દિલ્હીની વાત : આપ - ભાજપને હરાવવા કોંગ્રેસની રણનીતિ તૈયાર
નવીદિલ્હી : દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે આપ અને ભાજપને હરાવીને સત્તા મેળવવા માટે કોંગ્રેસે આક્રમક પ્રચાર કરવાનું નક્કી કર્યું છે. વિધાનસભાની લગભગ ૧૨ બેઠકો પર રાહુલ ગાંધી પદયાત્રા કરશે. પાંચ મોટા વાયદાઓના ૨૫ લાખ ગેરંટી કાર્ડ મતદારોને વહેંચવામાં આવ્યા છે. ચૂંટણીના છેલ્લા દિવસો દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેની સભાઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી રોડ શો કરીને અરવિંદ કેજરીવાલની પોલ ખોલશે. રાહુલ ગાંધી મુસ્લિમ મતદારોની બહુમતિવાળા વિસ્તારોમાં સભાઓ કરી રહ્યા છે અને નરેન્દ્ર મોદી તેમ જ કેજરીવાલની ધોલાઈ પણ કરી રહ્યા છે.
મહાકુંભનો લાભ ઉત્તર પ્રદેશના બીજા ધાર્મિક સ્થળોને પણ મળ્યો
પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં દેશ-વિદેશથી કરોડો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. મહાકુંભ મેળાની મુલાકાત લીધા પછી આ શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના બીજા ધાર્મિક સ્થળોની મુલાકાતે પણ જાય છે. ઉત્તર પ્રદેશના અન્ય ધાર્મિક સ્થળોનું રિલિજિયન ટુરીઝમ પણ વિકસી રહ્યું છે. મકરસંક્રાતિના સ્નાન માટે શૃંગવેરપુર, ચિત્રકુટ, વારાણસી, મા વિંદ્યાવાસીની ધામ, નૈમિષારણ્ય તેમ જ અયોધ્યામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન અને પૂજા કરી હતી. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ૨૬ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી. અયોધ્યામાં ત્રણ દિવસમાં ૧૦ લાખ, કાશિ વિશ્વનાથ મંદિરમાં ૭.૪૧ લાખ, વિંદ્યવાસીની ધામમાં ૫ લાખ તેમ જ ચિત્રપુર અને સીતાપુરમાં ૧ લાખ લોકોએ દર્શન કર્યા હતા. મથુરા - વૃંદાવનમાં પણ ૧.૫ લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવ્યા હતા.
ભાજપના સાંસદ મનોજ તિવારી, ભાજપના પ્રવક્તા પર જ બગડયા
ભાજપના જાણીતા પ્રવક્તા શહેજાદ પુનાવાલા એમની આક્રમક રજુઆતને કારણે જાણીતા છે. દરેક રાષ્ટ્રીય ચેનલ પર શહેજાદ પુનાવાલાની હાજરી જોવા મળે છે. જોકે હવે ભાજપના જ સાંસદ મનોજ તિવારી શહેજાદ પુનાવાલા પર અકળાઈ ગયા છે. એક ટીવી ડિબેટમાં શહેજાદ પુનાવાલાએ પુર્વાંચલી સમુદાય વિશે ટિપ્પણી કરી હતી. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પુર્વાંચલી સમુદાયના મતદારોની સંખ્યા ૧/૩ જેટલી છે. શહેજાદ પુનાવાલાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઋતુરાજ ઝા માટે અણછાજતી કોમેન્ટ કરી હતી. ભડકેલા મનોજ તિવારીએ કહ્યું છે કે, ભાજપના કોઈપણ પ્રવક્તાએ વધુ પડતા આક્રમક થવું જોઈએ નહીં. કોઈ વિશેષ સમુદાય વિશે અણછાજતી ટીકા કરવી જોઈએ નહીં. તિવારીએ પુનાવાલાને કહ્યું છે કે, તેઓ બિનશરતી માફી માંગે.
