દિલ્હીની વાત : ભાજપના નેતાઓને જેલમાં મોકલવા સિદ્ધારમૈયાએ ટીમ બનાવી

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
દિલ્હીની વાત : ભાજપના નેતાઓને જેલમાં મોકલવા સિદ્ધારમૈયાએ ટીમ બનાવી 1 - image


નવી દિલ્હી : કર્ણાટકમાં જ્યારે ભાજપ સત્તા પર હતો ત્યારે થયેલા કૌભાંડોની તપાસ કરવા મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પાંચ સભ્યોની કમીટી બનાવી છે. કમીટીના તમામ સભ્યો કર્ણાટક સરકારમાં મંત્રી છે. હમણા વિવિધ એજન્સીઓ, થયેલા ગોટાળાઓની તપાસ કરી રહી છે. આ તપાસ પૂરી થશે એટલે તપાસ એજન્સીઓ સાથે કમીટી ચર્ચા વિચારણા કરશે. એજન્સીઓનો રીપોર્ટ આવી જાય એટલે બે મહિનાની અંદર સિદ્ધારમૈયાનું 'ફાઇવ મેન આર્મી' ભાજપના કૌભાંડી નેતાઓને જેલ હવાલે કરશે. ભાજપ શાસનમાં ૨૦ થી ૨૫ કૌભાંડો થયા હોવાનું મનાય છે. આ દરેક કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે.

ભારતમાં હું માત્ર એક વ્યક્તિ છું જેને બદનક્ષીના કેસમાં સજા થઈ : રાહુલ

રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે અને તેઓ જે રીતે ભાજપ સામે આક્રમકતાથી નિવેદનો આપી રહ્યા છે એને કારણે ભાજપના નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. એક કાર્યક્રમમાં એમણે કહ્યું કે, 'મારી સામે દેશમાં ૨૦થી વધારે કોર્ટ કેસ થયા છે. અમારા એક મુખ્યમંત્રી જેલમાં છે. જોકે ભારતના મતદારો ખૂબ હોશિયાર છે. મતદારો પાસે સાચી વાત પહોંચી જ જાય છે. ભારતના ઇતિહાસમાં હું એક માત્ર એવી વ્યક્તિ છું કે જેને બદનક્ષીના કેસમાં સજા થઈ હોય. ૧૦ વર્ષ સુધી ભારતમાં લોકશાહી ખતમ થઈ ગઈ હતી, પરંતુ હવે ધીમે ધીમે ફરીથી લોકશાહીનો ઉદય થઈ રહ્યો છે. મહારાષ્ટ્રની અમારી સરકારને ઝૂંટવાઈ જતા મેં જોઈ છે. અમારા વિધાનસભ્યોને પૈસાથી ખરીદી લેવામાં આવ્યા હતા.' 

હરિયાણામાં ભૂતપૂર્વ જેલર અને આઇએએસ પણ ચૂંટણીના મેદાનમાં

હરિયાણામાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ અને આપ સહિત તમામ પક્ષોએ ભૂતપૂર્વ સરકારી અધિકારીઓને ટિકિટ આપી છે. દાદરીની બેઠક પર ભાજપએ ભૂતપૂર્ર્વ જેલર સુનીલ સાંગવાનને ઉતાર્યા છે. સુનીલ સાંગવાન હરિયાણાના ભૂતપૂર્વ સહકાર મંત્રી સતપાલ સાંગવાનના પુત્ર છે. સુનીલ સાંગવાન જ્યારે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ હતા ત્યારે બળાત્કારની સજા કાપી રહેલા ગુરમિત રામ રહીમ પર ખૂબ મહેરબાન હતા એમ મનાય છે. જિંદ જિલ્લાની ઉંચાના બેઠક પર કોંગ્રેસે ભૂતપૂર્વ આઇએએસ અધિકારી બ્રિજેન્દ્ર સિંહને ટિકિટ આપી છે. બ્રિજેન્દ્ર સિંહના પિતા પણ હરિયાણા સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. બ્રિજેન્દ્ર સિંહ પહેલા ભાજપમાં હતા, પરંતુ નારાજ થઈને તેઓ કોંગ્રેસ સાથે જોડાઈ ગયા હતા. 

એકનાથ ખડસેએ ભાજપ સાથે જોડાવાની સાફ ના કહી દીધી

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મહારાષ્ટ્રના પીઢ નેતા એકનાથ ખડસેએ ફરીથી ભાજપમાં જોડાવાનો સાફ ઇન્કાર કરી દીધો છે. મહારાષ્ટ્ર ભાજપના નેતાઓએ એકનાથ ખડસેને ભાજપમાં ખેંચી લાવવા ઘણા પ્રયત્નો કર્યા હતા. એકનાથ ખડસે હમણા એનસીપી (શરદ પવાર)માં છે. ખડસેએ ૨૦૨૩માં ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો હતો. ખડસેને પહેલેથી જ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સામે વાંધો છે. ખડસેનું કહેવું છે કે જ્યાં સુધી ફડણવીસ ભાજપમાં હશે ત્યાં સુધી તેઓ ભાજપ સાથે જોડાવાનો વિચાર પણ કરી શકે નહીં. 

