દિલ્હીની વાત : હરિયાણામાં ભાજપ નેતા ઈન્દ્રજિત નવ ધારાસભ્યોના ટેકા સાથે બળવાના મૂડમાં
નવી દિલ્હી : હરિયાણા ભાજપમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. રાજ્યના ભાજપના સિનિયર નેતા રાવ ઈન્દ્રજિત સિંહ નવ ધારાસભ્યો સાથે બળવો કરવાના મૂડમાં છે એવા અહેવાલો બાદ ભાજપ હાઈકમાન્ડ દોડતું થયું છે. રાવ ઈન્દ્રજિત સિંહને રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી બનાવ્યા હતા, પરંતુ તેમને કેબિનેટ મંત્રી બનાવશે એવી અપેક્ષા હતી. ત્યારથી ભાજપથી નારાજ તો હતા જ. એ પછી હરિયાણામાં ભાજપે મુખ્યમંત્રીપદ માટે સૈનીના નામની જાહેરાત કરી ત્યારે પણ ઈન્દ્રજિતના સમર્થકોએ તેમને મુખ્યમંત્રીપદનો ચહેરો બનાવવાની માગણી કરેલી. બળવા બાબતે ખુદ ઈન્દ્રજિત તો રદિયો આપી રહ્યા છે, પરંતુ ચર્ચા એવી છે કે નવ ધારાસભ્યો ઈન્દ્રજિતને સમર્થન આપવા તૈયાર છે. બીજા ત્રણનો સંપર્ક ઈન્દ્રજિત સમર્થિત ધારાસભ્યો કરી રહ્યા છે. જો આંકડાનો ખેલ જોઈએ તો ૧૨ ધારાસભ્યો સાથે બળવો થાય તો ભાજપ ૪૮ બેઠકોમાંથી ૩૬ થઈ જાય. કોંગ્રેસ ૧૨ બળવાખોર ધારાસભ્યોને ટેકો આપે તો ૪૯ ધારાસભ્યોના સમર્થનથી ઈન્દ્રજિત મુખ્યમંત્રી બની જાય. પક્ષાંતર ધારા પ્રમાણે પણ પક્ષના ચૂંટાયેલા સભ્યોમાંથી ૧૦ ટકા પક્ષ પલટો કરે તો પણ તેમનું સભ્યપદ માન્ય રહે છે. ભાજપ-કોંગ્રેસ ઉપરાંત ત્રણ અપક્ષ ધારાસભ્યો છે અને બે લોકદળના ધારાસભ્યો પણ આ ગઠબંધનને ટેકો આપી શકે.
અનિલ વીજ નડ્ડાને મળ્યા, ડેમેજ કંટ્રોલ માટે અમિત શાહ મેદાનમાં
અનિલ વીજ હરિયાણાના ગૃહ મંત્રી રહી ચૂક્યા છે. હરિયાણામાં ભાજપ વતી સૌથી વધુ વખત ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે નિલ વીજ હવે મુખ્યમંત્રીપદ માટે દાવો કરે છે. ચૂંટણી પ્રચાર વખતે જાહેરમાં કહી ચૂક્યા હતા કે હવે આપણી મુલાકાત સીધી મુખ્યમંત્રી ભવનમાં થશે. તેમણે ફરીથી મુખ્યમંત્રી બનવા માટે દાવો કર્યો છે. દિલ્હી જઈને નડ્ડાને મળ્યા હતા. નડ્ડા અને વીજ વચ્ચે બંધબારણે બેઠક થઈ હતી. વીજને મનાવી શકાયા ન હોવાની ચર્ચા વચ્ચે અમિત શાહે ડેમેજ કંટ્રોલ કરવા કૂદવું પડયું છે. ભાજપ હાઈકમાન્ડે તાકીદની અસરથી અમિત શાહને હરિયાણાના ઓબ્ઝર્વેર બનાવ્યા છે. ૧૬મી અમિત શાહ ઓબ્ઝર્વર તરીકે હરિયાણાની મુલાકાત કરશે. હરિયાણામાં બહુમતી બેઠકો જીતી જવા છતાં ભાજપ માટે રાહ આસાન નથી. અસંતોષ વધ્યો હોવાથી જ નાયબ સિંહ સૈનીની શપધવિધિની તારીખો વારંવાર બદલવાની ફરજ પડી છે. હરિયાણામાં પણ છેલ્લી ઘડીએ નવા જૂની થાય એમ ચર્ચાય છે.
