Get The App

મુંબઈમાં મહાયુતિના ત્રણ મુસ્લિમ ઉમેદવારો માટે જીતવું અઘરું નથી

Updated: Nov 17th, 2024


Google NewsGoogle News
મુંબઈમાં મહાયુતિના ત્રણ મુસ્લિમ ઉમેદવારો માટે જીતવું અઘરું નથી 1 - image


નવીદિલ્હી: મહાયુતિ ગઠબંધનએ મુંબઈમાં ત્રણ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે. આ ત્રણે ઉમેદવારો એનસીપી (અજીત પવાર)ની ટિકિટ પર લડી રહ્યા છે. માનખુર્દ - શિવાજીનગરની બેઠક પરથી વિવાદાસ્પદ નવાબ મલિક લડી રહ્યા છે. અણુશક્તિનગરની બેઠક પર નવાબ મલિકના પુત્રી સના મલિક તેમ જ બાદરા પૂલગમની બેઠક પરથી બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકી ઉમેદવાર છે. નવાબ મલિક ૧૯૯૬, ૧૯૯૯ અને ૨૦૦૪માં નેહરુનગર તેમ જ ૨૦૦૯ અને ૨૦૧૯માં અણુશક્તિનગરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. માનખુર્દ -શિવાજીનગર મત વિસ્તારમાં ૫૩ ટકા મતદારો મુસ્લિમ છે. આ જ બેઠક પરથી અબુ આઝમી પણ ચૂંટણી લડી રહ્યા છે. એનસીપી (અજીત પવાર)એ ભાજપ સાથે ગઠબંધન કર્યું હોવાથી સ્થાનિક મુસ્લિમ મતદારો એનસીપી (અજીત પવાર)થી નારાજ છે. આ નારાજગીની અસર ત્રણેય મુસ્લિમ ઉમેદવારો માટે મુશ્કેલ બની શકે છે. 

ભાજપ સાથે ગઠબંધન કરનારાઓ જોડે સંબંધ નહીં રાખું ઃ શરદ પવાર

એનસીપી (શરદ પવાર)ના નેતા શરદ પવારે નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપ મૂક્યો છે. પવારે કહ્યું છે કે, મોદી સમાજને તોડવાનું કામ કરે છે. ચૂંટણી દરમિયાન નરન્દ્ર મોદીએ કરેલા પ્રચારની પણ પવારે ટીકા કરી હતી. પવારને જ્યારે પૂછવામાં આવ્યું કે, ચૂંટણી પછી ભત્રીજા અજિત પવાર સાથે સમાધાન થવાની શક્યતા કેટલી, એ વખતે પવારે કહ્યું હતું કે, ભાજપ સાથે ગઠબંધન કરનારા કોઈની પણ જોડે હું સંબંધ નહીં રાખું. લોકસભાની ચૂંટણીમાં નબળા દેખાવ પછી મહાયુતિના ઉમેદવારો મતદારોને ખૂશ કરવા માટે પાણીની જેમ પૈસા ખર્ચે છે. શરદ પવારની વિચારધારા પહેલેથી જ બિનસાંપ્રદાયીક છે અને સ્વાભાવીક રીતે એમને યોગી આદિત્યનાથ પસંદ નથી. યોગી આદિત્યનાથના સૂત્ર બટેંગે તો કટેંગેની ટીકા પણ પવારે કરી હતી. 

ફડણવીસ સીએમ નહી બની શકે તો ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવા હિલચાલ

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં જો મહાયુતિની સરકાર બને તો મુખ્યમંત્રી પસંદ કરવા યુતિના ત્રણે પક્ષોના રાષ્ટ્રીય અધ્યક્ષ ભેગા મળશે. મતલબ કે એકનાથ શિંદે, અજીત પવાર અને જેપી નડ્ડા મળીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરશે. મહાયુતિને બહુમતિ મળે તો પણ ત્યાર પછીના દિવસો ત્રણે પક્ષ માટે સરળ નહીં હોય. ભાજપના દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના એકનાથ શિંદે બંને મહત્વાકાંક્ષી છે. કોઈ સંજોગોમાં દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી નહી બની શકે તો એમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની વાત પણ ચાલી રહી છે. લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્ર ભાજપનો દેખાવ ખૂબ નબળો રહ્યો હતો અને એ માટેની જવાબદારી ફડણવીસે સ્વીકારી હતી. આમ છતાં ભાજપમાં એક લોબી એવું ઇચ્છે છે કે, પક્ષમાં ફડણવીસને મહત્ત્વનું સ્થાન આપવું જોઈએ. ભાજપની લોબીમાં પણ આ પ્રકારની ચર્ચા થઈ રહી છે. 

