Get The App

દિલ્હીની વાત : બંગાળમાં લોટરી ટિકિટના બહાને કરોડોનું મની લોન્ડરિંગ કૌભાંડ

Updated: Nov 15th, 2024


Google NewsGoogle News
દિલ્હીની વાત : બંગાળમાં લોટરી ટિકિટના બહાને કરોડોનું મની લોન્ડરિંગ કૌભાંડ 1 - image


નવીદિલ્હી : પશ્ચિમ બંગાળમાં લોટરીનો ધંધો કાયદેસર છે. લોટરીના ધંધાનો દુરપયોગ કરીને કેટલાક કરોડપતિ થઈ ગયા છે. હવે ઇન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ઇડી) આ મામલે પશ્ચિમ બંગાળમાં દરોડા પાડી રહી છે. પશ્ચિમ બંગાળના કેટલાક શક્તિશાળી માણસો લોટરી ટિકિટના માધ્યમથી કાળાના ધોળા કરતા હતા. પશ્ચિમ બંગાળના મોટા શહેરો તેમજ નાના નગરો સુધી આ કૌભાંડ વિસ્તર્યું છે. કલકત્તામાં આવેલા માઇકલ નગરમાં લોટરી ટિકિટ પ્રિન્ટીંગની ફેક્ટરી છે. આ ફેક્ટરીમાંથી પણ ઘણી ગેરરીતીઓ બહાર આવી છે. જો યોગ્ય તપાસ થાય તો હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવી શકે એમ છે.

વિધાનસભા પેટાચૂંટણી: બિહારમાં સૌથી ઓછુ વોટિંગ થયું

૧૦ રાજ્યોમાં ૩૧ વિધાનસભાની બેઠકો પર પેટા ચૂંટણી થઈ ગઈ છે. પેટા ચૂંટણીઓમાં ૫૦ ટકાથી લઈને ૯૦ ટકા સુધીનું મતદાન થયું છે. બિહારના મતદારોએ પેટા ચૂંટણીમાં મતદાન કરવા માટે સૌથી ઓછો રસ બતાવ્યો છે. તો મેઘાલયના પશ્ચિમી ગારો હિલ્સ જિલ્લાની બેઠક પર ૯૦.૮૪ ટકા મતદાન થયું છે. કર્ણાટકની ચન્ના પટના બેઠક પર લગભગ ૮૯ ટકા મતદાન થયું છે. રાજસ્થાનની ૭, પશ્ચિમ બંગાળની ૬, આસામની ૫, બિહારની ૪, કર્ણાટકની ૩, મધ્યપ્રદેશની ૨, છત્તીસગઢ, ગુજરાત, કેરળ અને મેઘાલયની ૧ બેઠકો પર મતદાન થયું છે. પેટાચૂંટણીના પરિણામો ૨૩મી નવેમ્બરે આવશે અને કેટલાક રાજકીય પક્ષોએ આ પેટાચૂંટણીની હારજીતને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી દીધો છે.

ભાષણ રોકીને પોલીસે ઓવૈસીને નોટિસ પકડાવી

ભાજપની બી ટીમ ગણાતા એઆઇએમઆઇએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી મહારાષ્ટ્રમાં પ્રચાર કરી રહ્યા હતા ત્યારે પોલીસે એમને નોટીસ પકડાવી દીધી છે. આ નોટીસમાં કહેવાયું છે કે ઓવૈસી પોતાના ચૂંટણી પ્રચારમાં ભડકાઉ વાત નહીં કરે. ઓવૈસી સોલાપુર વિધાનસભા વિસ્તારમાં એક રેલી સંબોધી રહ્યા હતા ત્યારે પોલીસ પહોંચી ગઈ હતી અને એમનું સંબોધન આટકાવીને એમના હાથમાં નોટીસ પકડાવી દીધી હતી. ઓવૈસી પર ભૂતકાળમાં પણ ધાર્મિક ઉશ્કેરણી ફેલાવવાનો આરોપ લાગ્યો છે. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે મુસ્લિમ મતો તોડવા માટે મહારાષ્ટ્રની મોટા ભાગની બેઠકો પર ઓવૈસીએ ઉમેદવારો ઉભા રાખ્યા છે. મહારાષ્ટ્રમાં એઆઇએમઆઇએમએ ૧૬ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ તમામ બેઠકો પર મુસ્લિમ મતદારોની ટકાવારી વધારે છે.

