દિલ્હીની વાત : કેનેડા-અમેરિકાના આરોપો સંદર્ભે વડાપ્રધાનના નિવેદનની માંગણી
નવી દિલ્હી : અમેરિકા અને કેનેડાએ ભારત સામે કરેલા આક્ષેપો બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિરોધપક્ષના નેતાઓને વિશ્વાસમાં લેવાની માંગણી કોંગ્રેસના નેતા જયરામ રમેશે કરી છે. કોંગ્રેસના કહેવા પ્રમાણે સરકારે આ આક્ષેપોની સ્પષ્ટતા કરવી જરૂરી છે. ભારત અને કેનેડાના બગડતા સંબંધોને લીધે ચિંતા વધી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે આ બાબતે જવાબદારી નક્કી કરવી જોઈએ. જયરામ રમેશે સોશિયલ મીડિયાની પોસ્ટમાં લખ્યું છે કે, કેનેડાને બીજા દેશોનો ટેકો પણ મળી રહ્યો છે. ભારતની આતંરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ખરાબ થઈ રહી છે. બ્રાન્ડ ઇન્ડિયાને નુકશાન થઈ રહ્યું છે ત્યારે ભારત સરકારે યોગ્ય પ્રતિઉત્તર આપવાની જરૂર છે.
પ્રદુષણ મામલે સુપ્રીમ કોર્ટની હરિયાણા સરકારને ચેતવણી
શિયાળો નજીક આવતા જ દેશના ઉત્તર ભાગમાં પ્રદુષણનું પ્રમાણ વધી જાય છે. ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટે વારંવાર હરિયાણા સરકારને પ્રદુષણ બાબતે ચેતવણી આપી છે, પરંતુ હરિયાણા સરકારે એ ચેતવણીઓ ધ્યાનમાં લીધી નથી. હવે સુપ્રિમ કોર્ટે હરિયાણા સરકારને ચેતવણી આપી છે કે જો કોર્ટના હુકમનું પાલન નહીં થશે તો હરિયાણાના મુખ્ય સચિવ સામે કોર્ટના અપમાનનો કેસ દાખલ થશે. રાજ્યમાં જે ખેડૂતો પરાળી સળગાવતા હોય છે એના પર કાબુ નહી મેળવી શકનાર અધિકારીઓની ટીકા પણ કોર્ટે કરી છે. સુપ્રિમ કોર્ટે પૂછયું છે કે રાજ્ય સરકાર પરાળી સળગાવનારાઓ સામે કામ કેમ ચલાવી રહી નથી ?
મહારાષ્ટ્ર ચૂંટણી માટે કોંગ્રેસ સ્ક્રીનીંગ કમીટીએ ૬૨ નામો મંજૂર કર્યા
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસની સ્ક્રીનીંગ સમિતિએ ૬૨ બેઠકો પર ઉમેદવારો નક્કી કરી નાખ્યા છે. હવે પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિ ૨૦મી ઓક્ટોબરે આ નામો પર અંતિમ નિર્ણય લેશે. નાંદેડ પેટા ચૂંટણી માટે રવિન્દ્ર ચૌહાણનું નામ નક્કી થયું છે. રવિન્દ્ર ચૌહાણ વસંતરાવ ચૌહાણના પુત્ર છે. મહારાષ્ટ્ર કોંગ્રેસ સ્ક્રીનીંગ સમિતિની બેઠક મધુસુદન મિસ્ત્રીની અધ્યક્ષતામાં દિલ્હીના હિમાચલ ભવનમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્ર કોગ્રેસના પ્રભારી રમેશ ચેન્નીઠલા, નાના પટોલે, બાલા સાહેબ ખોરાટ અને બીજા સિનિયર નેતાઓ હાજર રહ્યા હતા. દિલ્હીમાં રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે, મહાઅઘાડીના ત્રણે પક્ષો વચ્ચે બેઠકની વહેચણી બાબતે કોઈ તકરાર નથી.
