Get The App

દિલ્હીની વાત : દિલ્હીની હાર પછી પંજાબ આપમાં ભડકો થશે તેવી શક્યતા

Updated: Feb 13th, 2025


Google NewsGoogle News
દિલ્હીની વાત : દિલ્હીની હાર પછી પંજાબ આપમાં ભડકો થશે તેવી શક્યતા 1 - image


નવીદિલ્હી : દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સહિત આપના ઘણા નેતાઓ વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા છે. હવે આપ ફક્ત પંજાબમાં સત્તા પર છે. રાજકીય નીરિક્ષકો એમ માની રહ્યા છે કે, જે રીતે મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપીના ધારાસભ્યો અલગ થઈને ભાજપ સાથે જોડાઈ ગયા હતા એ રીતે પંજાબમાં પણ આપના ધારાસભ્યોને તોડવાની કોશિષ ભાજપ કરશે. 'દિલ્હી મોડેલ' આપની દિલ્હીમાં સત્તા અપાવી શક્યું ન હોવાથી હવે કેજરીવાલ પંજાબમાં નવી સ્ટ્રેટેજી બનાવવા વિચારી રહ્યા છે. પંજાબના ધારાસભ્યો સાથેની મીટીંગ ખૂબ ટૂકી ચાલી એને કારણે રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે, પંજાબ આપના ધારાસભ્યો એક નથી. ટૂંક સમયમાં પંજાબમાં મોટા ધડાકા થાય તો નવાઈ નહીં.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા રાજ્યસભામાં બેકફૂટ પર

રાજ્યસભામાં વિરોધપક્ષના નેતાઓએ અઘરા સવાલો પૂછીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાને ભીડયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં સ્વાસ્થ્યની અપૂરતી સુવિધા બાબતે કેટલાક સાંસદોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેપી નડ્ડાએ બચાવમાં કહ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં ડોક્ટરોની સંખ્યા ઓછી હોય શકે છે. જોકે સરકાર હવે મેડિકલ બેઠકોમાં હવે વૃદ્ધિ કરી રહી છે. આવતા પાંચ વર્ષમાં ૭૫ હજાર નવા ડોક્ટરો દેશને મળશે. માતૃ મૃત્યુ દરમાં ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ટીએમસીના સાંસદ મહુવા મોઇત્રાએ યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન)ના નિયમોને બંધારણ વિરોધી ગણાવ્યા હતા. આ કમિટિમાં રાજ્ય સરકારનું કોઈ પ્રતિનિધિત્વ નથી. 

બિહારમાં કેટલાક પક્ષોને એમવાય મતદારો પર વધુ ભરોસો

બિહાર વિધાનસભાની ચૂંટણીને હજી વાર છે. જોકે મોટા ભાગના રાજકીય પક્ષોએ અત્યારથી જ રાજકીય દાવપેચ ચાલુ કરી દીધા છે. ભાજપ ઉપરાંત આરજેડીના નેતાઓ પણ સક્રીય થઈ ગયા છે. ચૂંટણી રણનીતિકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોર પણ સમગ્ર બિહારમાં ફરીને વિવિધ મતવિસ્તારોમાં લોકોને મળી રહ્યા છે. અસદુદ્દીન ઔવેસીની માફક પ્રશાંત કિશોરે પણ મુસ્લિમ મતદારોને આકર્ષવા માટે ખાસ યોજના બનાવી છે. બિહાર વિધાનસભાની ૨૪૩ બેઠકોમાંથી ૪૨ જેટલી બેઠકો પર મુસ્લિમ મતદારો નિર્ણાયક સ્થિતિમાં છે. પ્રશાંત કિશોર આ તમામ બેઠકો પર મુસ્લિમ ઉમેદવારો ઉભા રાખવાના છે. બીજી તરફ આરજેડી અને અન્ય પક્ષો એમવાય મતદારો એટલે કે મુસ્લિમ અને યાદવ મતદારોને પોતાના તરફ કરવા માટે ખાસ રણનીતિ બનાવી રહ્યા છે.

