For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : દિલ્હીમાં ત્રણ બેઠકોમાં મુસ્લિમ મતદારો નિર્ણાયક

Updated: Apr 19th, 2024

દિલ્હીની વાત : દિલ્હીમાં ત્રણ બેઠકોમાં મુસ્લિમ મતદારો નિર્ણાયક

નવી દિલ્હી : દિલ્હીમાં છેલ્લાં ઘણાં વર્ષો પછી પહેલી વખત એવું બન્યું છે કે સાતમાંથી એકેય બેઠકમાં, એકેય પાર્ટીએ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી. દિલ્હીમાં સાતમાંથી ત્રણ બેઠકોમાં મુસ્લિમ મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. ઉત્તર-પૂર્વ દિલ્હીની બેઠક પર સૌથી વધુ ૨૩ ટકા મુસ્લિમ મતદારો છે. એ બેઠક પર આ વખતે મનોજ તિવારી અને કનૈયા કુમાર વચ્ચે જંગ જામ્યો છે. ગઠબંધનના કારણે આપમાંથી કોઈ ઉમેદવાર નથી એટલે નિષ્ણાતો કહે છે કે કનૈયાને તેનો ફાયદો મળી શકે. એ સિવાય પૂર્વ દિલ્હીની બેઠક પર ૧૬ ટકા મુસ્લિમ મતદારો છે ને ચાંદની ચોકની બેઠકમાં ૧૪ ટકા મુસ્લિમ મતદારો હારજીતમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.

સભામાં આવો, બિરયાની અને 500 રૂપિયા મેળવો

તમિલનાડુમાં ભાજપની સભાઓમાં ભારે જનમેદની ઉમટી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ વારંવાર સભાઓ કરી રહ્યા છે અને એમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહે છે. રાષ્ટ્રીય નેતાઓની સભાઓમાં તો ઠીક છે કે ભીડ એકઠી થઈ જાય, પરંતુ ભાજપના ઉમેદવારોની સભા-રેલીમાં પણ મોટી સંખ્યામાં લોકો હાજર રહે છે. એ મુદ્દે હવે ડીએમકેના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ પરપ્રાંતીય મજૂરોને હાજર રહેવા માટે પ્રલોભન આપે છે. સભામાં હાજર રહેનારને એક બિરયાની અને ૫૦૦ રૂપિયા રોકડાનું કવર આપવામાં આવે છે. તમિલનાડુ ભાજપે ૫૦૦ રૂપિયાની વાતને હાસ્યાસ્પદ ગણાવી હતી, પણ હા ઘણાં ઉમેદવારો કે સમાજના સંગઠનો ભોજન સમારોહ યોજતા હોય છે એમાં કશું ખોટું નથી એવો બચાવ કર્યો હતો.

નવીન પટનાયકને વિધાનસભામાં પરાજયનો ભય

ઓડિશામાં નવીન પટનાયકની પાર્ટી બીજેડી વિધાનસભાની ચૂંટણી જીતશે તો નવીન છઠ્ઠી વખત મુખ્યમંત્રી બનશે. જોકે, આ વખતે તેમની સામે ઘણાં પડકારો છે. તેમની ઉંમર અને સ્વાસ્થ્યનો મુદ્દો બહુ જ મહત્ત્વનો બની રહ્યો છે. ૭૭ વર્ષના નવીન ઘણાં સમયથી બીમાર રહે છે. વળી, તેમની સામેય સ્થાનિક સ્તરે કેટલાક મુદ્દે રોષ છે. ભાજપ ઓડિશામાં મજબૂત થવાની કોશિશમાં છે. નવીન પટનાયક હિંજલી વિધાનસભા બેઠક પરથી છેક ૨૦૦૦ના વર્ષથી જીતે છે. ગત ચૂંટણીમાં ૬૦ હજારના માર્જિનથી જીત્યા હતા, પરંતુ આ વખતે ભાજપની વ્યૂહરચના સામે તેમણે સલામતી ખાતર બીજી બેઠક કંટાબંજીમાંથી પણ ઝંપલાવ્યું છે. જોકે, ઘણાંનું એમ પણ માનવું છે કે કંટાબંજીની બેઠક એટલી સલામત નથી, પરંતુ એ વિસ્તારમાં બીજેડીને મજબૂત કરવા માટે નવીન મેદાનમાં ઉતર્યા છે.

