Get The App

દિલ્હીની વાત : સંસદમાં બધાને સમાન મોકો નહીં આપનારને ઇતિહાસ માફ નહીં કરે

Updated: Dec 13th, 2024


Google News
Google News
દિલ્હીની વાત : સંસદમાં બધાને સમાન મોકો નહીં આપનારને ઇતિહાસ માફ નહીં કરે 1 - image


નવીદિલ્હી : રાજ્યસભાના ચેરમેન અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સામે વિરોધ પક્ષો છેલ્લા કેટલાક દિવસોથી દેખાવો કરી રહ્યા છે. ધનખડ સામે અવિશ્વાસની દરખાસ્ત પણ કોંગ્રેસના નેતૃત્વમાં વિરોધ પક્ષો લાવ્યા છે. આ બાબતે હવે કોંગ્રેસ છોડી ગયેલા સાંસદ અને એડવોકેટ કપીલ સિબ્બલે પણ પ્રતિક્રિયા આપી છે. સિબ્બલે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, જે વ્યક્તિઓ સંસદના કામકાજ માટે તમામ પક્ષોને સરખો અવસર નથી આપતી એમને ઇતિહાસ માફ નહીં કરે. સિબ્બલે લખ્યું હતું કે, લોકતંત્ર માટે આ ખુબ દુ:ખદ દિવસ છે. સંસદમાં સ્પીકરની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ હોય છે અને ધનખડના પક્ષપાતભર્યા વલણને કારણે પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે.

મહારાષ્ટ્રની કેબિનેટની મંજૂરી માટે ફડણવીસના દિલ્હીમાં ધામા

મહારાષ્ટ્ર સરકારના મંત્રીમંડળનો વિસ્તાર ૧૪ ડિસેમ્બર સુધી થવાની શક્યતા છે. મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવો એની ચર્ચા કરવા માટે નામોની યાદી લઈને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી આવ્યા હતા. મુખ્યમંત્રી બન્યા પછી તેઓ પહેલી વખત દિલ્હી આવ્યા હતા. દિલ્હીમાં ફડણવીસ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તેમ જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. ફડણવીસ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, રક્ષામંત્રી રાજનાથ સિંહ તેમ જ માર્ગ અને વાહન વ્યવહારમંત્રી નિતિન ગડકરીને મળ્યા હતા. એમ મનાય છે કે શિવસેના (એકનાથ શિંદે)ને ગૃહમંત્રાલય નહીં મળે. જોકે સમાધાન તરીકે શિવસેના (એકનાથ શિંદે)ને શહેરી વિકાસ મંત્રાલય આપવામાં આવે એવી શક્યતા છે. અગાઉની સરકારના કેટલાક મંત્રીઓને પડતા મૂકીને નવી કેબિનેટમાં યુવાન મંત્રીઓનો સમાવેશ થાય એવી પણ શક્યતા છે. 

અતુલ સુભાષ કેસમાં નિકિતાની માતા અને ભાઈના વિડિયો વાયરલ

બેંગલુરુના સોફટવેર એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાનો વિવાદ ઠંડો પડતો નથી. જૌનપુર ખાતે નિકિતાના માતા અને ભાઈ રહે છે. પત્રકારો જ્યારે એમને મળવા પહોંચ્યા ત્યારે એ બંનેએ પત્રકારો સાથે દુર્વ્યવહાર કરીને એમને હાંકી કાઢયા હતા. ત્યાર પછી નિકિતાના ભાઈના ઘરેથી નિકિતાની માતા અને ભાઈ ચૂપચાપ ઘર છોડીને ભાગતા હોય એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. દેશભરના પુરુષ સંગઠનોએ નિકિતા અને એના કુટુંબીઓની ધરપકડ માટેની માંગણી બુલંદ કરી છે. દિલ્હીના રાજકીય વર્તુળોમાં પણ હવે મહિલા તરફી કેટલાક કાયદાઓના દુરઉપયોગ વિશે ચર્ચા ચાલુ થઈ છે. 