'શરદ પવાર સાથે ખુબ સારા સંબંધો' શિંદેની ટીપ્પણીથી ફડણવીસ ટેન્શનમાં

મહારાષ્ટ્રની મહાયુતિ સરકારના ત્રણે પક્ષોના કેટલાક નેતાઓ સમયાંતરે એવા નિવેદનો કરતા રહે છે કે, સરકારમાં બધુ સમૂસૂતરુ ચાલતુ નહીં હોવાની શંકા થાય. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ એકાએક એનસીપી (શરદ પવાર)ના પ્રમુખ શરદ પવારના  વખાણ કર્યા છે. શિંદેએ કહ્યું હતું કે, શરદ પવાર પાસેથી બધાએ શીખવું જોઈએ કે અલગ પક્ષમાં હોવા છતાં બધા સાથે સંબંધ કઈ રીતે જાળવવા. દિલ્હીમાં શરદ પવારે એકનાથ શિંદેને મહાદજી શિંદે રાષ્ટ્ર ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. એકનાથ શિંદેએ કહ્યું હતું કે, મને યાદ છે કે પવાર સદાશિવ શિંદેના જમાઈ હતા, તેઓ એમની ગુગલી બોલીંગ માટે ખ્યાતનામ હતા. શરદ પવાર પણ એવી ગુગલી ફેંકે છે કે જેને સમજવી અઘરી થાય. મહારાષ્ટ્રના રાષ્ટ્રીય નીરિક્ષકો માની રહ્યા છે કે એકનાથ શિંદેની આ ટીપ્પણી પછી ફડણવીસ ટેન્શનમાં આવી ગયા છે.

નિર્મલા સીતારમણ કયા ગ્રહ પર રહે છે : પ્રિયંકા ગાંધીનો કટાક્ષ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણએ લોકસભામાં બજેટની ચર્ચા પર જવાબ આપ્યો હતો. આ જવાબની સામે વિરોધપક્ષના સાંસદોએ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે, 'મને ખબર નથી કે સિતારમણ કયાં ગ્રહ પર રહે છે. નાણામંત્રી કહી રહ્યા છે કે મોંઘવારી નથી વધી, બેરોજગારી નથી વધી' તૃણમુલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યું છે કે, 'નાણામંત્રીએ કંઈ કહ્યું નથી. એમણે બધા રાજ્યો પર આરોપ મૂક્યો છે. રાજ્યો પૈસા ખર્ચી રહ્યા નથી એમ એમનું કહેવું છે. જો બધી જવાબદારી રાજ્યોની બનતી હોય તો તમે આ પદ પર શું કામ બેઠા છો? તમે રાજ્યો માટે ક્યારે ફંડની વહેંચણી કરી? નાણામંત્રીએ કોઈપણ આંકડા આપ્યા વગર ફક્ત ગોળ ગોળ વાતો કરી છે.'

મહિલા શિક્ષકોના ઉત્પીડન મામલે માઇનોરીટી કમિશન લાલઘૂમ

મહારાષ્ટ્રમાં મહિલા શિક્ષકોનું શારીરિક શોષણ થયાની ફરિયાદ બાબતે માઇનોરીટી કમિશન કડક થઈ ગયું છે. કમિશને ઉર્દુ સ્કૂલોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવાનું નક્કી કર્યું છે. માઇનોરીટી કમિશનના પ્રમુખ પ્યારે જીયાખાનએ મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં સરકારી ગ્રાન્ટ મેળવતી બે ઉર્દૂ સ્કૂલો પર દરોડા પાડયા છે. અકોલાની એક ઉર્દૂ સ્કૂલના પ્રમુખ પર મહિલા શિક્ષકોએ શારીરિક શોષણ કરવાનો આરોપ મૂક્યો હતો. મહિલા શિક્ષકોએ આ બાબતના પૂરાવા પણ રજૂ કર્યા હતા. શિક્ષકોના આક્ષેપ પ્રમાણે નોકરી મેળવવા માટે એમણે ૪૦ લાખ રૂપિયાની લાંચ આપવી પડી હતી. આ ઉપરાંત એમના પગારના ૪૦ ટકા રકમ પણ સંચાલકો કાપી લેતા હતા. આ બાબતે હવે માઇનોરીટી કમિશને તપાસ શરૂ કરી છે.

