Get The App

ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી કેમ ઘોચમાં પડી

Updated: Feb 15th, 2025


Google NewsGoogle News
ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી કેમ ઘોચમાં પડી 1 - image


નવીદિલ્હી: દર થોડા દિવસોએ દિલ્હીમાં ચર્ચા થાય છે કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાનો  કાર્યકાળ પુરો થયો હોવા છતાં ભાજપ શા માટે નવા રાષ્ટ્રીય પ્રમુખની નિમણૂક કરતો નથી. હવે નવી વાત એ આવી છે કે, હોળી પછી કદાચ ભાજપ અને સંઘના નેતાઓ ભેગા મળીને નવા પ્રમુખની પસંદગી કરે. ભાજપની ટોચની નેતાગીરીએ નવા પક્ષ પ્રમુખ તરીકે કેટલાક નામો સૂચવ્યા હતા, પરંતુ આરએસએસના વડાઓને આ યાદી પસંદ આવી નહોતી. હમણા જ્યારે આરએસએસના વડા મોહન ભાગવત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે સંબંધ તંગ છે ત્યારે બંને એવા પ્રયત્ન કરી રહ્યા છે કે, પોતાની પસંદગીની વ્યક્તિ પક્ષ પ્રમુખ બને. ભાજપના કેટલાક નેતાઓનું માનવું છે કે, ભાજપ દક્ષિણ ભારતમાં પગપેસારો કરવા માંગતો હોય નવા પક્ષપ્રમુખ દક્ષિણ ભારતના હોવા જોઈએ. હવે જોવાનું રહે છે કે, સંઘ અને ભાજપને ખેંચતાણમાં કોણ જીતે છે.

૩ મકાનો, ૩૦૦ રૂમ, ૧૫૦ કરોડનો ખર્ચઃ દિલ્હીમાં સંઘનો મહેલ

હંમેશા સાદાઇની વાત કરતાં રાષ્ટી્રય સ્વયંમ્ સેવક સંઘ (આરએસએસ)એ દિલ્હીમાં મહેલ જેવું કાર્યાલય બનાવ્યું છે. આપનાં કાર્યકરો ટોણો મારી રહ્યા છે કે, કેજરીવાલના 'શીશ મહલ'ની ટીકા કરતાં ભાજપના કાર્યકરો હવે કેમ ચૂપ છે? ઘણા સમયથી આરએસએસનું 'કેશવકુંજ' ભવન બની રહ્યું હતું. ૩.૭૫ એકર વિસ્તારમાં બનેલું આ કાર્યાલય ૧૩ માળનું છે. કાર્યાલયમાં કુલ ૩૦૦ રૂમ છે. ત્રણ મકાનોનાં નામ સાધના, પ્રેરણા અને અર્ચના છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 'કેશવકુંજ' બનાવવા ૧૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે એમ કહેવાય છે કે, ૭૫,૦૦૦ જેટલા હિન્દુવાદીઓએ આ રકમ દાનમાં આપી હતી.

ઉપ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પૈસા આપીને સન્માન કરાવ્યું

થોડા દિવસો પહેલાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેનું સન્માન શરદ પવારે કર્યું હતું. આખાબોલા અને તીખા શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ સંજય રાઉતે આ સન્માન સામે સવાલો કર્યા છે. રાઉતે પૂછયું છે ઃ ''શું તમને ખબર છે, આ સન્માન કોણે કર્યું છે? રાજકીય નેતાઓને મળતા પુરસ્કાર ક્યાં તો ખરીદાય છે, ક્યાં તો વેચાય છે.'' રાઉતની નજીકના માણસો ગપસપ કરે છે કે, શરદ પવાર હવે એકનાથ શિંદેને નજીક લાવવા માંગે છે. દેવેન્દ્ર ફડણવીશથી ખુશ નહીં હોવાથી એકનાથ શિંદે પણ આ અફવાને વેગ આપે છે. સંજય રાઉત પણ સમજે છે કે, પવાર અને શિંદે વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે.

