દિલ્હીની વાત : કેજરીવાલને મનાવવામાં આદિત્ય ઠાકરેને સફળતા મળવી મુશ્કેલ
નવીદિલ્હી : 'મિશન સમાધાન' માટે દિલ્હી ગયેલા આદિત્ય ઠાકરે આજકાલ ચર્ચામાં છે. એમ મનાય છે કે, દિલ્હીમાં આપની હાર પછી અને કોંગ્રેસના રીસામણા પછી કેજરીવાલ અને રાહુલ ગાંધી વચ્ચે સુલેહ કરાવવા માટે આદિત્ય ઠાકરે દિલ્હી ગયા હતા. આદિત્ય ઠાકરેએ બંને નેતાઓને મળ્યા પછી એવુ કહ્યું હતું કે, રાજકારણમાં હારજીત ચાલ્યા કરે છે, પરંતુ એને કારણે અંગત સંબંધ બગડવા જોઈએ નહીં. દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો આપ અને કોંગ્રેસ વચ્ચે કડવાશ વધી ગઈ છે. કેજરીવાલ જાણે છે કે, લાંબા સમય સુધી કોંગ્રેસ સાથે ગઠબંધન શક્ય નથી. બીજી તરફ આદિત્ય ઠાકરે હવે શરદ પવારનો રોલ ભજવવા માંગે છે. જો કેજરીવાલ અને રાહુલ ગાંધીને મનાવવામાં ઠાકરે સફળ થાય તો ઇન્ડિયા ગઠબંધનમાં એમનું કદ વધી જાય. જોકે રાજકીય નીરીક્ષકો માને છે કે, ચાલાક કેજરીવાલ આદિત્ય ઠાકરેની વાત નહીં માને અને પોતાનું ધારેલું જ કરશે.
'મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન, એક માત્ર વિકલ્પ' : રક્ષા નિષ્ણાત
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહના રાજીનામા પછી રક્ષા નિષ્ણાતો જે આગાહી કરતા હતા એ સાચી પડી રહી છે. મુખ્યમંત્રીના રાજીનામા પછી ચાર દિવસ સુધી રાજ્ય નેતૃત્વ વગરનું હતું. નિષ્ણાતોનું કહેવુ હતું કે, મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. નિવૃત્ત કર્નલ નવિંદર નારંગ એ કહ્યું કે, ''મણિપુરમાં સમાજ બે ભાગમા વહેંચાઈ ગયો છે. સુરક્ષા એજન્સીઓની થતી સતત ટીકાને કારણે એમનું મનોબળ તૂટી રહ્યુ હતું. હવે સૈન્યને છૂટ મળવાથી એમના માટે કામ કરવું સહેલું બનશે. રાષ્ટ્રપતિ શાસનને કારણે પરિસ્થિતિમાં સુધારો થશે.''
મણિપુરમાં સામાજિક માળખુ ધ્વંસ કરીને ભાજપે રાષ્ટ્રપતિ શાસન મૂક્યું
મણિપુરમાં મોડેથી લગાડવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસન બાબતે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ છેલ્લા ૨૦ મહિનાથી મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગણી કરી રહી હતી. હવે જ્યારે રાજ્યમાં સામાજિક તાણાવાળા સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયા છે ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટે કહેવુ પડયું કે, મણિપુરમાં બંધારણના ચીંથરા ઊડી ગયા છે ત્યારે કેન્દ્ર સરકારે પગલાં લીધા. છેલ્લા બે વર્ષ દરમિયાન મણિપુર ભડકે બળ્યું. સેંકડો હત્યાઓ થઈ. હજારો લોકો ઘરબાર વગરના થયા. આ અરાજકતા માટે ભાજપની સત્તા લાલસા જવાબદાર છે.
કાયદાકીય શરતોના આધારે મની લોન્ડ્રીંગમાં જામીન આપી શકાય : સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, મની લોન્ડ્રીંગ કેસના આરોપીની જામીન અરજી પર નિર્ણય લેતા પહેલાં પીએમએલએ કાયદાની બેવડી શરતો પર ધ્યાન આપવું જરૂરી છે. ગુનાની ગંભીરતા અને પીએમએલએની કલમ ૪૫ પર વિચાર કર્યા વગર મની લોન્ડ્રીંગ કેસના આરોપીને જામીન આપવા અયોગ્ય છે. ૨૦૨૪ના મે મહિનામાં પટણા હાઇકોર્ટે આપેલા જામીનના હુકમને સુપ્રીમ કોર્ટે રદ કર્યો હતો. જસ્ટીસ બેલા ત્રિવેદી અને જસ્ટીસ પ્રસન્ના વરાળેની બેન્ચે ચૂકાદામાં કહ્યું હતું કે, આરોપી નિર્દોષ છે કે નથી એ બાબતે અને જામીન પર છૂટયા પછી આરોપી ફરીથી કોઈ ગુનો કરી શકે છે કે નહીં એ બાબત પણ કોર્ટે ધ્યાનમાં રાખવી જોઈએ. બેન્ચે નોંધ્યું હતું કે, પટણા હાઇકોર્ટે ખૂબ સરળતાથી આરોપીને જામીન આપી દીધા હતા.
અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોનાં આંકડા કેન્દ્ર પાસે નથી
કેન્દ્ર સરકારે છેવટે કબુલ કરવુ પડયું છે કે, અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીય વિશેના કોઈ ડાટા એમની પાસે નથી. વિઝાની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં વસવાટ ચાલુ રાખનારાઓ કે ગેરકાયદેસર ઘુસેલાઓની કોઈ નક્કર માહિતી સરકાર પાસે નથી. વિદેશ રાજ્યમંત્રી કિર્તી વર્ધન સિંહે રાજ્યસભામાં આ માહિતી આપી હતી. આ બાબતે ભારત સરકાર, અમેરિકાની સરકાર સાથે સમન્વય સાધીને કામ કરી રહી છે. અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને કોઈ કાયદાકીય મદદ પણ પૂરી પાડવામાં આવી નથી. આનો મતલબ એમ થયો કે, અમેરિકા રહેતા ગેરકાયદેસર ભારતીયોને એમના નસીબ પર છોડી દેવામાં આવ્યા છે.
પ્રદુષિત હવામાં થોડી મિનિટ શ્વાસ લેવાથી એકાગ્રતા ભંગ થાય છે
'બર્મિંગહામ ધ મેનચેસ્ટર યુનિવર્સિટી' સાથે જોડાયેલા સંશોધકોએ કરેલા અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે, પ્રદુષિત હવા કઈ હદે નૂકસાનકારક છે. પ્રદુષિત હવા થોડા સમય માટે શ્વાસમાં જાય તો પણ લાગણીઓની સમજ અને એકાગ્રતાને ખલેલ પહોંચાડી શકે છે. ૨૬ જેટલી પુખ્તવયની વ્યક્તિઓ પર થયેલા એક અભ્યાસમાં બે જુથો પાડવામાં આવ્યા હતા. એક જૂથને સ્વચ્છ હવામાં રાખવામાં આવ્યું હતું. જ્યારે બીજા જૂથને પ્રદુષિત હવામાં રાખવામાં આવ્યું હતું. બંને જૂથના લોકોની વિચારવાની અને સમજવાની ક્ષમતા ચકાસવામાં આવી હતી. સંશોધન દરમિયાન બંને જુથની યાદશક્તિ, ધ્યાન, લાગણી, પ્રતિક્રિયાની ઝડપ... વગેરેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
મહાકુંભમાં પણ 'અખિલ ભારતીય અખાડા પરિસદ'માં એકતા નહીં
સનાતન ધર્મના સૌથી મોટાં મહાકુંભ પણ 'અખિલ ભારતીય અખાડા પરિસદ'ને એક કરી શક્યો નથી. મહાકુંભ દરમિયાન અખાડા પરિસદના સાધુ-સંતો ચાર અલગ અલગ જૂથોમાં વહેચાઈ રહ્યા છે. વર્ચસ્વની લડાઈમાં ત્રણે સન્યાસી અખાડામાં આંતરિક કલહ જોવા મળ્યો હતો. વિવાદને કારણે ઉદાસીન અખાડાએ બધાથી અંતર જાળવ્યું હતું. પરિસ્થિતિ એટલી હદે તંગ હતી કે એક બીજાને પોતાના અખાડામાં આંમત્રિત કરવાની વર્ષો જૂની પરંપરા પણ તૂટી હતી. એકબીજાના ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પણ કોઈ ગયું નહીં. મહાકુંભ શરૂ થયો ત્યારે જ 'અખિલ ભારતીય અખાડા પરિસદ'નાં અધ્યક્ષ બનવા માટે વિવાદ થયો હતો. નીરીક્ષકોનું માનવું છે કે, આ વિવાદને કારણે સંતોની ઇમેજમાં ગાબડુ પડયું છે.
