દિલ્હીની વાત : મધ્યપ્રદેશમાં ઉંદરો 30 વર્ષ જૂનો પૂલ હડપ કરી ગયા
નવીદિલ્હી : કહેતા ભી દિવાના, સૂનતા ભી દિવાના જેવો એક કિસ્સો મધ્યપ્રદેશમાં સામે આવ્યો છે. આપણા દેશના સરકારી તંત્રો પોતાની નિષ્ફળતા અને ભ્રષ્ટાચાર ઢાકવા માટે જાતભાતના બહાના કાઢતા રહે છે, પરંતુ મધ્યપ્રદેશના પીડબલ્યુડી વિભાગે તો તમામ હદ વટાવી દીધી છે. અશોકનગર જિલ્લામાં બનેલો એક ઓવરબ્રિજ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. બ્રિજનો એક સ્લેબ પણ તૂટી પડયો હતો. સ્થળ પર પહોંચેલા અધિકારીઓએ તપાસ શરૂ કરી અને પીડબલ્યુડીના અધિકારીઓએ એવો રીપોર્ટ આપ્યો કે ૩૦ વર્ષ જૂના આ પૂલને ઉંદરો કોતરી રહ્યા હતા અને પૂલ બનાવવા માટે વપરાયેલી માટી વર્ષો સુધી બહાર કાઢી રહ્યા હતા જેને લીધે પુલ ક્ષતીગ્રસ્ત થઈ ગયો. હવે ફરીથી જ્યારે પૂલનું રીપેરકામ થશે ત્યારે એવી ચોકસાઇ રાખવામાં આવશે કે જેને કારણે ઉંદરો પૂલના સ્લેબમાં પ્રવેશી નહીં શકે. મધ્યપ્રદેશ પીડબલ્યુડીના અધિકારીઓનો આ હાસ્યાસ્પદ જવાબ સાંભળીને લોકો સરકારની મશ્કરી કરી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં પક્ષો વચ્ચેની આંતરિક લડાઈ પરિણામો પછી સમીકરણ બદલશે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બંને ગઠબંધન વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. જે રીતે એનસીપી (અજીત પવાર)ના કેટલાક ઉમેદવારો સામે ભાજપના સિનિયર નેતા જાહેરમાં વિરોધ કરી રહ્યા છે એને કારણે અજીત પવાર સમસમી ગયા છે. મહાયુતિ ગઠબંધનમાં ભાજપ સૌથી મોટો પક્ષ હોવાથી અજીત પવાર હમણા તો ચૂપ છે. જોકે રાજકીય નીરિક્ષકોનું માનવું છે કે, ચૂંટણીના પરિણામો પ્રવાહી રહ્યા તો અજીત પવાર ફરીથી કાકા શરદ પવાર સાથે સોદાબાજી કરી શકે એમ છે. બીજી તરફ મહાઅઘાડીમાં આંતરીક કલહ ઓછો દેખાઈ રહ્યો છે. પરિણામ જો પ્રવાહી આવે તો પણ શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિઓ કદાચ મહાયુતિ સાથે સોદાબાજી કરી શકે, પરંતુ કોંગ્રેસ અને એનસીપી (શરદ પવાર)ના મોરચે ચિંતા જેવું નથી.
વધતી ઉંમર છતાં શરદ પવારનો ઉત્સાહ અકબંધ
એનસીપી (શરદ પવાર)ના પ્રમુખ શરદ પવાર જે રીતે ચૂંટણી પ્રચાર માટે સમગ્ર મહારાષ્ટ્રનો પ્રવાસ કરી રહ્યા છે એ જોઈને ઘણાને નવાઈ લાગે છે. વધતી ઉંમર અને નાદુરસ્ત તબિયત હોવા છતાં પવાર ખુબ આક્રમક રીતે મહાવિકાસ અઘાડીનો પ્રચાર કરી રહ્યા છે. એક ચૂંટણી સભાને સંબોધન કરતા એમણે કહ્યું હતું કે, મહાયુતિ સરકારમાં કોઈને ખેતી બાબતે સમજણ નથી. રાજ્યના શિક્ષિત બેરોજગારો માટે આ સરકાર વિચાર કરતી નથી. સરકારને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી. રાજ્યમાં ખેડૂતોની અવગણના કરવામાં આવી રહી છે, જેનો જવાબ ખેડૂતો ચૂંટણીમાં આપશે. મોટા ઉદ્યોગોને મહારાષ્ટ્રમાંથી ગુજરાત મોકલી આપવામાં આવ્યા છે. જાણકારોનું કહેવું છે કે ભૂતકાળની ચૂંટણીઓમાં શરદ પવારે ક્યારેય આટલી આક્રમકતાથી પ્રચાર કર્યો નથી.
