Get The App

ઇન્ડિયા ગઠબંધન તૂટવા માટે રાઉતે કોંગ્રેસ પર ઠીકરુ ફોડયું

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
ઇન્ડિયા ગઠબંધન તૂટવા માટે રાઉતે કોંગ્રેસ પર ઠીકરુ ફોડયું 1 - image


નવીદિલ્હી: ઇન્ડિયા ગઠબંધનમાં તૂટ પડવા માટે ગઠબંધનના કેટલાક નેતાઓ એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ સંજય રાઉતે ઇન્ડિયા ગઠબંધન તૂટવા માટે સંપૂર્ણ રીતે કોંગ્રેસને જવાબદાર ગણાવી છે. રાઉતનું કહેવું છે કે મોટા પક્ષ તરીકે કોંગ્રેસની જવાબદારી હતી કે ઇન્ડિયા ગઠબંધનના દરેક પક્ષને સાચવી લે. રાઉતે નિવેદન આપ્યું છે કે, તેજસ્વિ  યાદવ, મમતા બેનર્જી, ઉમર અબ્દુલ્લા, અખિલેશ યાદવ જેવા નેતાઓ પણ કહી રહ્યા છે કે, કોંગ્રેસની અકડાઈ અને તોછડા વલણને કારણે હવે ઇન્ડિયા ગઠબંધનનું અસ્તિત્વ રહ્યું નથી. લોકસભાની ચૂંટણી પછી ઇન્ડિયા ગઠબંધનના પક્ષોએ એકપણ મીટીંગ કરી નથી. દરેક પક્ષ પોતપોતાની રીતે નિર્ણય લે છે. ઇન્ડિયા ગઠબંધનના વિવિધ નેતાઓ નિરાશ થઈ ગયા છે, કારણ કે ગઠબંધનની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસને જ પડી નથી કે ગઠબંધન સક્રિય રહે. 

ઉપમુખ્યમંત્રી બન્યા પછી શિંદે શા માટે હસવાનું ભુલી ગયા છે

મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બન્યા પછી ઘણા મનોમંથનને અંતે એકનાથ શિંદે  ઉપમુખ્યમંત્રી બનવા માટે રાજી થયા હતા. એકનાથ શિંદેના મનમાં શું ચાલી રહ્યું છે એની કોઈને ખબર નથી, પરંતુ મહારાષ્ટ્રમાં મીડિયા સહીત તમામનું નિરીક્ષણ છે કે ઉપમુખ્યમંત્રી બન્યા પછી એકનાથ શિંદેને હસતા કોઈએ જોયા નથી. આ બાબતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ફોડ પાડયો છે. કે 'શરૂઆતમાં એકનાથ શિંદે સરકારમાં સામેલ થવા માંગતા નહોતા. મેં એમને સમજાવ્યા કે જો તેઓ સરકારમાં સામેલ નહીં થશે તો પક્ષના કાર્યકરો નારાજ થઈ જશે. મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બનાવવા માટે શિંદેએ ખૂબ મહેનત કરી હતી. એકનાથ શિંદે હમણા જ હસવાનુ ભુલી ગયા છે એમ નથી તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે પણ હસતા નહોતા. જોકે તેઓ મુખ્યમંત્રી હોવાથી આ બાબતે કોઈનું ધ્યાન ગયું નહોતું. એ એમનો સ્વભાવ છે.'

કેરળમાં સીપીએમ કાર્યકરની હત્યા માટે ભાજપ સંઘના કાર્યકરોને સજા

કેરળના આલમ પોળ નજીક ૨૦૧૩માં સીપીએમના એક કાર્યકર્તાને માર મારીને એમની હત્યા કરવામાં આવી હતી. આ બાબતે કેરળની એક કોર્ટે ભાજપ - આરએસએસના ૮ કાર્યકરોને ગુનેગાર ઠેરવ્યા છે. હત્યાનું કારણ પૈસાનો વિવાદ હતો. ૧૫મી જાન્યુઆરીએ સજાની સુનાવણી થશે. આ મામલે બીજા આઠ અન્ય આરોપીઓને પૂરાવા નહીં હોવાથી છોડી દેવામાં આવ્યા છે. હત્યાના આ બનાવને કારણે કેરળમાં ખૂબ વિવાદ થયો હતો. કેટલાક હિન્દુવાદી સંગઠનોએ એવો આક્ષેપ કર્યો હતો કે કેરળની સામ્યવાદી સરકાર ભાજપ - આરએસએસના કાર્યકરોને ફસાવી રહી છે. જોકે પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યાનું કારણ રાજકીય નહીં, પરંતુ અંગત દુશ્મનાવટ હતું. 

