Get The App

દિલ્હીની વાત : આપનું સિંગલ એન્જિન V/s ભાજપનું ડબલ એન્જિન, 10 વર્ષમાં કોણ આગળ

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
દિલ્હીની વાત : આપનું સિંગલ એન્જિન V/s ભાજપનું ડબલ એન્જિન, 10 વર્ષમાં કોણ આગળ 1 - image


નવીદિલ્હી : રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ હંમેશા પ્રચાર કરે છે કે કેન્દ્રમાં ભાજપની સરકાર હોવાથી મતદારો જો રાજ્યમાં પણ ભાજપ સરકાર ચૂંટે તો એમને બેવડો લાભ મળી શકે. કેન્દ્ર અને રાજ્યમાં એક જ પક્ષની સરકારને ભાજપ ડબલ એન્જિન સરકાર કહે છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા અને ત્યારે દિલ્હીમાં આપની સરકાર સત્તા પર આવી હતી. દેશના કેટલાક રાજ્યોમાં મતદારોને ડબલ એન્જિનનો આઇડીઆ પસંદ આવી ગયો હતો. જોકે દિલ્હીના મતદારોએ ભાજપનો ડબલ એન્જિન સરકારનો દાવો વારંવાર નકારી કાઢયો છે. ભાજપ વંશવાદનો આક્ષેપ પણ આપ સામે કરી શકે એમ નથી. કેટલાક રાજકીય નીરિક્ષકો માને છે કે દિલ્હીમાં આપની સરકાર હોવાને કારણે કેન્દ્ર સરકારના મળતા કેટલાક લાભ દિલ્હીના લોકોને મળી શક્યા નથી. જોકે દિલ્હીના મતદારો આ દલિલ સાથે સહમત થતા નથી એટલે હવે જોવાનું રહે છે કે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં ડબલ એન્જિન ફ/જ સિંગલ એન્જિનનો પ્રચાર કેટલો કામ્યાબ રહે છે. 

દેશની ચૂંટણી પદ્ધતિ ખામીયુક્ત : રાહુલ ગાંધીના ઇસી પર પ્રહાર

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી પરિણામ બાબતે રાહુલ ગાંધીએ શંકા વ્યક્ત કરી છે. રાહુલ ગાંધીએ એમ કહ્યું છે કે, ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શીતા હોવી જરૂરી છે. દેશમાં ચૂંટણીઓ યોગ્ય રીતે થતી નથી અને એ ગંભીર સમસ્યા છે. ગાંધીના કહેવા પ્રમાણે ચૂંટણી કમિશનર મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરનારાઓના નામ અને સરનામા પણ આપી રહ્યા નથી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'મહારાષ્ટ્રની ચૂંટણીમાં ઘણું ખોટુ થયુ છે. ચૂંટણી કમિશનરની કામગીરીથી અમને સંતોષ નથી. મહારાષ્ટ્રમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના વચ્ચેના સમયગાળામાં કઈ રીતે એક કરોડ નવા મતદારો ઉભા થઈ ગયા? આવું કયાં કારણસર થયું એનો જવાબ આપવાની જવાબદારી ચૂંટણી કમિશનરની છે.'

ભ્રામક જાહેરાતો બાબતે સુપ્રીમે રાજ્યોને ચેતવણી આપી

ભ્રામક જાહેરાતો અને સારવારના ખોટા દાવાઓ બાબતે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. રાજ્ય સરકારો ભ્રામક જાહેરખબરો અને સારવારના ખોટા દાવાઓ સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ જઈ રહી છે. આ બાબતે સુપ્રિમ કોર્ટે હવે કડક વલણ અપનાવ્યું છે. જે રાજ્યો આ બાબતે યોગ્ય પગલા નથી લેતા એમની સામે કોર્ટના અપમાનની કાર્યવાહી પણ કરવામાં આવશે. આ સાથે જ કોર્ટે આઇએમએના ભૂતપૂર્વ પ્રમુખ આરવી અશોકનને રાહત પણ આપી છે. એક મુલાકાતમાં આરવી અશોકનને સુપ્રિમ કોર્ટ બાબતે કેટલીક ટિપ્પણીઓ કરી હતી. આ ટિપ્પણીઓને લઈને અશોકન સામે કોર્ટના અનાદરની કાર્યવાહી ચાલી હતી. જોકે અશોકનને માફી માંગી લેતા કોર્ટે એમને રાહત આપી છે. એલોપથીને ટાર્ગેટ કરીને ભ્રમીત જાહેરખબરો આપનારાઓ સામે પગલાં લેવા માટે આઇએમએએ અરજી દાખલ કરી હતી.