રામનવમીએ ઉત્તર ભારત રામમય, સૂર્યતિલકનો ફોટો વાયરલ

અયોધ્યામાં રામમંદિર બન્યું તે પછી પહેલી વખત રામ જન્મોત્સવ ઉજવાયો. ઉત્તર ભારતમાં ઠેર-ઠેર વિશાળ શોભાયાત્રાઓ નીકળી હતી. એમાં નેતાઓ પણ સામેલ થયા હતા. આખું ઉત્તર ભારત રામમંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પછી પ્રથમ વખત ઉજવાતી રામનવમીમાં રામમય થયું હતું. રામલલાના કપાળમાં સૂર્યતિલકનો ફોટો દેશભરમાં વાયરલ થયો હતો. ચૂંટણી પ્રચાર પિક પર છે અને યુપીમાં પ્રથમ તબક્કાના મતદાનને ગણતરીના કલાકો બાકી છે ત્યારે આ ઉજવણીથી રામમંદિરનો ઘટનાક્રમ તાજો થયો હતો. ભાજપના પ્રચારવિભાગે આ દિવસને ધ્યાનમાં રાખીને ઓનલાઈન ઉપરાંત ગ્રાઉન્ડ લેવલે માહોલ બનાવવા આયોજનો કર્યા છે. ઉપરથી દેશભરના ભાજપના યુવા મોરચાઓને ઉજવણી માટે આદેશ અપાયો હતો. રામનવમીની અદ્વિતીય ઉજવણીની લહેર આખાય ઉત્તર ભારતમાં ફાયદો કરાવશે એવો પાર્ટીના સૂત્રો આશાવાદ વ્યક્ત કરે છે.

અમેઠીમાં રાહુલને ઉતારવા મુદ્દે કોંગ્રેસનું સર્વેક્ષણ

અમેઠીમાં ભાજપના સ્મૃતિ ઈરાની સામે કોને ઉતારવા તે મુદ્દે કોંગ્રેસમાં ભારે અવઢવ છે. કોંગ્રેસની ટોચની નેતાગીરી રાહુલ ગાંધીને જ ફરીથી ઉતારવાના પક્ષમાં છે. એમની દલીલ છે કે રાહુલ ગાંધી માત્ર ૫૫ હજાર મતથી હાર્યા હતા. આ વખતે ફરીથી લડે તો કોંગ્રેસને વર્ષોથી વફાદાર મતદારો તેમને હરાવશે નહીં. પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને ઉતારવાની હિલચાલ પણ થઈ રહી છે. તે સિવાય કોઈ સ્થાનિક ઉમેદવારને ઉતારીને ટક્કર આપવાની અટકળો ચાલે છે. એ બધા વચ્ચે કોંગ્રેસે અમેઠીમાં સર્વેક્ષણ હાથ ધર્યું છે. અમેઠીના મતદારો રાહુલ ગાંધી ફરીથી સ્મૃતિ સામે લડે એવું ઈચ્છે છે કે નહીં એનો આછો-પાતળો અંદાજ આવે તો કોંગ્રેસ વધુ સ્પષ્ટ થઈ શકે. કોંગ્રેસે ભાજપની સ્ટાઈલથી કોંગ્રેસના કાર્યકરો અને પદાધિકારીઓનો મત પણ લીધો છે.

કોંગ્રેસના જાતિગત વસતિ ગણતરી વાયદાથી તેલંગણામાં ફાયદો

તેલંગણાથી કોંગ્રેસને ઉજળી આશા છે. અલગ રાજ્યની માન્યતા બાદ ૨૦૧૯માં પહેલી વખત ૧૭ બેઠકોની ચૂંટણી થઈ હતી. એમાં કેસીઆરની પાર્ટી તેલંગણા રાષ્ટ્રીય સમિતિને નવ બેઠકો મળી હતી. ભાજપને ચાર બેઠકો જીતવામાં સફળતા મળી હતી. કોંગ્રેસને ત્રણ અને ઓવૈસીના એઆઈએમઆઈએમને એક બેઠક મળેલી. કેસીઆરની પાર્ટી નબળી પડી હોવાથી હજુ ગત વર્ષે તેલંગણાની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વિજય મેળવ્યો હતો. કોંગ્રેસે રાજ્યમાં જાતિગત વસતિ ગણતરીનો મુદ્દો ઉઠાવ્યો હોવાથી તેની વ્યાપક અસર થઈ છે. પછાત વર્ગોમાં એવો મેસેજ ગયો છે કે કોંગ્રેસ તેમના મુદ્દા ઉઠાવી રહી છે. નિષ્ણાતો માને છે કે કોંગ્રેસ ૧૭માંથી ૧૩ બેઠકો જીતી જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય.

તમિલનાડુમાં આકરી ગરમી : ઘરે રહેવું કે મતદાન માટે જવું !

૨૧ રાજ્યોની ૧૦૨ બેઠકો પર ૧૯મી એપ્રિલે (આજે) મતદાન થઈ રહ્યું હશે. એમાં સૌથી મોટું રાજ્ય તમિલનાડુ છે. રાજ્યની તમામ ૩૯  બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં આ વખતનો ચૂંટણી જંગ ઐતિહાસિક છે. ભાજપે તમિલનાડુમાં પહેલી વખત બે મોટી પ્રાદેશિક પાર્ટીના જૂનિયર પાર્ટનર બનવાને બદલે ત્રીજા મોરચાના રૂપમાં ઝંપલાવ્યું છે. જયલલિતાના નિધન બાદ નબળી પડેલી એઆઈએડીએમકે માટે અસ્તિત્વનો જંગ છે. ડીએમકે માટે પ્રભુત્વ જાળવી રાખવાનો પડકાર છે. આવી સ્થિતિ વચ્ચે મતદાનના દિવસે જ હવામાન વિભાગે યલ્લો એલર્ટ જારી કર્યો છે. આકરા તાપની શક્યતા હોવાથી હવામાન વિભાગે ઘરમાં રહેવાની સલાહ આપી છે. બીજી તરફ ચૂંટણીપંચ મતદારોને વિનંતી કરે છે કે મતદાન કરો. તાપના કારણે મતદાન ઓછું થાય એવીય શક્યતા છે.

