Get The App

91 લાખ સરકારી કર્મચારીઓને નવી પેન્શન યોજના મંજૂર નથી

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
91 લાખ સરકારી કર્મચારીઓને નવી પેન્શન યોજના મંજૂર નથી 1 - image


નવીદિલ્હી: એનપીએસમાં સુધારો કરીને કેન્દ્ર સરકારે 'યુનિફાઇડ પેન્શન સ્કીમ' (યુપીએસ) લાગુ કરી છે. દેશના ૯૧ લાખથી વધુ સરકારી કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમ ચાલુ રાખવા માટે હવે રાષ્ટ્રવ્યાપી આંદોલન કરવાના છે. આ માટે ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઇડ ફેડરેશન (એઆઇએનપીએસઇએફ)ના બેનર હેઠળ સંગઠનની રચના કરવામાં આવી છે. 

આંદોલનનું નામ 'નેશનલ મિશન ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ ભારત' રાખવામાં આવ્યું છે. દિલ્હીના જંતરમંતર ખાતે આજે મહારેલીનું આયોજન પણ થયું છે. વડાપ્રધાન મોદીના સરકારી કર્મચારીઓને સમજાવવાના પ્રયત્નો નિષ્ફળ ગયા છે.

છત્રપતિ શંભાજીનગરની નવ વિધાનસભા બેઠકો પર કાંટાની ટક્કર

મહારાષ્ટ્રમાં એક જમાનામા શિવસેનાનો ગઢ ગણાતા ઔરંગાબાદ જિલ્લાની નવ વિધાનસભા બેઠકો પર આ વખતે કાંટાની ટક્કર છે. ઔરંગાબાદનું નામ બદલીને મહાયુતિ સરકારે છત્રપતિ શંભાજીનગર કર્યું છે. મહાયુતિ ગઠબંધન ઔરંગાબાદના નામફેરની ક્રેડીટ લઈને પ્રચાર કરે છે. આ ઉપરાંત આ ૯ બેઠકો પર બટેંગે તો કટેંગેનું સૂત્ર પણ ગાજી રહ્યું છે. બીજી તરફ મહાવિકાસ અઘાડીના પક્ષો મરાઠા અનામતને કેન્દ્રમાં રાખીને ચૂંટણી પ્રચાર કરે છે. છત્રપતિ શિવાજીનગર જિલ્લાને મરાઠાવાડાની રાજનીતીનો ગઢ ગણાય છે. શિવસેના તૂટયા પછી આ વિસ્તારના મોટા ભાગના ધારાસભ્યો એકનાથ શિંદેની સાથે રહ્યા હતા. આ ૯ બેઠકો પર મુખ્યત્વે લડાઈ શિવસેના (એકનાથ શિંદે) અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે) વચ્ચે છે.

૮૩ વર્ષના શરદ પવારે ચાલુ વરસાદે પણ સંબોધન પૂરું કર્યું

એનસીપીના સ્થાપક શરદ પવાર કોલ્હાપુર જિલ્લાના ઇચલકરંજી ખાતે ચૂંટણી સભા સંબોધી રહ્યા હતા. એ વખતે એકાએક વરસાદ શરૂ થઈ ગયો હતો છતાં ડગ્યા વગર શરદ પવારે પોતાનુ સંબોધન ચાલુ રાખ્યું હતું. પવારનો સ્ટેમિના જોઈને એમને સાંભળવા આવેલા લોકોએ તાળીઓ પાડી હતી. પવારે ૧૫ મીનીટ સુધી ચાલુ વરસાદે રેલીને સંબોધી હતી. પવારે કહ્યું હતું કે, મને વરસાદ સાથે કોઈ સંબંધ નથી આમ છતાં મારા સંબોધન વખતે જ વરસાદ ચાલુ થયો એ સારી નિશાની છે અને ચૂંટણીનું પરિણામ આપણા પક્ષની તરફેણમાં જ આવશે. કોલ્હાપુર જિલ્લામાં શરદ પવારનું વર્ચસ્વ હજી પણ અકબંધ છે. 