પર્યાવરણ બાબતે બેજવાબદાર પાર્ટીને વોટ ન આપો : વાંગચૂક
લદ્દાખના જાણીતા પર્યાવરણવાદી સોનમ વાંગચૂકે લોકોને કહ્યું છે કે, તેઓ મતદાન કરવા જાય ત્યારે પર્યાવરણનો મુદ્દો ખાસ ધ્યાનમાં રાખે. વાંગચૂકને ગ્લેશિયરો પીગળી રહી છે એને માટે ખાસ ચિંતા છે. ગ્લેશિયરોને પીગળતી રોકવા માટે વૃક્ષોને બચાવવા જરૂરી છે. વાંગચૂકે અપીલ કરી છે કે, જે રાજકીય પક્ષ પર્યાવરણની રક્ષા કરી શકે એમને જ મત આપવો જોઈએ. સામાન્ય રીતે મતદારો વિવિધ રાજકીય પક્ષોએ આપેલા વાયદાને ધ્યાનમાં રાખીને મતદાન કરતા હોય છે. જોકે હવે સમય આવી ગયો છે કે, રાજકીય પક્ષોએ પર્યાવરણની જાળવણી માટે પણ કામ કરવાનું વચન આપવું જોઈએ. જો પર્યાવરણમાં સુધારો નહીં થાય તો એવી સરકારોને બદલવા માટે આંદોલન કરવું પડે. વાંગચૂકને ખાતરી છે કે પ્રદૂષણનો મુદ્દો હવે પછીની લોકસભા ચૂંટણી માટે પણ મહત્ત્વનો બનશે.
ચૂંટણી પંચે ઉમેદવારોના ગુનાહિત રેકોર્ડ જાણવા માટે એપ બનાવી
દિલ્હીના મતદારો માટે ચૂંટણી આયોગે 'નો યોર કેન્ડીડેટ' (કેવાયસીઇસીઆઇ) નામની મોબાઇલ એપ તૈયાર કરી છે. ઉમેદવારોના ગુનાહિત રેકર્ડ જાણવા માટે આ એપ ઉપયોગી પુરવાર થશે. મતદારો પોતાના ક્ષેત્રના ઉમેદવારોના શિક્ષણથી માંડીને ગુનાહિત રેકોર્ડ આ એપ દ્વારા જાણી શકશે. આ એપ છેલ્લી લોકસભાની ચૂંટણી વખતે પણ ઉપયોગી થઈ હતી. પોતાના વિસ્તારમાં કયા ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે અને એમની વિશ્વસનીયતા કેટલી છે એ મતદારો જાણી શકશે. ઉમેદવારો કેટલા શિક્ષીત છે, એમની ઉંમર કેટલી છે અને એમના કુટુંબીઓ કોણ છે એની જાણકારી પણ આ એપ મારફતે મળશે.
બંગાળમાં ડોક્ટરોની બેદરકારીથી મહિલાનું મોત, 12 ડોક્ટરો સસ્પેન્ડ
પશ્ચિમ બંગાળના મીદનાપુરની સરકારી હોસ્પિટલમાં એક્સપાયરી ડેઇટની સલાઇન ચઢાવવાને કારણે ગર્ભવતી મહિલાનું મોત થઈ ગયું હતું. આ મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મીદનાપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ૧૨ ડોક્ટરોને સસ્પેન્ડ કર્યા છે. મહિલાની પ્રસુતિ બાદ એમને જે સલાઇન ચઢાવવામાં આવી હતી એ જૂની તારીખની હતી જેને કારણે એક મહિલાનું મૃત્યુ થવા ઉપરાંત અન્ય ચાર બિમાર પડી ગયા હતા. હોસ્પિટલના આરએમઓ સહિત બીજા ૬ ડોક્ટરો પર પણ મમતા બેનર્જીનો ગુસ્સો ઉતર્યો છે. હજી પણ ત્રણ ગર્ભવતિ મહિલાઓની હાલત ગંભીર છે. સીઆઇડીએ ડોક્ટરો સામે એફઆઇઆર પણ દાખલ કરી છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે હવે ઓપરેશન થિયેટરમાં પણ સીસીટીવી કેમેરા મૂકવા પડે એવી પરિસ્થિતિ છે.
દિલ્હીમાં 13 ટકા મુસ્લિમ મતદારો 12 બેઠકો પર નિર્ણાયક ભૂમિકામાં
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં વિવિધ જ્ઞાાતિ અને કોમના સમીકરણો સાધવામાં બધા રાજકીય પક્ષો મહેનત કરી રહ્યા છે. એવી જ મહેનત દિલ્હીના ૧૩ ટકા મુસ્લિમ મતદારોને પોતાની તરફ વાળવા માટે થઈ રહી છે. દિલ્હી વિધાનસભાની ૧૨ બેઠકોમાં મુસ્લિમ મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. આ બેઠકોમાં મુસ્લિમ મતદારો જે પાર્ટી તરફ વળશે એમને જીતવાનું કામ બહુ જ આસાન થઈ જશે. આ વોટબેંકને પોતાની તરફ કરવા માટે કોંગ્રેસે કાર્યકરોને ડોર ટુ ડોર કેમ્પેઈનનું કામ સોંપ્યું છે. રાહુલ અને પ્રિયંકા ગાંધી આ વિસ્તારોમાં સભાઓ સંબોધે તેવા આયોજનો થઈ રહ્યાં છે.