સૈફ અલી ખાન પર હુમલો, સુપ્રિયા સુલેએ મુખ્યમંત્રી પર નિશાન સાધ્યું

એનસીપી (શરદ પવાર)ના નેતા સુપ્રિયા સુલેએ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલાની ટીકા કરી છે. સૈફ અલી ખાનના ઘરે હુમલાખોર આસાનીથી પહોંચી ગયો હતો અને ત્યાર પછી ઘરમાં પણ પ્રવેશ્યો હતો. આ બાબત ખૂબ જ ગંભીર છે. સૈફના પત્ની કરીના કપૂર અને સુપ્રિયા સુલે અંગત મિત્રો છે. સુલેએ પૂણે ખાતે પત્રકારોની હાજરીમાં કરીનાની બહેન કરીશ્મા કપૂરને ફોન કર્યો હતો. આ જ બાબતે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓએ રાજ્યની કાયદો વ્યવસ્થાની બગડેલી સ્થિતિ માટે મહાયુતિ સરકારને જવાબદાર ગણાવી હતી. કોંગ્રેસના નેતાઓના કહેવા પ્રમાણે અધિકારીઓ પર શાસક પક્ષના નેતાઓ દબાણ લાવીને દખલ કરે છે. ગૃહમંત્રી અને રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યા છે. પોલીસ ખાતામાં રાજકીય હસ્તક્ષેપ બંધ થવો જોઈએ.

ચૂંટણી પ્રચારમાં એઆઇનો ઉપયોગ જવાબદારીપૂર્વક થવો જોઈએ :ઈસી 

દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે દિલ્હીમાં તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર માટે આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો ઉપયોગ કર્યો છે. કેટલીક વખત સામેના પક્ષના ઉમેદવારની બદનામી કરવા માટે પણ એઆઇનો ઉપયોગ થાય છે. આ બાબતે ચૂંટણી કમિશને તમામ રાજકીય પક્ષોને સલાહ આપી છે કે ચૂંટણી પ્રચારમાં એઆઇનો ઉપયોગ જવાબદારી અને પારદર્શીતા સાથે કરવામાં આવે. રાજકીય પક્ષો પ્રચાર કરે છે એ પ્રચારના પુરાવા પણ એમની પાસે હોવા જોઈએ. કોઈપણ રાજકીય પક્ષ એઆઇ દ્વારા કોઈ ફોટો, વિડિયો કે અન્ય સામગ્રીનો ઉપયોગ કરે તો એનો મૂળ સ્ત્રોત જણાવવાની તૈયારી હોવી જોઈએ. જો રાજકીય પક્ષોએ આવા પ્રચાર માટે સિન્થેટીક કન્ટેન્ટનો ઉપયોગ કર્યો હોય તો એ બાબતે પણ એમણે ખુલાસો કરવો જોઈએ.

'તમે દિવસે સપના જુઓ છો', સાઈકલ ટ્રેકની અરજી મુદ્દે સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે એમ પૂછયું છે કે, શું સરકારી પૈસાનો ઉપયોગ ગરીબો માટે ઘર બનાવવા અને ગરીબોના આરોગ્ય અને શિક્ષણની સુવિધા પૂરી પાડવા માટે થવો જોઈએ કે સાઇકલ ટ્રેક બનાવવા માટે. દેશ આખામાં વિવિધ સાયકલ ટ્રેક બનાવવાની અરજીને સુપ્રિમ કોર્ટ સાભળી રહી હતી. જસ્ટીસ અભય એસ ઓકા અને જસ્ટીસ ઉજ્જલ ભૂણીયાની બેન્ચે કહ્યું હતું કે, દેશ આખામાં વિકાસ એક સરખો નથી. બેન્ચે અરજદારોના વકીલને પૂછયું હતું કે, 'અમને કહો કે, સરકારી પૈસાનો ઉપયોગ ગરીબોના ઘર બનાવવા અને શિક્ષણની સુવિધા વધારવા માટે કરવો જોઈએ કે સાઇકલ ટ્રેક બનાવવા કરવો જોઈએ. તમામ શહેરોમાં ગરીબો માટે રહેઠાણની સગવડ નથી. લોકો ઝુપડપટ્ટીમાં રહે છે. તમે દિવસે સપના જુઓ છો.'

એમપીમાં જિલ્લા ભાજપ અધ્યક્ષોની નિમણૂક, સિંધિયાનો દબદબો વધ્યો

મધ્યપ્રદેશમાં ભાજપે ૪૭ જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરી હતી. અસંખ્ય ઉમેદવારોએ જિલ્લા સંગઠનના ઉમેદવારો બનવા માટે રસ બતાવ્યો હતો. એમાં દિવસો સુધી લોબિંગ ચાલ્યું હતું. યુવા નેતાઓએ પોત-પોતાનું લોબિંગ કર્યું હતું. એમાંથી આખરે ૪૭ નામો પસંદ થયા હતા. આ પસંદગીમાં એવી ચર્ચા ચાલી રહી છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાની ભલામણ બહુ ચાલી છે. સિંધિયાના સમર્થનથી કેટલાય પ્રમુખો પસંદ થયા છે. તેનાથી સિંધિયાનો રાજ્યના સંગઠન પર દબદબો વધશે. એક સમયે કોંગ્રેસના વફાદાર ગણાતા સિંધિયા જ્યારથી ભાજપમાં આવ્યા છે ત્યારથી તેમનું સતત મહત્ત્વ વધી રહ્યું છે. ભાજપ હાઈકમાન્ડ સિંધિયાના કામથી ખુશ છે.