શિંદેની ચાલબાજી, ફડણવિસને મુખ્યમંત્રી નહી બનવા દે

મહારાષ્ટ્ર ભાજપના કેટલાક નેતાઓ ખાનગીમાં દેવેન્દ્ર ફડણવિસને મહારાષ્ટ્રના ભાવિ મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરી રહ્યા છે. મહારાષ્ટ્રના ચિત્રવિચિત્ર ચૂંટણી જંગમાં સાથી પક્ષના કેટલાક ઉમેદવારો અંદરખાનેથી એકબીજા સામે લડી રહ્યા છે. શિવસેના (એકનાથ શિંદે)ને જો ભાજપ કરતા વધુ બેઠકો મળે તો એકનાથ શિંદે કોઈપણ સંજોગોમાં ફડણવિસને મુખ્ય મંત્રી બનવા દેશે નહીં. આ માટેની તમામ તૈયારીઓ શિવસેના (એકનાથ શિંદે)એ કરી નાખી છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ્યારે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર માટે જાય છે ત્યારે દેવેન્દ્ર ફડણવિસને જીતાડવા માટે ખાસ અપીલ કરે છે. લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્ર ભાજપના નબળા દેખાવ પછી એમ મનાતું હતું કે, ફડણવિસના વળતા પાણી થયા છે. જોકે મહાયુતિની સરકાર ફરીથી બને તો ભાજપ અને શિવસેના (એકનાથ શિંદે) વચ્ચે મુખ્યમંત્રી બાબતે હૂંસાતૂંસી શરૂ થઈ જાય તો નવાઈ નહીં.

ઝાંસી મેડિકલ કોલેજ દુર્ઘટના પછી કેટલાક સળગતા સવાલો

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં મહારાણી લક્ષ્મીબાઇ મેડિકલ કોલેજના બાળ વિભાગમાં આગ લાગવાથી નવજાત બાળકોના મૃત્યુ થયા એ સમાચાર દેશ આખામાં ફરી વળ્યા છે. આવી ઘટના બને છે ત્યારે નાના અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી થાય છે અને મોટી માછલીઓ બચી જાય છે. ગુજરાતમાં રાજકોટના ટીઆરપી અગ્નીકાંડ પછી લોકોના દબાણને કારણે કેટલાક ઉચ્ચ અધિકારીઓની ધરપકડ થઈ હતી. આની સામે જ્યારે ખાનગી મિલ્કતોમાં આગ લાગે છે ત્યારે સત્તાધિશો તરત જ સક્રીય થઈને મકાન માલિક કે બિલ્ડર સામે પગલા લે છે. વડોદરામાં રીફાઇનરીમાં આગ લાગી અને કેટલીક વ્યક્તિઓના મૃત્યુ થયા એ બાબતે હજી કોઈ પણ ઉચ્ચ અધિકારી કે મંત્રીની ધરપકડ થઈ નથી. સરકારની કબજા હેઠળની મિલકતોમાં જ્યારે દુર્ઘટના બને છે ત્યારે સૌથી ઉચ્ચ સ્થાને બેઠેલી વ્યક્તિને છોડી દઈને નીચેના સ્તરની વ્યક્તિઓની સામે જ કાયદાકીય પગલા લેવામાં આવે છે.  

આદિવાસી યોજનાઓ મુદ્દે કોંગ્રેસે એનડીએ સરકાર પર પ્રહાર કર્યા

કોંગ્રેસે બિરસા મુંડાને ભારતના મહાન પુત્ર ગણાવ્યા છે. જયરામ રમેશે કટાક્ષમાં કહ્યું છે કે, 'હવે નોન બાયોલોજીકલ પ્રધાનમંત્રી બિહારના જમુઈમાં આદિવાસીઓના હિતેચ્છુ હોવાનો દેખાવ કરી રહ્યા છે. મોદીએ આજીવન આદિવાસીઓને અન્યાય કર્યો છે. નરેન્દ્ર મોદી દંભી છે. આદિવાસીઓ માટે એમણે બનાવેલી યોજના મજાક જેવી છે. ડો. મનમોહનસિંહની સરકાર હતી ત્યારે ૨૦૦૬ના વર્ષમાં વન અધિકારી અધિનિયમ (એફઆરએ) જેવો ક્રાંતિકારી કાયદો બનાવ્યો હતો. આ કાયદા હેઠળ જંગલોના અધિકાર વન વિભાગ પાસેથી લઈને સ્થાનીક ગ્રામસભાને આપવામાં આવ્યા હતા. આ એક અગત્યનો સુધારો હતો. હવે નરેન્દ્ર મોદી બીએજેજેયુ કાયદો ભૂલી ગયા છે અને નવો કાયદો બનાવવા માંગે છે.