અલ્હાબાદ હાઇકોર્ટના જજ શેખરકુમાર સામે મહાભિયોગ થશે

અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટીસ શેખરકુમાર યાદવે એક કાર્યક્રમમાં કરેલા પ્રવચનને કારણે વિવાદ થયો છે. આ બાબતે વિરોધપક્ષોએ જસ્ટીસ શેખરકુમાર યાદવ સામે મહાભિયોગની કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. જોકે મહાભિયોગની કાર્યવાહી ખૂબ લાંબી છે. ન્યાયતંત્રના ઇતિહાસમાં હજી સુધી કોઈપણ ન્યાયાધિશ સામે મહાભિયોગની દરખાસ્ત પસાર થઈ હોય એમ બન્યું નથી.   સંસદમાં ઓછામાં ઓછા ૫૦ સાંસદોની સહીવાળી નોટીસ આપવી જરૂરી છે. નોટીસ આપ્યા પછી જજ સામે કરવામાં આવેલા આક્ષેપોની તપાસ માટે કમિટિની રચના થાય છે. આ કમિટિમાં સુપ્રિમ કોર્ટના એક જજને પણ સભ્ય તરીકે રાખવા જરૂરી છે.  

મમતા અને રાજ્યપાલ વચ્ચે પડેલી તડ માટે શિક્ષણમંત્રી જવાબદાર

પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ સીવી આનંદ બોઝ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચેના મતભેદો વધી રહ્યા છે. હવે રાજભવનના પ્રવક્તાએ મોટો ધડાકો કર્યો છે. સુત્રોના કહેવા પ્રમાણે મમતા બેનર્જી અને બોઝ વચ્ચે ગેરસમજ ઉભી કરવામાં બંગાળના શિક્ષણમંત્રી વ્રત્ય બસુ જવાબદાર છે. રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચે સમાધાન નહીં થાય અને ગેરસમજ ચાલુ રહે એ માટે શિક્ષણમંત્રી પ્રયત્ન કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા બસુએ આક્ષેપ કર્યો હતો કે કુલપતિઓની નિમણૂકમાં રાજ્યપાલ પોતાની મનમાની કરી રહ્યા છે. બસુએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે રાજ્યપાલ બાળકની જેમ વર્તી રહ્યા છે. હવે રાજભવનના સૂત્રો તરફથી બસુ વિરુદ્ધની માહિતી મીડિયાને પૂરી પાડવામાં આવે છે. 

પાક, બાંગ્લાદેશ અને શ્રીલંકાની જેમ ભારતમાં લોકશાહી પર જોખમ : પટોલે

મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ કહ્યું છે કે જે રીતે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં લોકશાહી નષ્ટ થઈ રહી છે એ રીતે ભારતમાં પણ ભાજપ સરકાર લોકશાહી નષ્ટ કરી રહી છે. વિશ્વ આખામાં આ બાબતે ચર્ચા થઈ રહી છે. પટોલેએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાબતે પણ કેન્દ્ર સરકારની ટીકા કરતા કહ્યું છે કે, સોલાપુર જિલ્લાના મારકવાડી ગામથી એક જનઆંદોલન શરૂ થઈ રહ્યું છે. આ ગામના લોકો ઇવીએમની કામગીરીથી ખુશ નથી. જે રીતે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં સત્તાધિશોને કારણે અંધાધૂધી ફેલાઈ છે એવી જ હાલત ભારતની થાય એવી પુરી શક્યતા છે. 

મુંબઈના બસ ડ્રાઇવરો માટે બ્રેથ એનલાઇઝર ટેસ્ટ જરૂરી

થોડા દિવસો પહેલા મુંબઈના કુર્લા વિસ્તારમાં બેસ્ટ બસના એક ડ્રાઇવરે બેફામ બસ ચલાવીને અકસ્માત કર્યો હતો જેમાં ૭ જેટલી વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. આ અકસ્માત પછી ડ્રાઇવરની ધરપકડ થઈ હતી. કેટલાક એવા અહેવાલો છે કે ડ્રાયવર નશાની હાલતમાં હતો. હવે મુંબઈ કોર્પોરેશનના સત્તાધિશોએ એવું નક્કી કર્યું છે કે બેસ્ટ બસના ડ્રાયવરો ડયુટી પર જોડાય ત્યારે વિમાનના પાયલોટોની જેમ એમના પણ બ્રેથ એનલાઇઝર ટેસ્ટ કરવામાં આવશે. આ ટેસ્ટને કારણે જે કોઈ ડ્રાઇવરે નશો કર્યો હશે તો તરત જાણી શકાશે અને એમની સામે પગલા લેવામાં આવશે.