રામ મંદિરને ઉડાવી દેવાની ધમકીથી અયોધ્યામાં કિલ્લેબંધી

ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે આવેલા રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા પછી રામનગરીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અયોધ્યાની દરેક ગલીમાં સુરક્ષા કર્મચારીઓ ફરી રહ્યા છે. ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નુએ આ ધમકી મોકલી હતી. અયોધ્યાના પ્રવેશ દ્વારો પર સુરક્ષા કર્મચારીઓ વધારી દેવામાં આવ્યા છે. શહેરમાં પ્રવેશતા દરેક વાહન તેમ જ યાત્રીઓનું કડક ચેકીંગ થઈ રહ્યું છે. એટીએસ, સીઆરપીએફ અને પીએસઈના જવાનો મંદિરની આસપાસ ફલેગમાર્ચ કરી રહ્યા છે. કેન્દ્રીય ઇન્ટેલિજેન્સ બ્યુરોના અધિકારીઓ પણ અયોધ્યા આવી ગયા છે. શહેરમાં સીસીટીવીની સંખ્યા વધારી દેવામાં આવી છે તેમ જ બોમ્બ સ્ક્વાર્ર્ડ અને ડોગ સ્ક્વોર્ડની સાથે એટીએસના જવાનો પહેરદારી કરી રહ્યા છે. 

કોલકત્તાના કોર્પોરેટરની હત્યાના પ્રયાસનો વિડિયો વાયરલ

કોલકત્તામાં તૃણમુલ કોંગ્રેસના કોર્પોરેટર સુસંતા ઘોષની ફિલ્મી ઢબે હત્યાના પ્રયાસનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. સુસંતા ઘોષ પોતાના ઘરની બહાર બેઠા હતા ત્યારે એક વ્યક્તિ એમની પાસે ચાલતો આવ્યો અને સંતાડેલી રિવોલ્વર કાઢીને એમના પર ફાયરીંગ કરવાનો પ્રયત્ન કર્યો. કોઈપણ કારણસર રીવોલ્વરમાંથી ગોળી છૂટી નહીં અને હત્યાનો પ્રયાસ કરનાર પકડાઈ ગયો. આ ઘટનાએ બંગાળના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. કોર્પોરેટર સુસંતા ઘોષે આ ઘટના બાબતે કહ્યું કે, એમને આ ઘટનાથી ખૂબ મોટો આઘાત લાગ્યો છે, પરંતુ એમને મારવાની સોપારી કોણે આપી હતી એ જાણવાના તમામ પ્રયત્નો તેઓ કરશે.

દિલ્હીમાં બસ સ્ટેન્ડનું નામ બિરસા મુંડા રખાતા હેમંત સોરેન ભડક્યા

દિલ્હીના સરાયકેલા ખાં બસ સ્ટેન્ડનું નામ બિરસા મુંડા બસ સ્ટેન્ડ કરવાથી ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન નારાજ થઈ ગયા છે. હેમંત સોરેને ધમકી આપી છે કે જો આ નિર્ણય પાછો નહીં લેવાય તો તેઓ આંદોલન કરશે. હેમંત સોરેનના કહેવા પ્રમાણે બસ સ્ટેન્ડનું નામ બિરસા મુંડા જેવા આદિવાસી સમાજ સેવક પરથી રાખવું એ આદિવાસીઓનું અપમાન છે. સોરેને પૂછયું કે શું આદિવાસીઓના ભગવાન બિરસા મુંડા માટે દિલ્હીમાં બીજી કોઈ જગ્યા નથી કે જેનું નામ એમને આપી શકાય? શું સેન્ટ્રલ વિસ્ટાનું નામ અમારા ભગવાનના નામ પરથી નહીં રાખી શકાયું હોત? 

***

હરિયાણાના પ્રચારમાં કોરાણે મુકાયેલા મોદી ઝારખંડમાં મોખરે

ઝારખંડમાં ભાજપના બીજા તબક્કાના ચૂંટણી પ્રચારના પોસ્ટરોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. અગાઉ હરિયાણામાં ચૂંટણી પ્રચારમાં મોદી સિવાય અન્ય નેતાઓની તસવીરો પણ દેખાતી હતી જ્યારે ઝારખંડમાં ભાજપે તેની વ્યૂહરચમાં ફેરફાર કર્યો હોવાનું નજરે પડતું હતું. ઝારખંડમાં રાજ્યના અન્ય કોઈ નેતાની તસવીર નહોતી. આ બાબતે ઝારખંડના વરિષ્ઠ નેતા સુનીલ કુમારે સ્પષ્ટતા કરી કે ભાજપ પાસે ચહેરાની તંગી નથી. અર્જુન મુંડા, ચંપઈ સોરેન, બાબુલાલ મિરાંડી અને અન્નપૂર્ણા દેવીજી જેવા અનેક વરિષ્ઠ નેતા છે પણ રાજ્યમાં ભાજપ સત્તા પર ન હોવાથી વડા પ્રધાનને જ કેન્દ્ર સ્થાન આપવામાં આવ્યું છે.

