દિલ્હીની દુર્ઘટના બાબતે ખડગેના પ્રહાર, સત્ય છૂપાવવાનો પ્રયત્ન શરમજનક
નવીદિલ્હી: નવી દિલ્હી રેલવે સ્ટેશન ખાતે થયેલી ભાગદોડને કારણે થયેલા મૃત્યુ બાબતે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ સરકાર પર પ્રહાર કર્યા છે. એમણે કહ્યું છે કે, મોદી સરકાર સત્ય છૂપાવવાની કોશીષ કરે છે. રેલવે સ્ટેશન પણ ઘણા લોકોના મૃત્યુ થયા એ ખૂબ દુઃખદ છે. સ્ટેશનની ઘટના બાબતે બનેલા વિડીયો જોતા એમ લાગે છે કે સરકાર સાચા આંકડા જાહેર કરતી નથી. સરકારે ગુમ થયેલા લોકો તેમજ મૃતકોના સાચા આંકડા જાહેર કરવા જોઈએ. જે લોકો ઘાયલ થયા છે એમને સમયસર સારવાર પણ મળી નથી.
રેલવેના સત્તાધિશોની ભારે બેદરકારી, ભીડ બાબતે અંધારામાં રહ્યા
દિલ્હી રેલવે સ્ટેશન પર શનીવારે રાત્રે થયેલી ભાગદોડ માટે અધિકારીઓની બેદરકારી જવાબદાર છે. ઘટના પછી કલાકો સુધી અધિકારીઓ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. કેટલી વ્યક્તિઓના મૃત્યુ થયા છે તેમજ કેટલા ઘાયલ થયા છે એની જાણકારી પણ આપવામાં આવી નહોતી. હંમેશની જેમ ઘટનાની તપાસ માટે ટીમ બનાવી દેવામાં આવી છે. પ્રયાગરાજ જતી બે ટ્રેનો રદ થવાથી પ્લેટફોર્મ નંબર ૧૪ પર ટ્રેનની રાહ જોતા હજારો યાત્રીઓ વ્યથિત થઈ ગયા હતા. જ્યારે એક ટ્રેન આવી ત્યારે ધક્કામુક્કી ચાલુ થઈ ગઈ. પ્લેટફોર્મ પર આવતા લોકોને અટકાવવા માટે કોઈ પ્રયત્ન કરવામાં આવ્યા નહોતા.
કુંભમાં વીઆઇપીનો પણ રેકોર્ડ, પ્રોટોકોલ મેળવવા માટે સતત રજૂઆત
આ વખતે મહાકુંભમાં વીઆઇપીઓનો પણ રેકોર્ડ બન્યો છે. અત્યાર સુધીમાં ચાર હજાર પ્રોટોકોલ જાહેર કરવામાં આવ્યા છે. મહાકુંભમાં રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ભૂતાન નરેશ, કેટલાક રાજ્યોના મુખ્યમંત્રી, રાજ્યપાલ અને જાણીતા ઉદ્યોગપતિઓએ મેળાની મુલાકાત લીધી છે. જે રીતે શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે એ જોતા લાગે છે કે, શિવરાત્રી સુધીમાં મેળાની મુલાકાત લેનારાઓની સંખ્યા ૬૫ કરોડ કરતા વધી જશે. હવેના દિવસોમાં ફિલ્મસ્ટાર્સ, ક્રિકેટરો અને બીજી જાણીતી વ્યક્તિઓ પણ મહાકુંભમાં સ્નાન કરવા આવી રહ્યા છે. વીઆઇપીઓ જ્યારે કુંભમેળાની મુલાકાતે આવે છે ત્યારે સ્થાનીક અધિકારીઓ માટે ભીડને કાબુમાં કરવાનું મુશ્કેલ બની જાય છે.
જેલમાં બંધ આરોપીઓના કેસની ત્વરીત સુનાવણી જરૂરી : સુપ્રીમ
સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, લાંબા સમય સુધી કેસ લંબાવાને કારણે આરોપીઓ જેલમાં રહે તો એ ફક્ત એમની સાથે અન્યાય નથી, પરંતુ પીડિતો માટે પણ ખોટું છે. આટલું જ નહીં, પરંતુ ભારતીય સમાજ અને આપણા ન્યાયતંત્રની વિશ્વસનીયતા માટે પણ ખોટું છે. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, લાંબા સમય સુધી ચાલતા કેસો અને જામીન બાબતે પણ યોગ્ય વિચાર કરવાનો સમય આવી ગયો છે. જસ્ટીસ જે. બી. પારડીવાલા અને જસ્ટીસ આર મહાદેવનની બેન્ચે ૨૦૨૦ની ૨૪મી માર્ચે નક્ષલી સામગ્રી લઈ જવાના આરોપીઓને જામીન આપી દીધા છે. જામીન આપતી વખતે સુપ્રિમ કોર્ટે ટીપ્પણી કરી છે કે, ટ્રાયલ કોર્ટ અને સરકારે સાક્ષીઓના નિવેદનો તાત્કાલીક લેવા જોઈએ. આ કેસમાં ૧૦૦ જેટલા સાક્ષીઓની યાદી બાબતે પણ સુપ્રિમ કોર્ટે પ્રશ્નો કર્યા હતા.
