દિલ્હીની વાત : દિલ્હી ચૂંટણીના પરિણામો ઇન્ડિયા બ્લોકનું ભવિષ્ય નક્કી કરશે
નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી પહેલાં બહુ અપેક્ષા સાથે જોડાયેલા વિરોધપક્ષોનું ગઠબંધન હવે તૂટવાના કિનારે છે. રાજકીય નીરિક્ષકો માને છે કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો ઇન્ડિયા ગઠબંધનનું ભવિષ્ય નક્કી કરશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો ત્રિપાંખ્યો જંગ કોંગ્રેસ અને આપ ખુબ જ આક્રમકતાથી લડી રહ્યા છે. થોડા દિવસોથી ચૂંટણી પ્રચારમાં રાહુલ ગાંધી પણ અરવિંદ કેજરીવાલ પર આક્રમક પ્રહારો કરી રહ્યા છે. સામે કેજરીવાલ પણ રાહુલ ગાંધીને વળતા જવાબ આપી રહ્યા છે. ગાંધી અને કેજરીવાલ વચ્ચેની કડવાશ વધી રહી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જો ભાજપનો વિજયી થાય તો જ આપ અને કોંગ્રેસ વચ્ચે જોડાણ શક્ય બનશે. જો આપ કે કોંગ્રેસ વિજયી થશે તો હારેલો પક્ષ બદલો લેવા માટે બીજી ચૂંટણીઓમાં પણ જોડાણ કરશે નહીં.
ઇન્ડિયા ગઠબંધન ટકાવવાની જવાબદારી કોંગ્રેસની સંજય રાઉત
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જોડાણ થયું નહીં એનાથી શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ સંજય રાઉત નારાજ છે. રાઉતનું માનવું છે કે, શિવસેના જ્યારે એનડીએ સાથે જોડાણમાં હતી ત્યારે મોટા પક્ષ ભાજપની જવાબદારી ગઠબંધનના સાથી પક્ષોને સાચવવાની હતી. એ જ રીતે ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ હોવાથી બાકીના પક્ષોને સાચવવાની જવાબદારી કોંગ્રેસની છે. મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીઓમાં તો કાર્યકરોના દબાણને કારણે બીજા પક્ષ સાથે જોડાણ કરવું શક્ય નથી, પરંતુ શિવસેનાની ઇચ્છા છે કે વિધાનસભા અને લોકસભાની દરેક ચૂંટણી માટે ઇન્ડિયા ગઠબંધનના પક્ષો એક થઈને ભાજપ સામે લડે. રાજકીય નીરિક્ષકો જોકે માની રહ્યા છે કે સંજય રાઉતની વાત ઇન્ડિયા ગઠબંધનના બાકીના પક્ષો માનવાના નથી. કારણ કે, દરેક પક્ષ પોતપોતાની રીતે પોતાને વધુ શક્તિશાળી માને છે.
મોદી સરકારની આર્થિક નીતિ પર ખડગેના પ્રહારો
ડોલરની સામે રૂપિયો જે રીતે નીચે ઉતરી રહ્યો છે એને કારણે કોંગ્રેસ મોદી સરકારની સતત ટીકા કરી રહી છે. રૂપિયાની ઘટતી કિંમત બાબતે પહેલા પ્રિયંકા ગાંધીએ અને ત્યાર પછી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ કેન્દ્ર સરકાર પર આક્ષેપો કર્યા છે. ખડગેએ કહ્યું હતું કે, મોદી સરકારની વિનાસકારી નીતિઓને કારણે દેશની અર્થવ્યવસ્થા બગડી રહી છે. વધતી મોંઘવારીથી લોકો તકલીફમાં છે. લોકોનું જીવવું અઘરું થયું છે. ખડગેએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, મોદી સરકાર દિવસે દિવસે નબળી પડી રહી છે. રૂપિયાની વેલ્યુ તૂટતી અટકાવવા માટે સરકાર કંઈ કરી રહી નથી. ડોલરની કિંમત ૮૬.૫૦ રૂપિયા જેટલી થઈ ગઈ છે. રૂપિયાના અવમૂલ્યનથી નિકાસ કરનારા ઉદ્યોગગૃહો તકલીફમાં મૂકાયા છે.