ભાજપ અને આપ વચ્ચે સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કબજા માટે રસાકસી

ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે દિલ્હીમાં સ્પોર્ટ્સ સ્કૂલ અને સ્પોર્ટ્સ યુનિવર્સિટી પર સત્તા માટે જંગ છેડાઈ ગયો છે. દિલ્હીના મુખ્યમંત્રી આતિસી મારલેના અને આપના નેતા મનીષ સિસોદિયાએ દિલ્હી સ્પોર્ટ્સ સ્કૂલની મુલાકાત લીધી હતી. એમણે એવું નિવેદન આપ્યું હતું આ સ્કૂલમાંથી હવે દેશના સૌથી મોટા રમતવિરો બહાર પડશે. બીજી તરફ ભાજપએ આ મામલે આપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ દર મુદ્દે લોકોને દગો આપે છે. કેજરીવાલે સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ આજ સુધી એના માટે કોઈ પ્રયત્ન કર્યો નથી. આપના મનિષ સિસોદિયા એવો દાવો કરે છે કે, એમણે દિલ્હીની શિક્ષણ વ્યવસ્થા બદલી નાખી છે. હવે તેઓ દિલ્હીની સ્પોર્ટ્સ સ્કૂલોને પણ બદલી નાખશે.

વારંવાર મોદીને પગે પડવાથી નિતિશકુમાર ટ્રોલ થયા

બિહારના રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થઈ રહી છે કે, મુખ્યમંત્રી નિતિશકુમારની કોઈ નબળી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં આવી ગઈ છે. નિતિશકુમાર જે રીતે એનડીએમાં જોડાયા અને ત્યાર પછી દરેક બાબતે ભાજપથી દબાઈને નિર્ણયો લઈ રહ્યા છે એ બાબતે પણ દિલ્હી સહિત બિહારમાં શંકાની નજરે જોવામાં આવે છે. સોશિયલ મીડિયામાં હમણા એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં દેખાઈ રહ્યું છે કે, નિતિશકુમાર છેલ્લા છ મહિના દરમિયાન જાહેરમાં પાંચ વખત નરેન્દ્ર મોદીના પગમાં પડવાની કોશિષ કરે છે અને મોદી એમને ખભેથી પકડીને ઉભા કરી દે છે. એક એવી પણ વાત થઈ રહી છે કે, કદાચ નરેન્દ્ર મોદીના હાથમાં નિતિશકુમારની કોઈ નબળી બાજુ આવી ગઈ છે, જેને કારણે નિતિશકુમાર આટલા બધા દબાઈ ગયા છે.

મનોજ બાજપેયીને જમીન આપવા સરકારે કાયદા બાજુ પર મૂક્યા

ઉત્તરાખંડમાં જમીન ખરીદવી સહેલી નથી. આમ છતા ફિલ્મ સ્ટાર મનોજ બાજપેયી માટે સરકારે તમામ નીતિનિયમો કોરાણે મૂક્યા છે. રાજ્યના મોટા નેતાની મદદથી મનોજ બાજપેયીએ મોટા પ્રમાણમાં જમીન ખરીદી હોવાનું કહેવાય છે. આ જમીન જ્યારે મનોજ બાજપેયીના નામે ટ્રાન્સફર થવાની હતી ત્યારે રજીસ્ટાર મોડે સુધી ઓફિસમાં બેઠા હતા અને તમામ કામગીરી ઝડપથી પૂરી કરી હતી. મનોજ બાજપેયીએ ૨૦૨૧માં અલ્મોડાના ટપકોટ ગામમાં જમીનની ખરીદી કરી હતી. જમીન ખરીદીનો હેતુ યોગ અને ધ્યાન કેન્દ્ર બનાવવાનો હતો. આ જમીન વિવાદાસ્પદ હોવાનું કહેવાય છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે આ જમીન ખરીદીની તપાસ થાય તો ભાજપના નેતાઓ સહિત કેટલાક અધિકારીઓ પણ તકલીફમાં મૂકાઈ શકે એમ છે.

