For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજધાનીના હવામાનમાં પલટો ગરમીના બદલે ગડગડાટ

Updated: Apr 15th, 2024

રાજધાનીના હવામાનમાં પલટો  ગરમીના બદલે ગડગડાટ

નવી દિલ્હી: દિલ્હીમાં મોસમે કરવટ લીધી છે. એપ્રિલની કાળઝાળ ગરમીને બદલે આજકાલ વાદળાંનો ગડગડાટ  સંભળાઈ રહ્યો છે, વીજળીના ચમકારા થઈ રહ્યા છે અને ગમે ત્યારે અચાનક અચાનક જ વરસાદ ટપકી પડે છે. જોકે, દિલ્હીવાસીઓ આ કમોસમી વરસાદથી ખુશ છે કારણ કે તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન ખાતાં એવી આગાહી કરી છે કે દિલ્હીમાં હજુ પણ એકાદ-બે દિવસ મોસમના આવા તાનપલટા ચાલ્યા કરશે. શીખોની બહોળી વસતી ધરાવતા દિલ્હીમાં વૈશાખીના કારણે ઉત્સવનો માહોલ છે તો સાથે સાથે રામનવમીનો તહેવાર આવી રહ્યો હોવાથી ચોતરફ તેની પણ ધામધૂમ જોવા મળી રહી છે. 

ગુજરાત જ નહીં યુપીમાં પણ રાજપૂતો ભાજપથી નારાજ

લોકશાહીના સૌથી મોટા ઉત્સવ ચૂંટણીના કારણે રાજકીય ગરમાગરમી વધી છે. આજે ભાજપ દ્વારા તેનું સંકલ્પ પત્ર જાહેર થયું ત્યારે જ એવા અહેવાલ આવ્યા છે કે માત્ર ગુજરાત જ નહીં પરંતુ યુપીમાં પણ રાજપૂતોના રોષના કારણે ભાજપના નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે.

જોકે, ગુજરાતની સરખામણીએ યુપીમાં રાજપૂતોના રોષનું કારણ તદ્દન અલગ છે. પશ્ચિમ યુપીની આઠ બેઠકા પર પહેલા તબક્કામાં જ મતદાન થવાનું છે. આ બેઠકો પર પ્રભુત્વ ધરાવતા ઠાકુરોને એમ લાગે છે કે રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ બન્યા તે પછી  રાજ્યમાં ઠાકુરોનું વર્ચસ્વ ભલે વધ્યું હોવાના દાવા થતા હોય પરંતુ વાસ્તવમાં ભાજપ મોવડીમંડળ ઠાકુર મતોની અવગણના કરી રહ્યું છે. આ બેઠકો પર ગુર્જરો અને જાટને મહત્વ અપાઈ રહ્યું છે અને મજબૂત ઠાકુર નેતાઓના દાવા હાંસિયામાં ધકેલી દેવાયા છે. ટિકિટ વહેંચણીમાં ઠાકુરોને અન્યાય થયો હોવાનું તેમને લાગી રહ્યું છે. આટલું ઓછું ન હોય તેમ ભાજપના સાંસદો અને ધારાસભ્યો દ્વારા પણ ઠાકુરો માટે બેફામ ઉચ્ચારણો થઈ રહ્યાં છે અને પક્ષના મોવડીઓ દ્વારા તેમના પર કોઈ લગામ પણ તાણવામાં આવતી નથી. આ અસંતોષની અભિવ્યક્તરુપે આજકાલ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ઠેર ઠેર ઠાકુર પંચાયતો યોજાઈ રહી છે. 

