For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : દિલ્હીમાં કોરોનાકાળની સારવાર ચૂંટણી મુદ્દો બન્યો

Updated: Apr 18th, 2024

દિલ્હીની વાત : દિલ્હીમાં કોરોનાકાળની સારવાર ચૂંટણી મુદ્દો બન્યો

નવી દિલ્હી : દિલ્હીમાં ઉમેદવારો વચ્ચે સીધી ડિબેટ યોજાવા લાગી છે. પૂર્વ દિલ્હીની બેઠકના બે ઉમેદવારો કુલદીપ કુમાર અને હર્ષ મલ્હોત્રા વચ્ચે આવી જ ગરમાગરમ ડિબેટ ચર્ચાસ્પદ બની છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપ કુમારે દિલ્હીની સ્વાસ્થ્ય સેવા અને શિક્ષણનો બધો યશ કેજરીવાલની સરકારને આપ્યો એટલે ભાજપના ઉમેદવાર હર્ષ મલ્હોત્રા અકળાઈ ઉઠયા. તેમણે કેજરીવાલની સરકાર પર શરાબનીતિના ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો. દિલ્હીની રાજ્ય સરકાર યમુનાની સ્વચ્છતા કરતી નથી એવો આરોપ મૂક્યો. પાણીની અછત સર્જાઈ છે તેનો મુદ્દો પણ ચર્ચાયો. જોકે, કોરોનાકાળની સારવારનો મુદ્દો કેન્દ્રમાં રહ્યો. બંને ઉમેદવારો કોરોનાકાળમાં દિલ્હીમાં સારવારનું સ્ટ્રક્ચર ગોઠવાયું તેનો જશ પોત-પોતાના નેતાઓને આપતા રહ્યા. કોરોનાકાળમાં હેલ્થની સુવિધાની ક્રેડિટ બાબતે કેન્દ્ર-દિલ્હી વચ્ચે કાયમ સ્પર્ધા રહે છે.

ચૂંટણીએ બાબુઓના ઉનાળુ વેકેશનનો ભોગ લીધો

લોકસભાની ચૂંટણી તો દેશભરમાં યોજાઈ રહી છે એટલે આખા દેશના સરકારી અધિકારીઓ એમાં અટવાઈ પડયા છે, પરંતુ સૌથી વધુ અસર દિલ્હીના સરકારી બાબુઓને થઈ છે. ચૂંટણીના કારણે દિલ્હીથી નેતાઓની આવન-જાવન ચાલતી રહે છે. કેબિનેટ મંત્રીઓ, સ્પેશિયલ સુરક્ષા મેળવતા નેતાઓના કાફલાની સુરક્ષાની જવાબદારી ઉપરાંત ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમુક વહીવટી જવાબદારી દિવસ-રાત ચાલતી રહે છે. પરિણામે દિલ્હીના સરકારી અધિકારીઓ અંદરો-અંદર વેકેશનનો ભોગ લેવાયાની હૈયાવરાળ ઠાલવી રહ્યા છે. તે એટલે સુધી કે પોલીસ અધિકારીઓને તો વીકલી રજા પણ મળતી નથી. ઘણાં શાણા અધિકારીઓ ડાયાબિટિસ અને બ્લડ પ્રેશરના મેડિકલ સર્ટિફિકેટના નામે છૂટી-છવાઈ રજાઓ મેળવી લેતા હોવાની ચર્ચા પણ આંતરિક વર્તુળોમાં ચાલી હતી.

પરીક્ષા પહેલાં વિદ્યાર્થી પરિષદો ચૂંટણી મેદાનમાં

કોલેજોની પરીક્ષા ચાલી રહી છે. ઘણી યુનિવર્સિટીમાં માસ્ટર્સની પરીક્ષા હવે શરૂ થશે, પણ ઘણાં વિદ્યાર્થીઓને વાંચવાનો સમય નથી. તમામ પાર્ટીઓએ તેમની વિદ્યાર્થી પાંખોને એક નહીં તો બીજા મોરચે કામ સોંપી દીધું છે. ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીને સોશિયલ મીડિયામાં પાર્ટી પ્રચારનું કામ સોંપવામાં આવ્યું છે. કહે છે કે દિલ્હીમાં એબીવીપીના વિદ્યાર્થી નેતાઓ સાતેય ઉમેદવારો માટે માહોલ બનાવવાનું કામ કરે છો. તો કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈની રાજસ્થાન શાખાના વિદ્યાર્થી નેતાઓને ભાજપના ઓનલાઈન મુદ્દાને કાઉન્ટર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આપની વિદ્યાર્થી પાંખ સીવાયએસએસના વિદ્યાર્થી નેતાઓ કેજરીવાલની ધરપકડ પછી દિલ્હીના જુદા-જુદા વિસ્તારોમાં પ્રદર્શનો કરવામાં ભારે સક્રિય થયા છે. દિલ્હીમાં સીવાયએસએસ અને એબીવીપી વચ્ચે વારંવાર ઘર્ષણો થતા રહે છે.

