દિલ્હીની વાત : મહારાષ્ટ્ર ભાજપના ઘણાં નેતાઓએ 'બટેંગે તો કટેંગે' સૂત્રથી અંતર રાખ્યું
નવીદિલ્હી : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 'બટેંગે તો કટેંગે' સૂત્રને પ્રચલિત કર્યું હતું. હરિયાણા વિધાનસભાની ચૂંટણી જીતવામાં આ સૂત્રને કારણે ભાજપને મોટો ફાયદો થયો હતો. આરએસએસએ પણ આ સૂત્રને સમર્થન આપ્યું છે. જોકે મહારાષ્ટ્રમાં આ સૂત્ર સામે ભાજપના જ બે સિનિયર નેતાઓએ વિરોધ નોંધાવ્યો છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હમણાના રાજ્યસભા સાંસદ અશોક ચૌહાણ તેમ જ વિધાન પરીષદના સભ્ય પંકજા મુંડેએ પોતાના પ્રચારમાં અને મત વિસ્તારમાં આ સૂત્રથી દુર રહેવાનું પસંદ કર્યું છે. આ પહેલાં એનસીપી (અજીત પવાર)ના પ્રમુખ અજીત પવારે પણ આ સ્લોગનનો વિરોધ કર્યો હતો.
વિદર્ભમાં મહાવિકાસ અઘાડી લોકસભાના પરિણામોનું પુનરાવર્તન કરવા પ્રયત્નશીલ
મહારાષ્ટ્રમાં વિદર્ભ વિસ્તારની ૬૨ બેઠકોમાંથી ૩૬ બેઠકો પર કોંગ્રેેસ અને ભાજપ વચ્ચે સીધી લડાઈ છે. છેલ્લી લોકસભાની ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીએ વિદર્ભ વિસ્તારમાં વધારે સારો દેખાવ કર્યો હતો. બીજી તરફ મહાયુતિ અને ખાસ કરીને ભાજપ ૨૦૧૪ જેવી સફળતા મેળવવા માટે પ્રયત્ન કરે છે. લોકસભાની ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીએ બંધારણ બચાવોનું સૂત્ર આપીને સફળતા પ્રાપ્ત કરી હતી. ભાજપ આ વિસ્તારમાં બટેંગે તો કટેંગેનું સૂત્ર ગજવીને વિજય મેળવવા માંગે છે. વિદર્ભમાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે સીધી ટક્કર હોવાથી રાજકીય નીરીક્ષકો અહીંની બેઠકો પર ખાસ ધ્યાન રાખી રહ્યા છે. વિદર્ભ મતવિસ્તાર ર્કોંગ્રેસનો ગઢ રહ્યો છે.
ઓડિશમાં ભાજપના ધારાસભ્યની ધરપકડ કરવા બીજેડીની માંગણી
ઓડિસામાં બીજુ જનતા દળ (બીજેડી)એ ભાજપના ધારાસભ્ય જયનારાયણ મિશ્રાની તાત્કાલીક ધરપકડ કરવાની માંગણી કરી છે. મીશ્રાની આગોતરા જામીન અરજી સુપ્રિમ કોર્ટે નકારી કાઢી છે. મીશ્રાની સામે મારામારી કરી અને ધમકી આપવાનો કેસ દાખલ થયો છે. બીજેડીના પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સુલતા દેવે માંગણી કરી છે કે સુપ્રિમ કોર્ટના નિર્ણય પછી હવે પોલીસે મીશ્રાની ધરપકડ કરીને ઉચ્ચ પદે બેઠેલા રાજકારણીઓને સંદેશો આપવો જોઈએ. ઓડિસામાં ભાજપ સત્તા પર આવ્યું ત્યારે એમ મનાતું હતું કે, બીજેડી સાથેના એના જૂના સંબંધને કારણે બીજેડી આક્રમકતાથી વિરોધ કરશે નહીં, પરંતુ એ ધારણા ખોટી પડી છે.
