દિલ્હીની વાત : શિંદેની શિવસેનાએ મુસ્લિમ મહિલાઓને બુરખા વહેચતા ભાજપ ભેરવાયો

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
દિલ્હીની વાત : શિંદેની શિવસેનાએ મુસ્લિમ મહિલાઓને બુરખા વહેચતા ભાજપ ભેરવાયો 1 - image


નવીદિલ્હી : શિવસેના (એકનાથ શિંદે)ના મહિલા ધારાસભ્ય યામીની જાધવ મુસ્લિમ મહિલાઓને બુરખા વહેંચી રહી છે એવો વિડિયો મુંબઈમાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો બહાર આવતા મહારાષ્ટ્ર ભાજપની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. પોતાની હિન્દુત્વવાદી ઇમેજ જાળવવી ભાજપ માટે અગત્યની છે તો બીજી તરફ સાથી પક્ષ શિવસેનાને નારાજ કરી શકે એમ પણ નથી. ભાજપએ ધીમા અવાજે ખુલાસો કર્યો કે, શિવસેનાને પોતાની નીતિ નક્કી કરવાનો અધિકાર છે, પરંતુ ભાજપ તૃષ્ટીકરણની નીતિનો વિરોધ કરે છે. બુરખો વહેંચનાર ધારાસભ્ય યામીની જાધવ ભાઇખલ્લા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. યામીનીના મત વિસ્તારમાં મુસ્લિમ મતદારો મોટી સંખ્યામાં છે.  વિરોધ પક્ષનું કહેવું છે કે બુરખા હે હીઝાબ વહેંચીને યામીની મુસ્લિમ મતદારોનો વિશ્વાસ જીતવાની કોશિષ કરે છે, પરંતુ સફળ નહીં થાય. 

તેલંગાણામાં બીઆરએસ નેતાઓ સામે કોંગ્રેસનું પ્રતિઆક્રમણ

તેલંગાણામાં વિરોધપક્ષ બીઆરએસના ૧૦ નેતાઓ પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આ બાબતે બીઆરએસના ધારાસભ્ય પી કૌશિક રેડ્ડીએ બળવાખોર નેતાઓને સાડી અને બંગડી મોકલવાની વાત કહી. આ વાતથી ભડકેલા કોંગ્રેસ પક્ષના મહિલા નેતાએ આક્રમક વલણ અપનાવ્યું હતું. કોંગ્રેસના નેતાએ કહ્યું કે, બીઆરએસએ મહિલાઓનું અપમાન કર્યું છે. જો બીઆરએસ આ બાબતે તેલંગાણાની મહિલાઓની માફી નહીં માગે તો બીઆરએસના નેતાઓને ચપ્પલ વડે મારવામાં આવશે. મહિલા નેતાએ આમ કહીને પોતાની ચપ્પલ કાઢી પત્રકારોને બતાવી હતી. કોંગ્રેસના પ્રતિઆક્રમણથી ડઘાઈ ગયેલા બીઆરએસના નેતાઓ ચૂપ થઈ ગયા છે.

મહાસંગ્રામ માટે કોંગ્રેસની તૈયારી, ચિત્રકૂટમાં સંમેલન કરશે

૨૦૧૪થી ૨૦૨૨ સુધી ઉત્તર પ્રદેશની ચૂંટણીઓમાં કોંગ્રેસનો દેખાવ ખૂબ નબળો રહ્યો હતો. ૨૦૨૪ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સારો દેખાવ કર્યો હતો. ૯.૫ ટકા મત મેળવીને કોંગ્રેસે ૬ બેઠક પર જીત મેળવી હતી. હવે કોંગ્રેસ મેળવેલી સફળતાને અકબંધ રાખવા માંગે છે. ઉત્તર પ્રદેશમાં પક્ષને મજબૂત કરવા માટે કોંગ્રેસના નેતાઓ તૈયારી કરી રહ્યા છે. આ સંદર્ભે કોંગ્રેસના સેવાદળના કાર્યકરો નવેમ્બર મહિનામાં ચિત્રકૂટ ખાતે ભેગા થવાના છે. ચિત્રકૂટમાં કોંગ્રેસના લગભગ દરેક સિનિયર નેતા હાજર રહેશે. ચિત્રકૂટનું સંમેલન સફળ થાય એ માટે ૧૬ થી ૧૮ સપ્ટેમ્બરના દિવસો દરમિયાન ચંદોલી ખાતે કોંગ્રેસના કાર્યકરોની મીટીંગ રાખવામાં આવી છે.