રાહુલ-અખિલેશની રામનવમીની શુભેચ્છા, ભાજપનો વ્યંગ

રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે રામનવમીના દિવસે જ ગાઝિયાબાદમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. બંનેએ પોત-પોતાના ટૂંકા નિવેદન પહેલાં રામનવમીની શુભેચ્છા પાઠવી હતી. એ શુભકામનાનો નાનો વીડિયો બનાવીને ભાજપના આઈટી સેલે વાયરલ કર્યો હતો અને બંને નેતાઓ પર વ્યંગ કર્યો હતો. ભાજપના વ્યંગનો સૂર એવો હતો કે આ મોદીનું ન્યૂ ઈન્ડિયા છે. અખિલેશના પિતા મુલાયમ સિંહે રામભક્તો પર એક સમયે ગોળીબાર કર્યો હતો, એ અખિલેશ આજે રામભક્ત થઈ ગયા છે. યુપીએની સરકાર રામસેતુને કાલ્પનિક ગણાવતી હતી. આજે રાહુલ ગાંધી ભાષણની શરૂઆતમાં રામનવમીની શુભેચ્છા પાઠવે છે. ઘણાં લોકોએ વ્યંગ તો એવોય કર્યો હતો કે બંનેએ અયોધ્યા જઈને રામનવમીના દિવસે ભગવાન શ્રીરામના દર્શન કરવા જોઈતા હતા.

સલમાન મુંબઈમાં બેઠા બેઠા યુપીમાં અસર કરશે!

સલમાન ખાનના મુંબઈ સ્થિત ઘરની બહાર ફાયરિંગ થયું પછી પોલીસ એટલી દોડતી થઈ ગઈ કે કલાકોમાં હુમલાખોરોને ઝડપી લીધા. એટલું જ નહીં, ચૂંટણીસભાઓની આટલી વ્યસ્તતા વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સલમાનના ઘરે જઈને ખબર-અંતર પૂછી આવ્યા. એકનાથ શિંદેની સરકાર ભાજપના સમર્થનથી ચાલી રહી છે. ભાજપના ઘણાં નેતાઓએ પણ ઘરે જઈને કે ફોનમાં સલમાનના કુશળ સમાચાર પૂછી લીધા. નેતાઓ-સલમાનની મુલાકાતનો ટ્રેન્ડ જોઈને ઘણાં નિષ્ણાતો માને છે કે સરકાર લઘુમતીઓની દરકાર કરે છે એવું આમાંથી બતાવીને એક મેસેજ આપવામાં આવ્યો છે. વળી, સલમાન યુપીમાં બેહદ પોપ્યુલર છે. યુપીમાં યુવા મુસ્લિમ વોટર્સનું વલણ બદલાય તો સલમાન મુંબઈમાં બેઠા બેઠા છેક યુપીમાં અસર કરશે.

સિંધિયાની આક્રમકતાથી ભાજપ હાઈકમાન્ડ ખુશ

જ્યોતિરાદિત્ય સિંધિયા એમપીની ગુના બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ૨૦૦૨થી સિંધિયા કોંગ્રેસની ટિકિટ પર આ બેઠકથી ચૂંટાતા હતા, પણ ૨૦૧૯માં તેમણે પરાજય સહન કરવો પડયો હતો. સિંધિયા ભાજપમાં આવ્યા બાદ ભાજપે આ વખતે એ જ બેઠકથી તેમને મેદાનમાં ઉતાર્યા છે. સિંધિયાએ પ્રચારની ધુરા સંભાળતાની સાથે જ એમપી કોંગ્રેસના નેતાઓને આડે હાથ લેવાનું શરૂ કર્યું છે. સમર્થકોમાં પણ આક્રમક અંદાજમાં પ્રચાર કરી રહ્યા છે. એક કાર્યક્રમમાં તેમના સમર્થકો નારા લગાવતા હતા. નેતાઓ માળાઓ પહેરાવતા હતા તેમને સિંધિયાએ સ્પષ્ટ કહી દીધુ હતુંઃ મને કામ કરી બતાવો, સભામાં હાજર રહેવાની કે સૂત્રોચ્ચાર કરવાની જરૂર નથી. માળાઓ પહેરવાની પણ જરૂર નથી. મતદારો વચ્ચે જઈને મોદી સરકારની યોજનાની જાણકારી આપો. સિંધિયાનો રાજવી વટ અને મિજાજ ભાજપ હાઈકમાન્ડને પસંદ પડી રહ્યો છે.

Gujarat