વાયનાડમાં પ્રિયંકા વાડ્રા મોટા માર્જીનથી જીતશે : સચિન પાયલટ
વાયનાડની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે સિનિયર નેતાઓને કામે લગાડી દીધા છે. કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકા વાડ્રાને મોટા માર્જીનથી જીતાડી લાવવા માટે કોંગ્રેસના સિનિયર નેતાઓ મહેનત કરી રહ્યા છે. પ્રિયંકા માટે પ્રચાર કરવા ગયેલા સચિન પાયલટનું કહેવું છે કે, રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી પણ સંસદમાં હશે તો ભાજપ માટે કપરા દિવસો શરૂ થશે. પાયલટના કહેવા પ્રમાણે વાયનાડ ગયા પછી એમણે જોયું છે કે, વાયનાડના લોકો પ્રિયંકાને ચૂંટી લાવવા માટે ઉત્સુક છે. એમ મનાય રહ્યું છે કે વાયનાડથી પ્રિયંકા ગાંધી પાંચ લાખ કરતા વધુ મતોથી વિજયી થશે. ભાજપના નેતાઓએ પણ વાયનાડમાં શસ્ત્રો હેઠા નાખી દીધા છે. ભાજપના ઉમેદવાર નવ્યા હરીદાસ તેમ જ સામ્યવાદી પક્ષના સત્યન મોકરીની ડિપોઝીટ ડુલ થાય એવી પણ પુરી શક્યતા છે.
તહેવારોમાં રેલવે મુસાફરોની વધેલી મુશ્કેલી, રેલવે મંત્રાલય નચિંત
દિવાળી અને ત્યાર પછી છઠના તહેવારોને કારણે દેશ આખામાંથી ઉત્તર પ્રદેશ તેમ જ બિહારના વતનીઓ પોતાના વતન આવ્યા છે. હવે ફરીથી તેઓ પોતાના કામકાજના સ્થળે જઈ રહ્યા છે ત્યારે ટ્રેનોમાં અભૂતપૂર્વ ભીડ જોવા મળી રહી છે. ૪૮ કલાકની મુસાફરી પણ રેલ યાત્રીઓએ ઉભા ઉભા કરવી પડે છે. કેટલીક વિશેષ ટ્રેનોના કોચનો સેફ્ટી પિરિયડ પૂરો થઈ ગયો હોવાથી છેલ્લી ઘડીએ ટ્રેનો કેન્સલ થઈ રહી છે. લાખો મુસાફરો તહેવારોના દિવસો દરમિયાન મુસાફરી કરતા હોવાની જાણકારી હોવા છતાં રેલવે મંત્રાલય સૂતુ રહ્યું છે. રેલવે ટિકિટના દરો બેફામ વધ્યા હોવા છતાં સગવડતાના નામે મીંડુ છે. કઈ રીતે રેલવે યાત્રીઓ ડબ્બા પર લટકીને કે છાપરે ચઢીને મુસાફરી કરી રહ્યા છે એની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
કોરોના ફંડના ગોટાળામાં યેદિયુરપ્પા, શ્રીરામુલુની મુશ્કેલી વધી
કોરોના સમયે કર્ણાટકમાં દવાઓ અને મેડિકલ સાધનોની ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ છે. આ બાબતે તપાસ માટે ન્યાયમૂર્તિ માઇકલ ડી કુન્હાની અધ્યક્ષતામાં કમિટિની નિમણૂક થઈ હતી. કમિટિએ તપાસ કરીને તત્કાલીન મુખ્યમંત્રી યેદિયુરપ્પા તેમ જ આરોગ્ય મંત્રી શ્રીરામુલ્લુ સામે કામ ચલાવવાની ભલામણ કરી છે. હમણાની સરકારના આરોગ્ય મંત્રી દિનેશ ગુંડુરાવે કહ્યું છે કે, 'ભાજપ સત્તામાં હતો ત્યારે મેડિકલ સાધનો અને દવાઓની ખરીદીમાં લૂંટ ચલાવી હોવાની વાત પૂરવાર થઈ ચૂકી છે. નિમવામાં આવેલી કમિટિનો રીપોર્ટ અમારા આક્ષેપ સાચા પૂરવાર કરે છે. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. લગભગ ૧૪ કરોડ રૂપિયાનો ગોટાળો થયો હોવાના પુરાવા મળ્યા છે. હવે અમે ગુનેગારોને જેલ ભેગા કરીશું.