અખિલેશની ગંગામાં ડૂબકી, યુપીના રાજકારણમાં વમળો સર્જાયા

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કુંભમેળામાં જઈને ગંગામાં ડૂબકી લગાવી છે. અત્યાર સુધી ભાજપના નેતાઓ અખિલેશને ચેલેન્જ આપતા હતા કે કુંભમેળામાં આવીને ડૂબકી લગાવે. સપાએ તેનો કોઈ શાબ્દિક જવાબ આપ્યો ન હતો. હવે અખિલેશે ગંગામાં ડૂબકી લગાવતો ફોટો શેર કરીને આખા સમીકરણો બદલી નાખ્યા છે. મકરસંક્રાંતિએ અખિલેશે સ્નાન કર્યું હતું, પરંતુ એનો ફોટો બે દિવસ પછી શેર કર્યો હતો. અત્યાર સુધી અખિલેશની એ મુદ્દે ટીકા કરતા ભાજપના નેતાઓ હવે શું બોલવું એની દ્વિધામાં છે. બીજી તરફ અખાડાના ઘણાં સાધુઓએ આ બાબતે અખિલેશની પ્રશંસા કરી છે. અખિલેશનું ગંગા સ્નાન મિલ્કીપુરની પેટાચૂંટણીમાં સપાને ફાયદો કરાવશે એવી વાતો પણ થઈ રહી છે.

રાહુલ બિહારની મુલાકાત કરશે, એકલા ચૂંટણી લડવાની વિચારણા

બિહાર વિધાનસભાની ચૂંટણીને હજુ ઘણી વાર છે, પરંતુ તેની કવાયત અત્યારથી જ તેજ થઈ ગઈ છે. એક તરફ લાલુ પ્રસાદ યાદવ ગઠબંધનનું સુકાન મમતા બેનર્જીને સોંપવાની હિમાયત કરી ચૂક્યા છે. બીજી તરફ તેજસ્વી યાદવ એવુંય કહી ચૂક્યા છે કે ગઠબંધન લોકસભાની ચૂંટણી માટે થયું હતું. એ પછી ગઠબંધન અંગે ફેરવિચારણા શક્ય છે. ત્રીજી તરફ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં તેજસ્વી કેજરીવાલને સમર્થન આપી રહ્યા છે. આવી સ્થતિમાં રાહુલ ગાંધી બે દિવસ પછી બિહારમાં સંવિધાનયાત્રા ભાગરૂપે પહોંચવાના છે. તે પહેલાં બિહાર કોંગ્રેસ યુનિટના નેતાઓએ એવી હિન્ટ આપી હતી કે કોંગ્રેસ એકલા ચૂંટણી લડવાનું વિચારી શકે. બિહાર કોંગ્રેસના નેતાઓ રાહુલને એ વાત સમજવવાની કોશિશ કરશે કે ગઠબંધનથી કોંગ્રેસને સરવાળે નુકસાન થશે. એકલા ચૂંટણી લડવાની પાર્ટીને વધુ ફાયદો મળશે.

હરિયાણાના ભાજપ પ્રમુખ સામે પાર્ટી યોગ્ય પગલાં ભરશે : અનિલ વીજ

હરિયાણાના ભાજપના પ્રમુખ મોહનલાલ બડોલી સામે રેપનો આરોપ લાગ્યો છે. એ પછી હરિયાણાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. એક તરફ વિપક્ષ ભાજપ પ્રમુખના રાજીનામાની માગણી કરીને ભાજપને ઘેરી રહ્યો છે. બીજી તરફ પાર્ટીમાંથી જ પ્રમુખ સામે વિરોધમાં સૂર ઉઠતો જાય છે. એની શરૂઆત કરી છે હરિયાણાના મંત્રી અનિલ વીજે. એક નિવેદનમાં અનિલ વીજે કહ્યું હતું કે આ બહુ જ સંગીન આરોપ છે. તેથી પાર્ટી યોગ્ય પગલાં ભરશે એની પાક્કી ખાતરી છે. આવું કહીને અનિલ વીજે હરિયાણા ભાજપના પ્રમુખ સામે જ પગલાં ભરવા માટે હાઈકમાન્ડને આડકતરી રજૂઆત કરી છે. વીજનું આ નિવેદન કેટલાય ભાજપના જ નેતાઓનો પડઘો છે એમ કહેવાય છે. મોહનલાલ ભડોલીએ નૈતિક રીતે પદ છોડવું જોઈએ એવું માનનારો ભાજપમાં જ એક મોટો વર્ગ છે.


Google NewsGoogle News