કોંગ્રેસે ચૂંટણી કમિશનરને વડાપ્રધાન અને ગૃહમંત્રીની ફરિયાદ કરી
ચૂંટણી પ્રચાર દરમિયાન ખોટા, અલગતાવાદી, દુઃખદ અને વખોડવા લાયક નિવેદનો આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે ચૂંટણી કમિશનમાં ફરિયાદ દાખલ કરી છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મોદી અને શાહના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મૂકવાની માંગણી પણ કોંગ્રેસે કરી છે. મોદી અને શાહ સિવાય ભાજપના બીજા નેતાઓ પણ વિભાજનવાદી ચૂંટણી પ્રચાર કરતા હોવાનો આરોપ કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે લગાડયો છે. નાસીકમાં મોદીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જવાહરલાલ નેહરુ, ઇન્દીરા ગાંધી અને રાજીવ ગાંધી પર ખોટા આક્ષેપો મૂક્યા હતા.
કોંગ્રેસે કદી આર્ટીકલ 370 ફરીથી લાગુ કરવાની માંગણી કરી નથી
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આક્ષેપનો વિરોધ કર્યો છે. અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસ ફરીથી કાશ્મીરમાં આર્ટીકલ ૩૭૦ અમલમાં લાવવા માંગે છે. આ બાબતે ખડગેએ આક્રમક વલણ લેતા કહ્યું છે કે, અમિત શાહ જૂઠ્ઠાણા ફેલાવી રહ્યા છે. કોંગ્રેસે કદી આવી માંગણી કરી નથી. ભાજપ સમાજના ટૂકડા કરવા માટે આર્ટીકલ ૩૭૦નો મુદ્દો ઉઠાવી રહ્યો છે. અમિત શાહ અમને કહે કે કોંગ્રેસે ક્યારે અને ક્યાં આર્ટીકલ ૩૭૦ ફરીથી લાગુ કરવાની માંગણી કરી છે. સંસદે આર્ટીકલ ૩૭૦ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે તો પછી હવે કઈ રીતે ૩૭૦ પાછી લાગું કરી શકાય?
કર્ણાટકમાં સિદ્ધારામૈયાના 50 કરોડના નિવેદન પછી વિવાદ વકર્યો
કર્ણાટકના મુખ્યમંત્રી સિધ્ધારમૈયાએ થોડા દિવસો પહેલા ભાજપ પર એવો આક્ષેપ મૂક્યો હતો કે કર્ણાટકની સરકાર તોડવા માટે કોંગ્રેસના દરેક ધારાસભ્યોને ૫૦ કરોડ રૂપિયામાં ખરીદવા ભાજપએ પ્રયત્ન કર્યો હતો. આની સામે ભાજપએ સિધ્ધારામૈયાને આ આક્ષેપ સાબિત કરવા માટે કહ્યું. કર્ણાટક ભાજપના પ્રમુખ બી વાય વિજેયન્દ્રએ સિધ્ધાર મૈયાને પડકારતા ૫૦ કરોડ વાળો આક્ષેપ સાબિત કરવા કહ્યું છે. આ બાબતે સિધ્ધારામૈયાએ વિજેયન્દ્રને વળતો જવાબ આપવાની ના પાડી દીધી છે. સિધ્ધારામૈયાના બચાવમાં કર્ણાટકના મંત્રી એચ કે પાટીલે આવીને કહ્યું કે, 'અમારા મુખ્યમંત્રીને વિશ્વાસપાત્ર જાણકારી મળી હશે. બધા જાણે છે કે ભૂતકાળમાં પણ ભાજપે કેવા ધંધા કર્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપે કઈ રીતે ધારાસભ્યોને ખરીદ્યા હતા એની જાણ પણ બધાને છે.'
1300 કરોડનું ચૂંટણી ફંડ આપનાર લોટરીકીંગને ત્યાં ઇડીના દરોડા
સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડ પર પ્રતિબંધ મૂક્યો એ પહેલાં ચેન્નઇના લોટરીકીંગ સેન્ટીયાગો માર્ટીનએ દરેક રાજકીય પક્ષને મોટા પાયે ચૂંટણી ફંડ આપ્યું હતું. હવે ઇડીએ માર્ટીનના વિવિધ રાજ્યોમાં આવેલા સ્થળોએ દરોડા પાડયા છે. રાજકીય પક્ષોને ૧૩૦૦ કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ આપનાર માર્ટીન તેમ જ એમના જમાઈ આઘવ અર્જૂન તેમ જ સાથીઓના ૨૦ જેટલા સ્થળોએ તપાસ કરવામાં આવી છે. લોટરીમાં ફ્રોડ કરીને ગેરકાયદેસર વેચાણ કરવા માટે માર્ટીન સામે ઘણી એફઆઇઆર દાખલ થઈ છે. માર્ટીનનો જમાઈ ભારતીય બાસ્કેટ બોલ મહાસંઘનો પ્રમુખ છે. અત્યાર સુધીમાં સરકારે માર્ટીનની ૪૫૭ કરોડ રૂપિયાની મિલકત ટાંચમાં લીધી છે. જો માર્ટીન મોઢુ ખોલે તો ભાજપના કેટલાક ટોચના નેતાઓ સંકટમાં મુકાઈ જાય એમ છે.