દિલ્હીમાં પણ ભાજપ બે ઉપમુખ્યમંત્રી બનાવી શકે છે

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામોને અઠવાડિયુ થઈ ગયું હોવા છતાં ભાજપ મુખ્યમંત્રી કોને બનાવશે, એ બાબતે હજી ફોડ પડયો નથી. મંત્રી મંડળમાં કોનો સમાવેશ થશે એની ચર્ચા પણ જોરશોરથી થઈ રહી છે. એમ મનાઈ રહ્યું છે કે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની જેમ દિલ્હીમાં પણ બે ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવશે. ભાજપ, દિલ્હીને મિનિ ભારત તરીકે પ્રોજેક્ટ કરે છે. દરેક જાતિ અને ક્ષેત્રને યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહે એવા પ્રયત્નો ચાલી રહ્યા છે. મોદી સ્વદેશ પરત આવી ગયા છે એટલે કોઈ નિર્ણય લેવાશે. મુખ્યમંત્રીપદનાં દાવેદાર તરીકે અર્ધો ડઝન નેતાઓ લાઇનમાં છે. ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની જેમ દિલ્હીમાં પણ ન કલ્પેલી વ્યક્તિ મુખ્યમંત્રી બની શકે છે. એવી પણ વાત ચાલે છે કે, કદાચ મહિલા નેતાને પણ મુખ્યમંત્રી બનાવી દેવાય. પ્રવેશ વર્માનું પત્તુ છેલ્લી ઘડીએ કપાઈ જાય એવી ચર્ચા જામી છે.

નંદીગ્રામ આંદોલન સાથે જોડાયેલા જુના ૧૦ કેસ ફરીથી ચાલશે

૨૦૦૭માં ટાટાને જમીન ફાળવવાના વિરોધમાં મમતા બેનર્જીએ નંદીગ્રામ અને ખેજુરીમાં આંદોલન શરૂ કર્યું હતું. આ આંદોલન દરમિયાન ૧૦ વ્યક્તિઓની હત્યા થઈ હતી. કલકત્તા હાઇકોર્ટે આ તમામ હત્યાના કેસ ફરીથી ચલાવવાનો હુકમ કર્યો છે. મમતા બેનર્જી ત્યારે વિરોધપક્ષમાં હતા અને એમણે સામ્યવાદી સરકાર વિરુદ્ધ આંદોલન કર્યું હતું. હત્યાના આરોપીઓમાંથી મોટા ભાગના તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો છે. ૨૦૨૦ના વર્ષમાં મમતા બેનર્જીની સરકારે તમામ કેસ પાછા ખેંચ્યા હતા. ન્યાયાધિશ દેવાંગશુ બસાક અને ન્યાયાધિશ મહમ્મદ શબ્બર રસીદીની બેન્ચે આ ચૂકાદો આપ્યો છે. બેન્ચનું કહેવું છે કે, હત્યાના આરોપીઓ સામેના કેસ પાછા ખેંચી લેવાનું પગલું યોગ્ય નહોતું અને પીડિતોને ન્યાય મળે એ માટે ફરીથી કેસ ચલાવવા જરૂરી છે. જો આ પ્રકારે હિંસાના કેસો પાછા ખેંચી લેવામાં આવે તો બંધારણનું અપમાન થયેલું ગણાય.

લોકસભામાં બંગાળની મહિલાઓનો દબદબો, 11 મહિલા સાંસદ

૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં મહિલાઓની ભાગીદારીમાં એક બાબતે વધારો જોવા મળ્યો છે. કુલ ૫૪૩ સાંસદોમાંથી મહિલા સાંસદોની સંખ્યા ૭૪ છે. ચૂંટણી કમિશનના આંકડા પ્રમાણે લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાંથી સૌથી વધારે મહિલા ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે. પશ્ચિમ બંગાળથી ૧૧ મહિલા સાંસદો ચૂંટાઈને લોકસભામાં ગયા છે. પુરુષ  સાંસદોની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ સૌથી આગળ છે. ઉત્તર પ્રદેશથી ૭૩ પુરુષો સાંસદો ચૂંટાઈને ગયા છે. પશ્ચિમ બંગાળમાં લોકસભાની કુલ ૪૨ બેઠકો છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં લોકસભાની ૮૦ બેઠકો છે. મહારાષ્ટ્રમાં ૧૧૧ મહિલાઓએ લોકસભાની ચૂંટણી લડી હતી. ત્યાર પછી ઉત્તર પ્રદેશમાં ૮૦ અને તામિલનાડુમાં ૭૭ મહિલાઓએ ચૂંટણી લડી હતી. નવાઇની વાત એ છે કે, દેશની ૧૫૨ બેઠકો પર એક પણ મહિલા ઉમેદવારે ઉમેદવારી નોંધાવી નહોતી. 

