Get The App

દિલ્હીની વાત : રમેશ બિધુડી દિલ્હી વિધાનસભા ચૂંટણીનો મુદ્દો બની ગયા

Updated: Jan 14th, 2025


Google NewsGoogle News
દિલ્હીની વાત : રમેશ બિધુડી દિલ્હી વિધાનસભા ચૂંટણીનો મુદ્દો બની ગયા 1 - image


નવીદિલ્હી : પોતાના વાણીવિલાસ માટે જાણીતા રમેશ બિધુડી દિલ્હી વિધાનસભા ચૂંટણીનો મુદ્દો બની ગયા છે. ભાજપના પૂર્વ સાંસદ અને દિલ્હી વિધાનસભાના ઉમેદવાર રમેશ બિધુડીને ૨૦૨૪ લોકસભાની ટિકિટ મળી નહોતી. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એવો કટાક્ષ કર્યો છે કે બિધુડી દિલ્હી ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનશે. ભાજપ ઇચ્છે છે કે બિધુડીને ચૂંટણીનો મુદ્દો બનાવવામાં નહીં આવે. આ બાબતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ કોમેન્ટ કરવી પડી છે. અમિત શાહે ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા કહ્યું કે, શું ભાજપના મુખ્યમંત્રીનો ચહેરો હવે અરવિંદ કેજરીવાલ નક્કી કરશે? ભાજપને ખબર છે કે જો બિધુડીનું નામ ચગશે તો ભાજપને ચૂંટણીમાં નુકશાન થઈ શકે એમ છે.

મહારાષ્ટ્રમાં ઈન્ડિયા અલગ અલગ રીતે સ્થાનિક ચૂંટણી લડશે

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી મહાગઠબંધન વેર વિખેર થઈ ગયું છે. હવે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે ત્યારે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ સંજય રાઉતે એવું નિવેદન આપ્યું છે કે, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) સ્થાનિક ચૂંટણીઓ એકલે હાથે લડશે. રાઉતના આ વિધાન પછી મહારાષ્ટ્રમાં એવી ચર્ચા શરૂ થઈ હતી કે, મહાવિકાસ અઘાડીના ફાડચા હવે નક્કી છે. જોકે વિવાદ વધતા સંજય રાઉતે ખુલાસો આપવો પડયો છે કે એમણે કદી એવું નહોતું કહ્યું કે, મહાવિકાસ અઘાડીનો અંત આવી ગયો છે. ફક્ત સ્થાનિક ચૂંટણીઓ એકલે હાથે લડવાની જાહેરાત એમણે કરી હતી. જોકે રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે કે, મહારાષ્ટ્રમાં આવનારી કોર્પોરેશન તેમ જ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં મહાવિકાસ અઘાડીના ત્રણે પક્ષો એકલે હાથે ઝુકાવશે.

રાજ્યપાલ ભાજપના એજન્ટ તરીકે કામ કરતા હતા : બીજેડીના પૂર્વમંત્રી

ઓરિસ્સાના વિરોધપક્ષ બીજેડીએ આરોપ મુક્યો છે કે, ઓરિસ્સાના ભૂતપૂર્વ રાજ્યપાલ રઘુબર દાસ વિવાદાસ્પદ વ્યક્તિ છે. બીજેડીના કહેવા પ્રમાણે લોકોને જાણવાનો હક્ક છે કે રાજ્યપાલને સમય પહેલા કેમ હટાવવામાં આવ્યા. પૂર્વરાજ્યપાલ રઘુબર દાસ થોડા દિવસો પહેલા ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપમાં જોડાયા પછી રઘુબર દાસે કહ્યું કે રાજ્યપાલ તરીકે એમણે લોકો માટે કામ કર્યું હતું અને ત્રણ મહિનામાં ૩૦ જિલ્લાઓનો પ્રવાસ કર્યો હતો. રાજ્યપાલનું પદ 'લાટ સાહેબ'નું હોતું નથી. પૂર્વમંત્રી અને ધારાસભ્ય અરુણકુમાર શાહુએ કહ્યું હતું કે, રાજ્યપાલે ભાજપના એજન્ટ તરીકે કામ કર્યું હતું. તેઓ કદી લોકપ્રિય નહોતા. એમના કહેવાનો અર્થ એ થાય છે કે દેશના બાકીના રાજ્યપાલો 'લાટ સાહેબ' છે. જો દાસ લોકપ્રિય હતા તો એમને રાજ્યપાલના પદેથી કેમ હટાવવામાં આવ્યા?