મણિપુર હિંસા બાબતે પૂર્વોત્તર છાત્ર સંઘે મોદીની ટીકા કરી

મણિપુરમાં અવિરત ચાલી રહેલી હિંસાને રોકવા માટે પૂર્વોત્તર છાત્ર સંગઠનોમાંના સૌથી શક્તિશાળી સંગઠન 'નોર્થ ઇસ્ટ સ્ટૂડન્ટ યુનિયન' (એનઇએસઓ) એ નરેન્દ્ર મોદીને અપીલ કરી છે. મણિપુરની હિંસા બાબતે નરેન્દ્ર મોદી મૌન રહ્યા છે. એનઇએસઓના પ્રમુખ સેમ્યુઅલ જીર્વાએ કહ્યું છે કે, મણિપુરની સમસ્યાનો ઉકેલ નહીં આવવાથી ફક્ત મણિપુર જ નહીં, પરંતુ દેશના ઉત્તર પૂર્વની પટ્ટીની સુરક્ષા સામે પણ જોખમ ઉભું થયું છે. વડાપ્રધાનના મૌનને કારણે મણિપુરની પરિસ્થિતિ બગડતી જ જાય છે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય નહીં લેવાને કારણે દેશનું નેતૃત્વ નબળુ પૂરવાર થયું છે. જીર્વાએ કહ્યું કે, બધા પક્ષો વચ્ચે વાતચીત દ્વારા સમાધાનનો રસ્તો નિકળી શકે એમ છે. જીર્વાની આ અપીલનો પ્રત્યુત્તર નરેન્દ્ર મોદી આપે છે કે નહીં એ જોવું રહ્યું.

કાશ્મીરમાં સામ્યવાદીઓના ગઢમાં તડ પાડવા હવે અપક્ષો મેદાને

દક્ષિણ કાશ્મીરની કુલગામ બેઠક સામ્યવાદીઓનો ગઢ મનાય છે. આ બેઠક પરથી મહમ્દ યુસુફ તારીગામી ૧૯૯૬થી ૨૦૧૪ સુધી સતત ચૂંટણી જીત્યા છે. હવે ૧૦ વર્ષ પછી થઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પર તારીગામીને હરાવવા માટે અપક્ષો મેદાને પડયા છે. તારીગામીને કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનો ટેકો છે. સામેના પક્ષે પીડીપી, પીપલ્સ કોન્ફરન્સ, અપની પાર્ટી, પેન્થર્સ પાર્ટી ભીમ તેમ જ પાંચ અપક્ષ ઉમેદવારો તારીગામીને હરાવવા મેદાને પડયા છે. આ મત વિસ્તારમાં અત્યાર સુધી તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની વાતો થતી હતી, પરંતુ ૮મી સપ્ટેમ્બરે બુગામ વિસ્તારમાં ભારે ભીડ ભેગી થવાથી ઉમેદવારો ચિંતિત થઈ ગયા છે. જમાતની લોકપ્રિયતા પણ આ મત વિસ્તારમાં વધી રહી છે. જમાતના ઉમેદવાર સમીકરણ બગાડી શકે એમ છે. 

રાહુલ ગાંધીએ રાયબરેલીના વાળંદને રીટર્ન ગીફ્ટ મોકલી

લોકસભાની ચૂંટણી વખતે પ્રચાર માટે રાયબરેલી ગયેલા રાહુલ ગાંધીએ જે વાળંદને ત્યાં વાળ કપાવીને દાઢી કરાવી હતી એને માટે ખાસ ભેટ મોકલી છે. રાયબરેલીના લાલગંજ ખાતે રહેતા મીથુન નાઇને રાહુલ ગાંધીએ એક શેમ્પુ ચેર, બે હેરકટીંગ ચેર અને એક ઇન્વર્ટર બેટરી ભેટમાં મોકલ્યા છે. રાહુલ ગાંધીએ મોકલેલી આ ભેટ મળ્યા પછી મીથુન ખુશ ખુશ થઈ ગયો છે. આ પહેલા રાહુલ ગાંધીએ સુલતાનપુરના મોચી રામચેતને જુતા સિવવાનું મશીન ભેટમાં આપ્યું હતું. રામચેતે કહ્યું હતું કે, રાહુલ ગાંધી એમની દુકાનમાં ગયા પછી એમનું નસીબ બદલાઈ ગયું છે.