જીતન રામ માંઝીએ કોથળામાંથી બિલાડું કાઢ્યું, 20 બેઠકોની ડિમાન્ડ
બિહારમાં સીટ શેરિંગ માટે અત્યારથી જ બધા પક્ષો પોત-પોતાનું લોબિંગ કરી રહ્યા છે. એનડીએ ગઠબંધનમાં ભાજપ અને જેડીયુ વચ્ચે જ હજુ તો બેઠકોની વહેચણીનો મુદ્દો પૂરો થયો નથી ત્યાં સાક્ષી પક્ષ જીતન રામ માંઝીએ એનડીએ પાસે ૨૦ બેઠકોની ડિમાન્ડ કરીને નીતિશ કુમાર અને ભાજપ બંનેની ઊંઘ ઉડાડી દીધી છે. ભાજપના બિહાર યુનિટના અધ્યક્ષ દિલીપ જયસ્વાલે જે નિવેદન આપ્યું તેનાથી એ તો નક્કી છે કે ભાજપે માંઝીને કેટલી બેઠકો આપવી તે નક્કી કરી લીધું છે. દિલીપ જયસ્વાલે કહ્યું કે હવે કશું થઈ શકે તેમ નથી. બધું પહેલેથી જ નક્કી થઈ ચૂક્યું છે. ભાજપ પ્રમુખનું આ સ્ટેટમેન્ટ માંઝીને તો અટળાવશે જ, પરંતુ નીતિશને પણ પરસેવો છૂટશે.
માયાવતીએ પાર્ટીમાં આકાશ પછી બીજા ભત્રીજા ઈશાનને સક્રિય કર્યો
માયાવતીએ પોતાના ઉત્તરાધિકારી તરીકે ભત્રીજા આકાશ આનંદને સપામાં સક્રિય કર્યા બાદ અચાનક કંઈક વાંધો પડતા લોકસભાની ચૂંટણી પહેલાં તેની સક્રિયતા ઘટાડી નાખી હતી. આકાશના આક્રમક નિવેદનો પછી અચાનક તેની બધી જ રેલીઓ રદ્ કરી દેવાઈ હતી. ચૂંટણી પૂરી થઈ પછી ફરીથી આકાશ પાર્ટીમાં સક્રિય જોવા મળ્યો હતો. હવે માયાવતીએ આકાશના નાનાભાઈ ઈશાન આનંદને પણ સક્રિય કર્યો છે. ઈશાન અત્યાર સુધી ક્યારેય પાર્ટીની મીટિંગમાં જોવા મળ્યો ન હતો. પહેલી વખત એ હાથમાં પેન અને ડાયરી લઈને ઉત્તર પ્રદેશ સપા યુનિટની રિવ્યૂ મીટિંગમાં દેખાયો હતો.
રાહુલના નિવેદનને સાચું ઠેરવવા સિનિયર કોંગ્રેસી નેતાઓની મથામણ
રાહુલ ગાંધીએ ભાજપ-સંઘની ટીકા કરતી વખતે ભારતને ઈન્ડિયન સ્ટેટ ગણાવ્યું એ બાબતે ભાજપે ભારે ટીકા કરી. તેની સામે કોંગ્રેસે બંધારણનો ઉલ્લેખ કર્યો. બંધારણમાં ઈન્ડિયન સ્ટેટ્સ શબ્દોનો ઉપયોગ થયો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઈન્ડિયન સ્ટેટ શબ્દ પ્રયોજાય છે એમ કહીને કોંગ્રેસે બચાવ શરૂ કર્યો છે. રાહુલના નિવેદનથી વિવાદ થયો એ શમવાનું નામ લેતો નથી. કારણ કે એ વિવાદને ઠારવા માટે સિનિયર કોંગ્રેસી નેતાઓ જે નિવેદનો આપે છે એ વિવાદને વધુ ભડકાવે છે અને એ મુદ્દાને જીવતો રાખે છે. રાહુલના નિવેદનનો બચાવ કરવા માટે સિનિયર કોંગ્રેસી નેતાઓ મથામણ કરી રહ્યા છે. એમાં ભૂપેશ બઘેલનો ઉમેરો થયો છે. બઘેલે કહ્યું કે રાહુલે એકદમ બરાબર કહ્યું છે.
- ઈન્દર સાહની