દિલ્હીમાં પોસ્ટર વોર ઃ કોંગ્રેસ સહિતના સામે આપના પ્રહાર

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ત્રણ મુખ્ય પક્ષો એક બીજા પર પ્રહાર કરી રહ્યા છે. હવે ત્રણે પક્ષોએ એક બીજા સામે પોસ્ટર વોર શરૂ કરી છે. આમ આદમી પાર્ટીએ  પોતાના પોસ્ટરોમાં ભાજપ, કોંગ્રેસ અને એઆઇએમઆઇએમ સામે પ્રહાર કર્યા છે. આપે પોસ્ટરોમાં ત્રણે પક્ષોને એક સાથે બતાવ્યા છે. આ પોસ્ટરોમાં અમિત શાહ, રમેશ બિધુડી, પ્રવેશ વર્મા, અસદુદ્દીન ઓવૈસી, સંદીપ દિક્ષીત અને અજય માંકનને એક સાથે બતાવ્યા છે. બીજી તરફ અરવિંદ કેજરીવાલ એકલાને પ્રમાણીક ગણાવ્યા છે. ટૂંકમાં આ પોસ્ટર એવું કહેવા માંગે છે કે આપની સામેના તમામ પક્ષો ભ્રષ્ટાચાર બાબતે સરખા છે અને આપ જ અલગ પડે છે. 

ભાજપે મહિલાઓને વહેંચવાના પૈસાઓમાં ગોટાળો કર્યો ઃ આપ

આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે ભાજપના નેતાઓએ દિલ્હીમાં મહિલાઓને વહેચવાના પૈસા બાબતે મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. મહિલાઓને વહેચવા માટે એમને ૧૦ હજાર રૂપિયા મળ્યા હતા અને આ નેતાઓએ મહિલાઓને ફક્ત એક હજાર રૂપિયા આપ્યા હતા. બાકીના પૈસા ગજવે કર્યા હતા. મનિષ સિસોદિયા અને સંજય સિંહે પ્રશ્ન કર્યો હતો કે ભાજપના નેતાઓ જાહેર કરે કે એમણે કેટલી કટકી કરી છે. આવા કટકી ખોર નેતાઓને સબક શીખવાડવા માટે દિલ્હીના નેતાઓને અપીલ કરી છે. ભાજપના નેતાઓ પોતાના ખજાનચી સાથે જ જ્યારે છેતરપીંડી કરતા હોય ત્યારે તેઓ મતદારોને નહીં છેતરે તો જ નવાઈ. 

મહાકુંભ મેળામાં ૨૫ હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થશે

લગભગ દોઢ મહિના સુધી ચાલનારા મહાકુંભ મેળાની મુલાકાત ૪૦ કરોડ શ્રદ્ધાળુઓ લેશે એવો અંદાજ છે. ૭મી સદીમાં ચીનના પ્રવાસી ઝુનઝેંગએ કુંભમેળાને કારણે થતા આર્થિક વ્યવહારો વિષે દસ્તાવેજીકરણ કર્યું હતું. એ જમાનામાં પણ સમૃદ્ધ શ્રદ્ધાળુઓ કુંભમેળામાં આવતા હતા અને મોટું દાન કરતા હતા. આ વખતના મહાકુંભને પણ વિશ્વભરનું મીડિયા પ્રસિદ્ધી આપશે. વિશ્વની મોટી કોર્પોરેટ કંપનીઓથી માંડીને સ્થાનિક નાના વેપારીઓને પણ મોટો આર્થિક લાભ મેળાને કારણે થશે. પ્રયાગરાજમાં કેટલાક લક્ઝુરિયસ ટેન્ટનું રાત્રી ભાડુ ૧ લાખ રૂપિયા છે. પ્રયાગરાજમાં કેટલાક સ્થાનીકો પોતાના ઘરે પણ શ્રદ્ધાળુઓને રાતવાસો કરાવીને આવક રળશે. મહાકુંભ મેળાના આર્થિક પાસા વિશે અર્થશાસ્ત્રીઓ ગણતરી કરવા માંડયા છે. એક અદાંજ પ્રમાણે મહાકુંભ મેળામાં ૨૫ કરોડ રૂપિયાનો બિઝનેસ થશે. 

સોશિયલ મીડિયાના કારણે કેરળના અધિકારીઓ તકલીફમાં

કેરળના એક આઇએએસ અધિકારી ગોપાલકૃષ્ણને એક જાતિ આધારીત વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું હતું. આ વાત બહાર આવી એટલે સરકારે એમને સસ્પેન્ડ કરી દીધા હતા.

 જોકે હવે સરકારે સસ્પેન્સન પાછુ ખેંચીને ગોપાલકૃષ્ણને ફરીથી પોસ્ટીંગ આપી દીધું છે. 