તનખૈયા જાહેર થતા બાદલે રાજીનામુ આપ્યું, હવે સજા પણ ભોગવશે

મહિનાઓ સુધી ટીકાનો ભોગ બન્યા પછી સુખબીર સિંહ બાદલે શનિવારે શિરોમણી અકાલી દળના પ્રમુખપદે ચૂંટણીનો માર્ગ મોકળો કરવા રાજીનામુ આપી દીધું હતું. અકાલી દળના પ્રવક્તાએ જણાવ્યું કે બાદલનું  રાજીનામુ અકાલ તખ્તની સજા નમ્રતાપૂર્વક સ્વીકાર કરવા માટેનું આગોતરુ પગલુ છે. પક્ષના મોટાભાગના સભ્યો બાદલની પડખે હોવા છતાં પ્રમુખપદેથી આ તબક્કે હટી જવાથી તેમની હકાલપટ્ટીની માગણી કરી રહેલા અવાજો શાંત કરી શકાશે. એકવાર બાદલ અકાલ તખ્ત દ્વારા અપાયેલી સજા ભોગવી લે પછી ફરી તેમને પાર્ટીના ચીફ તરીકે નિયુક્ત કરી શકાય.

હિમાચલમાં કોંગ્રેસી વિધાનસભ્યને ચલાણ આપનાર એસપીને રજા પર મોકલી દેવાઈ

હિમાચલ પ્રદેશના બડ્ડીની સુપરીન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (એસપી) ઈલમા અફરોઝનો દૂન કોંગ્રેસ વિધાનસભ્ય રામ કુમાર ચૌધરી સાથે વિવાદ થતા લાંબી રજા પર મોકલી દેવાયા છે.  અહેવાલ મુજબ એસપી અફરોઝએ ચૌધરી સાથે સંકળાયેલા વાહનો સામે ચલાણ જારી કર્યા હતા. જો કે ચૌધરીએ એસપીની રજામાં પોતાની કોઈ ભૂમિકાનો ઈન્કાર કર્યો હતો. અહેવાલો મુજબ બડ્ડી-બારોટીવાલા-નાલાગઢ વિસ્તારમાં ઉમદા કાર્ય માટે જાણીતી અફરોઝ અને ચૌધરી વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો હતો. કહેવાય છે કે રેતી ખનન સામે આકરુ વલણ અપનાવવા માટે જાણીતી અફરોઝે રેતી ખનન માટે ઉપયોગમાં લેવાયેલા ચૌધરીની પત્ની કુલદીપ કૌરના વાહન સામે ચલાણ જારી કર્યા હતા. તેમના પર બડ્ડી-દૂન વિસ્તારમાં ગેરકાયદે ખનન બદલ દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ઉપરાંત પોલીસે ગેરકાયદે ખનન માટે ઉપયોગમાં લેવાતા મશીનો પણ જપ્ત કર્યા હતા.

આસામની પેટાચૂંટણી ત્રણ મહારથીઓ માટે પરીક્ષા સાબિત થશે

બુધવારે આસામ વિધાનસભાની પાંચ બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણી ઉત્તરપૂર્વના આ રાજ્યમાં સક્રિય રહેલા ત્રણ રાજકીય નેતાઓની પરીક્ષા કરશે. કોંગ્રેસના ગૌરવ ગોગોઈ અને રકીબુલ હુસૈન તેમજ અસોમ ગણ પરિષદ (એજીપી)ના ફાની ભુષણ ચૌધરી ભલે આ ચૂંટણી લડયા નથી પણ ૨૩ નવેમ્બરે જાહેર થનારા પરિણામ તેમની રાજકીય કારકિર્દીને જરૂર પ્રભાવિત કરશે. લોકસભાની ચૂંટણીમાં વિજેતા બનેલાએ પોતાની વિધાનસભાની બેઠકો ખાલી કરતા આ પેટાચૂંટણી યોજાઈ હતી. પાંચમાંથી ભાજપે ત્રણ બેઠકો પર જ્યારે તેના સત્તાધારી ભાગીદાર યુપીપીએલએ બે બેઠકો પર ઉમેદવાર ઊભા રાખ્યા છે.

- ઇન્દર સાહની


Google NewsGoogle News