રાજ ઠાકરેની શેખી, મનસે કોઈ પક્ષ સાથે જોડાણ નહીં કરે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેને મહારાષ્ટ્રમાં કોઈ પૂછતું નથી. રાજ ઠાકરે ક્યારેક ભાજપ તરફી નિવેદનો કરે છે અને ક્યારે તટસ્થ હોવાનો ઢોંગ કરે છે. હવે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે રાજ ઠાકરેએ ફરીથી સમાચારમાં રહેવા માટે એવી જાહેરાત કરી છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મનસે કોઈ પક્ષ સાથે જોડાણ કરશે નહીં અને એકલે હાથે ચૂંટણી લડશે. લોકસભાની ચૂંટણી વખતે મનસેએ મહાયુતિના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો. રાજ ઠાકરેનું કહેવું છે કે બીજા કોઈપણ પક્ષ કરતાં મનસે મહારાષ્ટ્રમાં વધુ ઉમેદવારો ઉભા રાખશે. ચૂંટણીમાં મનસેની જીત થશે અને સરકાર મનસે બનાવશે. રાજ ઠાકરેની વાત સાંભળીને રાજકીય નીરીક્ષકો મનમાં મલકાઈ રહ્યા છે.
ભાજપ અને ચૂંટણી કમિશન બંટી અને બબલી જેવા છે : જેએમએમ
ઝારખંડ વિધાનસભાની ચૂંટણીને હવે એક મહિનાથી પણ ઓછો સમય છે. રાજ્યમાં ચૂંટણીની તૈયારી પૂરજોશમાં છે. ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)એ ચૂંટણી કમિશન અને ભાજપ સામે આક્ષેપો કર્યા છે. જેએમએમનું કહેવું છે કે, ચૂંટણી કમિશન ભાજપ માટે કામ કરી રહ્યું છે. ફિલ્મ બંટી ઔર બબલીની ચીટર જોડીની જેમ ભાજપ અને ચૂંટણી કમિશન વચ્ચેની સાંઠગાંઠ છે. ભાજપ અને ચૂંટણી કમિશન દેશના બંધારણની વિરુદ્ધ જઈને કામ કરે છે. કેન્દ્ર સરકાર ઇડી, સીબીઆઇ અને ઇન્મટેક્સનો દૂરઉપયોગ કરે છે. ચૂંટણીનો કાર્યક્રમ જે રીતે નક્કી થયો છે એના પરથી પૂરવાર થાય છે કે, ચૂંટણી કાર્યક્રમની સ્ક્રીપ્ટ આસામ ભવનમાં લખવામાં આવી હતી, જેના પર દિલ્હી ભાજપએ મત્તુ માર્યું હતું.
કાશ્મીરના પંડિતોનો ભાજપથી મોહભંગ થયો
પાંચ લાખ કાશ્મીરી પંડીતોએ પોતાના ઘર છોડી વિસ્થાપીત થવું પડયું એને ૩૫ વર્ર્ષ થઈ ગયા છે. પંડીતોની સમસ્યાનો કોઈ અંત દેખાતો નથી. કાશ્મીરી પંડીતોની એક આખી પેઢી કાશ્મીરની બહાર જન્મી છે. કાશ્મીરી પંડીતોમાંથી કેટલાક ઉમર અબ્દુલ્લાને નવા જમાનાના યુવા નેતા માને છે, પરંતુ ઉમર અબ્દુલ્લાનો રેકર્ડ જોતાં પંડીતોની ઘર વાપસી માટે તેઓ કંઈ કરશે એવો વિશ્વાસ પંડીતોને નથી.
કાશ્મીરી પંડીતો માની રહ્યા છે કે અબ્દુલ્લા પરીવાર પંડીતોનું દુઃખ સમજી શકતો નથી. પંડીતોના નેતા શુસીલ પંડીતનું કહેવું છે કે સત્તા પર આવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પંડીતોને ભૂલીને કાશ્મીરી મુસ્લિમોના દિલ જીતવામાં લાગી પડયા છે. કાશ્મીરના પંડીતોના હિતની વાત કરતા ભાજપ ડરે છે.
ઓસ્ટ્રેલિયા-તૂર્કીમાં બનેલી પિસ્તોલથી સિદ્દીકીને ગોળી મરાઇ
મહારાષ્ટ્ર એનસીપી (અજીત પવાર)ના નેતા બાબા સિદ્દીકીની હત્યા કરનારાઓ પાસેથી પોલીસે ત્રણ પિસ્તોલો કબજે કરી છે. મુંબઈ પોલીસના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે હત્યા કરનાર શૂટર્સ મુંબઈના કૂર્લા વિસ્તારમાં ભાડેના મકાનમાં રહેતા હતા. કબજે કરવામાં આવેલી ત્રણ પિસ્તોલમાંથી એક ઓસ્ટ્રેલિયા બનાવટની છે જ્યારે બીજી તૂર્કી બનાવટની છે. એક પિસ્તોલ દેશી બનાવટની છે. સિદ્દીકીની હત્યાનો મુખ્ય આરોપી શિવકુમાર ગૌતમ હજી સુધી પકડાયો નથી. મુંબઈ પોલીસના એક અધિકારીનું કહેવું છે કે ઉત્તર પ્રદેશમાં લગ્ન થાય ત્યારે ફાયરીંગ કરીને ખુશી મનાવવામાં આવે છે. એ વખતે શિવકુમાર ગૌતમે પિસ્તોલ ચલાવતા શીખી હતી.
