દિલ્હીની વાત : બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવા માટે પણ ઇડીનો ઉપયોગ
નવીદિલ્હી : રાજકીય વિરોધીઓને પકડમાં લેવા માટે કેન્દ્ર સરકાર 'ઇન્ફોસર્મેન્ટ ડિપાર્ટમેન્ટ' (ઇડી)નો ઉપયોગ કરતા હોવાનો આક્ષેપ ઘણા સમયથી થાય છે. હવે બાંગ્લાદેશી ઘુષણખોરોને પકડવા માટે પણ ઇડી સક્રિય થઈ છે એ જાણીને ઘણાને નવાઈ લાગી રહી છે. ઝારખંડ વિધાનસભા ચૂંટણીના દિવસો દરમ્યાન જ ઇડીએ ઝારખંડ અને પ. બંગાળમાં ૧૭ ઠેકાણે દરોડા પાડયા છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવા માટે ઇડીએ પાડેલા દરોડામાં નકલી આધારકાર્ડ, નકલી પાસપોર્ટ, હથિયારો, મિલકતોનાં દસ્તાવેજ ઘરેણા... વગેરે કબજે લેવામાં આવ્યા છે. એમાં કોઈ શંકા નથી કે, પ. બંગાળ અને ઝારખંડની કેટલીક ગેંગ બાંગ્લાદેશીઓને ભારતમાં ઘૂસાડવાનું કામ કરે છે, પરંતુ સામાન્ય રીતે એમને રોકવા માટે બીએસએફ, પોલીસ અને આઇબી જેવી એજન્સીઓ હોવા છતાં ઇડીનો ઉપયોગ શા માટે થયો એવો સવાલ પૂછાઈ રહ્યો છે.
મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામો પછી મુખ્યમંત્રી બનવાની રેસ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ અને મહાવિકાસ અઘાડી વચ્ચે કાંટાની ટક્કર થવાની છે, પરંતુ ચૂંટણી પરિણામો પછી પણ રાજકીય ચિત્ર અસ્પષ્ટ રહે તો નવાઈ નહીં. જો જીતે તો મહાયુતિ ગઠબંધનમાંથી શિવસેના (એકનાથ શિંદે) અને ભાજપ, પોતાના મુખ્યમંત્રી બને એ માટે તમામ પ્રયત્નો કરશે. એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીશ મુખ્યમંત્રી બનવા માટે થનગની રહ્યા છે. બંને પક્ષો ઇચ્છી રહ્યા છે કે, જીત મળ્યા પછી બીજા સાથી પક્ષ કરતાં એમની બેઠક વધારે રહે. એજ રીતે મહાવિકાસ અઘાડીનાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને કોંગ્રેસમાં પણ, જો જીત મેળવે તો, મુખ્યમંત્રીપદના દાવેદાર માટે હોડ ચાલુ થશે. સંજય રાઉત જેવા શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા તો અત્યારથી જ કહી રહ્યા છે કે, મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદની ગાદી પર તો ઉદ્ધવ ઠાકરે જ શોભે. બીજી તરફ કોંગ્રેસના કેટલાક સ્થાનિક નેતાઓ માની રહ્યા છે કે, જો મહાવિકાસ અઘાડીની જીત થાય તો મુખ્યમંત્રી કોંગ્રેસના જ બનવા જોઈએ!
સીજેઆઈ સંજીવ ખન્નાના કાકાથી ઇંદિરા ગાંધી નારાજ થયેલા
દેશના ૫૧મા મુખ્ય ન્યાયાધીશ બનેલા સંજીવ ખન્નાની અગાઉની બે પેઢી પણ વકીલાતના વ્યવસાયમાં જ હતી. ચીફ જસ્ટીસનાં પિતા દેવરાજ ખન્ના દિલ્હી હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયાધિશ તરીકે હતા. સંજીવ ખન્નાનાં કાકા સ્વ. એચ. આર. ખન્ના, સુપ્રિમ કોર્ટનાં ન્યાયાધિશ હતાં. એક સમયે એચ. આર. ખન્ના સુપ્રિમ કોર્ટનાં મુખ્ય ન્યાયાધિશ બનવાની રેસમાં હતા. જોકે એમના એક ચૂકાદાથી નારાજ થયેલા તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ એમને બદલે એમ. એચ. બેગને ચીફ જસ્ટીસ બનાવી દીધા હતા. જસ્ટીસ ખન્નાએ ત્યાર પછી રાજીનામુ આપી દીધું હતું અને જનતા પાર્ટી તરફથી એમને લોકસભાની ચૂંટણી લડવા માટે પણ કહેવામાં આવ્યુ હતું. જોકે, જસ્ટીસ એચ. આર. ખન્નાએ ચૂંટણી લડવાની ધરાર ના પાડી દીધી હતી.
કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા ભાઈ માટે રીતેશ દેશમુખનો ધૂંઆદાર પ્રચાર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ફિલ્મકાર અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના પુત્ર રીતેશ દેશમુખ ગોવામાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. રીતેશના નાનાભાઈ ધિરજ દેશમુખ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. એક રેલીમાં રીતેશે મહાયુતિ સરકારને સાણસામાં લેતા કહ્યું કે, 'ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, કર્મ જ ધર્મ છે. જે ઇમાનદારીથી કામ કરે છે એ જ સાચો ધાર્મિક છે. જે કામ નથી કરતો એણે જ ધર્મનો સહારો લેવો પડે છે. જે પક્ષ એમ કહે છે કે, ધર્મ ખતરામા છે એમનો પક્ષ જ ખતરામા છે. મારે આવા પક્ષને કહેવું છે કે, અમારા ધર્મની રક્ષા અમે કરી શકીએ એમ છે. તમે વિકાસ બાબતે કઈ બોલો.'
'જો અમારી સરકાર બનશે તો ગદ્દારોને બરફની પાટ પર લટકાવીશ'
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં વાકયુદ્ધ ચરમશીમાએ છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા આદિત્ય ઠાકરેએ મહાયુતિ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. એક જમાનાના શિવસેનાના એમના સાથીદાર ધારાસભ્યોએ કરેલો બળવો આદિત્ય ઠાકરે ભૂલ્યા નથી. એમણે કહ્યું કે, જે લોકોએ મતલબ કે શિવસેના (એકનાથ શિંદે)ના ધારાસભ્યોએ ગદ્દારી કરી છે એમને ભારે પડશે. જો એમની સરકાર આવી તો ગદ્દારોને બરફની પાટ પર તેઓ લટકાવશે. આદિત્યનું કહેવું છે કે મહારાષ્ટ્રની નોકરીઓ ગુજરાત તરફ વળી રહી છે, કારણ કે મહારાષ્ટ્રના મોટા ઉદ્યોગોને ગુજરાત ખસેડવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણીમાં પક્ષો વચ્ચે પોસ્ટર વોર
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ૯ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ છે. પેટા ચૂંટણીની તમામ બેઠકો જીતવા માટે દરેક પક્ષ જાતભાતના પોસ્ટરો લગાડી રહ્યા છે. જોકે સમાજવાદી પક્ષ આ પોસ્ટર વોરમાં સૌથી આગળ છે. અમેઠી મતવિસ્તારમાં સપાએ એક પોસ્ટર પર લખ્યું છે કે, '૨૭ મે સત્તાધિશ અખિલેશ યાદવ', 'જીતના ટાલોગે ઉતના બુરા હારોગે' આ પોસ્ટર સમાજવાદી પક્ષના મહિલા જિલ્લા અધ્યક્ષે બહાર પાડયું છે. એમણે પોસ્ટરમાં એમ પણ લખ્યું છે કે, 'અખિલેશ કા ફિયર, ભાજપા કા અંત હૈ' આ ઉપરાંત પણ બીજુ એક પોસ્ટર બની રહ્યું છે જેમાં લખ્યું છે કે 'જિતના ચૂનાઉ ટાલોગે, ઉતના બુરા હારોગે'
હરિયાણા વિધાનસભાનું શિયાળુ સત્ર વિપક્ષના નેતા વગર ચાલશે
