દિલ્હીની વાત : રાહુલ ગાંધીના નિવેદનનો કુપ્રચાર કરવા જતાં ભાજપ ખુદ ભેરવાયો

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
દિલ્હીની વાત : રાહુલ ગાંધીના નિવેદનનો કુપ્રચાર કરવા જતાં ભાજપ ખુદ ભેરવાયો 1 - image


નવીદિલ્હી : અનામત મુદ્દે રાહુલ ગાંધીએ કદી એમ કહ્યું નહોતું કે, યોગ્ય સમયે અનામત નાબુદ કરવામાં આવશે. જોકે રાહુલ ગાંધીએ અમેરીકામાં આપેલા એક ઇન્ટરવ્યુને ભાજપએ તોડી મરોડીને રજુ કર્યો. ભાજપએ એવો પ્રચાર કર્યો કે, રાહુલ ગાંધી અનામત નાબુદ કરવા માંગે છે. દેશના લોકોએ સાચી વાત જાણવા રાહુલ ગાંધીની મુલાકાતનો વિડિયો સંપૂર્ણ જોયો. રાહુલ ગાંધીએ અનામત નાબુદી વિશે કોઈ વાત કરી નહી હોવાનું જાણીને લોકો ભાજપથી નારાજ થયા. ભાજપએ આડકતરી રીતે રાહુલ ગાંધીની મુલાકાતને લોકપ્રિય બનાવી.

હરિયાણામાં ભાજપ - દેવીલાલ કુટુંબનો ૫૨ વર્ષ જૂનો સંબંધ તૂટયો

હરિયાણાની રાજનીતીમાં ભાજપ અને દેવીલાલ કુટુંબ વચ્ચે ૫૨ વર્ષથી સંબંધ હતો. હરિયાણામાં ભાજપન (જનસંઘ)ના જનક કહેવાતા ડો. મંગલસેન અને ચૌધરી દેવીલાલની દોસ્તીની વાતો હરિયાણાના લોકો આજ સુધી ભૂલ્યા નથી. પાછળથી આ બંનેની મિત્રતા રાજકીય ગઠબંધનમાં પરિણમી હતી. ચૌધરી દેવીલાલ ૧૯૭૭માં મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે મંગલસેનને ઉપમુખ્યમંત્રી બનાવ્યા હતા. હવે હરિયાણા ભાજપના કેટલાક નેતાઓના અહંકારને કારણે આ સંબંધનો અંત આવ્યો છે.

કોંગ્રેસે ૧૯૯૨માં મણિપુર બાબતે જે કર્યું હતું એ ભાજપ કેમ કરતો નથી

છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી મણિપુરમાં જાતિવાદી હિંસા અટકતી નથી. રાજ્યમાં પરિસ્થિતિ અતિ ગંભીર છે. સુરક્ષા કર્મચારીઓના હથિયારો લૂંટી લેવામાં આવે છે. હિંસા રોકવામાં નિષ્ફળ રહેલા સુરક્ષા દળોને મણિપુર છોડી દેવા સ્થાનિક લોકોએ માંગણી કરી છે. મુખ્યમંત્રી અને રાજ્યપાલના ઘરો પણ સુરક્ષીત નથી. એવી વાત છે કે મણિપુરના મુખ્યમંત્રી એન બીરેનસિંહ રાજીનામું આપી દેશે. આ પરિસ્થિતિમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ માંગણી કરી છે કે બીરેનસિંહ સરકારને ડિસમીસ કરવામાં આવે. ૧૯૯૨માં મણિપુરમાં જ્યારે હિંસા શરૂ થઈ હતી ત્યારે રાજ્ય તેમ જ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. તત્કાલીન મુખ્યમંત્રી રાજકુમાર દોરેન્દ્રસિંહ હિંસાને કાબુમાં લાવી શક્યા ન હોવાથી કેન્દ્રની સરકારે પોતાના જ પક્ષની રાજ્યસરકારને ઘરે બેસાડી દીધી હતી. રાજકીય નિરીક્ષકો એ દિવસોને યાદ કરતા એવી ટકોર કરે છે કે, મણિપુરમાં ભાજપએ સત્તાની લાલચે રાજ્યને બરબાદ કર્યું છે.