નવી દિલ્હીની બેઠક જીતનાર પક્ષની દિલ્હીમાં સરકાર બને છે
નવી દિલ્હી વિધાનસભાની બેઠક દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચીત રહી છે. આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચૂંટણી લડી રહ્યા છે. એમની સામે ભાજપ અને કોંગ્રેસે ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રોને ટિકિટ આપીને મુકાબલો રોચક બનાવી દીધો છે. એક જમાનામાં નવી દિલ્હીની બેઠક ભૂતપૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનો ગઢ ગણાતી હતી. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસે કેજરીવાલ સામે શીલા દીક્ષિતના બોલકા પુત્ર સંદીપ દીક્ષિતને ટિકિટ આપી છે. બીજી તરફ ભાજપએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર પરવેશ સાહિબ સિંહને ટિકિટ આપી છે. દિલ્હી વિધાનસભાના નિર્માણ પછી ૧૯૯૩માં પહેલીવાર ચૂંટણી થઈ ત્યારે નવી દિલ્હી નામની કોઈ બેઠક હતી નહીં. એ વખતે નવી દિલ્હી ગોલ માર્કેટ વિધાનસભા સીટનો હિસ્સો હતી. ૨૦૦૮થી નવી દિલ્હી બેઠક પરથી સ્વતંત્ર રીતે વિધાનસભાની ચૂંટણી લડાય છે. આ બેઠક પર ત્રણ વાર કોંગ્રેસ અને ત્રણ વાર આપનો વિજય થયો છે. ભાજપનો ઉમેદવાર અહીંથી એક વાર જીત્યા છે.
ચૂંટણી સમયે કેજરીવાલ સામે ઇડીને કાર્યવાહીની ગૃહમંત્રાલયની પરવાનગી
લિકર કૌભાંડ બાબતે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ઇડી તપાસ કરી રહી છે. હવે ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રાલયે અરવિંદ કેજરીવાલ સામે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો હતો કે કેજરીવાલ સામે કેસ ચલાવવા માટે સરકારની મંજૂરી લેવામાં આવે. લિકર કૌભાંડમાં ઇડીએ અરવિંદ કેજરીવાલને માસ્ટર માઇન્ડ ગણાવ્યા હતા. આ જ કેસમાં કેજરીવાલ હમણા જામીન પર છૂટયા છે. જો આપ ચૂંટણી જીતી જાય તો પણ જામીનની શરતોને કારણે કેજરીવાલ ફરીથી મુખ્યમંત્રી બની શકે એમ નથી. વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે આ નિર્ણયને કારણે કેજરીવાલની ઇમેજ ખરડાઇ શકે એમ છે અને મતદારોને પણ પ્રભાવિત કરી શકે એમ છે.
બાંગ્લાદેશના સંકટનો લાભ ભારતના કાપડ ઉદ્યોગને મળી શકે
છેલ્લા કેટલાક મહિલાઓથી પડોશી બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા ચાલી રહી છે. બાંગ્લાદેશનો કાપડ ઉદ્યોગ પણ સંકટમાં છે. ભારત આ પરિસ્થિતિનો લાભ ઉઠાવવા માટે દેશના કાપડ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવાનું વિચારી રહ્યું છે. દિલ્હીમાં થતી ચર્ચા પ્રમાણે આવતા બજેટમાં કપડા મંત્રાલય ૧૫ ટકા સુધી બજેટમાં વધારો કરી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે બાંગ્લાદેશથી ઘટી ગયેલી નિકાસને કારણે વિશ્વના કેટલાક દેશો હવે ભારતના નિકાસકારો પાસેથી કાપડ અને તૈયાર કપડાની આયાત કરવાનું વિચારી રહ્યા છે. ભારતના નિકાસકારોને મળતા ઓર્ડરમાં વધારો થઈ શકે એમ છે. અમેરિકાની કેટલીક કંપનીઓએ પણ ભારતના નિકાસકારોને મોટા પ્રમાણમાં ઓર્ડર આપ્યા છે. ભારતનો કપડા ઉદ્યોગ આશરે ૪.૫ કરોડ લોકોને રોજગારી આપે છે, ત્યારે બાંગ્લાદેશનું સંકટ ભારત માટે ફાયદાનો સોદો બની શકે એમ છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસ અને શિવસેનાની સામ સામી નિવેદનબાજી
શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ સંજય રાઉત દરરોજ નીતનવા નિવેદનો આપતા રહે છે. કેટલીક બાબતે તેઓ સાથીપક્ષ કોંગ્રેસની ટીકા પણ કરે છે. આ બાબતે જ્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેને પૂછવામાં આવ્યું ત્યારે નાના પટોલેએ ટોણો માર્યો હતો કે, સંજય રાઉત જેવાના નિવેદનોનો જવાબ આપવાનું કોંગ્રેસને યોગ્ય લાગતું નથી. પટોલેએ કહ્યું કે અમારા માટે રાઉતની અગત્યતા કોઈ નથી. સંજય રાઉતે એવું કહ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે) એકલે હાથે ઝુકાવશે અને મહાવિકાસ અઘાડીના બીજા પક્ષ સાથે ગઠબંધન કરશે નહીં. રાઉતના આ નિવેદનને કારણે પટોલે અકળાઈ ગયા હતા. વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ રાઉત અને પટોલે વચ્ચે સંવાદીતા જોવા મળી નહોતી અને બંનેએ એકબીજા પર આક્ષેપો કર્યા હતા.