હૈદરાબાદમાં ઔવેસી સામે ભાજપનું હૂકમનું પાનું ટ્રિપલ તલાકન પર પ્રતિબંધ

ભાજપ સામે સૌથી આકરા શબ્દોમાં વિરોધ વ્યક્ત કરતા નેતાઓમાં  અસાઉદ્દિન ઔવેસીનો સમાવેશ થાય છે. ભાજપે આ વખતે હૈદરાબાદથી ઔવેસી ફરીથી ચૂંટાઈ ન આવે તે માટે એડીચોટીનું જોર અજમાવ્યું છે. અન્ય રાજ્યોના મતદારોને જાણીને નવાઈ લાગશે પણ ભાજપ હૈદરાબાદમાં મુસ્લિમ વોટબેન્કને રીઝવવા માટે તનતોડ પ્રયાસો કરે છે. આ માટે ડોર ટૂ ડોર મીટિંગો યોજાઈ રહી છે. ઈફતાર પાર્ટીઓ પણ થઈ રહી છે. ઈદ મિલાપના કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. હૈદરાબાદમાં  ઔવેસી જેવા સિઝન્ડ સાંસદ સામે ભાજપે નવા નિશાળિયા  જેવાં ઉમેદવાર માધવવી લતાને મેદાનમાં ઉતારીને આશ્ચર્ય સર્જ્યું છે. વ્યવસાયે ડોક્ટર માધવી લત્તાએ વિકાસ કાર્યોની સાથે સાથે મુસ્લિમ મહિલાઓનાં સશક્તિકરણને પણ  મુદ્દો બનાવ્યો છે. તેઓ ટ્રિપલ તલાક પર પ્રતિબંધના મુદ્દાને જોરશોરથી ઉઠાવી રહ્યાં છે. તેમના મતે ઔવેસી જેવા પુરુષ ઉમેદવારો આ બાબતે મહિલા મતદારોની લાગણીઓ સમજી શકે તેમ નથી. 

ઈન્દિરાના હત્યારાનો પુત્ર પણ ચૂંટણી મેદાનમાં 

૧૯૮૪માં ઈન્દિરા ગાંધીની હત્યા તે પછી તરત જ થયેલી લોકસભા ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો બન્યો હતો અને તેને પગલે સહાનુભૂતિનાં મોજામાં જ રાજીવ ગાંધીને રેકોર્ડ બ્રેક સફળતા મળી હતી. જોકે, તે પછી ૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણોને બાદ કરતાં ઈન્દિરા ગાંધીની હત્યાનો મુદ્દો ભાગ્યે જ  કોઈ લોકસભા ચૂંટણીમાં  ચર્ચાયો છે. જોકે,  ઈન્દિરાના હત્યારા બિયંત સિંઘના પુત્રએ આ બાબતથી નાસીપાસ થયા વિના આ વખતે ચોથીવાર લોકસભા ચૂંટણીમાં ઝપલાવ્યું છે.  બિયંત સિંઘનો દીકરો સરબજિત સિંઘ ખાલસા ફરીદકોટથી ચૂંટણી લડી રહ્યો છે. સરબજિત  સિંઘ આમ તો પોતે મોહાલીમાં રહે છે. કોઈ પક્ષે તેને ટિકિટ આપી નથી. તે અપક્ષ જ ચૂંટણી લડી રહ્યો છે. તેનું કહેવું છે ેકે તેના પિતા બિયંતસિંઘ એક શહીદ હતા અને તેમનો દરજ્જો મનોરંજન કરનારા કલાકારોથી ક્યાંય ઊંચો હોવો જોઈએ.

બિહારમાં ગેંગસ્ટરની નવોઢાની ઉમેદવારીની ચર્ચા

પંજાબમાં એક હત્યારાનો પુત્ર ચૂંટણી લડી રહ્યો છે. જોકે, બિહારમાં કોઈ હત્યારો કે તેના કોઈ સ્વજન ચૂંટણી લડતા હોય તે વાતની કોઈને નવાઈ હોતી નથી. પરંતુ, આ વખતે મુંગેર બેઠકની ચર્ચા વધારે થઈ રહી છે કારણ કે અહીં એક ગેંગસ્ટરની નવોઢા પત્ની ચૂંટણી લડી રહી છે. કુખ્યાત ગેંગસ્ટર અશોક મહાતોની ૪૫ વર્ષીય પત્ની અનિતા મહાતોની ઉમેદવારીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. અનિતા તો પોતે મૂળ દિલ્હીની છે. હજુ ગયા મહિને જ ૫૭ વર્ષીય અશોક મહાતોએ અનિતા સાથે લગ્ન કર્યાં હતાં. તે બિહાર આવીને તરત જ લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર બની ગઈ છે. મુંગેરમાં દેશી કટ્ટાઓની ગેરકાયદે ફેક્ટરીઓ ધમધમતી હોવાનું જાણીતું છે. આ વખતે આ કટ્ટા વાપરનારા ગેંગસ્ટરો જ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત થઈ ગયા છે. 