પરિવારના ગુસ્સાથી બચવા અપહરણની ઘટના ઉપજાવી કાઢી હતી

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી તાનાજી સાવંતના પુત્રનું અપહરણ થયું હોવાની ફરીયાદ દાખલ થઈ હતી. ત્યાર પછી પૂણેની પોલીસે તપાસ શરૂ કરી હતી. પાછા ફરેલા મંત્રીના પુત્રએ કહ્યું હતું કે તેઓ મિત્ર સાથે બેંગકોક ફરવા જવા માંગતા હતા, પરંતુ કુટુંબીઓનો વિરોધ હોવાને કારણે આ વાત છૂપાવી હતી. પોતે થોડા દિવસો પહેલાં જ દુબઈ જઈ આવ્યો હોવાથી એને લાગ્યું હતું કે, બેંગકોક યાત્રાની વાત જાણીને કુટુંબીઓ ગુસ્સે થશે. બેંગકોક ફરવા જવા માટે ભૂતપૂર્વ મંત્રીના નબીરાએ ચાર્ટડ ફલાઇટ બુક કરાવી હતી. મહારાષ્ટ્રના રાજકારણમાં તાનાજી સાવંતે કરેલી અપહરણની ફરિયાદ ચર્ચાસ્પદ બની છે. 

મિલ્કીપુરમાં પુત્રને જીતાડી ન શકનારા અવધેશ પ્રસાદથી અખિલેશ નારાજ

અખિલેશ યાદવે મિલ્કીપુરની પેટાચૂંટણીના પરાજયનું એનાલિસિસ કરવા બેઠક બોલાવી હતી. બેઠકમાં મિલ્કીપુરના સપાના હોદ્દેદારો ઉપરાંત પ્રદેશના હોદ્દેદારો પણ હાજર હતા. એમાં એવું તારણ નીકળ્યું હતું કે ભાજપને જ્ઞાાતિના સમીકરણોથી ફાયદો થયો છે. જોકે, હજુ છ મહિના પહેલાં અયોધ્યા લોકસભાની ચૂંટણી જીતી જનારા અવધેશ પ્રસાદ પોતાના પુત્રને પેટાચૂંટણીમાં જીતાડી ન શક્યા એ બાબતે અખિલેશ બેઠકમાં નારાજ થયા હતા. તેમણે અવધેશ પ્રસાદને સવાલ કર્યો કે જ્ઞાાતિના સમીકરણો સમાજવાદી પાર્ટીએ સેટ કર્યા હોત તો પરિણામ આપણી તરફેણમાં આવ્યું હોત? મિલ્કીપુરની પેટાચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવાર ઉભો રાખ્યો ન હતો તે છતાં સપાના અજીત પ્રસાદ હારી ગયા છે અને ભાજપના ચંદ્રભાનુ પાસવાનનો વિજય થયો છે.

ઉતર્યો અમલદાર કોડીનો : પેરિસમાં ટ્રૂડોને માંડ ફોટોમાં જગ્યા મળી

ગુજરાતી કહેવાત છે : ઉતર્યો અમલદાર કોડીનો. એટલે કે એક વખત સત્તા હાથમાંથી જાય પછી એની કોઈ કિંમત રહેતી નથી. કોડી જેવી નગણ્ય કિંમત થઈ જાય છે. એ કહેવાત આમ તો અધિકારીઓ માટેની છે, પરંતુ બધા ક્ષેત્રોમાં લાગુ પડે છે. એનો લેટેસ્ટ દાખલો જોવા મળ્યો પેરિસમાં. ફ્રાન્સમાં એઆઈ સમિટ યોજાઈ એમાં ટોચના નેતાઓનું એક ગુ્રપ ફોટો સેશન યોજાયું હતું. હોસ્ટ હોવાથી ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોં બરાબર મધ્યમાં હતા. એની એક તરફ મોદીને સ્થાન મળ્યું હતું. ટ્રૂડો હવે કેનેડાના કાર્યકારી વડાપ્રધાન છે. માર્ચમાં નવા વડાપ્રધાનની જાહેરાત થાય ત્યાં સુધી તેઓ સત્તામાં રહેવાના છે. કદાચ એટલે જ તેમનું મહત્ત્વ પણ ઘટી ગયું. ફોટોસેશન વખતે માંડ ફ્રેમમાં તેમને સ્થાન મળ્યું.પહેલી હરોળમાં સાવ છેલ્લે તેમને ઉભા રખાયા હતા.