આતંકવાદી તહવ્વુર રાણા માટે મુંબઈ જેલમાં તૈયારી શરૂ
મુંબઈ પરના આતંકવાદી હુમલાના એક મુખ્ય આરોપીને અમેરીકાથી ભારત લાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાણાને મુંબઈની જેલમાં રાખવામાં આવશે. રાણા સામે કાર્યવાહીની તૈયારીઓ ચાલી રહી છે. આ બાબતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મીટીંગ કરી હતી. ફડણવીશનું કહેવું છે કે, જે રીતે કસાબને રાખવામાં આવ્યો હતો એ જ રીતે રાણાને પણ રાખવામાં આવશે અને એની સામેની કાયદાકીય કાર્યવાહી રાજ્યના સિનિયર વકીલો કરશે. રાણા પર જેલમાં હુમલો નહીં થાય એ માટે તેને અલગ સેલમાં રાખવામાં આવશે. કદાચ પહેલી વખત એવું બનશે કે, અમેરીકાએ પ્રત્યાર્પણ કરેલા આરોપીને ફાંસીના માચડે લટકાવવામાં આવશે. મુંબઈ હુમલાના બીજા એક આરોપી અબુ જિન્દાલને ભારત લાવવો બાકી છે. અબુ જિન્દાલ પાકિસ્તાનમાં હોવાનું મનાય છે.
જાતી અને ધર્મના આધારે વકીલોમાં ભેદભાવ કરી શકાય નહીંઃ સુપ્રીમ
વકીલ યુનિયનની ચૂંટણીમાં જાતી અને ધર્મને આધારે અનામત બેઠકો રાખવાનો સુપ્રિમ કોર્ટે ઇન્કાર કર્યો છે. બેંગલુરુ વકીલ સંઘની ચૂંટણીમાં એનજીઓ એડવોકેટ્સ ફોર સોશિયલ જસ્ટીસ તરફથી દાખલ કરવામાં આવેલી એક અરજીને ન્યાયાધીશ સુર્યકાંત અને ન્યાયાધીશ એન કોટીશ્વર સિંહ સાભળી રહ્યા હતા. કોર્ટે ટીપ્પણી કરી હતી કે વકીલોને જાતીને આધારે અમે વહેંચી શકીએ નહીં. આ મુદ્દે કોઈ રાજકારણ કરવું અયોગ્ય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ એક સંવેદનશીલ મુદ્દો છે. મહીલાઓ માટે અનામત રાખવી એ અલગ વાત હતી. કોઈપણ પ્રકારની યોગ્ય આંકડાકીય માહિતી વગર કોઈ નિર્ણય લેવો જોઈએ નહીં.
દિલ્હીના સીએમ માટે ભાજપ અવઢવમાં, વિલંબ સામે કોંગ્રેસના સવાલ
ભાજપે દિલ્હીના નવા મુખ્ય મંત્રી નક્કી કરવાની પ્રક્રિયા તરીકે નવા ચૂંટાયેલા વિધાનસભ્યો સાથે ચર્ચા કરવા નિરીક્ષકોની નિમણૂક કરી છે. નિરીક્ષકોએ કેન્દ્ર અને નવા ચૂંટાયેલા ૪૮ વિધાનસભ્યો વચ્ચે મધ્યસ્થી બનવાનું રહેશે. દિલ્હી ભાજપના ચીફ વિરેન્દ્ર સચદેવાએ જણાવ્યું કે ભાજપ મુખ્ય મંત્રીની પસંદગી માટે લોકશાહી પ્રક્રિયાનું પાલન કરશે. દરમ્યાન દિલ્હી કોંગ્રેસ પ્રમુખ દેવેન્દર યાદવે નવા મુખ્ય મંત્રીની પસંદગીમાં થઈ રહેલા વિલંબ સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે આ વિલંબ માટે ભાજપમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણને જવાબદાર ગણાવી છે. તેમણે આરોપ લગાવ્યો કે પરિણામને એક અઠવાડિયુ વીતી ગયું હોવા છતાં નવા સીએમની જાહેરાત ન થવાની બાબત સાબિત કરે છે કે ભાજપને શાસનની પરવા નથી.
થરૂરે મોદીની પ્રશંસા માટે થઈ રહેલી ટીકાનો પ્રતિસાદ આપ્યો
કોંગ્રેસી સાંસદ શશી થરૂરે પીએમ મોદીની અમેરિકી મુલાકાત માટે કરેલી પ્રશંસા બાબતે થઈ રહેલી તેમની ટીકાનો જવાબ આપતા કહ્યું કે હું છેલ્લા સોળ વર્ષથી રાજકરણમાં છું અને મારો અભિગમ એવો છે કે સરકાર સારા કામ કરે તો તેની ટીકા નહિ પણ પ્રશંસા કરવી જોઈએ. હું કાયમ ટીકા અથવા કાયમ પ્રશંસા કર્યા કરીશ તો મારી વાત પ્રત્યે કોઈ ધ્યાન નહિ આપે. આથી લોકશાહીમાં સરકારની ખોટી નીતિની ટીકા કરીએ તો સારી વાતની પ્રશંસા પણ કરવી જરૂરી છે.
આપને વધુ એક ઝટકો, એમસીડીમાં પણ બહુમતિ ગુમાવી
આમ આદમી પાર્ટીએ શનિવારે દિલ્હી મહાપાલિકા (એમસીડી)માં તેના ત્રણ પાર્ષદો ભાજપમાં જોડાતા બહુમતિ ગુમાવી હતી. ભાજપે જણાવ્યું કે વિધાનસભામાં આપના પરાજય પછી હવે લોકો ટ્રિપલ એન્જિનની સરકારની અપેક્ષા રાખતા થયા છે. આપના નગરસેવકોની સંખ્યા ૧૩૪માંથી ઘટીને ૧૧૪ થઈ છે જ્યારે ભાજપના નગરસેવકોની સંખ્યા ૧૦૪થી વધીને ૧૧૬ થઈ છે. કોંગ્રેસની સંખ્યા આઠ છે જ્યારે બાર બેઠક ખાલી છે.