લાલુનું ચિરાગના કાકા પશુપતિ પારસને ઈન્ડિયામાં જોડાવા આમંત્રણ
બિહારમાં મકરસંક્રાંતિના દિવસે પરંપરાગત રીતે દહીં-ચૂડાના ભોજનનું આયોજન થતું હોય છે. નેતાઓ એવા આયોજનો ગોઠવીને રાજકીય સમીકરણો સેટ કરતા હોય છે. ચિરાગ પાસવાનના કાકા પશુપતિ પારસે દહીં-ચૂડાના ભોજનનું આયોજન કર્યું એમાં નીતિશ કુમારથી લઈને લાલુ પ્રસાદ યાદવ સુધીના નેતાઓને આમંત્રણ આપ્યું હતું. નીતિશ કુમાર ન આવ્યા, પરંતુ લાલુ હાજર રહ્યા. બંનેએ ખાનગીમાં ઘણી વાતો કરી એના પરથી હાજર રહેનારા લોકોએ એવો અંદાજ લગાવ્યો કે લાલુએ પશુપતિ પારસને ઈન્ડિયા ગઠબંધનમાં જોડાઈ જવા માટે મનાવ્યા છે. પશુપતિ પારસ એનડીએમાં હતા, પરંતુ ઘણાં વખતથી તેમને સાઈડલાઈન કરી દેવાયા હોવાથી નારાજ છે.
મિલ્કીપુરમાં ભાજપે સર્વેના પરિણામ પરથી યુવા ચહેરા પર વિશ્વાસ મૂક્યો
મિલ્કીપુરમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. મિલ્કીપુરમાં સપાના ધારાસભ્ય અવધેશ પ્રસાદ અયોધ્યાથી સાંસદ બની જતાં આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. સમાજવાદી પાર્ટીએ અવધેશ પ્રસાદના દીકરા અજીત પ્રસાદને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે સપાના ઉમેદવારને ટેકો આપ્યો છે. પરિણામે ભાજપ-સપા વચ્ચે સીધો જંગ ખેલાશે. ભાજપે બધી અટકળો વચ્ચે ચંદ્રભાનુ પાસવાનને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે. ચંદ્રભાનુ યુવા નેતા છે. બે વખત જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. ભાજપે સંગઠનનો આંતરિક સર્વે કરાવ્યો એમાં ચંદ્રભાનુના નામને સર્વાધિક સમર્થન મળ્યું એટલે ભાજપે એ સર્વે પર ભરોસો કર્યો છે.
હરિયાણા ભાજપ પ્રમુખ મોહનલાલ અને સિંગર રોકી પર રેપનો આરોપ
હિમાચલ પ્રદેશ પોલીસે હરિયાણા ભાજપના પ્રમુખ મોહનલાલ બડોલી સામે રેપની ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે. એક મહિલાએ આરોપ લગાવ્યો કે હિમાચલ પ્રદેશમાં કસૌલીની એક હોટલમાં તે ભાજપના પ્રમુખ મોહનલાલ બડોલી અને સિંગર રોકીને મળી હતી. એ બંનેએ મહિલાને ફિલ્મમાં હીરોઈન બનવવાનો અને સરકારી નોકરી આપવાનો વાયદો કર્યો હતો અને પછી શરાબ પીવડાવીને ગેંગરેપ કર્યો હતો. ગત ૧૩મી ડિસેમ્બરે કસૌલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. તેની તપાસ હવે શરૂ થતાં આખો મામલો સામે આવ્યો છે. આ ઘટના બાદ હરિયાણામાં આપ અને કોંગ્રેસે ભાજપના નેતાની ટીકા કરી છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે અને હરિયાણામાં ભાજપની. એટલે આ મુદ્દો આગામી દિવસોમાં રાજકીય તુલ પકડશે એ નક્કી છે.
પૂર્વ આરટીઓ કોન્સ્ટબલના કારણે મધ્યપ્રદેશની સરકાર ભીંસમાં
૧૯મી ડિસેમ્બરે ભોપાલની બહાર આવેલા મેંડોરી ગામમાં એક એસયુવી કારમાંથી ૧૦ કરોડ રૂપિયાની રકમ મળી. આવકવેરા વિભાગે આ રકમ જપ્ત કરીને તપાસ હાથ ધરી તો એ રકમ પૂર્વ આરટીઓ કોન્સ્ટબલ સૌરભ શર્માની હોવાનો ખુલાસો થયો. સૌરભ ફરાર છે ને તપાસમાં ઈડીએ પણ ઝંપલાવ્યું છે. જોકે, આ મુદ્દે એક મહિનો થવા છતાં સૌરભ હાથ લાગ્યો નથી એટલે વિપક્ષ કોંગ્રેસે મોહન યાદવની સરકારને ઘેરી છે. કોંગ્રેસના નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે સૌરભને એટલે પકડવામાં આવતો નથી, કારણ કે એ પકડાશે તો ભાજપની સરકારના જ કેટલાય મંત્રીઓ સુધી આ કૌભાંડનો રેલો પહોંચશે.
-ઈન્દર સાહની