પ્રણવ મુખર્જીના પુત્ર અભિજિત ચાર વર્ષ બાદ ફરીથી કોંગ્રેસમાં જોડાયા

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજિત મુખર્જી ચાર વર્ષ પહેલાં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. એ વખતે તેમને કોંગ્રેસની નેતાગીરી સામે વાંધો પડયો હતો. હવે ફરીથી બંગાળ કોંગ્રેસના પ્રમુખ શુભાંકર સરકારની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયેલા અભિજિત મુખર્જીએ કહ્યું હતું કે મને કોંગ્રેસની વિચારધારા સાથે ફરીથી જોડાવાનો આનંદ છે. બંગાળ કોંગ્રેસ પ્રમુખે અભિજિતને આવકારતા કહ્યું કે તેમના આવવાથી રાજ્ય કોંગ્રેસને બળ મળશે. ૨૦૨૦માં પ્રણવ મુખર્જીના અવસાન બાદ થોડા સમયમાં તેમના દીકરા અભિજિત અને દીકરી શમિષ્ઠાએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી. શર્મિષ્ઠા અત્યારે સક્રિય રાજકારણમાં નથી.

મણિપુરમાં બિરેન સિંહને હટાવવા પાછળનું નવું કારણ સામે આવ્યું

મણિપુરમાં હિંસા કાબુ કરવામાં મુખ્યમંત્રી બિરેન સિંહ સદંતર નિષ્ફળ રહ્યા તેમ છતાં ભાજપે તેમને બદલ્યા ન હતા. ભાજપે બિરેન સિંહ પર ભરોસો જાળવી રાખ્યો હતો. એટલું જ નહીં, કેન્દ્રીય નેતાગીરી પણ બિરેન સિંહનો બચાવ કરતી હતી. પરંતુ હવે અચાનક બિરેન સિંહે ગયા સપ્તાહમાં રાજીનામું આપી દીધું એ પાછળ ઘણાં કારણો જવાબદાર ગણાવાતા હતા. કોંગ્રેસે સીએમ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાનું નક્કી કર્યું હતું. એમાં ભાજપના ધારાસભ્યોનું સમર્થન મળે એવી શક્યતા હતી. મણિપુર ભાજપના સૂત્રો કહે છે કે ધારસભ્યો ખૂબ નારાજ હતા એટલે હાઈકમાન્ડે બિરેન સિંહને રાજીનામું આપવાની સૂચન કર્યું હતું. જો ભાજપે હજુય બિરેન સિંહને મુખ્યમંત્રીપદે જાળવી રાખ્યા હોત તો ભાજપમાં બળવો થવાની શક્યતા હતી.

કેરળમાં કોમ્યુનિસ્ટ પાર્ટીએ વિચારધારામાં ફેરફાર શરૂ કર્યો

કેરળ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં ડાબેરી પક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી) સત્તામાં છે. એક સમયે બંગાળ સહિતના રાજ્યોમાં ડાબેરી પક્ષોનો દબદબો હતો, પરંતુ હવે ડાબેરી વિચારધારાના સમર્થકો દેશમાં રહ્યા નથી. આવી સ્થિતિમાં કેરળના સત્તાધારી ડાબેરી પક્ષે વિચારધારામાં પરિવર્તન લાવવાનું શરૂ કર્યું છે. જે બાબતો સામે ડાબેરીપક્ષોનો મૂળભૂત વાંધો હતો એવી બાબતોમાં પાર્ટી નરમ પડી છે. જેમકે, પાર્ટીએ જેનો શરૂઆતથી જ વિરોધ કર્યો હતો એવું પ્રાઈવેટ યુનિવર્સિટીને લગતું બિલ પસાર કરી દીધું છે. એ બિલ પ્રમાણે કેરળમાં ખાનગી યુનિવર્સિટી સ્થાપી શકાશે. નક્કી કરેલી ફી લઈ શકાશે. ૨૦૨૬માં વિધાનસભાની ચૂંટણી આવવાની છે એ પહેલાં પાર્ટીએ મહત્ત્વના ફેરફારો કરવાનું ધાર્યું છે.

- ઈન્દર સાહની


Google NewsGoogle News