દિલ્હી વિધાનસભામાં હાર પછી કોંગ્રેસ સંગઠનમાં મોટો ફેરફાર થશે

દિલ્હીમાં કારમી હાર પછી કોંગ્રેસે હવે સંગઠનમાં મોટા ફેરફારો કરવાનું નક્કી કર્યું છે. ૨૦૨૯ની લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે અત્યારથી જ તૈયારી શરૂ કરી છે. આ વર્ષના અંતમાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે જ્યારે આવતા વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. સમગ્ર દેશમાં કોંગ્રેસ નબળા સંગઠનને કારણે ચૂંટણીઓ હારી રહી છે. થોડા દિવસ પહેલા કોંગ્રેસની કોર કમીટી મળી હતી અને એવો નિર્ણય લેવાયો છે કે હવે સંગઠનમાં દલિત, મુસ્લિમ, ઓબીસી અને મહિલાઓને વધુ પ્રાધાન્ય આપવું.

સિનિયર સિટિજન્સ માટે મહાકુંભનો સમય વધારવા અખિલેશની માગ

અખિલેશ યાદવે યોગી સરકાર પાસે એવી માગણી કરી લીધી છે કે તેનો સરકાર પાસે હા કે નામાં જવાબ નથી. અખિલેશ યાદવે અચાનક સૌને ચોંકાવી દેતું નિવેદન આપ્યું છે કે યુપીની સરકાર કુંભમેળાનો સમય વધારે. કારણ કે ૭૦-૭૫ વર્ષના વયોવૃદ્ધો સ્નાન કરી શક્યા નથી. ખાસ તેમના માટે કુંભમેળાનો સમય વધારવો જોઈએ. આ માગણી પાછળ ઐતિહાસિક તથ્ય ટાંકીને અખિલેશે દાવો કર્યો કે પ્રાચીન ગ્રંથોમાં નોંધાયું છે એ પ્રમાણે સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં કુંભમેળો ૭૫ દિવસ ચાલતો હતો. આ માગણી સપાની સોફ્ટ હિન્દુત્વ તરફની ઈમેજ તરફ ઈશારો કરે છે.

પ્રગતિ યાત્રા રદ્ કરીને નીતિશ કુમારના બે દિવસ દિલ્હીમાં ધામા

બિહારના સીએમ નીતિશ કુમાર પ્રગતિ  યાત્રા કરીને બિહારના જુદા જુદા વિસ્તારમાં પોતાની સરકારના કામનો પ્રચાર કરી રહ્યા છે. તેમની ૧૭મી ફેબુ્રઆરીએ આવી જ એક પ્રગતિ યાત્રા હતી, પરંતુ તેમણે અચાનક એ રદ્ કરી દીધી છે. એના બદલે બે દિવસ દિલ્હીના પ્રવાસે આવ્યા છે. સત્તાવાર રીતે ખાસ કશું કહેવાયું નથી, પરંતુ નીતિશ કુમાર રૂટિન ચેકઅપ ઉપરાંત પીએમ મોદીને મળશે. બજેટમાં બિહારને જે ફાળવણી થઈ તેનો આભાર માનવા નીતિશ આવી રહ્યા છે. પીએમ ૨૪મીએ ભાગલપુર જવાના છે. ત્યાં પીએમ બિહારને જે બધું મળ્યું છે એની ક્રેડિટ મેળવે એ પહેલાં પીએમને મળીને નીતિશ બિહારવાસઓને એવો મેસેજ આપવા માગે છે કે તેમની માગણીથી આ બધું મળ્યું એટલે આભાર માનવા ગયા હતા.