'મોહન યાદવ જ્યાં હોય ત્યાંથી હરિયાણા હાજર થાય!'
ભાજપ હાઈકમાન્ડે અમિત શાહની સાથે સાથે મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવને પણ મહત્ત્વની જવાબદારી સોંપી છે. મોહન યાદવ જ્યાં હોય ત્યાંથી હરિયાણા હાજર થાય એવો આદેશ હાઈકમાન્ડે આપ્યો છે. મોહન યાદવને કામ સોંપાયું છે ખટ્ટરને મનાવવાનું. કહેવાય છે મનોહર લાલ ખટ્ટર મુખ્યમંત્રી હતા ત્યારે ગૃહમંત્રી અનિલ વીજ સાથે વારંવાર ઘર્ષણ થતું હતું. તે વખતે હરિયાણા સરકારમાં બે ભાગ પડી ગયા હતા, પરંતુ નાયબ સિંહ સૈની કે ઈન્દ્રજિત રાવ મુખ્યમંત્રી ન બને તે માટે આ બંને એક થઈ ગયા છે. એટલે મનોહર લાલ ખટ્ટર અને અનિલ વીજ મળીને ભાજપના ધારાસભ્યોમાં બળવો ન કરાવે તે માટેનું કામ મોહન યાદવ કરશે. એ મનોહર લાલ ખટ્ટર જ હતા, જેમને ભાજપ હાઈકમાન્ડે શિવરાજ સિંહ ચૌહાણનું પત્તુ કાપવા મોકલ્યા હતા. ખટ્ટરે જ મોહન યાદવના નામની જાહેરાત કરી હતી. હવે મોહન યાદવ રિટર્ન ગિફ્ટ આપશે કે નહીં એના પર સૌની નજર છે.
હરિયાણામાં ભાજપને ભલે સફળતા મળી, મહારાષ્ટ્રમાં મુકાબલો અઘરો
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને અણધારી સફળતા મળી છે. હવે મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. હરિયાણામાં ભાજપનો મુકાબલો ફક્ત કોંગ્રેસ સામે હોવાથી ભાજપ માટે ચૂંટણીની વ્યૂહરચના બનાવવી આસાન હતી. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રના મતદારોએ મહાયુતિ સરકાર વિરૂદ્ધ મતદાન કર્યું હતું. મહારાષ્ટ્રમાં ભાજપએ કોંગ્રેસ ઉપરાંત એનસીપી (શરદ પવાર) અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે) સાથે ટક્કર લેવાની છે. ત્રણે વિરોધ પક્ષોની ભેગી શક્તિ સામે લડવું આસાન નહીં હોય. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં સાથીપક્ષો શિવસેના (એકનાથ શિંદે) અને એનસીપી (અજીત પવાર) સાથે બેઠકોની વહેંચણી પછી રાજકીય વ્યૂહરચનાનું આયોજન કરવું ભાજપ માટે અઘરું છે. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે, મહારાષ્ટ્રમાં ભાજપને સફળતા મળવી અઘરી છે.
ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણી બાબતે ભાજપમાં ટેન્શન
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની પેટા ચૂંટણીઓ યોજાવાની છે. લોકસભાની ચૂંટણીમાં નબળા દેખાવો પછી ભાજપ હાઇકમાન્ડ ઉત્તર પ્રદેશમાં ગુમાવેલી પ્રતિષ્ઠા પરત મેળવવા માટે સંગઠનના નેતાઓ સાથે મીટિંગો કરી રહી છે. એમ મનાય છે કે, કટેહરી, મઝવા, ફૂલપુર અને મિલ્કીપુર બેઠકો પર ભાજપ દલિત ઉમેદવારો ઉભા રાખશે. ભાજપની કેન્દ્રીય નેતાગીરી પેટા ચૂંટણીના પરિણામો બાબતે ભારે તણાવમાં છે. મિલ્કીપુર અને કટેહરી બેઠકો ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે. ભાજપ હાઇકમાન્ડે આ બંને બેઠક પર જીતવાની જવાબદારી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને માથે નાખી છે. ઉત્તર પ્રદેશ ભાજપમાં અંદરોઅંદર ખેંચતાણ ચાલતી હોવાથી યોગી આદિત્યનાથની લોકપ્રિયતા પણ આ બંને બેઠકો ભાજપને જીતાડી શકે કે કેમ એ શંકાસ્પદ છે.
ગદ્દારોએ અમારી સાથે નહીં, સમગ્ર મહારાષ્ટ્ર સાથે વિશ્વાસઘાત કર્યો : ઉદ્ધવ
શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રની શિંદે સરકારને ગદ્દાર ગણાવી છે. મહાવિકાસ અઘાડીએ એક દસ્તાવેજ તૈયાર કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતને ફાયદો કરાવવા માટે મહારાષ્ટ્ર સાથે દગો થયો છે. મહારાષ્ટ્રની મોટી યોજનાઓને ગુજરાત લઈ જવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે, ફક્ત એમની અને શરદ પવાર સાથે ગદ્દારી નથી થઈ, પરંતુ આખા મહારાષ્ટ્રને ઠગવામાં આવ્યું છે. એમવીએ સત્તા પર આવશે તો સરકારી અધિકારીઓની બદલીઓ રોકીને યુતિ સરકારના તમામ ગોટાળાઓની તપાસ કરવામાં આવશે. છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા કઈ રીતે તૂટી ગઈ એની તપાસ પણ એમવીએ કરશે.
રાજ્યપાલ આરીફ મોહમદ ખાન પર મુખ્યમંત્રી વિજયનનો વળતો હુમલો
કેરળના રાજ્યપાલ આરીફ મોહમદ ખાન વારંવાર મુખ્યમંત્રી પીનરઇ વિજયન સામે આક્ષેપો કરતા રહે છે. રાજ્યપાલના રવૈયાથી કંટાળેલા વિજયને હવે આરીફ ખાન પર વળતો હુમલો કરતા કહ્યું છે કે, રાજ્યપાલ કેરળ વિશે નકારાત્મક વાતો ફેલાવી રહ્યા છે. રાજ્યપાલે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ એમના પત્રનો જવાબ આપવામાં ૨૭ દિવસ મોડું કર્યું હતું. રાજ્યપાલને લખેલા પત્રમાં વિજયને કહ્યું છે કે, કેરળમાં ચાલતી દેશવિરોધી પ્રવૃત્તિ બાબતે એમણે કોઈ નિવેદન આપ્યું નથી. રાજ્યપાલે ખોટી વાતો ફેલાવીને કેરળવાસીઓને બદનામ કરવાની કોશીષ કરી છે.
મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને બિહારના રસ્તે જઈ રહ્યું છે : વિજય વડેટ્ટીવાર
મહારાષ્ટ્ર વિધાનસભાના વિરોધપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે મુંબઈની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ હોવાનો આક્ષેપ કર્યો છે. બાબા સિદ્દીકીની જે રીતે હત્યા થઈ એ બાબતે વિજય વડેટ્ટીવારેએ એવું નિવેદન આપ્યું છે કે, મહારાષ્ટ્ર પણ હવે ઉત્તર પ્રદેશ અને બિહારને રસ્તે જઈ રહ્યું છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ એવી માંગણી પણ વડેટ્ટીવારે કરી છે. છેલ્લા કેટલાક સમયથી મુંબઈમાં ગેંગવોરનું પ્રમાણ વધી રહ્યું છે. મહારાષ્ટ્રની હમણાની સરકાર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કાબુમા રાખવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. મહારાષ્ટ્રના સામાન્ય નાગરીકો પણ હવે વિજય વડેટ્ટીવારની વાત સાથે સહમત થઈ રહ્યા છે.
