For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : કેજરીવાલને જેલમાં સુવિધા મળતી નથી : આપ આક્રમક

Updated: Apr 16th, 2024

દિલ્હીની વાત : કેજરીવાલને જેલમાં સુવિધા મળતી નથી : આપ આક્રમક

નવી દિલ્હી : દિલ્હીના સીએમ કેજરીવાલ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મુલાકાત કરીને આરોપ લગાવ્યો કે જેલમાં કેજરીવાલને યોગ્ય સુવિધા મળતી નથી. કેજરીવાલ જેલમાં છે તે મુદ્દે આમ આદમી પાર્ટી આક્રમક પ્રચારથી સહાનુભૂતિ મેળવવા ધારે છે. જે નેતા કેજરીવાલને મળે છે તે કહે છેઃ કેજરીવાલને તેમના ખબર-અંતર પૂછીએ ત્યારે તેઓ કહે છે, મારી ચિંતા છોડો. દિલ્હીવાસીઓને બધી સુવિધા મળે છે કે નહીં એ જુઓ. તેમની ગેરહાજરીમાં દિલ્હીવાસીઓને કોઈ જ સુવિધામાં ઓછું આવવું ન જોઈએ. ભાજપ આવા નિવેદનોને નાટક ગણાવે છે. જોકે, દિલ્હીમાં ચર્ચા છે કે કેજરીવાલ જેલમાંથી પણ તેમની ચિંતા કરે છે તેની લોકોમાં અસર તો થઈ રહી છે.

કનૈયાને ટિકિટથી ઉત્તર પૂર્વ દિલ્હીની બેઠક રસપ્રદ બની

ઉત્તર-પૂર્વ દિલ્હીની બેઠક પર છેલ્લી બે ટર્મથી મનોજ તિવારી વિજેતા બને છે. મૂળ યુુપીના તિવારી લોકપ્રિય એક્ટર-સિંગર પણ છે. તેનો લાભ ચૂંટણીમાં બે વખતથી મળી રહ્યો છે. દિલ્હીની આ બેઠક પર પૂર્વાંચલની ઘણી વસતિ છે, જે નિર્ણાયક સાબિત થતી આવી છે. મનોજ તિવારીએ ૨૦૧૯માં શિલા દિક્ષિતને ૩.૬૬ લાખની લીડથી હરાવ્યા હતા, પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂકેલા શિલા દિક્ષિત તેમની રાજકીય કારકિર્દીના અંતિમ પડાવમાં હતા. આ વખતે કનૈયા કુમાર સામે તિવારીનો સીધો જંગ જામશે. કનૈયા કોંગ્રેસના યુવા આક્રમક નેતા છે. જ્ઞાાતિના સમીકરણોમાં સેટ થાય છે. આ વખતે આપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન હોવાથી મતોનું વિભાજન અટકશે. આ ફેક્ટર્સ ઉત્તર-પૂર્વ દિલ્હીની બેઠકને રસપ્રદ બનાવશે.

અરૂણ ગોવિલને સંવેદનશીલ મુદ્દે ન બોલવા તાકીદ

૩૭૦ના ટાર્ગેટને પૂરો કરવો હશે તો યુપીમાં ૨૦૧૪ જેવું પ્રદર્શન કરવું પડશે - એ વાત ભાજપ હાઈકમાન્ડ બરાબર જાણે છે. આ ચૂંટણીમાં વિપક્ષોએ ગઠબંધન કરીને વળતો પડકાર ફેંક્યો છે એટલે ભાજપે એક-એક ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને ટિકિટો આપી છે. મેરઠમાંથી રામાયણ સીરિયલના 'રામ'ને અરૂણ ગોવિલને ટિકિટ આપી છે. રામમંદિરનો મુદ્દો તાજો છે ત્યારે 'રામ'ને જીતવામાં ખાસ વાંધો નહીં આવે એવી ગણતરી છે. આવા માહોલમાં અરૂણ ગોવિલે બંધારણ બદલવાની હિમાયત કરતું નિવેદન આપ્યું તેને સપાએ મુદ્દો બનાવ્યો છે. આવા નિવેદનથી વિવાદ ન થાય તે માટે અરૂણ ગોવિલને બિનજરૂરી બાબતોમાં નિવેદન ન આપવાનો નિર્દેશ અપાયો છે.