સાક્ષરતા દરમાં એક ટકા વધારાથી મહિલા મતદારોની સંખ્યા ૨૫ ટકા વધી

દરેક રાજકીય પક્ષોને હવે મહિલા મતદારોની અગત્યતા સમજાઈ રહી છે. મહારાષ્ટ્રની ચૂંટણીમાં ફક્ત મહિલા મતદારો માટેની યોજના જાહેર કરીને મહાયુતિ સરકારે મહિલાઓના ઢગલાબંધ મત મેળવ્યા. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં મહિલા મતદારોની સંખ્યામાં જબરજસ્ત વધારો જોવામાં આવ્યો. મહિલા મતદારોની ભાગીદારીને લઈને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ એક રીપોર્ટ પ્રકાશીત કર્યો છે. આ રીપોર્ટ પ્રમાણે મહિલાઓના સાક્ષરતા દરમાં ૧ ટકો વધારો થયા પછી ચૂંટણીમાં મહિલા મતદારોની સંખ્યામાં ૨૫ ટકા વધારો થયો છે. એસબીઆઇના રીપોર્ટમાં મહિલાઓના વધેલા સાક્ષરતા દર અને મહિલા મતદારોની સંખ્યા વચ્ચેનો સંબંધ બતાવવામાં આવ્યો છે. ૨૦૧૯ લોકસભાની ચૂંટણી કરતા ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં મહિલા મતદારોની સંખ્યામાં ૧.૮ કરોડનો વધારો થયો છે. 

બીડ હત્યાકાંડમાં સરપંચના ભાઈએ હવે આત્મહત્યાની ધમકી આપી

મહારાષ્ટ્રના બીડ જિલ્લાના મસાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યા મામલે રાજકીય આક્ષેપબાજી થઈ રહી છે. હવે સરપંચના કુટુંબીજનોએ સરકાર પર આક્ષેપ કર્યો છે કે, સંતોષ દેશમુખની હત્યાની તપાસ યોગ્ય રીતે થઈ રહી નથી. સરપંચના ભાઈ ધનંજય દેશમુખે આ બાબતે મોબાઇલ ટાવર પરથી કુદીને આત્મહત્યા કરવાની ધમકી પણ આપી છે. એમણે આરોપ લગાડયો છે કે હત્યા કેસની તપાસની જાણકારી એમના કુટુંબને આપવામાં આવતી નથી. એમના કહેવા પ્રમાણે પુરાવાઓ નષ્ટ કરવામાં આવી શકે છે. જો આરોપીઓ છૂટી જશે તો એમનો અને એમના કુટુંબીઓનો અંજામ પણ એમના ભાઈ જેવો જ આવશે. જો આરોપીઓ પર મકોકા અને હત્યાની કલમ નહીં લગાડવામાં આવે તો તેઓ સોમવારથી આંદોલન શરૂ કરશે.