નીતિશ કુમારની મહિલા સંવાદ યાત્રાને કમૂરતા નડયા

નીતિશ કુમાર ૧૫મી ડિસેમ્બરથી રાજ્યમાં મહિલા સંવાદ યાત્રાએ જવાના હતા. એમાં તેઓ રાજ્યની મહિલાઓ સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરવાના હતા અને તેમની અપેક્ષા પૂછવાના હતા. એ પછી નીતિશ મહિલાઓને લઈને કોઈ મોટી યોજના પણ લાવવાના હતા અને એ માટે તેમણે કેબિનેટ પાસે ૨૨૫ કરોડ રૂપિયાનું ફંડ મંજૂર કરાવી લીધું હતું, પણ હવે કમૂરતા બેસતા હોવાથી યાત્રા પાછળ ઠેલવામાં આવી છે. ગુજરાતમાં જેમ ડિસેમ્બરના અંતે બધા કામ અટકાવીને મકરસંક્રાંતિ પછી થાય છે એમ બિહારમાં ખમાસ શરૂ થાય છે. ખમાસના દિવસોમાં કોઈ સારા કામ શરૂ થતા નથી એટલે હવે નીતિશ કુમાર સંભવત: ૧૪ કે ૧૫ જાન્યુઆરીએ યાત્રા શરૂ કરશે.

ટ્રૂડો વધુ વખત કેનેડાની સત્તામાં નહીં રહે : મસ્કની ભવિષ્યવાણી

ડોનાલ્ડ ટ્રમ્પ અને જસ્ટિન ટ્રૂડો વચ્ચે એક બીજાને કટાક્ષ કરવાનો જંગ જામ્યો છે. જસ્ટિન ટ્રૂડોએ ૨૦૨૦માં ટ્રમ્પની મશ્કરી કરી હતી તેને યાદ રાખીને ટ્રમ્પે આવતાવેંત જ કેનેડા પર ૨૫ ટકા ટેરિફ લગાવવાની વાત કરી હતી. એ પછી રાતોરાત ટ્રૂડો અમેરિકામાં ખાનગી મુલાકાતે આવ્યા અને ટ્રમ્પને મળી ગયા, પરંતુ તેમ છતાં હજુ સુધી બંને વચ્ચે સંબંધો સુધર્યા નથી. ટ્રૂડોએ કેનેડામાં એક કાર્યક્રમમાં ટ્રમ્પને ન ગમે એવી ટીપ્પણી આપતા કહ્યું કે અમેરિકાની ચૂંટણીમાં મહિલાઓના અધિકાર અને તેમની પ્રગતિમાં મોટો ફટકો પડયો. કારણ કે કમલા હેરિસ અમેરિકાના પ્રથમ મહિલા પ્રમુખ બની શક્યા નહી. એ પછી મસ્કે કહ્યું હતું કે ટ્રૂડો ધ્યાન રાખે કે થોડો વખત જ સત્તામાં છે. કેનેડાની ચૂંટણીમાં એમની હાર નક્કી છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનીના બે જૂથો વચ્ચે સામ-સામા હુમલા

અફઘાનિસ્તાનમાં અમેરિકાએ સૈન્ય પાછું ખેંચી લીધું પછી તાલિબાનીઓ સત્તામાં આવ્યા હતા. દોઢ-બે વર્ષ તો બધું બરાબર ચાલ્યું, પરંતુ હવે તાલિબાનના નેતાઓ વચ્ચે આંતરિક ઘર્ષણ વધ્યું છે. પાવરગેમમાં તાલિબાનના બે જૂથો હક્કાની અને અખુંદજાદા વચ્ચે લોહીયાળ સંઘર્ષ શરૂ થયો છે. એકબીજા પર આ બંને જૂથો હુમલો કરી રહ્યા છે. તાલિબાન સરકારના મંત્રી ખલીલ ઉર રહેમાન હક્કાનીની અખુંદજાદાના હુમલામાં હત્યા થઈ પછી પરિસ્થિતિ વણસી છે. આ બંનેના ઝઘડામાં ઈસ્લામિક સ્ટેટ્સ ફાવી જવાની પેરવી કરે છે.