ટ્રેનો ઉથલાવવાના કાવતરાઓ વચ્ચે રેલવે મંત્રી વૈષ્ણવની ઇમેજ તળિએ

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વીની વૈષ્ણવ ખૂબ પ્રમાણીક અને કાર્યશીલ છે એવી ઇમેજ પ્રસ્થાપિત કરવામાં આવી હતી. હવે વારંવાર ટ્રેનો પાટા પરથી ઉથલી રહી છે અને ટ્રેનોને પાટા પરથી ઉથલાવવાના કાવતરા બહાર આવી રહ્યા છે. રેલવે મંત્રી એકાએક જાગૃત થયા છે. પ્રવાસીઓની સુરક્ષા માટે હવે પાટાઓની આસપાસ કેમેરા મુકવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. ટ્રેનના એન્જિનોની આગળના ભાગોમાં પણ કેમેરા લગાડવામાં આવશે. આટલા વખત સુધી વૈષ્ણવે આ નિર્ણય કેમ ન લીધો એ બાબતે કોઈ ફોડ પાડતા નથી. દેશભરમાં મોડી થતી ટ્રેનો અને વારંવાર થતા અકસ્માતો પછી અશ્વીની વૈષ્ણવ શા માટે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપતા નથી એવી ટકોર પણ થઈ રહી છે.

સિદ્ધારમૈયાએ આત્મવિશ્વાસથી કહ્યું, મુખ્યમંત્રી તરીકે હું રહીશ

છેલ્લા કેટલાક દિવસોથી કર્ણાટકમાં એવી અફવા ચાલી રહી છે કે, સિદ્ધારમૈયા રાજીનામું આપે તો એમની જગ્યાએ નવા મુખ્યમંત્રી કોણ બનશે. સ્થાનિક ભાજપના નેતાઓએ પણ આ અફવાને હવા આપી હતી. સિદ્ધારમૈયા ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓને જેલમાં મોકલવા માંગતા હોવાથી ભાજપ પણ સિદ્ધારમૈયા મુખ્ય મંત્રી નહી રહે એવું ઇચ્છે છે. જોકે કોંગ્રેસ હાઇકમાન્ડે સિદ્ધારમૈયાને કહ્યું છે કે, મુખ્યમંત્રી તરીકે એમને બદલવાનું કોઈ આયોજન નથી. સિદ્ધારમૈયાએ ખૂબ આત્મવશ્વિસા સાથે કહ્યું કે, મુખ્યમંત્રીની બેઠક ખાલી થવાની નથી. મુખ્યમંત્રી તરીકે હું જ ચાલુ રહીશ.

કોંગ્રેસ ઉમેદવાર વિનેશ ફોગાટનો પીટી ઉષા પર ગંભીર આરોપ

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી રહેલા જાણીતા પહેલવાન વિનેશ ફોગાટએ ભારતીય ઓલમ્પિક સંઘના પ્રમુખ અને એક જમાનાના રનર પીટી ઉષા પર ગંભીર આરોપ મૂક્યો છે. પીટી ઉષા ભાજપ તરફી રાજનીતી કરી રહ્યા હોવાનું ફોગાટ માની રહ્યા છે. ફોગાટએ કહ્યું છે કે, પેરીસ ઓલમ્પિકમાં જ્યારે એમને ગેરલાયક જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે હોસ્પિટલમાં પીટી ઉષા એમને મળવા માટે આવ્યા હતા. એ વખતે પીટી ઉષાએ ફોગાટ સાથે કોઈ વાત કરી નહોતી કે એમને સાંત્વના આપી નહોતી. ફક્ત ફોટા પડાવીને તરત બહાર નીકળી ગયા હતા. આ પ્રસંગ પછી વિનેશ ફોગાટનું દિલ તૂટી ગયું હતું અને ખૂબ નિરાશ થઈ ગયા હતા.

આતંકી રાશીદને જેલમાંથી ભાજપે છોડાવ્યો : ફારૂખ અબ્દુલ્લા

એક તરફ ભાજપ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતી રાખવાની વાત કરે છે જ્યારે બીજી તરફ રાજકીય સ્વાર્થ માટે આતંકવાદીઓને જેલમાંથી છોડાવવાનું પાપ કરી રહ્યો છે. ઇન્ડિયન એરલાઇન્સના વિમાન સી-૮૧૪ હાઇજેક્ટ કરનાર આતંકવાદીઓને પણ ભાજપએ છોડયા હતા અને હવે રાજકીય ફાયદા માટે કાશ્મીરના ખૂંખાર આતંકવાદી એન્જિનિયર રાશીદને પણ જમ્મુ-કાશ્મીરની ચૂંટણી વખતે જેલમાંથી છોડવામાં આવ્યો છે. નેશનલ કોંગ્રેસના પ્રમુખ ફારૂખ અબ્દુલ્લાએ એવો આક્ષેપ કર્યો છે કે, એન્જિનિયર રાશીદને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉભા રાખીને ભાજપ મુસ્લિમ મતોનું વિભાજન કરાવવા માંગે છે.

