દિલ્હીની વાત : આસામમાં થયેલા ભ્રષ્ટાચારના 32 કિસ્સાઓની તપાસ સીબીઆઇ કરશે

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
દિલ્હીની વાત : આસામમાં થયેલા ભ્રષ્ટાચારના 32 કિસ્સાઓની તપાસ સીબીઆઇ કરશે 1 - image


નવીદિલ્હી : આસામમાં ઓનલાઇન વ્યાપારને નામે છેતરપીંડીના ૩૨ કિસ્સાઓ બન્યા છે. શરૂઆતમાં આ કિસ્સાઓની તપાસ સ્થાનિક પોલીસ કરી રહી હતી. જોકે કોઈપણ કારણસર ભાજપની કેન્દ્ર સરકારે હવે આ તપાસ સીબીઆઇને સોંપી છે. મુખ્યમંત્રી હિમંત સરમાએ તમાચો મારીને ગાલ રાતો રાખતા કહ્યું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ચર્ચા કર્યા પછી સીબીઆઇ તપાસનો નિર્ણય લેવાયો છે. જોકે રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે, કોઈપણ કારણસર હિમંત સરમા સામે ભાજપની નેતાગીરીને વાંકુ પડયું હોય એમ લાગે છે. કઠિત કૌભાંડમાં ૬૫ વ્યક્તિઓની ધરપકડ થઈ ચૂકી છે અને રાજ્યના ભાજપના નેતાઓની સંડોવણી જો બહાર આવશે તો સરમા માટે મોટી નાલેસી હશે. 

મણિપુર હિંસાની તપાસ સમિતિએ સમય મર્યાદા વધારતા ચર્ચા

મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લેતી. આ બાબતે કેન્દ્રીય ગૃહમંત્રાલયની સતત ટીકા થઈ રહી છે. મણિપુરની હિંસાની તપાસ કરવા માટે એક સમિતિ બનાવાવમાં આવી હતી. એમ મનાય છે કે, આ સમિતિએ એવી બાબતો શોધી નાંખી છે કે, કેન્દ્ર સરકારની ભારે ફજેતી થાય. ચેતી ગયેલા ગૃહમંત્રાલયે હવે સમિતિનો રીપોર્ટ જાહેર કરવાની સમય મર્યાદા વધારીને ૩૦મી નવેમ્બર કરી છે. ૨૦૨૩ની ત્રીજી જૂને આસામ હાઇકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધ્યાધિશની અધ્યક્ષતામાં કમિટિ બનાવવામાં આવી હતી. કમિટિએ રાજ્યમાં થયેલી હિંસા બાબતે ઊંડો અભ્યાસ કરીને કોમવાદી તોફાનોના કારણો શોધ્યા છે. જોકે સમય મર્યાદા વધારવાના નિર્ણયને કારણે એમ મનાય છે કે કેન્દ્ર સરકાર કંઈક છૂપાવવા માંગે છે.

આપના સિનિયર નેતાઓ એક પછી એક જેલમુક્ત થતા ભાજપ ટેન્શનમાં

લિકર કૌભાંડ મામલે ભાજપએ આમ આદમી પાર્ટીના જે સિનિયર નેતાઓને જેલમા મોકલ્યા હતા એમને સુપ્રિમ કોર્ટ તરફથી રાહત મળી રહી છે. હવે અરવિંદ કેજરીવાલને પણ જામીન મળી ગયા છે અને એ પહેલા મનિષ સિશોદિયા, સંજયસિંહ અને વિજય નાયરને પણ જામીન મળી ગયા હતા. તમામ મોટા નેતાઓ જેલ બહાર હોવાથી હવે આપનો આત્મવિશ્વાસ પણ વધી ગયો છે. દિલ્હીના લોકો પણ માની રહ્યા છે કે, લિકર કૌભાંડમાં આમ આદમી પાર્ટીના નેતાઓને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા. જેલ બહાર આવ્યા પછી આપના તમામ નેતાઓએ ભાજપ સામે બ્યૂગલ ફૂક્યું છે. કેજરીવાલ, સિશોદિયા અને સંજયસિંહની આક્રમકતાને કારણે ભાજપએ બેકફૂટ પર જવું પડયું છે. 