૭૯ ટકા ભારતીય નોનવેજ છે, તે પીએમ માટે ચૂંટણી મુદ્દો કેમઃ યેચૂરી

દેશમાં વેજ-નોન વેજની ચર્ચા ક્યારેક રસપ્રદ વળાંક લઈ લેતી હોય છે. થોડા સમય પહેલાં એક ફૂડ એગ્રીગેટર કંપનીઅ વેજ ફૂડની ડિલિવરી માટે અલગ જ કાફલો રહેશે અને તે ડિલિવરી બોયઝ ગ્રીન જેકેટ્સ પહેરશે તેવી જાહેરાત કરી હતી. તેને પગલે સોશિયલ મીડિયા પર એટલો બધો હોબાળો મચ્યો કે આ કંપનીએ તે જાહેરાતનો અમલ મોકૂફ રાખી દેવો પડયો હતો. ફરી વેજ-નોન વેજનો મુદ્દો રષ્ટ્રીય ચર્ચામાં આવ્યો છે. બિહારના નેતા તેજસ્વી યાદવે નોનવેજ આહારના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅ જમ્મુમાં તેમની રેલીમાં તરત જ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે હાલ ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે તેવા સમયે જ લોકોની ધાર્મિક લાગણી દૂભવવા માટે વિપક્ષી નેતાઓ નોનવેજ આહારના ફોટા મૂકી રહ્યા છે. પીએમ મોદીના આ બયાનની પણ ભારે ચર્ચા છે. દરમિયાન ડાબેરી નેતા સિતારામ યેચૂરીએ એવો સવાલ કર્યો છે કે દેશની ૭૯ ટકા વસતી નોન વેજ આરોગે છે. તેવા સમયે નોન વેજ આહાર વડાપ્રધાન કક્ષાની વ્યક્તિ માટે ચૂંટણી પ્રચારનો મુદ્દો જ શા માટે હોવો જોઈએ. તેમણે કહ્યું હતું કે લોકો વડાપ્રધાન મોદીએ આપેલી ગેરન્ટી સહિતના મુદ્દા ચર્ચી રહ્યા છે પરંતુ પીએમ નોનવેજની ચર્ચામાં વ્યસ્ત છે. 

રાજ ઠાકરે પીએમ મોદી સાથે એક મંચ પર આવશે

૨૦૧૯માં ભાજપ વિરોધી ઝનૂની પ્રચાર કરનારા રાજ ઠાકરે આ વખતે ભાજપની છાવણીમાં ગોઠવાઈ ચૂક્યા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બિનશરતી ટેકો જાહેર કર્યા બાદ જોકે, તેઓ ભાજપ માટે સક્રિય રીતે પ્રચાર કરશે કે કેમ તે અંગે અટકળો સેવાતી હતી. હવે એવા અહેવાલો છે ેકે રાજ ઠાકરેએ મનસેના કાર્યકરોને તેમના મતવિસ્તારોમાં ભાજપ માટે કામ કરવા સૂચના આપી દીધી છે. એટલું જ નહીં મુંબઈમાં ૨૦મી મેએ મતદાન થવાનું છે તે પહેલાં તા. ૧૭મી મેએ દાદર શિવાજી પાર્કમાં એનડીએની મેગા રેલી થાય અને તેમાં રાજ ઠાકરે વડાપ્રધાન મોદી સાથે એક મંચ પર હાજર રહે  તેવું આયોજન પણ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેના ભાજપને સપોર્ટ બાદ મનસેના અનેક કાર્યકરોએ પક્ષ છોડી દીધો છે. 

Gujarat