અમેરિકાની ઇસ્કોન રથયાત્રા મુદ્દે ગોવર્ધન પીઠ, ઓડિસા સરકાર નારાજ
નવેમ્બરની ૯ તારીખે અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં ઇસ્કોને રથયાત્રા કાઢી હતી. આ મામલે પુરીના ગજપતિ મહારાજ અને ઓડીસા સરકારે ઇસ્કોનની ટીકા કરી છે. એમનું કહેવું છે કે, ઇસ્કોને એવું વચન આપ્યું હતું કે, ભારતની બહાર યોગ્ય સમય વગર ઇસ્કોન રથયાત્રાનું આયોજન નહીં કરે. ઇસ્કોને આ વચનનો ભંગ કર્યો છે. આ રથયાત્રામાં ઇસ્કોને ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને સુદર્શન ચક્રની પ્રતિમાઓ વગર ભગવાન જગન્નાથના રથની એક પ્રતિકૃતિ પરેડમાં રજૂ કરી હતી. પુરીના ગોવર્ધન પીઠના પ્રવક્તા માતૃપ્રસાદ મિશ્રાએ ઇસ્કોનના આયોજનની ટીકા કરતા કહ્યું હતું કે, 'અમારા ધર્મવિરુદ્ધનું આ એક કાવતરું છે. ભારતમાં ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવો જોઈએ.' ઘણાને નવાઈ લાગી રહી છે કે ઇસ્કોને કસમયે રથયાત્રા કાઢી હોય તો પણ ઓડિસા સરકાર અને ગોવર્ધન પીઠે નારાજ શા માટે થવું જોઈએ.
કુમારસ્વામીને કાલિયા કહેનારા કોંગ્રેસી નેતાએ માફી માગી
કર્ણાટકના કોંગ્રેસના નેતા અને સિદ્ધારામૈયા સરકારમાં મંત્રી રહેલા અહેમદ ખાને થોડા દિવસ પહેલાં એક નિવેદન આપતા કહેલું કે ભાજપ કરતાં કાલિયા કુમારસ્વામી વધારે ખતરનાક છે. એ નિવેદન પછી ભાજપે કોંગ્રેસી નેતાની આકરી ઝાટકણી કાઢી હતી અને આ ટીપ્પણીને ભેદભાવપૂર્ણ ગણાવી હતી. વિવાદ વધતાં કોંગ્રેસને નેતા અહેમદ ખાને કુમારસ્વામીની માફી માગી લીધી હતી. સાથે સાથે કહ્યુેં હતુંઃ 'કુમારસ્વામી અને મારી વચ્ચે આ પ્રકારે એકબીજાને બોલાવવાનો વહેવાર છે. કુમારસ્વામી મને ઠીંગણો કહે છે અને હુેં તેમને કાલિયા કહું છું. અમારા વચ્ચે ભાઈઓ જેવા સંબંધો છે, છતાં જો તેમને કે ભાજપને મારા નિવેદનથી વાંધો હોય તો હું માફી માંગું છું.' કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધનની સરકાર હતી ત્યારે કુમારસ્વામી મુખ્યમંત્રી હતા. અહેમદ ખાન કુમારસ્વામીની સરકારમાં મંત્રી હતા. બંને વચ્ચે સારી મિત્રાચારી છે.
