For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : સોનિયા ગાંધી રાયબરેલીથી ન ઉતર્યાં તે પાછળનું કારણ

Updated: Apr 14th, 2024

દિલ્હીની વાત : સોનિયા ગાંધી રાયબરેલીથી ન ઉતર્યાં તે પાછળનું કારણ

નવી દિલ્હી : રાયબરેલીની બેઠક છેક ૧૯૭૧થી ગાંધી પરિવારનો ગઢ ગણાય છે. કટોકટી પછી ૧૯૭૭માં રાજ નારાયણ સામે ઈન્દિરા ૫૫ હજારથી હાર્યા, પણ એ પછી આ બેઠક કોંગ્રેસ પાસે રહી છે. ૧૯૯૬ અને ૧૯૯૮ના અપવાદને બાદ કરતાં આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારો જીતતા આવ્યા છે. સોનિયા ગાંધી ૨૦૦૪થી આ બેઠક પર તોતિંગ માર્જિનથી ચૂંટાય છે. સોનિયા હાઈએસ્ટ ૪.૧૭ લાખના માર્જિનથી જીતી ચૂક્યા છે. લગભગ દરેક ચૂંટણીમાં અઢીથી લઈને સાડા ત્રણ લાખથી વધુના માર્જિનથી જીતતા સોનિયા ગત ચૂંટણીમાં ૧.૬૭ લાખ મતોથી ચૂંટાયા હતા, પરંતુ એક જ ટર્મમાં તેમની લીડ સવા લાખ જેટલી ઘટી ગઈ હતી. જો આ ચૂંટણીમાં એટલું માર્જિન ઘટી જાય તો પરાજય થઈ જાય. એવું ન થાય તે માટે તેમને રાજ્યસભામાં મોકલાયા છે. કોંગ્રેસ માટે રાયબરેલી બેઠક આ વખતે મોટો પડકાર બનશે.

ઈસરોના ચંદ્રયાન અને સૂર્યયાન રાજકીય મુદ્દો

ઈસરોને ગયા વર્ષે બે મહત્ત્વની સફળતા મળી હતી - ચંદ્રયાન-૩ અને આદિત્ય-એલ-૧ સૂર્યયાન. ચંદ્રયાન પ્રોગ્રામ હેઠળ ઈસરોનું આ ત્રીજું મિશન હતું. તો આદિત્ય-એલ-૧થી ભારતે સૂર્યના સંશોધનની નવી દિશા ખોલી હતી. આ બંને મિશનોથી દેશભરમાં ઉત્સાહનો માહોલ હતો. હવે તેને ચૂંટણી પ્રચારમાં સમાવાતા વિપક્ષોએ નારાજગી વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ છેલ્લાં બે-ત્રણ ભાષણોમાં આ મિશનોનો ઉલ્લેખ કર્યો એ પછી અન્ય કેન્દ્રીય મંત્રીઓ પણ સરકારની સફળતામાં આ મિશનો ગણાવે છે. અર્થસાયન્સ મંત્રી કિરન રિજીજૂએ એક નિવેદનમાં એનો ઉલ્લેખ કર્યો એ પછી કોંગ્રેસના ઘણાં નેતાઓએ ઈસરોની સિદ્ધિને રાજકીય મુદ્દો ન બનાવવાની ભાજપના નેતાઓને અપીલ કરી હતી.

તેજસ્વીના ચૂંટણીઢંઢેરા પર જીતનરામનો વ્યંગ

'સૂર્ય પશ્વિમમાંથી ઉગશે... અમેરિકાનો ભારતમાં વિલય કરીશું..' બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ તેજસ્વી યાદવના મેનિફેસ્ટો પર વ્યંગ કરતાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકીને આવું લખ્યું હતું. તે સિવાયના એનડીએના અન્ય નેતાઓએ પણ તેજસ્વીના મેનિફેસ્ટો પર કટાક્ષ કર્યા હતા. તેજસ્વીએ ૨૪ મુદ્દા સમાવીને એમાં એક કરોડ નોકરીઓના સર્જનનો વાયદો કર્યો છે. એ પછી એનડીએના નેતાઓ કહે છે કે તેજસ્વી તો એવી રીતે વાયદો કરે છે જાણે રાષ્ટ્રીય જનતા દળ ખરેખર રાષ્ટ્રીય પાર્ટી હોય! લોકોએ પણ સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરીઃ 'લોકસભામાં છેલ્લી બે ટર્મથી ત્રણ આંકડે પહોંચતી નથી એવી પાર્ટી મોટા-મોટા વાયદાનો વેપાર કરે છે!'

ભાજપના મેનિફેસ્ટો પછી ઘેરવાનો કોંગ્રેસનો વ્યૂહ

મેનિફેસ્ટો જાહેર કરીને એનડીએના નેતાઓએ તેજસ્વી યાદવને તો ઘેર્યા છે, પણ એ જ સ્ટ્રેટજી કોંગ્રેસે પણ ગોઠવી રાખી છે. ભાજપ ૧૪મી એપ્રિલે મેનિફેસ્ટો જાહેર કરશે. એકાદ મહિના પહેલાં ભાજપે મેનિફેસ્ટો સમિતિ બનાવી હતી. ભાજપનો મેનિફેસ્ટો જાહેર થાય પછી કોંગ્રેસે સોશિયલ મીડિયામાં ઘેરવાનો વ્યૂહ બનાવ્યો છે. ખાસ તો રોજગારીના મુદ્દે કેન્દ્ર સરકાર જે વાયદા કરે છે તેની સામે આંકડાં જાહેર થાય તે ઘણાં ઓછા હોય છે. નવો વાયદો થાય તે પછી કોંગ્રેસ જૂના આંકડાં રજૂ કરશે. ભાજપના સૂત્રોનો દાવો છે કે કોંગ્રેસને આવી તક મળશે નહીં. કારણ કે ભાજપ મેનિફેસ્ટોમાં સરપ્રાઈઝ આપીને વિપક્ષોને મોટો આંચકો આપશે. કોઈ મોટી યોજનાની જાહેરાત મેનિફેસ્ટોમાં થાય તેવી શક્યતા છે.