મમતાદીદીના ભત્રીજા અભિષેકને ઉપ મુખ્યમંત્રી બનાવવાની માગણી
પશ્વિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા હૂમાયુ કબીરે એવી માગણી કરી છે કે જેની ચર્ચા આખાય રાજ્યમાં થઈ ગઈ છે. ટીએમસીના આ નેતાએ કહ્યું હતું કે અભિષેક બેનર્જીને રાજ્યના ઉપમુખ્યમંત્રી બનાવવા જોઈએ અને મમતાદીદી પરથી રાજ્યના રાજકાજનો થોડો ભાગ ઓછો કરીને તેમને રાષ્ટ્રીય સ્તરે રાજનીતિ કરવા માટે મોકળાશ આપવી જોઈએ. શાસકીય જવાબદારી અભિષેકને સોંપવાથી દીદી રાષ્ટ્રીય સ્તરે પાર્ટીને વધુ મજબૂત બનાવી શકશે. આ નિવેદન ચર્ચાસ્પદ એટલે બન્યું છે કે ટીએમસી ખરેખર અંદરખાને અભિષેકને મોટી જવાબદારી આપવાનું આયોજન કરે છે એટલે તેના ભાગરૂપે દાણો ચાંપી જોયો છે કે પછી રાષ્ટ્રીય સ્તરે પાર્ટીને મજબૂત બનાવવાનું કહીને મમતા દીદીને રાષ્ટ્રીય સ્તરે પ્રોજેક્ટ કરે છે. ઘણાં કહે છે કે મમતા બેનર્જી ભત્રીજાને રાજકીય વારસો આપવા માટે અત્યારથી જ તૈયાર કરે છે, જેથી ટીએમસીના નેતાઓ પણ માનસિક રીતે તૈયાર રહે.
ચંદીગઢ મુદ્દે હરિયાણા અને પંજાબ ભાજપના નેતાઓ જ સામ-સામે
ચંદીગઢ કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને પંજાબ-હરિયાણાની સંયુક્ત રાજધાની છે. ચંદીગઢનો ૪૦ ટકા જેટલા હિસ્સામાં હરિયાણા પાણી-પૂરવઠો વગેરે સપ્લાય કરે છે. બાકીના ૬૦ ટકા હિસ્સામાં પંજાબ બધી સામગ્રી પહોંચાડે છે. સંયુક્ત કેપિટલને લઈને વિવાદ શરૂ થયો છે. હરિયાણાની સરકારે ચંદીગઢમાં નવા વિધાનસભા ભવન માટે ૧૦ એકર જમીન આપવાની જાહેરાત કરી છે. તેની સામે પંજાબની આમ આદમી પાર્ટીએ તો વિરોધ નોંધાવ્યો જ છે, અકાલી દળ અને કોંગ્રેસે પણ હરિયાણા ભાજપ સરકારના આ પગલાની ટીકા કરી છે અને શહેર બંને રાજ્યોનું હોવાથી આ પ્રકારની ફાળવણી કરવી ન જોઈએ એમ કહ્યં છે. રસપ્રદ વાત એ છે કે પંજાબના ભાજપના નેતાઓ જ હરિયાણા ભાજપ સરકારના નિર્ણયનો વિરોધ કરે છે. પંજાબ ભાજપના પ્રમુખ સુનિલ જાખડે કહ્યું કે હરિયાણાને ચંદીગઢમાં જમીન આપવાના પ્રશ્ને પંજાબના લોકો નારાજ થયા છે. વડાપ્રધાન આમાં હસ્તક્ષેપ કરીને યોગ્ય ઉકેલ આપે. આ પોસ્ટ પછી હરિયાણા ભાજપના નેતાઓ પણ પોતાનો નિર્ણય યોગ્ય હોવાનો બચાવ કરવા સોશિયલ મીડિયામાં ઉતર્યા છે.
