન્દર સાહની

Tags :