******

બંગાળમાં પથ્થરમારા મુદ્દે ટીએમસી-ભાજપ સામસામે

પશ્ચિમ બંગાળના વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુશદાબાદમાં રામનવમીની શોભાયાત્રાઓ દરમિયાન થયેલી અથડામણ માટે મમતા બેનર્જીને જવાબદાર ઠેરવ્યા છે. આ અથડામણમાં ચાર લોકો ઘાયલ થયા હતા. તેમણે હિંસા મામલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા તપાસની માંગ કરી છે. ભાજપના આ નેતાએ આરોપ લગાવ્યો હતો કે મુખ્યમંત્રીના ઉશ્કેરણીજનક ભાષણને કારણે સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ હુમલા કરવામાં આવ્યા હતા. હુમલાખોરોને ખાતરી આપવામાં આવી હતી કે સ્થાનિક એજન્સી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરશે નહીં. અધિકારીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે મમતા બેનર્જી માટે રામનવમીનો દિવસ એટલે જાણે રમખાણોને ભડકાવવાનો દિવસ. આમાં ટીએમસી કાર્યકરોની સંડોવણી અંગે તપાસ થવી જોઈએ એવી માગણી તેમણે કરી હતી.

કોંગ્રેસ-ડાબેરી : ગઠબંધન છતાં કેરળમાં સીધી ટક્કર

આરજેડી, કોંગ્રેસ, એસપી, સીપીઆઈ (એમએલ), સીપીઆઈ અને સીપીએમના નેતાઓ ઈન્ડિયા ગઠબંધનના ભાગરૂપે એક થઈને અન્ય રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરે છે. બિહારમાં થોડા દિવસ પહેલાં આ પક્ષોના ટોચના નેતાઓની મહારેલી યોજાઈ હતી. જોકે કેરળમાં સ્થિતિ અલગ છે. ઈન્ડિયા ગઠબંધનના સાથીપક્ષો કોંગ્રેસ અને ડાબેરીઓ કેરળમાં દાંત ભીંસીને એકબીજા સામે લડી રહ્યા છે. કેરળમાં ડાબેરી અને કોંગ્રેસ વચ્ચે પરંપરાગત રીતે હરીફાઈ ચાલી રહી છે. કોંગ્રેસ તો કેરળના મુખ્યમંત્રી પી. વિજયનના ભ્રષ્ટાચારનો મુદ્દો પણ આક્રમકતાથી ઉઠાવે છે. કેરળમાં સામ-સામે થઈ ગયેલી આ બંને પાર્ટી પશ્વિમ બંગાળથી લઈને આસામ જેવા કેટલાય રાજ્યોમાં ગઠબંધન કરીને સાથે લડે છે. આ વિચિત્ર સમીકરણથી ઈન્ડિયા ગઠબંધનના સાથીપક્ષો પણ મૂંઝવણમાં મૂકાયા છે.

ભાજપના મેનિફેસ્ટોમાં લઘુમતીઓના મુદ્દે ઓવૈસીએ ટીકા કરી

એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીએ તેના મેનિફેસ્ટોમાં માઈનોરિટીઝનો એમ સમૂળગો કાઢી નાખ્યો છે. ભાજપે લઘુમતીઓને હાંસિયામાં ધકેલી દીધા છે. ઓવૈસીએ કટાક્ષ કર્યો હતો કે ભાજપના મેનિફેસ્ટોમાં માઈનોરિટીઝ શબ્દને બદલે હાંસિયામાં ધકેલાઈ ગયેલો સમુદાયો એવો શબ્દ વપરાયો છે. ભાજપની જાહેરાતમાં એસટી અને ઓબીસીનો ઉલ્લેખ થયો છે, પરંતુ લઘુમતીઓનો ઉલ્લેખ જાણી-જોઈને ટાળ્યો છે. કારણ કે તેમને એમ શબ્દ માટે ભારે નફરત છે. ઓવૈસીઓ તો ત્યાં સુધી આરોપ લગાવ્યો કે ભાજપ તેમની આંતરિક વ્યવસ્થામાં પણ લઘુમતી કે મુસ્લિમ શબ્દનો ઉપયોગ કરવાને બદલે અન્ય સમુદાય કહે છે. જોકે, ભાજપે આ વાતને પાયાવિહોણી ગણાવી હતી અને આરોપો ફગાવી દીધા હતા.

- ઈન્દર સાહની

Gujarat