યુપીમાં હેલિકોપ્ટરની ચોરી મુદ્દે અખિલેશે યોગીની ટીકા કરી

મેરઠથી એક હેલિકોપ્ટરની ચોરી થઈ હોવાના સમાચારનો વિવાદ વધતો જાય છે. અખિલેશ યાદવે આ બાબતે યોગી સરકારને ભીડવાનો પ્રયત્ન કર્યો છે. અખિલેશે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, 'હવે ઉત્તર પ્રદેશમાં ગુનેગારો હેલિકોપ્ટરની ચોરી પણ કરી રહ્યા છે. રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિ બાબતે તેમ જ એરપોર્ટની સુરક્ષા બાબતે પણ આ ઘટના ઘણુ કહી જાય છે. સમાચાર પ્રમાણે એક પ્રાઇવેટ કંપનીના પાયલટે હેલિકોપ્ટર ચોરાયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે કેટલાક લોકો હેલિકોપ્ટરને ટ્રકમાં મૂકીને લઈ ગયા હતા. જોકે પોલીસનું કહેવું છે કે, ફરિયાદ કરનાર પાયલટને ખબર નહોતી કે કંપનીએ હેલિકોપ્ટર બીજી કંપનીને વેચી દીધું હતું.

હરિયાણામાં કેજરીવાલ પ્રચાર કરશે તેનો ફાયદો ભાજપને થશે

આમ આદમી પાર્ટીએ હરિયાણાની ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું નથી. બધી જ બેઠકો પર ચૂંટણી લડશે એટલે કોંગ્રેસના મતોમાં વિભાજન થશે અને તેનો ફાયદો ભાજપને મળશે. એવીય ચર્ચા છે કે હરિયાણાની ચૂંટણી પહેલાં જ કેજરીવાલ બહાર આવતા હવે તેઓ રાજ્યમાં ચૂંટણી પ્રચાર કરશે અને તેનાથી કોંગ્રેસમાં જે મતો જવાના હશે એ આપને મળશે. એવી વાતો ચાલે છે કે આપ હરિયાણામાં ભાજપની બી ટીમની જેમ કામ કરશે. અત્યાર સુધી આમ આદમી પાર્ટી હરિયાણામાં જુદી વ્યૂહરચના અપનાવી હતી. હરિયાણા કેજરીવાલનું હોમ સ્ટેટ છે, જન્મ અને અભ્યાસ હરિયાણામાં થયો છે એટલે હરિયાણા કા બેટા એવા સૂત્રો સાથે વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર થઈ રહ્યો છે. હવે કેજરીવાલને જામીન મળી જતાં હરિયાણાની ચૂંટણીના સમીકરણો બદલાય તેવી શક્યતા છે. 

વિદેશ મંત્રી જયશંકરનું આ નિવેદન અમેરિકાને અકળાવશે

વિદેશ મંત્રી એસ જયશંકર સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં છે. ત્યાં તેમને પૂછવામાં આવ્યું કે બ્રિક્સના બધા જ દેશો જી-૨૦માં છે તો પછી બ્રિક્સનું સંગઠન કેમ બનાવાયું? એની શી જરૂરિયાત છે? એના જવાબમાં જયશંકરે દલીલ કરી કે જી-૭ના બધા જ દેશો જી-૨૦માં છે તો પણ એ દેશોએ અલગ બ્લોક બનાવીને જી-૭ની રચના કરી. તો પછી ભારત-રશિયા-ચીન-બ્રાઝિલ-સાઉથ આફ્રિકા બ્રિક્સ કેમ ન બનાવી શકે? આ નિવેદનથી અમેરિકા અકળાશે. જી-૭માં અમેરિકા, યુરોપિયન સંઘ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી અને જાપાન - એમ સાત દેશો સભ્ય છે. બ્રિક્સ અને જી-૭ના બધા જ દેશો જી-૨૦માં સભ્યો છે. જોકે, આ નિવેદન આપતી વખતે જયશંકર એ ભૂલી ગયા હતા કે જી-૨૦ની રચના થઈ પછી જી-૭ની રચના થઈ નથી. જી-૭ની સ્થાપના ૧૯૭૩માં થઈ હતી, જ્યારે બ્રિક્સ ૨૦૦૯માં બન્યું હતું.

જૂનિયર ડોક્ટરોને પરીક્ષા આપવા નહીં દઈએ : ટીએમસી સાંસદ

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીનું એક નિવેદન ભારે ચર્ચાસ્પદ બન્યું છે. આ ટીએમસી સાંસદે પ્રદર્શનકારી જૂનિયર ડોક્ટરોને ધમકી આપતા કહ્યું હતું કે આ પ્રદર્શનકારીઓ ડોક્ટર બનવા યોગ્ય નથી. ડોક્ટરો ક્યારેય દર્દીઓનો જીવ જોખમમાં ન મૂકે. આ જૂનિયર ડોક્ટરોને સરકાર પરીક્ષા આપવા નહીં દે. આ નિવેદનથી હોબાળો થયો છે. બંગાળમાં પ્રદર્શન કરી રહેલાં જૂનિયર ડોક્ટરોની છેલ્લી પરીક્ષા બાકી છે. ભાજપે આ ધમકી આપવા બદલ કલ્યાણ બેનર્જીની ટીકા કરી હતી.

- ઈન્દર સાહની


Google NewsGoogle News