કેરળના ડાબેરી ધારાસભ્યએ રાજીનામુ આપ્યું, હવે કોંગ્રેસને ટેકો

કેરળના ધારાસભ્ય પીવી અનવરની આજકાલ ચર્ચા થઈ રહી છે. પીવી અનવર કેરળના નિલામ્બર મત વિસ્તારના ધારાસભ્ય હતા. નિલામ્બરે ધારાસભ્ય તરીકે રાજીનામુ આપી દીધું છે. એલડીએફથી અલગ થયા પછી નિલામ્બર તુણમુલ કોંગ્રેસમાં જોડાયા હતા. નિલામ્બરે જાહેર કર્યું છે કે તેઓ પેટા ચૂંટણી લડવાના નથી પરંતુ બહાર રહીને કોંગ્રેસને ટેકો આપશે. રાજકીય નીરિક્ષકોને નવાઈ લાગી રહી છે કે નિલામ્બરે જો કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા હતા તો તેઓ તુણમુલ કોંગ્રેસમાં શા માટે જોડાયા. ધારાસભ્યના કહેવા પ્રમાણે કેરળમાં માણસ - પશુ વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. આ બાબતે મામલો સંસદમાં ઉઠાવવા માટે નિલામ્બરે મમતા બેનર્જીને વાત કરી છે. નિલામ્બરે મુખ્યમંત્રીના અગ્રસચીવ પી શશી, એડીજીપી અજીતકુમાર અને મલપ્પુરમના ભૂતપૂર્વ કલેક્ટર સુજીત દાસ પર ગંભીર આક્ષેપો કર્યા છે.

ગ્લોબલ વોર્મિંગની ભવિષ્યવાણી કરવી કઠીન

ગ્લોબલ વોર્મિંગની ભવિષ્યવાણી કરવી નિષ્ણાતો માટે પણ અતી મુશ્કેલ છે. વરસાદ, બરફના તોફાનો, સમુદ્રના સ્તરમાં વધારો અને ગ્લોબલ વોર્મિંગની અન્ય ઘટનાઓ અનેક વિવિધ પ્રકારના પ્રાકૃતિક કારણોસર બનતી રહે છે. આવનારા વર્ષોમાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનની ભવિષ્યવાણી કરવી અતિ મુશ્કેલ છે, કારણ કે એ રાજકીય નિર્ણયો અને ટેક્નિકલ શોધો પર નિર્ધારીત હોય છે. મોનાશ વિવિની સ્કુલ ઓફ અર્થ એટમોસફીયર એન્ડ એન્વાયરમેન્ટના નિષ્ણાતોએ અભ્યાસ કરીને જાહેર કર્યું છે કે, ક્રેટેશિયસ કાળ દરમિયાન વૃક્ષો અને વન્યજીવોના વિકાસ પર જળવાયુ પરિવર્તનનો પ્રભાવ કઈ રીતે પડયો હતો. નવાઈ લાગે એવુ એક તારતમ્ય એ છે કે, ૨૬ લાખ વર્ષ પહેલાં આજની સરખામણીએ પૃથ્વી વધુ ગરમ હતી.

દિલ્હીમાં કોંગ્રેસ સાત ટકા મતો મેળવે તો ભાજપને ફાયદો થાય

દિલ્હીની ચૂંટણીમાં ભાજપ અને આપ વચ્ચે બરાબરનો જંગ જામ્યો છે. કોંગ્રેસે પણ ગ્રાઉન્ડ લેવલે મહેનત આદરી છે. એક લેટેસ્ટ સર્વેનું માનીએ તો દિલ્હીમાં આપને આ વખતે ભાજપ ટક્કર આપશે. ખાસ તો મહિલાઓને આર્થિક સહાય આપવા સહિતની મુક્ત આપવાની યોજનાઓના સહારે ભાજપને ફાયદો થઈ શકે. સૌથી મહત્ત્વનું ફેક્ટર રહેશે કોંગ્રેસ. જો કોંગ્રેસ સાત ટકા જેટલો વોટશેર મેળવી લેશે તો એનો ફટકો આપને મળશે. કોંગ્રેસ જે વોટશેર મેળવશે એ આપમાંથી કપાશે અને ભાજપ પાસે જે વોટબેંક છે એ જેમની તેમ રહે તો ભાજપને ૩૭થી ૪૧ બેઠકો મળી શકે છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસને ચાર ટકા મતો મળ્યા હતા.