ડોક્ટરોની હડતાળથી મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારને બે લાખની સહાય

કોલકત્તામાં મહિલા લેડી ડોક્ટરના બળાત્કાર અને હત્યા પછી જૂનિયર ડોક્ટરો હડતાળ પર છે. સુપ્રિમ કોર્ટની સૂચનાનું પાલન પણ તેઓ નથી કરી રહ્યા. એમ મનાય છે કે મમતા બેનર્જીને રાજકીય રીતે ઘેરવા માટે જૂનિયર ડોક્ટરો કોઈક રાજકીય પક્ષનો હાથો બની રહ્યા છે. ડોક્ટરોની હડતાળને કારણે સારવાર વગર દર્દીઓ હેરાન થઈ રહ્યા છે. મમતા બેનર્જીએ હવે નક્કી કર્યું છે કે, અપૂરતી સારવારને કારણે જે દર્દીઓના મૃત્યુ થયા હશે એમના કુટુંબીઓને બે લાખ રૂપિયા સરકાર તરફથી મળશે. અત્યાર સુધીમાં ડોક્ટરોની હડતાળને કારણે ૨૯ દર્દીઓના મૃત્યુ થયા છે. બંગાળમાં હવે જૂનિયર ડોક્ટરો સામે લોકોનો ગુસ્સો વધતો જાય છે. 

કોલકાત્તામાં પ્રિન્સીપાલની સાળીના ઘરેથી ઉત્તરવહીઓ મળી

કોલકત્તામાં ડોક્ટર પર થયેલા બળાત્કાર પછી આરજી કર મેડિકલ કોલેજના ભ્રષ્ટાચારની તપાસ સીબીઆઈ અને ઇડી કરી રહી છે. પ્રિન્સીપાલ સંદીપ ઘોષના ઘરે તેમ જ બીજા કુટુંબીઓને ત્યાં પણ સીબીઆઇએ દરોડા પાડયા છે. પ્રિન્સીપાલ સંદીપ ઘોષના સાળીના ઘરેથી સીબીઆઈને પરીક્ષાની લખાયેલી ઉત્તરવહીઓ મળી આવી છે. ઇડીનું માનવું છે કે પરીક્ષા વખતે કોઈક મોટો ભ્રષ્ટાચાર થયો હશે અને મળી આવેલી ઉત્તરવહીઓ એનો પુરાવો છે. આ ઉત્તરવહીઓ સિવાય ઇડીને મોટા પ્રમાણમાં ટેન્ડરની નકલો, દસ્તાવેજો અને મિલ્કતના કાગળો મળી આવ્યા છે. હવે ફક્ત ઘોષની નહીં, પરંતુ એમના તમામ કુટુંબીઓની તપાસ પણ ઇડી કરશે.

રામવિલાસ શર્મા સાઇડ લાઇન થતાં હરિયાણા ભાજપમાં ધનાધની

હરિયાણા ભાજપના નેતાઓની ખેંચતાણ અટકવાનું નામ લેતી નથી. હરિયાણા ભાજપમાં ખૂબ સિનિયર અને તાકાતવર ગણાતા રામવિલાસ શર્માને કોઈપણ કારણવગર પક્ષ હાઇકમાન્ડે સાઇડલાઇન કરી દીધા છે. જે વખતે હરિયાણામાં બહુ ઓછા લોકો ભાજપનો ભગવો પહેરવા તૈયાર હતા ત્યારે રામવિલાસ શર્માએ એકલે હાથે મહેનત કરીને ભાજપને ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીમાં વિજય અપાવ્યો હતો. ૨૦૧૪માં રામવિલાસ શર્મા ભાજપના પ્રમુખ હતા. ભાજપની જીત શર્ર્માને કારણે મળી હતી, પરંતુ મુખ્યમંત્રી તરીકે મનોહરલાલ ખટ્ટરની નિમણૂક કરવામાં આવી હતી. આવનાર વિધાનસભાની ચૂંટણીમાં શર્માની ટિકિટ કાપી નાખવામાં આવી છે. રાજકીય નીરિક્ષકો એમ માની રહ્યા છે કે, રામવિલાસ શર્માને ભાજપએ 'અડવાણી' બનાવી દીધા છે. 

પંજાબમાં આર્થિક કટોકટીનું જોખમ : ભાજપે ભગવંત માનને ઘેર્યા

પંજાબમાં ૨.૮૨ હજાર કરોડનું કરજ હતું. બે વર્ષમાં એમાં ૮૦ હજાર કરોડનો ઉમેરો થયો છે. રેગના રિપોર્ટમાં પંજાબમાં આર્થિક કટોકટીનું જોખમ હોવાનું કહેવાયું હતું. એ પછી ભગવંત માનની સરકાર સામે મિસમેનેજમેન્ટનો મુદ્દો ઉઠયો છે. પંજાબમાં રેવેન્યૂમાં ૧૧ ટકાનો વધારો ચોક્કસ થયો છે, પરંતુ સામે ખર્ચમાં ૧૩ ટકાનો વધારો થયો છે. આ આખી સ્થિતિ પછી આપ અને ભાજપ વચ્ચે સામ-સામા આક્ષેપો શરૂ થયા છે. આપના સાંસદોએ કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી કે પંજાબના ૮૫૦૦ કરોડનું ફંડ પેન્ડિંગ છે તે તુરંત રિલીઝ કરવામાં આવે. એમાંથી ૫૬૦૦ કરોડ ગ્રામ્ય વિકાસ પાછળ ખર્ચવાના છે. બીજી તરફ ભાજપે ભગવંત માનની સરકાર સામે અણઆવડતનો આક્ષેપ કરતા કહ્યું કે આર્થિક યોજનાઓમાં ધ્યાન ન આપવાથી આ સ્થિતિ થઈ છે. ભાજપના નેતાઓ કેન્દ્રીય એજન્સીની તપાસની માંગ કરી રહ્યા છે.