વાયનાડ પીડિતોની મદદ મુદ્દે કર્ણાટક-કેન્દ્રની સરકાર સામ-સામે

કેરળમાં વાયનાડના ભૂસ્ખલન થયું તેના મહિનાઓ બાદ પણ પીડિતોના પુર્નવસનની કામગીરી થઈ નથી. એ મુદ્દે હવે કોંગ્રેસ કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી રહી છે. કેરળની સરકાર પી. વિજયનની સરકાર સામેય કોંગ્રેસે ભેદભાવનો આરોપ લગાવ્યો છે. વાયનાડ રાહુલ ગાંધીનું લોકસભા ક્ષેત્ર હતું અને હવે એ બેઠક પરથી પ્રિયંકા ચૂંટાયાં છે. તેથી બંનેએ લોકસભામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. હવે કર્ણાટકની સરકારે વાયનાડમાં જમીન ખરીદીને પીડિતોના ઘર બાંધવાની તૈયારી બતાવી એટલે વિવાદ સર્જાયો છે. એક તરફ કેરળની ડાબેરી સરકાર કર્ણાટક સરકારના આ વલણની ટીકા કરી રહી છે. તો બીજી તરફ ભાજપ પણ ગાંધી પરિવારની બેઠક હોવાથી કર્ણાટક સરકારે પુનર્વસનની યોજના બનાવી છે એવો આરોપ લગાવ્યો છે.

ઓમર અબ્દુલ્લા ફરીથી એક રાજ્ય, બે રાજધાનીની પરંપરા શરૂ કરશે

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ દરબાર મૂવ ફરીથી શરૂ કરવાની કટિબદ્ધતા દર્શાવી છે, જેની ચર્ચા જાગી છે. જમ્મુ-કાશ્મીરમાં ઉનાળાના છ મહિના પાટનગર શ્રીનગરમાં રહે છે, શિયાળાના છ મહિના જમ્મુથી ચાલે છે. તેને દરબાર મૂવ કહે છે. ૧૮૭૨થી રાજાશાહીના સમયથી આ રીતે જ રાજ્યનું પાટનગર બે સ્થળે ચાલે છે. ૨૦૨૧થી દરબાર મૂવની પરંપરા બંધ કરી દેવામાં આવી હતી. ઓમર અબદુલ્લાએ કહ્યું કે તેમના મેનિફેસ્ટોમાં જ એક રાજ્ય બે પાટનગરની વાત હતી. હવે એ દિશામાં કામ કરશે અને કાશ્મીરની ૧૫૦ વર્ષ જૂની પરંપરા જાળવી રાખશે.

મણિપુર ભાજપના કુકી ધારાસભ્યોએ વડાપ્રધાનને રજૂઆત કરી કે...

મણિપુરમાં હિંસા શમી નથી અને કેટલાય વિસ્તારોમાં પૂરવઠો પણ મળતો નથી. આવી સ્થિતિમાં રાજ્યના ૧૦ કુકી ધારાસભ્યોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરી છે કે તેમના વિસ્તારોમાં સીધું ફંડ આપવામાં આવે કે જેથી અટકેલા કામ પૂરા થઈ શકે. તેમના કહેવા પ્રમાણે રાજ્ય સરકારના માધ્યમથી ફંડ આવે છે તેના બદલે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ યાને ધારાસભ્યોને જે જરૂરી છે પ્રમાણે ફંડ મળે તો કામગીરીને ઝડપ મળશે. મજાની વાત એ છે કે રજૂઆત કરવામાં ૧૦માંથી ૭ ધારાસભ્યો ભાજપના છે. ભાજપના ધારાસભ્યોને જ બિરેન સિંહની સરકાર પર ડેવલપમેન્ટ કામ માટે ફંડ આપશે કે નહીં તેનો ભરોસો નથી એવી ચર્ચા આ રજૂઆત પછી રાજયમાં જાગી છે.

- ઈન્દર સાહની

Tags :
Delhi-ni-Vaat

Google News
Google News