૨૦૨૫માં ભારતનું અર્થતંત્ર થોડું મંદ પડશે : આઈએમએફ

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફના )ના વડા ક્રિસ્ટલિના જ્યોર્જિવાએ વિશ્વના અર્થતંત્રનો વાર્ષિક અહેવાલ આપતા ભારતના અર્થતંત્રના સંદર્ભમાં એક જ વાક્યું કે ભારતીય અર્થતંત્ર ૨૦૨૫માં થોડું મંદ રહેશે. જોકે, તેની અસર થઈ હોય એમ માર્કેટ તૂટયું હતું. શેરબજાર તૂટવા પાછળ આ એકમાત્ર કારણ નથી, પરંતુ આ પણ એક કારણ હોવાનું કહેવાય છે. આંતરરાષ્ટ્રીય આર્થિક સંસ્થાઓ તેમના અહેવાલમાં જે કહે તેના પર રોકાણકારોની ચાંપતી નજર હોય છે. ભારતના સંદર્ભમાં આ નેગિટિવ રિમાર્કની કેટલી અસર થશે એ આગામી દિવસોમાં ખબર પડશે.

દિલ્હીની ચૂંટણીમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મુદ્દો ચગ્યો

મકરસંક્રાંતિના દિવસે ગુજરાતમાં પતંગ ચડે તે પહેલાં દિલ્હીમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મુદ્દો પતંગથી ય ઊંચો ચગ્યો છે. એક તરફ સ્મૃતિ ઈરાની સહિતના ભાજપના નેતાઓ આપ પર આરોપ લગાવે છે કે આપના ધારાસભ્યોએ બાંગ્લાદેશી ઘૂસણખોરોના નકલી આધારકાર્ડ બનાવી આપ્યા છે. આપ ઘૂસણખોરોનું સમર્થન કરે છે એવા આરોપ વચ્ચે સંજય સિંહે શેખ હસીનાના મુદ્દે કેન્દ્રની ભાજપ સરકારને ઘેરી છે. સંજય સિંહે કહ્યું કે શેખ હસીનાના પ્રત્યાર્પણની બાંગ્લાદેશની માગણી ફગાવીને સરકાર બાંગ્લાદેશના હિન્દુઓનો જીવ જોખમમાં મૂકે છે. રોહિંગ્યા દિલ્હીમાં કેવી રીતે આવ્યા તે મુદ્દે પણ સંજય સિંહે કેન્દ્રને સવાલો કર્યા હતા. દિલ્હીના વર્તુળોમાં તો ચર્ચા એવીય ચાલતી હતી કે ભાજપના જ નેતાઓ કેન્દ્ર સરકારને હાસ્યાસ્પદ સ્થિતિમાં નાખે છે. કારણ કે દિલ્હીમાં સુરક્ષાદળો ગૃહ મંત્રાલય હેઠળ આવે છે અને જ્યાંથી ઘૂસણખોરો ઘૂસે છે એ સુરક્ષાદળોનું કાર્યક્ષેત્ર પણ ગૃહ મંત્રાલય એટલે કે કેન્દ્ર હેઠળ આવે છે. જો કેન્દ્રને જાણ છે કે દિલ્હીમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો છે તો તેમને હાંકી કાઢવામાં કેમ નથી આવતા?

મહાકુંભમાં મુલાયમની પ્રતિમાથી રાજકીય વિવાદ

સમાજવાદી પાર્ટીએ મહાકુંભ નગરના  સેક્ટર-૧૬માં મુલાયમ સિંહ યાદવ સ્મૃતિ સેવા સંસ્થાનની શિબિરમાં મુલાયમ સિંહ યાદવની પ્રતિમા મૂકી છે. વિધાનસભામાં વિપક્ષના નેતા માતા પ્રસાદ પાંડેએ મુલાયમ સિંહ યાદવની પ્રતિમાનું અનાવરણ કરીને કહ્યું હતું કે કુંભમેળામાં આવતા મુલાયમ સિંહ યાદવના સમર્થકો તેમને અંજલિ આપી શકશે. જોકે, આનાથી વિવાદ પણ થયો છે. અખાડા પરિષદે રવીન્દ્ર પૂરીએ કહ્યું કે આ યોગ્ય નથી. મુલાયમ સિંહ યાદવે રામ મંદિર આંદોલન વખતે જે ભૂમિકા ભજવી હતી તે હિન્દુઓને પસંદ આવી નથી. અન્ય અખાડાના સંતોએ પણ આ નિવેદનને સમર્થન આપ્યું છે.


Google NewsGoogle News