સીબીઆઈ પર સુપ્રીમની ટીપ્પણી ચૂંટણીમાં મુદ્દો બનશે

સુપ્રીમ કોર્ટે કેજરીવાલને જામીન આપ્યા તે વખતે સીબીઆઈ પર જે ટીપ્પણી કરી તેનો લાભ લેવા માટે વિપક્ષે વ્યૂહ ઘડયો છે. અત્યાર સુધી રાહુલ ગાંધી સહિત તમામ વિપક્ષના નેતાઓ તપાસ એજન્સીઓના દુરુપયોગનો મુદ્દો ઉઠાવતા હતા. હવે સુપ્રીમની ટીપ્પણી પછી એ મુદ્દો ચૂંટણીમાં વધારે મુખર બનશે. ખાસ તો હરિયાણામાં કેજરીવાલ આ મુદ્દે પ્રચાર કરશે અને તેમની સામે કેવી રીતે તપાસ એજન્સીઓનો ઉપયોગ થયો તે કહેશે. એ જ વ્યૂહ ઝારખંડમાં હેમંત સોરેન ઉઠાવશે. હેમંત સોરેન જમીન કૌભાંડના આરોપમાં પાંચ મહિના જેલમાં રહી ચૂક્યા છે. વર્ષના અંતે મહારાષ્ટ્રમાં પણ ચૂંટણી થવાની છે. એમાં પણ ઉદ્ધવ ઠાકરેના વિશ્વાસુ સંજય રાઉતની ધરપકડનો મુદ્દો બનાવીને વિપક્ષ સરકારને ઘેરશે.

નોઈડાના કલેક્ટરે રાહુલ ગાંધી વિશે અશોભનીય ટીપ્પણી કરતાં વિવાદ

કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેત્રએ ઈતિહાસકાર અશોક પાંડે સાથેની વાતચીતની એક ક્લિપ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. એમાં એવી ચર્ચા થતી હતી કે ઈતિહાસ નરેન્દ્ર મોદીને કેવી રીતે યાદ રાખશે. એ સંદર્ભમાં લોકો કમેન્ટ કરતા હતા. એમાં એક કમેન્ટ નોઈડાના જિલ્લા કલેક્ટરના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી થઈ. એમાં લખાયું હતું કે તમને ઈતિહાસ કેવી રીતે યાદ રાખશે એ તમારે અને પપ્પુએ વિચારવું જોઈએ. આ પોસ્ટ વાયરલ થઈ હતી. સુપ્રિયાએ આ પોસ્ટની ટીકા કરી હતી. વિવાદ વધ્યો પછી કલેક્ટર મનિષ વર્મા વતી એવી સ્પષ્ટતા થઈ હતી કે તેમના એકાઉન્ટનો દુરુપયોગ થયો છે. આ મુદ્દે તપાસનો આદેશ અપાયો છે.

મહેબૂબાની દીકરી ઈલ્તિજા મુફ્તિની રાજકારણમાં એન્ટ્રી થશે

મહેબૂબા મુફ્તિનો રાજકીય વારસો આગળ ધપાવવા માટે મહેબૂબાએ તેમની ૩૬ વર્ષની દીકરી ઈલ્તિજા મુફ્તિને પહેલી વખત ચૂંટણી મેદાનમાં ઉતારી છે. ઈલ્તિજા મુફ્તિ પરિવારના ગઢ ગણાતા બિજબેહરા વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડશે. ચૂંટણી પ્રચારમાં મહેબૂબાની સાથે જોવા મળતી ઈલ્તિજા સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાનો વિષય છે. લોકો એના વિશે જાણવા સર્ચ કરી રહ્યા છે. તેની સંપત્તિથી લઈને તેની પર્સનલ લાઈફ વિશે જાણકારી મેળવવા  યુઝર્સ ઉત્સુક છે. ઈલ્તિજા પહેલી વખત ચૂંટણી લડશે, પરંતુ રાજકારણમાં સક્રિય તો ૨૦૧૯થી થઈ ગઈ હતી. મહેબૂબાને નજર કેદ કર્યા ત્યારથી એ નિવેદનો આપતી જોવા મળતી હતી.

- ઈન્દર સાહની


Google NewsGoogle News