સિદ્દીકી હત્યા કેસનો માસ્ટર માઇન્ડ શ્રદ્ધા વોલ્કરનો બદલો લેવા માંગતો હતો

મુંબઈના એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાના માસ્ટર માઇન્ડ સુભમ લોનકર બાબતે એક નવી વાત બહાર આવી છે. થોડા સમય પહેલા દિલ્હીમાં લવ જેહાદનો ભોગ બનેલી શ્રદ્ધા વોલ્કરની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર આફતાબ પુનાવાલાની હત્યા કરવા માટે સુભમે ૨૦૨૨ના વર્ષમાં શ્રદ્ધા વોકરના હત્યારાને કોર્ટની તારીખે મારવાનું આયોજન કર્યું હતું. તિહાર જેલમાં કેદ આફતાબની હત્યા કરવા માટે સુભમ લોનકરને મુંબઈથી દિલ્હી બોલાવવામાં આવ્યો હતો. સુભમે એક મહિના સુધી રેકી પણ કરી હતી. દિલ્હી પોલીસની કડક સુરક્ષાને કારણે સુભમ આફતાબની હત્યા કરી શક્યો નહોતો.

યુપીની કરહલ વિધાનસભા બેઠક પર યાદવ પરિવારનો પૂરજોશ પ્રચાર

અખિલેશ યાદવ વિધાનસભામાં કરહલની બેઠક પરથી ચૂંટાયા હતા. આ બેઠક મુલાયમ સિંહ યાદવ અને તેમના પરિવારનો ગઢ ગણાય છે. અખિલેશ કન્નૌજની બેઠક પરથી લોકસભામાં ચૂંટાયા એટલે તેમણે ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. આ બેઠક પર અખિલેશના ભત્રીજા તેજ પ્રતાપને પેટા ચૂંટણીમાં ટિકિટ મળી છે. ભાજપે તેજ પ્રતાપને હરાવવાનો પડકાર ફેંક્યો છે અને યાદવ વોટબેંકને ધ્યાનમાં રાખીને અનુજેશ યાદવ નામના યુવા નેતાને ટિકિટ આપી છે. અનુજેશ યાદવ મુલાયમ સિંહ યાદવના નાના ભાઈ અભય રામ યાદવના જમાઈ છે એટલે એક રીતે યાદવ પરિવાર વચ્ચે જ જંગ જામ્યો છે. પરિણામે ડિંપલ યાદવ, શિવપાલ યાદવ સહિત આખોય યાદવ પરિવાર તેજ પ્રતાપને જીતાડવા માટે ધુંવાધાર પ્રચાર કરે છે.

રાજસ્થાનમાં ચંબલ રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ કોંગ્રેસનો, ક્રેડિટ ભાજપને

રાજસ્થાનના કોટામાં ૧૫૦૦ કરોડના ખર્ચે કોંગ્રેસની સરકારે ચંબલ રિવરફ્રન્ટ બનાવ્યો હતો. અશોક ગેહલોતની સરકારમાં આ પ્રોજેક્ટ ખુલ્લો મૂકાયો હતો. પર્યટન સ્થળ તરીકે તેનો વિકાસ થયો હોવાથી અસંખ્ય પર્યટકો આ સ્થળે આવી રહ્યા છે. હજુય ત્યાં મોલ સહિતના અન્ય ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. રાજસ્થાન આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ ચંબલ રિવરફ્રન્ટ જોવા આવે અને તેનું માર્કેટિંગ થાય તે માટે પ્રયાસો ચાલી રહ્યા છે. એ દરમિયાન હવે એને લઈને ભાજપ-કોંગ્રેસમાં ક્રેડિટ લેવાની હોડ જામી છે. કોંગ્રેસ કહે છે કે આ પ્રોજેક્ટ તેમની સરકારમાં બન્યો હતો, એ પછી વર્તમાન ભજનલાલ શર્માની સરકારે એક વર્ષ થવા આવ્યું છતાં અટકેલા કામો પૂરા કર્યા નથી. બીજી તરફ ભાજપ કહે છે કે ભજનલાલ શર્માની સરકારે જ પર્યટકો માટે અનુકૂળ માહોલ બનાવીને ટિકિટના દર નક્કી કર્યા છે.