હરિયાણામાં શિયાળુ સત્રનો આરંભ થઈ ગયો છે. ૧૩ અને ૧૪ ઉપરાંત ૧૮મી નવેમ્બરે સત્ર ચાલશે. ૧૫, ૧૬, ૧૭ની રજા છે. રાજ્ય સરકારના સત્રનો પ્રારંભ થયો છતાં કોંગ્રેસના ૩૭ ધારાસભ્યોમાંથી કોઈ એક નેતાની પસંદગી વિધાનસભામાં પાર્ટીના નેતા તરીકે થઈ નથી. એ નેતા જ હરિયાણા વિધાનસભામાં વિપક્ષના નેતા બનશે અને કેબિનેટ સ્તરનો દરજ્જો મળશે. હજુ સુધી કોંગ્રેસ હાઈકમાન્ડે વિપક્ષના નેતા માટે પસંદગી કરી નથી એટલે શિયાળુ સત્ર વિપક્ષના નેતા વગર ચાલશે. ભાજપના નેતાઓ કટાક્ષમાં કહી રહ્યા છે કે એક મહિનો થયો છતાં કોંગ્રેસ એક વિપક્ષના નેતા નક્કી કરી શકી નથી. સારું થયું, મુખ્યમંત્રી નક્કી કરવાની નોબત ન આવી, નહીંતર હજુય સરકાર મુખ્યમંત્રી વગર ચાલતી હોત.
પંજાબ યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી કરવા આપ-કોંગ્રેસ-અકાલી એકમત
પંજાબ યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી અટકી ગઈ છે. ભાજપના સાંસદ મીત હેરે રાષ્ટ્રપતિને ચૂંટણી ન કરવાની ભલામણ કરી હતી. સેનેટનો કાર્યકાળ પૂરો થયો છતાં ચૂંટણી થતી ન હોવાના મુદ્દે રાજકીય વિવાદ સર્જાયો છે. મુખ્યમંત્રી ભગવંત માને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને પત્ર લખીને તાકીદે ચૂંટણી કરાવવાની માગણી કરી છે. આ બાબતે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને અકાલી દળ એક થઈ ગયા છે. ત્રણેય પાર્ટીની યુવા પાંખે સંયુક્ત રીતે યુનિવર્સિટી સામે દેખાવો કરીને પ્રેશર બનાવ્યું છે. આપ તો ત્યાં સુધી કહે છે કે ભાજપને સેનેટમાં હારી જવાનો પાક્કો ડર છે એટલે ચૂંટણી ડીલે કરાવે છે. સેનેટનો કાર્યકાળ ૩૧મી ઓક્ટોબરે પૂરો થઈ ચૂક્યો છે.
મુસ્લિમ અનામત મુદ્દે કર્ણાટકમાં ભાજપ-કોંગ્રેસ સામસામે, સિદ્રારામૈયાની સ્પષ્ટતા
મુસ્લિમોને કર્ણાટકની સિદ્ધારામૈયા સરકાર ચાર ટકા અનામત આપશે એવો દાવો ભાજપે કર્યો હતો. કેટલાક મીડિયા અહેવાલોમાં પણ એ પ્રકારનો દાવો થઈ રહ્યો હતો. એવા અહેવાલને ટાંકીને ભાજપે સિદ્ધારામૈયાની સરકારને ઘેરી હતી. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ બાબતે ઘણાં દિવસથી નિવેદનબાજી ચાલતી હતી. આખરે એવા બધા જ અહેવાલોને ફગાવવા માટે સિદ્ધારામૈયાએ નિવેદન આપવું પડયું હતું. સિદ્ધારામૈયાએ કહ્યું હતું કે મુસ્લિમોએ અનામતની માગણી કરી છે એ વાત ખરી, પરંતુ સરકારે એવો કોઈ પ્રસ્તાવ રજૂ કર્યો નથી. આ સ્પષ્ટતા પછી મુસ્લિમ વોટબેંકને અંકે કરવા સિદ્ધારામૈયા અનામત આપશે એવો પ્રચાર ભાજપે અટકાવી દેવો પડશે.
- ઈન્દર સાહની