ટીએમસી-કોંગ્રેસના ગઠબંધન મુદ્દે મમતા-અભિષેક વચ્ચે મતભેદો
તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ વચ્ચે બંગાળમાં ગઠબંધન થશે કે કેમ તેની ચર્ચા અત્યારથી જ શરૂ થઈ ચૂકી છે. આવતા વર્ષે બંગાળમાં ચૂંટણી થશે. દિલ્હીમાં કોંગ્રેસ-આપ અલગ લડયા એનું પરિણામ ભાજપની તરફેણમાં આવ્યું, પરંતુ ટીએમસી માને છે કે બંગાળમાં એવી કોઈ અસર થાય તેમ નથી. મમતા બેનર્જીએ થોડા દિવસ પહેલાં એવું નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં થાય. ટીએમસી છેલ્લી ચાર ચૂંટણી એકલા લડે છે અને ૨૦૨૬માં પણ એકલા જ મેદાનમાં ઉતરશે. હવે મમતા બેનર્જીના ભત્રીજા અભિષેકે એવું કહ્યું કે કોંગ્રેસ માટે દરવાજા ખુલ્લા છે. જો સીટ શેરિંગની ફોર્મ્યુલા બરાબર જામશે તો ગઠબંધન શક્ય છે. આ નિવેદનો બતાવે છે કે કોંગ્રેસ સાથે ગઠબંધન મુદ્દે ફઈ-ભત્રીજા વચ્ચે જ મતભેદો છે.
તુર્કીના પ્રમુખની પાકિસ્તાન યાત્રા પર વિદેશ મંત્રાલયની ખાસ નજર
તુર્કીના પ્રમુખ એર્ડોઆન પાકિસ્તાનના બે દિવસના પ્રવાસે આવ્યા. ભારતે તુર્કીમાં ભૂકંપ આવ્યો ત્યારે ઘણી મદદ કરી હતી. તુર્કીના લોકો ભારતના ખૂબ વખાણ કરે છે, પરંતુ એર્ડોઆન કાયમ કાશ્મીરનો રાગ આલાપીને પાકિસ્તાનને સમર્થન કરે છે. પાકિસ્તાનમાં આવીને તુર્કીના પ્રમુખે ફરીથી મુસ્લિમ ભાઈચારાની વાતો કરી ને કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કર્યું. એર્ડોઆને કહ્યું કે તુર્કી કાશ્મીરના લોકોના નિર્ણય સાથે છે. યુએનમાં પણ તુર્કીએ એકથી વધુ વખત આ મુદ્દો ઉઠાવ્યો છે એટલે વિદેશ મંત્રાલયની ખાસ નજર એર્ડોઆનના નિવેદનો પર છે. ભારતે તુર્કી સામે કેવું વલણ દાખવવું તેનો આધાર એર્ડોઆનની પાકિસ્તાન મુલાકાત પર રહેશે.
એઆઈએડીએમકે યુવા પ્રવક્તાની ટીમ બનાવીને મેદાનમાં ઉતારશે
જયલલિતાના નિધન પછી એઆઈએડીએમકેનો યુગ જાણે પૂરો થઈ ગયો. પાર્ટીનું જનસમર્થન સાવ ઘટી ગયું છે. વોટશેરમાં પણ ગાબડું પડતું જાય છે. છેલ્લી બધી જ ચૂંટણીમાં પાર્ટીનો ધબડકો થયો છે. તમિલનાડુમાં એઆઈએડીએમકેના અસ્તિત્વ સામે એટલેય સવાલ ખડો થયો છે, કારણ કે ભાજપે આક્રમકતાથી પ્રચાર આદરી દીધો છે અને ગ્રાઉન્ડ લેવલે મજબૂત સંગઠન બનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. આવી સ્થિતિ વચ્ચે હવે એઆઈએડીએમકેને સમજાઈ ગયું છે કે યુવાનોની ઉત્સાહી ટીમને મેદાનમાં ઉતારવી પડશે. એઆઈએડીએમકેએ પોતાની વિદ્યાર્થી પાંખમાંથી બોલકાં-સ્માર્ટ યુવાનોની ખોજ શરૂ કરી છે. તમિલ ઉપરાંત અંગ્રેજી પર પ્રભુત્વ હોય એવા યુવા પ્રવક્તાઓને તૈયાર કરીને પાર્ટી મેદાનમાં ઉતારશે. ૨૦૨૬માં તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. તે પહેલાં એઆઈએડીએમકે યુવા નેતૃત્વને આગળ કરશે.