બિરસા મૂંડા જન્મજયંતીની ઉજવણી 

બિહારમાં, અસર ઝારખંડમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી ક્રાંતિકારી જનનાયક બિરસા મૂંડાના ૧૫૦મા જન્મવર્ષની ઉજવણી કરી હતી અને બિહારના જમુઈમાં બિરસા મૂંડાને અંજલિ આપવાની સાથોસાથ ૬૬૪૦ કરોડના આદિવાસીઓને લગતા મેગા પ્રોજેક્ટની જાહેરાતો કરી. બિહારમાં ઉજવણી અને જાહેરાત કરીને ફાયદો બિહાર ઉપરાંત ઝારખંડમાં બંનેમાં મેળવવાની ભાજપની ગણતરી છે. બિહારમાં આવતા વર્ષે ચૂંટણી થવાની છે, ત્યાં આદિવાસી વોટબેંકને પોતાની તરફ વાળવાની કોશિશ તો ખરી જ, પરંતુ ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે, બિહાર-ઝારખંડના આદિવાસીઓ સાંસ્કૃતિક રીતે કનેક્ટ છે એટલે ઝારખંડમાં પણ તેની અસર થાય એવી ભાજપની ગણતરી છે.

નવા વડાના હીઝબુલ્લાહને આધુનિક બનાવવા પ્રયાસો ઃ ડ્રોન હુમલા શરૂ

હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહ ઈઝરાયલના હુમલામાં ઠાર થયો તે પછી  હિઝબુલ્લાહે કેટલાય સમયથી ગુ્રપમાં મહત્ત્વના લીડર એવા નઈમ કાસીમને નવા વડા તરીકે પસંદ કર્યો હતો. એ છેક ૧૯૯૨થી ઉપપ્રમુખ હતો. હિઝબુલ્લાહના અગાઉના ચીફ કરતા કાસીમ વધારે ટેકનોસેવી છે. તેણે સંગઠનને આધુનિક બનાવવાનું બીડું ઝડપ્યું છે. એ પ્રમુખ બન્યો તે સાથે જ પહેલી વખત ઈઝરાયલ પર હિઝબુલ્લાહે ડ્રોન હુમલા કર્યા હતા. ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂના ઘર પર ડ્રોન હુમલા કરીને હિઝબુલ્લાહે નેતાન્યાહૂને બંકરમાં છુપાઈ જવા મજબૂર કરી દીધા એ પાછળ કાસીમનો વ્યૂહ જવાબદાર હતો. હિઝબુલ્લાહને ઓળખનારા કહે છે કે અગાઉના લીડર્સ કરતાં કાસીમ વધારે ખતરનાક છે.  આતંકી સંગઠન માટે ફંડ લાવી આપવામાં તે માહેર ગણાય છે.

રશિયામાં કપલની પહેલી ડેટનો ખર્ચ પુતિન ઉઠાવશે

રશિયામાં જન્મદર ખૂબ જ ઓછો થઈ રહ્યો હોવાથી પુતિને રશિયન નાગરિકોને બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહન આપ્યું છે. રશિયામાં સેક્સ મંત્રાલય શરૂ કરવાની વાતો ચાલી રહી છે. આ મંત્રાલય રાતે અમુક કલાકો લાઈટ બંધ રાખશે, ટેલિવિઝન પ્રસારણ અને મોબાઈલમાં ઈન્ટરનેટ પણ નહીં આપે, તેનાથી દંપતી વચ્ચે મોબાઈલના કારણે વધી રહેલું શારીરિક અંતર ઘટાડવાનો પુતિનનો ઈરાદો છે. હવે પુતિનની સરકારે એવો સંકેત આપ્યો છે કે જે કપલ એકબીજાને સમજવા માગે છે અને એના માટે ડેટ પર જવાનું પસંદ કરશે, તેમની પહેલી ડેટનો ખર્ચ સરકાર ઉપાડશે. હોટેલમાં રહેવા-જમવાની સુવિધા આપવાની વિચારણા ચાલે છે અને પ્રેગનેન્સીની સ્થિતિમાં બંનેને ઈન્સેન્ટિવ પણ આપવાની યોજના છે.

- ઈન્દર સાહની


Google NewsGoogle News