રાજ ઠાકરેએ મોદીના વખાણ કર્યા, મનસેના નેતાઓ નારાજ

મહારાષ્ટ્રમાં આ વખતે બધા પક્ષોની કસોટી છે. શિવસેના અને એનસીપીના ફાડિયા થયા બાદ મતોનું વિભાજન થશે. કોંગ્રેસ રાજ્યમાં ખૂબ નબળી પડી ચૂકી છે. તો ભાજપને પણ છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી મળી ન હતી. આવી સ્થિતિમાં ભાજપે કટ્ટર હિન્દુત્વની ઈમેજ ધરાવતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેનું સમર્થન મેળવ્યું છે. રામ મંદિરના મુદ્દે રાજ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યશ આપ્યો ને વડાપ્રધાનના ભારે વખાણ કર્યા. જોકે, તેનાથી મનસેના ઘણાં નેતાઓ નારાજ થયા છે. મનસેના મહાસચિવ કીર્તિકુમાર શિંદેએ તો રાજીનામું આપ્યાની જાહેરાત સોશિયલ મીડિયામાં કરી હતી. શિવસેનામાંથી જે તે વખતે રાજ ઠાકરેના સમર્થનમાં મનસેમાં આવેલા નેતાઓ માને છે કે રામ મંદિરના આંદોલનમાં બાલાસાહેબ ઠાકરેની પણ મહત્ત્વની ભૂમિકા હતી. રાજ ઠાકરેએ તેનો ઉલ્લેખ કરવો જોઈએ.

મંડીમાં વિક્રમાદિત્યને ટિકિટથી જંગ રસપ્રદ બન્યો

હિમાચલ પ્રદેશની મંડી બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ મંડીની બેઠક પરથી ત્રણ વખત સાંસદ બન્યા હતા. તેમનાં પત્ની અત્યારે હિમાચલ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પ્રતિભા સિંહ પણ ત્રણ વખત ચૂંટાઈ ચૂક્યા છે. આ વખતે કોંગ્રેસે તેમનાં દીકરા વિક્રમાદિત્ય સિંહને ટિકિટ આપી છે. ભાજપે અભિનેત્રી કંગનાને મેદાનમાં ઉતારીને માહોલ બનાવ્યો છે. ભાજપને કંગનાના સેલિબ્રિટી સ્ટેટસથી લાભ થશે એવી આશા છે. જોકે, આ વિસ્તાર વીરભદ્ર-પ્રતિભાનો ગઢ ગણાય છે. કોંગ્રેસે પ્રતિભાને જ મેદાનમાં ઉતારવા મનાવ્યા હતા, પરંતુ તેમણે દીકરાને ટિકિટ આપવાની રજૂઆત કરી ત્યારે કંગનાએ વિક્રમાદિત્યને છોટા પપ્પુ કહીને ટીખળ કરી હતી. જ્ઞાાતિના સમીકરણો આ લડાઈને વધુ રસપ્રદ બનાવશે.

હૈદરાબાદમાં ઓવૈસીની બેઠક બચાવવા કોંગ્રેસ મદદ કરશે

હૈદરાબાદની બેઠક પર આ વખતે રસપ્રદ જંગ જામ્યો છે. ભાજપે માધવી લતાને ટિકિટ આપી છે. માધવી સામાજિક કાર્યકર છે. મહિલાઓના અધિકારો માટે લડત ચલાવે છે. જૂના હૈદરાબાદમાં મુસ્લિમ મહિલાઓને આર્થિક મદદ પણ કરે છે એટલે અસદુદ્દીન ઓવૈસીને પરંપરાગત બેઠક જીતવામાં ભારે પરસેવો પાડવો પડશે એવું કહેવાય છે. વિપક્ષોના મતોનું વિભાજન અટકાવવા કોંગ્રેસ બધા રાજ્યોમાં પહેલ કરે છે. તેના ભાગરૂપે કોંગ્રેસે હૈદરાબાદની બેઠક પરથી ઓવૈસી સામે ઉમેદવાર ન ઉતારવાની જાહેરાત કરી છે. તેનાથી ઓવૈસીને થોડી રાહત થશે. ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને ૫૦ હજાર મતો મળ્યા હતા. જો કટોકટીની લડાઈ જામે તો આટલા મતો પણ નિર્ણાયક સાબિત થઈ શકે તે ગણતરીથી કોંગ્રેસે ઓવૈસીની મદદ કરી છે. રાહુલ ગાંધીએ થોડા દિવસ પહેલાં જ ઓવૈસીને મોદીના મિત્ર ગણાવ્યા હતા. એ પછી અચાનક ઓવૈસીના સમર્થનમાં થયેલા આ નિર્ણયથી ઘણાંને આશ્વર્ય થયું છે.

Gujarat