યુપીમાં પેટા ચૂંટણીની તારીખ બદલવા ભાજપની માગ પાછળનું કારણ
ઉત્તર પ્રદેશમાં પેટા ચૂંટણી માટે ૧૩મી નવેમ્બરની તારીખ જાહેર થઈ છે તેની સામે ભાજપે તારીખ બદલવા ચૂંટણી પંચને રજૂઆત કરી છે. ઝારખંડમાં પણ ૧૩મી એક તબક્કાનું મતદાન થશે અને બીજા તબક્કાનું મતદાન ૨૦મીએ થશે. એ જ દિવસે મહારાષ્ટ્રમાં પણ વોટિંગ છે. ઝારખંડમાં પહેલા તબક્કા સાથે જ યુપીમાં ૯ બેઠકો માટે પેટા ચૂંટણી થશે. આ પેટા ચૂંટણી યોગી માટે બહુ જ મહત્ત્વની છે. યોગી માટે પ્રતિષ્ઠાનો જંગ છે. હવે કોઈએ એવી સલાહ આપી છે કે ૧૩મીએ યુપી ભાજપ માટે અનુકૂળ યોગ નથી. એને ધ્યાનમાં રાખીને યુપી ભાજપના પ્રતિનિધિ મંડળે ચૂંટણી પંચને ૨૦મી ચૂંટણી કરાવવા રજૂઆત કરી છે. સત્તાવાર કારણ ભાજપ એમ આપે છે કે ૧૫મીએ કાર્તિકી પૂર્ણિમા છે અને એના બે-ત્રણ દિવસ અગાઉથી જ લોકો પ્રયાગરાજમાં એકઠા થાય છે. તેની સીધી અસર વોટિંગ પર પડશે.
ઓમર મુખ્યમંત્રી બનતા જ બંને દીકરાઓ વધુ સક્રિય બન્યા
ઓમર અબ્દુલ્લા ભારતીય રાજકારણમાં પરિવારવાદનું એક ઉદાહરણ છે. તેમના દાદા શેખ અબ્દુલ્લા બે વખત જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બન્યા હતા. પિતા ફારૂખ અબ્દુલ્લા ત્રણ વખત રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ઓમર અબ્દુલ્લા બીજી વખત મુખ્યમંત્રી બન્યા છે. એમની ચોથી પેઢી પણ મેદાનમાં ઉતરી ચૂકી છે. ઓમરના બંને દીકરાઓ ઝહીર અને જમીર આ ચૂંટણીમાં પ્રચાર કરતા હતા. હવે ઓમર મુખ્યમંત્રી બની જતાં બંને દીકરાઓ સંગઠનમાં વધુ સક્રિય બન્યા છે. બીજા જ દિવસથી બંનેએ પાર્ટી ઓફિસમાં હાજર રહીને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો.
જયશંકરની પાકિસ્તાન મુલાકાત પર ચીનની નજર
એસ જયશંકર એસસીઓની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન ગયા. ભારતના કોઈ વિદેશમંત્રીએ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હોય એવું ૯ વર્ષ બાદ બન્યું હતું. આ મુલાકાતથી ભારત-પાકિસ્તાન વચ્ચે સંબંધો સુધરે એવી અટકળો થઈ રહી છે. એસ જયશંકરની પાકિસ્તાન મુલાકાતથી પાકિસ્તાન બહુ ખુશ થયું છે અને ભારત સાથે સંબંધો પૂર્વવત્ કરવા માટે સંકેતો આપી રહ્યું છે, પણ તેનાથી ચીનના પેટમાં તેલ રેડાશે. ચીન કાયમ ભારત-પાકિસ્તાન વચ્ચે અણબનાવ રહે એવું ઈચ્છે છે. ભારત પાકિસ્તાનની સરહદે તંગદિલીમાં અટકાવેલું રહે એ ચીનને માફક આવે છે. ચીનના વિદેશ મંત્રાલયે જયશંકર શું બોલે છે અને પાકિસ્તાનના નેતાઓને મળે ત્યારે બંનેની બોડી લેંગ્વેજ કેવી છે એનો અભ્યાસ કરવા ખાસ ટીમ બનાવી છે.
- ઈન્દર સાહની