સૌર ઉર્જાને સ્વીકારતા ભારતીયો પાસેથી શીખો : યુએન ક્લાઈમેટ વડા

સંયુક્ત રાષ્ટ્રસંઘના ક્લાઈમેટ પ્રોગ્રામના પ્રમુખ સાઈમન સ્ટીલે ભારતીયોના સૌર ઉર્જાને સ્વીકારવાના વલણની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ભારત એક વિકસતું અર્થતંત્ર છે. ક્લીન એનર્જીના ક્ષેત્રમાં ભારત મહાશક્તિ બનવા તરફ આગળ વધી રહ્યું છે. ઘણાં દેશો ક્લીન એનર્જીની માત્ર વાતો કરે છે, પરંતુ ભારતે જનભાગીદારીથી એ વિચારને સાર્થક બનાવ્યો છે. એક કાર્યક્રમ માટે ભારત આવેલા સાઈમન સ્ટીલે કહ્યું કે ભારતીયોએ સૌર ઉર્જાના વિચારને જે રીતે અપનાવ્યો છે એ પ્રશંસનીય છે. ગામડાંના લોકો પણ સૌર ઉર્જાને સ્વીકારી રહ્યા છે એટલે ભારત માટે લાંબાંગાળે આ ખૂબ ફાયદાકારક સાબિત થવાનું છે.

દિલ્હી સીએમઓનું એક્સ એકાઉન્ટ કેજરીવાલના નામે કરાયાનો આરોપ

દિલ્હી ભાજપના પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ એવો આરોપ લગાવ્યો છે કે દિલ્હીના સીએમ હતાં ત્યારે આતિશીએ દિલ્હી સીએમઓનું સત્તાવાર એક્સ (ટ્વિટર) એકાઉન્ટ્સનો દુરુપયોગ કર્યો છે. એનું નામ બદલીને અરવિંદ કેજરીવાલ એટ વર્ક કરાયું હતું. આ સરકારી પ્રોપર્ટીનો દુરુપયોગ ગણાય. ઉપરાજ્યપાલ વીકે સક્સેનાને લેખિતમાં ભાજપ અધ્યક્ષે ફરિયાદ કરી છે અને આની તપાસ કરવાની પણ માગણી ઉઠી છે. આતિશીએ આ આરોપને નકારતા કહ્યું હતું કે એક્સની પોતાની પૉલિસી છે. જો એવું થયું હોય તો કંપનીની પૉલિસી જ એ પ્રકારનું કરવા દેતી નથી. આ આરોપો પાયાવિહોણા છે. આ ઘટના પછી દિલ્હીના લોકોએ સોશિયલ મિડીયામાં લખ્યું કે ભાજપ-આપને લડવા માટે અનેક કારણો મળી રહે છે. હવે આપ વિપક્ષમાં હશે એટલે આવી લડાઈ સતત ચાલુ રહેવાની છે.

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન બાદ એડમિનિસ્ટ્રેશન બદલવા માગણી

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની કેટલાય સમયથી કૂર્કી ગુ્રપની ડિમાન્ડ હતી. આખરે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છે. કૂર્કી ગુ્રપે આ નિર્ણયનું સ્વાગત કર્યું છે, પરંતુ હજુ તેમની એક માગણી પૂરી થઈ નથી. તેમની ઘણાં સમયથી ડિમાન્ડ છે કે એડમિનિસ્ટ્રેશન બદલી નાખવામાં આવે. એટલે કે બિરેન સિંહની સરકારમાં જે અધિકારીઓ છે એમની ફેરબદલ કરવામાં આવે અને તેમના સ્થાને નવા અધિકારીઓને કામ સોંપવામાં આવે. તેમનો એવો આરોપ છે કે વર્તમાન એડમિનિસ્ટ્રેશન ભેદભાવ રાખે છે. કૂર્કી ગુ્રપને એવું લાગે છે કે રાષ્ટ્રપતિ શાસનના કારણે પરિસ્થિતિમાં થોડો ફરક પડશે, પરંતુ સરકારમાં કેટલાય સ્થાનો હજુય મૈતેઈ સમર્થક અધિકારીઓ છે. તેના બદલે તટસ્થ અધિકારીઓને પોસ્ટિંગ મળે એ આદર્શ સ્થિતિ ગણાશે.

-ઈન્દર સાહની


Google NewsGoogle News