દિલ્હીમાં પ્રદૂષણના કારણે ભાજપની પરિવર્તન યાત્રા ડીલે
ભાજપે દિલ્હી વિધાનસભા માટે અત્યારથી જ તૈયારી આદરી દીધી છે. કેજરીવાલ સરકારના ૧૦ વર્ષ પછી હવે ભાજપને એન્ટિ ઈન્કમબન્સીનો લાભ મળવાની આશા છે. કેજરીવાલની સરકાર સામે પાણી અને પ્રદૂષણના મુદ્દે લોકરોષ પણ થોડો જોવા મળી રહ્યો છે તેનો મેક્સિમમ ફાયદો ઉઠાવવા માટે ભાજપ સક્રિય છે, ભાજપે દિલ્હીમાં પરિવર્તન યાત્રાનું પ્લાનિેગ કર્યું છે, પરંતુ વાયુ પ્રદૂષણ ખૂબ વધી જતાં યાત્રાને પાછળ ઠેલવી પડી છે.
ભાજપના બે દિગ્ગજ દિવંગત નેતાઓની દીકરીઓ કેમ નારાજ
ભાજપમાં એક સમયે પ્રમોદ મહાજન અને ગોપીનાથ મુંડેનો દબદબો હતો. પ્રમોદ મહાજન તો અટલ બિહારી વાજપેયી અને અડવાણી બંનેના માનીતા હતા. તેમની ૨૦૦૬માં હત્યા થઈ ગઈ. ગોપીનાથ મુંડેને પણ મહારાષ્ટ્ર ભાજપમાં મોટું નામ ગણાતું. ૨૦૧૪માં કેન્દ્રીય મંત્રી બન્યા હતા ને એ જ વર્ષે માર્ગ અકસ્માતમાં તેમનું નિધન થયું હતું. આ બંનેની દીકરીઓ - પૂનમ મહાજન અને પંકજા મૂંડે રાજકારણમાં સક્રિય છે. છેલ્લાં થોડા સમયથી બંનેને પાર્ટીમાં જોઈએ એવું મહત્ત્વ મળતું ન હોવાથી તેમના સમર્થકો નારાજ છે. પૂનમ મહાજને પિતાની હત્યાની ફરીથી તપાસ કરવાની માગણી કરીને સૌને ચોંકાવી દીધા. તો પંકજાએ મહારાષ્ટ્રમાં પાર્ટીના પ્રચાર સામે જ સવાલો ઉઠાવ્યા. તેમણે એક નિવેદનમાં કહ્યું કે રાજ્યમાં બટેંગે તો કટેંગે જેવા સૂત્રની જરૂર નથી. મહાજન અને મૂંડેના સમર્થકોમાં ચર્ચા છે કે આ બંનેને સાઈડલાઈન કરાઈ હોવાથી તેઓ પાર્ટીથી નારાજ છે.
મસ્કે મેલોનીની તરફેણ કરતા ઈટાલીમાં રાજકીય ગરમાવો
ઈટાલીના પી.એમ. જ્યોર્જિયા મેલોની સાથે ગાઢ દોસ્તી કરવા વિશ્વના ઘણા નેતાઓ પ્રયત્નો કરે છે, પરંતુ ઈલોન મસ્ક અને જ્યોર્જિયા મેલોનીની દોસ્તી હમણાં હમણાંથી ચર્ચામાં રહે છે. અગાઉ મસ્ક-મેલોની ડીનર કરતા હોય તે વખતની તેમની કેમેસ્ટ્રી ચર્ચાસ્પદ બની હતી. મેલોની-મસ્કના ફોટો વાયરલ થતા રહે છે. ટ્રમ્પનું સમર્થન કરનારા મસ્કનો હવે અમેરિકામાં દબદબો વધ્યો છે. બરાબર એવા સમયે મેલોનીના એક નિર્ણયની મસ્કે તરફેણ કરી તેનાથી ઈટાલીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વાત એમ છે કે ઈટાલીના પીએમ મેલોનીએ એક નવી પૉલિસી બનાવી. એ પ્રમાણે શરણાર્થીઓ દેશમાં ઘૂસે છે તેને યુરોપના અલ્બાનિયા સ્થિત ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવાની જોગવાઈ કરી હતી. એની પર ઈટાલીની કોર્ટે સ્ટે મૂકી દીધો. મસ્કે મેલોનીના નિર્ણયને યોગ્ય ગણાવીને ઈટાલીની કોર્ટની ટીકા કરી, તેનાથી ઈટાલીના રાજકારણીઓ અકળાયા છે.
- ઈન્દર સાહની