પાકિસ્તાન-અફઘાનિસ્તાનની લડાઈ પર આરબ દેશોની નજર

તાલિબાન શાસિત અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે જામી પડી છે. છેલ્લાં એક સપ્તાહથી અફઘાનિસ્તાનની સરહદ તોપ અને બોંબમારાથી ધણધણી ઉઠી છે. બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળે એવી દહેશત છે. આ વિવાદ ડૂરંડ રેખાને લઈને છે. પાકિસ્તાન તેને પોતાનો હિસ્સો ગણે છે. અફઘાનિસ્તાન તેને પાકિસ્તાનની સરહદ નથી માનતું. એ પહેલાં બંને દેશો શરણાર્થીઓના મુદ્દે બાખડયા હતા. એક સમયે દુનિયામાં તાલિબાનોને પનાહ આપનારુ પાકિસ્તાન આજે તેની સામે જ પડયું છે. પાકિસ્તાને જ તાલિબાનની સરકારને સૌ પહેલી માન્યતા પણ આપી હતી. આ બંને દેશોની લડાઈ પર આરબ દેશોની નજર મંડાઈ છે. સાઉદીએ મધ્યસ્થી કરીને મામલો ઉકેલવાની તજવીજ આદરી છે.

બંગાળમાં જુનિયર ડોક્ટરોની હડતાલ રાજકીય : ટીએમસી

પશ્વિમ બંગાળમાં જુનિયર ડોક્ટરો સાથે બિનશરતી બેઠક કરવાની મમતા બેનર્જીની સરકારે તૈયારી બતાવી છતાં ડોક્ટરોએ એ પ્રસ્તાવ નકારી દીધો હતો. તેનાથી મમતા બેનર્જી વિફર્યા હતા. તેમણે કહ્યું હતું કે મને ખુરશીનો મોહ નથી, હું રાજીનામું આપવા તૈયાર છું. ત્રીજી વખત ડોક્ટરોને વાતચીત માટે બોલાવ્યા છતાં આવ્યા નહીં. તેમને સમાધાન કરવામાં રસ નથી. માત્ર દેખાવો કરવામાં જ રસ નથી. ટીએમસીના સિનિયર નેતા અને મંત્રી ચંદ્રીમા ભટ્ટાચાર્યએ તો ત્યાં સુધી આરોપ લગાવ્યો કે જુનિયર ડોક્ટરોની આ હડતાલ રાજકારણથી પ્રેરિત છે. કારણ કે સરકારે બધી જ તૈયારી બતાવી છતાં હડતાલ ચાલુ રાખવાનો નિર્ણય બીજી તરફ ઈશારો કરે છે.

જુલાનાની બેઠકમાં બે મહિલા પહેલવાનો વચ્ચે રાજકીય કુશ્તી જામશે

કોંગ્રેસે જુલાનાની બેઠક પરથી વિનેશ ફોગાટને મેદાનમાં ઉતારીને ઓલમોસ્ટ ભાજપને મોટો ફટકો આપ્યો હતો. મહિલા પહેલવાન વિનેશ ફોગાટ જીતવા માટે હોટફેવરિટ ગણાવા લાગ્યા હતા, પરંતુ એ બેઠક પર ટ્વિસ્ટ ભાજપે નહીં આમ આદમી પાર્ટીએ લાવ્યો છે. આમ આદમી પાર્ટીએ કવિતા દલાલને મેદાનમાં ઉતાર્યા છે. કવિતા દલાલ મહિલા પહેલવાન હતા. લેડી ખલીના ઉપનામથી જાણીતા થયેલા કવિતા દલાલ ડબલ્યુ ડબલ્યુ ઈમાં દેશના પ્રથમ પ્રોફેશ્નલ રેશલર હતાં. આપ અચાનક આવો દાંવ ખેલશે એની કલ્પના કોંગ્રેસે કરી ન હતી.

ગણેશ સ્થાપના પર પથ્થરમારા બાદ રતનામ એસપીની તાકીદે બદલી

રતલામમાં એક જાહેર સ્થળે ગણેશ ભગવાનની મૂર્તિની સ્થાપના થઈ હતી. તેના પર કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. એ ઘટના બાદ હિન્દુવાદી સંગઠોએ પોલીસ વિભાગની કાર્યવાહી અને પોલીસ પ્રોટેક્શન પર સવાલો ઉઠાવીને કલેક્ટરને અરજી કરી હતી. એ ઘટના પછી પોલીસ વિભાગમાં ફેરફાર કરાયો હતો. રતલામ એસપી રાહુલ કુમાર લોઢાની રાતોરાત ભોપાલમાં બદલી કરી દેવાઈ હતી. તેમના સ્થાને નરસિંહપુરના એસપી અમિત કુમારને ચાર્જ સોંપ્યો છે. એસપીની આ રાતોરાત બદલીએ મધ્યપ્રદેશમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે.

- ઈન્દર સાહની


Google NewsGoogle News