બીજા એક સિનિયર આઇએએસ અધિકારી એન પ્રશાંત સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટને કારણે સસ્પેન્ડ થયા હતા. એમનું સસ્પેન્સન યથાવત રાખવામાં આવ્યું છે. તેઓ ચાર મહિના સુધી સસ્પેન્ડ રહેશે. ગોપાલકૃષ્ણનનું સસ્પેન્સન પાછું ખેંચતી વખતે તપાસ કમિટિએ કહ્યું હતું કે, આઇએએસ અધિકારીએ કોઈ મોટી ભૂલ કરી નહોતી. 

ગોપાલકૃષ્ણે પોલીસમાં ફરિયાદ કરી હતી કે એમનો મોબાઇલ હેક કરવામાં આવ્યો છે અને ત્યાર પછી 'મલ્લુ હિન્દુ ઓફિર્સસ' નામનું એક ગ્રુપ એમના નંબર પરથી બનાવવામાં આવ્યું હતું. આઇએએસ પ્રશાંતે ફેસબુક પર બીજા એક અધિકારીની ટીકા કરતા લખ્યું હતું કે તે અધિકારી પત્રકાર બની ગયા છે અને મીડિયા દ્વારા બીજા પર આક્ષેપ કરી રહ્યા છે. 

દિલ્હીની ચૂંટણીમાં નાના ખેલાડીઓની બોલબાલા

બીએસપી, એઆઈએમઆઈએમ અને બીએલપી સહિતના ટચૂકડા પક્ષોનું દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણીમાં આપ, ભાજપ અને કોંગ્રેસ જેવા મુખ્ય દાવેદારોની યોજનાઓમાં વિક્ષેપ પાડવાનું લક્ષ્યાંક છે. બીએસપીની તમામ ૭૦ બેઠકો પર ચૂંટણી લડવાનની યોજના છે જ્યારે એઆઈએમઆઈએમ ડઝન જેટલી મુસ્લિમ બહુલ બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે.

 માયાવતી અને ઓવૈસી મુસ્લિમ બહુલ વિસ્તારોની અવગણના, ભ્રષ્ટાચાર અને પ્રશાસન જેવા મુદ્દા પર પ્રચાર કરશે તો અમેરિકા સ્થિત ડોક્ટર મુનિશ કુમાર રાયઝાદા દ્વારા સ્થાપિત અને અગાઉ કેજરીવાલની મિત્ર રહી ચુકેલી બીએલપી પણ આપને પડકારવા માગે છે. ૧૫ મહિના અગાઉ ભારત આવેલા રાયઝાદા નવી દિલ્હીની બેઠક પરથી કેજરીવાલ સામે લડશે. વધુમાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ પરવેશ વર્મા અને કોંગ્રેસના સંદીપ દિક્ષિત પણ આ જ બેઠક પરથી લડવા માગે છે. રાજકારણના આ નાના ખેલાડીઓ મહત્વની બેઠકો પર પ્રભાવ પાડીને એકંદર ચૂંટણી ગણિત પર નોંધપાત્ર અસર પાડી શકે.

તમિલ નાડુમાં આઈપીએસ અને રાજકરણી વચ્ચે રાયજંગ

તમિલ નાડુમાં આઈપીએસ અધિકારી વી. વરુણકુમાર અને એનટીકે નેતા સીમન વચ્ચેનું ઘર્ષણ સતત તીવ્ર બની રહ્યું છે. વિચારધારા અને જાતિ આધારિત આ મતભેદો છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યા છે. એનટીકેનો આરોપ છે કે વરુણ કુમાર અંગત કારણોસર તેમની પાર્ટી સામે પૂર્વગ્રહ ધરાવે છે જ્યારે વરુણ કુમારે સીમન પર તેની સામે જાતિ આધારિત અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ કર્યો છે. 

૩૦ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ તિરુચીના ડીઆઈજી તરીકે પ્રમોટ થયા પછી વરુણે સીમન સામે બદનક્ષીનો દાવો માંડયો છે અને પોતાના તેમજ પરિવાર વિશે અપમાનજનક નિવેદનો કરવા બદલ માફીની માગણી કરી છે. ૩૧ ડિસેમ્બરે ટ્રિચી કોર્ટમાં હાજરી આપ્યા પછી વરુણે જાહેરમાં સીમનની ટીકા કરીને પોતાની તમિલ ઓળખ પર ભાર મુક્યો હતો અને સીમનના જાતિ આધારિત નિવેદનોને વખોડયા હતા. બંને વચ્ચેના સંઘર્ષથી રાજકીય અને પ્રશાસકીય વર્તુળો વચ્ચે અંગત અને વૈચારિક મતભેદો ઉજાગર થયા છે.

- ઈન્દર સાહની



Google NewsGoogle News