રાજસ્થાન સીએમ માટે ગૃહ જિલ્લાની બેઠક પડકાર બની

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માના ગૃહ જિલ્લા ભરતપુરની બેઠક પર ભાજપ માટે નવો પડકાર સર્જાયો છે. નારાજ જાટ સમાજે મહાપંચાયત યોજી. ભાજપની સરકારે જાટ સમાજને અનામત ન આપી તે મુદ્દે જાટ પંચાયતે ભાજપની વિરૂદ્ધમાં પ્રસ્તાવ પાસ કર્યો અને ભાજપને મત ન આપવાની જાહેરાત કરી. કોંગ્રેસ ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત થઈ. તેનાથી કોંગ્રેસ ઉત્સાહમાં છે. ગત ચૂંટણીમાં રણજીતા કોલી ત્રણ લાખથી ચૂંટાયા હતા. આ વખતે ભાજપ-કોંગ્રેસ બંનેએ ઉમેદવાર બદલ્યા છે. ભરતપુર લોકસભા હેઠળ આવતી આઠમાંથી છ બેઠકો અત્યારે ભાજપ પાસે એટલે ભાજપ માને છે કે ખાસ વાંધો આવશે નહીં, પરંતુ જાટ સમાજે ગામડે ગામડે ઓપરેશન ગંગાજળ શરૂ કરીને ભાજપને પડકાર ફેંક્યો છે.

કર્ણાટકમાં ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓ માટે પ્રતિષ્ઠાનો જંગ

કર્ણાટકમાં ભાજપને કુલ ૨૮માંથી ૨૦ બેઠકો જીતવાની આશા છે. ગત વર્ષે થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વિજય મળ્યો હતો એટલે કોંગ્રેસ પણ લોકસભામાં એવું પરિણામ લાવવા ઉત્સુક છે. આ જંગ વચ્ચે ત્રણ મુખ્યમંત્રીઓ પ્રતિષ્ઠાની લડાઈ લડી રહ્યા છે. ભાજપે કર્ણાટકમાં જેડીએસ સાથે ગઠબંધન કરીને ત્રણ બેઠકો જેડીએસને આપી છે. એમાંથી માંડયાની બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીએ ખુદ ઝંપલાવ્યું છે. ભાજપે પણ બે પૂર્વ મુખ્યમંત્રીઓ - બસવરાજ બોમ્મઈ અને જગદીશ શેટ્ટારને ટિકિટ આપી છે. બસવરાજ હાવેરીથી લડી રહ્યા છે. જગદીશ શેટ્ટાર બેલગામથી મેદાન-એ-જંગમાં છે. ભાજપે ગણિત માંડયું છે - જીતી જાય તો બેઠકો મળશે. હારી જાય તો એકડો જ નીકળી જાય!

'એક નેતા, એક ભાષણ, એક ભોજનનું રાજકારણ'

પશ્વિમ બંગાળમાં ટીએમસીએ ગઠબંધન વગર એકલા જ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને મમતાદીદીને કુલ ૪૨માંથી ૩૫ બેઠકોનો ટાર્ગેટ રાખ્યો છે. ગત ચૂંટણીમાં ટીએમસીને ૨૨ બેઠકો મળી હતી. ભાજપે પણ ૨૫ બેઠકોનો લક્ષ્યાંક સેટ કર્યો છે. ભાજપને ૨૦૧૯માં ૧૮ બેઠકો મળી હતી. આવી સ્થિતિ વચ્ચે મમતા બેનર્જીને ભાજપ સામે ફૂડ પોલિટિક્સનો મોટો મુદ્દો મળી ગયો છે. ભાત-માછલી બંગાળીઓની પરંપરાગત ફેવરિટ ડિશ છે. ભાજપે થોડા દિવસથી ફૂડ પોલિટિક્સ હેઠળ વિપક્ષી નેતાઓના ભોજનનો મુદ્દો ઉઠાવ્યો છે. મમતા બેનર્જીએ એને બંગાળમાં રાજકીય મુદ્દો બનાવીને ઝાટકણી કાઢી હતીઃ 'ભાજપ એક નેતા, એક ભાષણ એક ભોજન લાગુ કરવા માંગે છે. ભાત-માછલી ભાજપના એજન્ડા પ્રમાણે યોગ્ય આહાર નથી.' 

ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યાએ ભીડ વચ્ચેથી ભાગવું પડયું

તેજસ્વી સૂર્યા ભાજપના સાંસદ છે અને ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. એક વીડિયો વાયરલ થયો છે. એમાં તેજસ્વી સૂર્યા જાહેરસભા છોડીને ભાગી જાય છે. એક સહકારી બેંકના ગ્રાહકો એમાં થયેલા ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવે છે અને તેજસ્વીને અણિયાળા સવાલો કરે છે. ગ્રાહકોન થયેલા નુકસાનનું બેંકે વળતર આપ્યું નથી. એ સહકારી બેંકનું સંચાલન ભાજપના નેતાઓના હાથમાં હોવાથી લોકોએ તેજસ્વીને મુદ્દે સવાલો કરીને નારાજગી વ્યક્ત કરી હતી. જનાક્રોશ બાદ તેજસ્વી સભામાંથી ચાલ્યા જાય છે. સૂર્યાના સહાયકો સભામાંથી કોર્ડન કરીને લઈ જાય છે. આ વીડિયો કર્ણાટક કોંગ્રેસે વાયરલ કર્યો છે. કોંગ્રેસે કટાક્ષ કર્યો કે લોકોની વચ્ચે જવાનો ડોળ કરતા ભાજપના નેતાઓ લોકોથી બચીને આ રીતે જતા રહે છે.

Gujarat