યુપીની પેટા ચૂંટણીમાં વિદ્યાર્થીઓની નારાજગી ખાળવા ભાજપની મથામણ
ઉત્તર પ્રદેશમાં પેટા ચૂંટણી પહેલાં જ લોક સેવા આયોગની પરીક્ષા બાબતે વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું. એના કારણે યોગી સરકાર ડેમેજ કંટ્રોલ કરવા દોડધામ કરી રહી છે. પેટા ચૂંટણીમાં નારાજ યુવાનોના કારણે અસર થાય એવી શક્યતા છે. યોગીએ પ્રચારની દિશા છેક સુધી હિન્દુત્વ કેન્દ્રિત રાખી હતી, પરંતુ છેક છેલ્લી ઘડીએ આ આંદોલન થઈ જતાં પ્રચારનો મુદ્દો જ બદલાઈ ગયો છે. આયોગે પરીક્ષાની પ્રક્રિયામાં ફેરફાર કરવાની વાત કરી એનાથી વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો. ૪૧૧ જગ્યા માટે ડિસેમ્બરમાં પરીક્ષા થવાની છે, પરંતુ બધા જિલ્લામાં એક સાથે પરીક્ષા ન થવાની હોવાથી પણ આક્રોશ છે. અખિલેશ યાદવે છેલ્લાં બે દિવસમાં વિદ્યાર્થીઓની પરીક્ષાના મુદ્દે સરકારને ઘેરતા ભાજપ વિદ્યાર્થીઓની નારાજગી ખાળવા મથામણ કરે છે.
એનડીએમાં ચિરાગનો દબદબો વધતાં કાકા પશુપતિ પારસનો મોહભંગ
ચિરાગ પાસવાનને એનડીએમાં સારું એવું મહત્ત્વ મળી રહ્યું છે. તેનાથી પશુપતિ પારસ નારાજ થયા છે. પટણામાં એરપોર્ટની પાસે રામવિલાસ પાસવાનને લોક જનશક્તિ પાર્ટીના નામે એક બંગલો મળ્યો હતો. એમાં પાર્ટીની ઓફિસ ચાલતી હતી. છેલ્લાં ૪૦ વર્ષથી પશુપતિ પારસ ત્યાં રહેતા હતા. લોક જનશક્તિ પાર્ટીના ભાગ પડયા પછી એમાં પશુપતિ પારસની લોક જનશક્તિ પાર્ટીની ઓફિસ હતી અને એ જ ત્યાં રહેતા હતા. ચિરાગના દબાણથી ભવન નિર્માણ વિભાગે પશુપતિને એ બંગલો ખાલી કરવાની નોટિસ આપી હતી. તેની સામે પશુપતિ હાઈકોર્ટમાં ગયા હતા, પરંતુ એમાં પણ કોર્ટે રાહત આપી ન હતી એટલે હવે બંગલો ખાલી કરવો પડશે. આ ઘટનામાં સરકારે પશુપતિનું સાંભળ્યું નહીં એટલે એનો એનડીએથી મોહભંગ થઈ ગયો છે.
સૌથી ધનવાન આઈએએસ પાસે એક સમયે ચશ્મા ખરીદવાના પૈસા ન હતા
દેશના સૌથી ધનવાન અને ચર્ચિત આઈએએસ અધિકારીઓમાં એક નામ છે - અમિત કટારિયા. ૨૦૦૩ની બેચના છત્તીસગઢ કેડરના આઈએએસ અમિત કટારિયા પાસે ૮.૯૦ કરોડની સંપત્તિ હોવાનો દાવો લેટેસ્ટ અહેવાલમાં થયો છે. એ સાથે જ તેઓ દેશના સૌથી ધનવાન આઈએએસ અધિકારી બન્યા હોવાનું કહેવાય છે. કેન્દ્રમાં સાત વર્ષના ડેપ્યુટેશન પર રહેલા અમિત કટારિયાને કેડર સ્ટેટ છત્તીસગઢમાં મોકલાયા છે. મૂળ દિલ્હીના અમિત કટારિયાએ ૨૦૦૩માં આઈએએસમાં ૧૮મો રેન્ક મેળવ્યો હતો. આજે સૌથી પૈસાદાર અધિકારી ગણાતા અમિત કટારિયા પાસે એક સમયે ચશ્મા લેવાના પૈસાય ન હતા. દિલ્હીમાં ચાલતા ક્લાસિસમાં અમિત કટારિયાના ઉદાહરણો આપવામાં આવે છે. દિલ્હીમાં કેટલાય અધિકારીઓ કટારિયાનો દબદબો, પોપ્યુલારિટી જોઈને અદેખાઈ પણ કરે છે.
- ઈન્દર સાહની