બાબા સિદ્દીકીનો હત્યારો બેખોફ બનીને હોસ્પિટલ પણ ગયો હતો

મુંબઈ એનસીપી (અજીત પવાર)ના નેતા બાબા સિદ્દીકીની હત્યા થયા પછી જાતભાતની હકીકતો બહાર આવી રહી છે. બાબા સિદ્દીકી પર ગોળી ચલાવનાર શૂટર શિવકુમારને હવે પોલીસે પકડી પાડયો છે. શિવકુમાર દરરોજ પોલીસ સમક્ષ મોટા ખૂલાસા કરી રહ્યો છે. બાબા સિદ્દીકી પર ગોળી ચલાવ્યા પછી એમને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. શિવકુમારને ખાતરી નહોતી કે બાબા સિદ્દીકીનું મૃત્યુ થયું છે કે નહીં. શિવકુમાર બાબા સિદ્દીકીને હોસ્પિટલ લઈ જનારાઓની પાછળ લીલાવતી હોસ્પિટલ સુધી ગયો હતો અને ખાતરી કરી હતી કે બાબા સિદ્દીકીનું મૃત્યુ થઈ ગયું છે. એ વખતે ૨૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ લીલાવતી હોસ્પિટલ ખાતે હાજર હોવા છતાં શિવકુમાર બિન્ધાસ્ત રીતે લીલાવતી હોસ્પિટલમાં ફર્યો હતો.

ચંપઈ સોરેનના અપમાનનો ફેક વીડિયો વાયરલ

ઝારખંડની ચૂંટણી વચ્ચે ચંપઈ સોરેનનો એક વીડિયો વાયરલ થયો છે. એ મુદ્દે રાજકારણ ખેલાઈ રહ્યું છે. ઝારખંડ મુક્તિ મોરચા અને ગઠબંધનના કેટલાક નેતાઓ કહી રહ્યા છે કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આદિવાસી નેતા ચંપઈ સોરેનનું અપમાન કર્યું છે. એક સભામાં અમિત શાહે ત્રણ નેતાઓના નામનો ઉલ્લેખ કર્યો હતો. એમાં ચંપઈ સોરેનને માત્ર ચંપઈ કહ્યું હતું. જોકે, આ વીડિયો ફેક હોવાનું સામે આવ્યું હતું. એ સભામાં અમિત શાહે ખરેખર તો ચંપઈ જી એમ કહીને ચંપઈ સોરેનને ઝારખંડના દિગ્ગજ આદિવાસી નેતા ગણાવ્યા હતા. આ ફેક વીડિયોના કારણે ઘણાંએ એવો પ્રચાર કર્યો હતો કે કેન્દ્રીય ગૃહ મંત્રીએ આદિવાસી નેતાનું અપમાન કર્યું છે.

ચંદ્રાબાબુની સરકારે 49 જગન સમર્થક ઈન્ફ્લુએન્સરને પકડયા

આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુ અને જગન મોહન રેડ્ડી વચ્ચે રાજકીય સંઘર્ષ ખૂબ જાણીતો છે. જગન મોહન સીએમ હતા ત્યારે ચંદ્રાબાબુ અને તેમના સમર્થકોને નિશાન બનાવતા હતા. હવે ચંદ્રાબાબુ સત્તામાં આવ્યા ત્યારથી જગન મોહન અને તેમના સમર્થકોને નિશાન બનાવે છે. ચંદ્રાબાબુની સરકારે તાજેતરમાં જગન સમર્થક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સામે કાર્યવાહી કરી છે. વાંધાજનક પોસ્ટના નામે પોલીસે ૪૯ની ધરપકડ કરી છે. ૧૪૭ સામે કેસ દાખલ થયો છે. ૬૮૦ને નોટિસ પાઠવવામાં આવી છે. ચંદ્રાબાબુની સરકારનો દાવો છે કે આ એકાઉન્ટ્સ પરથી મહિલાઓનું અપમાન થાય છે. મંત્રીઓના પરિવારની મહિલાઓ વિરૂદ્ધ અભદ્ર ટીપ્પણી કરવામાં આવે છે.