ગૌશાળાની સફાઈ કરવાથી કેન્સર મટે છે : યુપી મિનિસ્ટર
ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી સંજય સિંહ ગંગવારનું એક નિવેદન ભારે ચર્ચાસ્પદ બન્યું છે. મંત્રીએ પિલિભીતમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે ગૌશાળાની સફાઈ કરવાથી અને ગૌશાળાની માટીમાં સૂઈ જવાથી કેન્સર જેવા અસાધ્ય રોગ મટી જાય છે. એટલું જ નહીં, હાથથી ગાયની પીઠ પંપાળવાથી બ્લડ પ્રેશર કાબૂમાં રહે છે. કાન્હા ગૌશાળાના ઉદ્ધાટન વખતે કરેલા આ નિવેદનની સોશિયલ મીડિયામાં અસર થઈ હતી. લોકોએ આ નિવેદનને હાસ્યાસ્પદ ગણાવ્યું હતું. ઘણાંએ વ્યંગ કર્યો હતો કે ભાજપની સરકારના મંત્રીઓ ગૌમૂત્ર અને છાણથી ઈલાજની વાત કરતા કરતા હવે તો ગૌશાળામાં સૂઈ રહેવાની સલાહ આપવા માંડયા છે. અગાઉ પણ જુદા જુદા રાજ્યના ભાજપના નેતાઓ આવા નિવેદનો આપી ચૂક્યા છે.
ઉમર ઉપરાજ્યપાલ સામે માટે લડવા મારી સલાહ લે : કેજરીવાલ
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ઉમર અબ્દુલ્લાને ધ્યાનમાં રાખીને એક નિવેદન આપ્યું હતું. કેજરીવાલે કહ્યું હતું કે પૂર્ણ રાજ્ય ન હોય તેને ચલાવવાનું કામ બહુ જ કપરું છે. એમાં ઉપરાજ્યની કેન્દ્રના ઈશારે સતત દખલ રહે છે. ઉમર અબ્દુલ્લાને ઉપરાજ્યપાલની દખલગીરીથી બચવું હોય તો હું સલાહ આપીશ. જમ્મુ-કાશ્મીરમાં આમ આદમી પાર્ટીને એક બેઠકમાં વિજય મળ્યો છે. કેજરીવાલે ઉમરને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
ઝારખંડના નેતાઓની દિવાળી પછી ચૂંટણી કરાવવાની માગણી
મહારાષ્ટ્રમાં વિધાનસભાનો કાર્યકાળ ૨૬મી નવેમ્બરે પૂરો થવાનો છે. ઝારખંડમાં વિધાનસભાનો કાર્યકાળ ૫ જાન્યુઆરીએ પૂરો થશે. તે પહેલાં બંને રાજ્યોમાં ચૂંટણી કરાવવાની છે. આમ તો મહારાષ્ટ્રમાં તાકીદે ચૂંટણી કરાવવી પડે, પરંતુ ઝારખંડની ચૂંટણી માટે સમય બચ્યો છે, પણ બંનેની જાહેરાત હવે થઈ જશે. તારીખોની જાહેરાત થશે એવી અટકળો વચ્ચે ઝારખંડના નેતાઓએ રજૂઆત કરી છે કે ઝારખંડમાં દિવાળીની રજાઓ પછી ચૂંટણી કરાવો, કારણ કે ઝારખંડના કાર્યકાળને હજુ ઘણો સમય છે. જો મહારાષ્ટ્રનો કાર્યકાળ પૂરો થાય તેના મહિના અગાઉ ચૂંટણી જાહેર કરાઈ ન હોય તો ઝારખંડમાં પણ ડિસેમ્બરમાં ચૂંટણી થાય તો તહેવારોમાં લોકોએ મતદાનની દોડધામ કરવી ન પડે. ચૂંટણી પંચ આ દલીલને માન્ય રાખે એવી શક્યતા નહીંવત્ છે.
- ઈન્દર સાહની