હરિયાણા ભાજપના નેતા કુલદીપ બિશ્નોઈ સામે સમાજમાંથી આક્રોશ

ભાજપના નેતા કુલદીપ બિશ્નોઈના દીકરા ભવ્યનો પરંપરાગત બેઠક આદમપુરથી પરાજય થયો પછી સમાજમાં પણ કુલદીપ બિશ્નોઈનો દબદબો ઘટયો છે. બિશ્નોઈ સમાજના સંગઠનમાં કુલદીપ સામે વિરોધ ઉઠયો છે. અખિલ ભારતીય બિશ્નોઈ મહાસભામાં ભાજપના આ નેતા સંરક્ષક છે. દેવેન્દ્ર બૂડિયા નામના આગેવાન પ્રમુખ છે. આ બંનેએ એકબીજાને સંગઠનમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. તેનાથી સમાજમાં ચર્ચા જાગી છે. દેવેન્દ્ર બૂડિયાએ આરોપ મૂક્યો કે કુલદીપે ચૂંટણી વખતે ૧૦ કરોડ રૂપિયા ઉઘરાવવાનો ટાર્ગેટ આપ્યો હતો. એ પૂરો થયો નહીં એટલે અપમાનિત કર્યા.

ટ્રમ્પને ખુશ કરવા દક્ષિણ કોરિયાના પ્રમુખ ગોલ્ફ શીખી રહ્યા છે

ડોનાલ્ડ ટ્રમ્પને કળવાનું કામ અઘરું છે. ક્યારેક ટેરિફ વધારવાની જાહેરાત કરી નાખે, તો ક્યારેક અચાનક વિઝા પૉલિસી અઘરી બનાવી નાખે. ગમે ત્યારે યુદ્ધોની ધમકી આપે તો ક્યારેક સમાધાન કરવાની તૈયારી બતાવે. ટ્રમ્પનું વલણ તદ્ન અકળ રહે છે. એવા સમયે દક્ષિણ કોરિયાના પ્રમુખ યૂ સૂંક યેઓલ ગોલ્ફ રમવાનું શીખી રહ્યા છે. ગોલ્ફ ટ્રમ્પની પ્રિય રમત છે. ગોલ્ફ રમતા રમતા ટ્રમ્પ સાથે વાત થાય તો હળવાશથી ઘણા પ્રશ્નો ઉકેલી શકાય છે. દક્ષિણ કોરિયાના પ્રમુખ વતી કહેવાયું કે પ્રમુખે આઠ વર્ષ પછી ફરીથી ગોલ્ફની પ્રેક્ટિસ શરૂ કરી છે. કારણ કે ટ્રમ્પ સાથે મેચ રમવાનું પ્રમુખ આયોજન કરી રહ્યા છે.

ચીનને હવે પાકિસ્તાન લશ્કર પર ભરોસો રહ્યો નથી

ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનું કામ પાકિસ્તાનના ઘણાં શહેરોમાં ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ સામે સ્થાનિક લોકોનો પહેલેથી જ આક્રોશ છે. પરિણામે પાકિસ્તાનમાં રહેતા ચીનના કામદારો પર, એન્જિનિયરો પર હુમલા થતા રહે છે. ચીને પાકિસ્તાન આર્મીને સુરક્ષા વધારે મજબૂત બનાવવાની બે-ત્રણ વખત તાકીદ કરી પછી પણ પરિણામ મળ્યું નહીં એટલે ચીને હવે પોતાના સુરક્ષા કર્મચારીઓને પાકિસ્તાનમાં ચીની નાગરિકોની સુરક્ષા માટે તૈનાત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. પાકિસ્તાનની સરકાર જો એવી પરવાનગી આપે તો પોતાના સૈન્યનું જ નાક કપાઈ જાય. જોકે, પાકિસ્તાન ચીની સુરક્ષા કર્મચારીઓને પાકિસ્તાનમાં રહેવાની પરવાનગી ન આપે એ ભારતના પણ હિતમાં રહેશે. 

- ઈન્દર સાહની


Google NewsGoogle News