મમતા બેનર્જીનો બંગાળમાં વધુ પાંચ પોક્સો કોર્ટ ચાલુ કરવાનો નિર્ણય

બંગાળમાં મહિલા ડોક્ટર પર થયેલા બળાત્કાર અને હત્યા પછી દેશવ્યાપી વિરોધ થયો હતો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીમાનવું છે કે, રાજકીય રીતે એમને અસ્થિર કરવા માટે ડોક્ટરોને હાથો બનાવવામાં આવ્યા છે. પીડિતાઓને ઝડપથી ન્યાય મળી રહે એ માટે મમતાએ જાહેર કર્યું છે કે, રાજ્યમાં વધારાની પાંચ પોક્સો કોર્ટની સ્થાપના કરવામાં આવશે. રાજ્યમાં કુલ ૬૩ પોક્સો કોર્ટ છે. કેન્દ્રીય મંત્રી અન્નપુર્ણા દેવી સતત પશ્ચિમ બંગાળ સરકારની ટીકા કરતા રહે છે. પશ્ચિમ બંગાળમાં યૌન શોષણના લગભગ ૪૭૬૦૦ કેસીસ પેન્ડીંગ છે. હવે ટીકાકારોના મો બંધ કરવા મમતા બેનર્જી એક પછી એક નિર્ણયો લઈ રહ્યા છે. 

કેરળ હાઇકોર્ટની સરકારને ફટકાર

કેરળમાં મહિલાઓ પર થઈ રહેલા જાતિય અત્યાચારની તપાસ કરવા હેમા સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. લાંબા અભ્યાસ પછી હેમા સમિતિએ રીપોર્ટ રજુ કર્યો હતો. જોકે આ રીપોર્ટ બાબતે સરકારે સમયસર પગલા નહીં લેતા કેરળ હાઇકોર્ટે સરકારને ઠપકો આપ્યો છે. હાઇકોર્ટે એક એસઆઇટી બનાવી છે અને હેમા સમિતિનો રીપોર્ટ બંધ કવરમાં એસઆઇટીને સોંપવા હુકમ કર્યો છે. હાઇકોર્ટનું કહેવું છે કે હેમા સમિતિના રીપોર્ટ પર વાત કરવા સિવાય ચાર વર્ષ સુધી સરકારે કોઈ પગલા લીધા નથી. હાઇકોર્ટે એસઆઇટીને મીડિયા સાથે વાત નહીં કરવા માટે પણ કડક સૂચના આપી છે.

મણિપુર હિંસા બાબતે કેન્દ્રીય ગૃહમંત્રાલય અંધારામાં

છેલ્લા કેટલાક દિવસોથી મણિપુરની પરિસ્થિતિ વધુ બગડી રહી છે. કુકી અને મૈતી સંપ્રદાયો વચ્ચે સિવિલ વોર જેવી સ્થિતિ છે. મણિપુરને અસ્થિર કરવા માટે ડ્રોન, રોકેટ અને મિસાઇલ જેવા ઘાતક હથિયારોનો ઉપયોગ થઈ રહ્યો છે. મણિપુરમાં ખ્રિસ્તી, મુસ્લિમ, કુકી અને મૈતી સંપ્રદાયના લોકો રહે છે. દરેક સંપ્રદાયો વચ્ચે નફરત વધી રહી છે. જાણકારોના કહેવા પ્રમાણે મ્યાનમાર, બાંગ્લાદેશ અને ચીન મારફતે ઘાતક હથિયારો મણિપુરમાં ઠલવાઈ રહ્યા છે. એમ લાગે છે કે, કેન્દ્રીય જાસુસી સંસ્થાઓ સંપૂર્ણ અંધારામાં છે. ગૃહમંત્રાલયે પણ મણિપુર બાબતે હાથ ઉંચા કરી દીધા હોય એમ લાગી રહ્યું છે. કેન્દ્રીય સરકારને મણિપુરમાં કઈ રીતે શાંતિ સ્થાપવી એની ગતાગમ પડતી નથી. 

બંગાળમાં કોઈ દુર્ગા પૂર્જાની ઉજવણી ન કરે તેવી અપીલ

મહિલા ડોક્ટરના રેપ મર્ડર કેસ પછી બંગાળમાં ભારે આક્રોશ છે. હજુય લોકો દેખાવો કરી રહ્યા છે. એ દરમિયાન દુર્ગા પૂજાની ઉજવણી સાવ નજીક આવી પહોંચી છે. દૂર્ગા પૂજાની સમિતિઓએ સરકાર પાસેથી ફંડ લેવાનો ઈનકાર કરીને અલગ રીતે વિરોધ નોંધાવ્યો છે. બીજી તરફ જેમની હત્યા થઈ એ ટ્રેઈની ડોક્ટરના પેરેન્ટ્સે લોકોને અપીલ કરી હતી કે આ વર્ષે કોઈ દુર્ગા પૂજાની ઉજવણી ન કરે એવું અમે ઈચ્છીએ છીએ. જ્યાં સુધી પીડિત દીકરીને ન્યા ન મળે ત્યાં સુધી રાજ્યના લોકો તેમની સાથે રહેશે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી. આ અપીલ પછી રાજ્યની સરકાર ભીંસમાં આવી છે. સેલિબ્રેશન થાય તો આ કેસ તરફથી લોકોનું ધ્યાન હટે એવી ધારણા હતી, તેના બદલે જો સેલિબ્રેશન જ ન થાય તો સરકાર આ મુદ્દે ભીંસમાં રહેશે. ભાજપને પણ ટીએમસીની સરકારને ઘેરવાની તક મળી જશે.

કર્ણાટક, કેરળ, બંગાળમાં પ્રાદેશિક ભાષામાં એન્જિનિયરિંગનું શિક્ષણ બંધ

કર્ણાટક, કેરળ અને પશ્વિમ બંગાળની ઘણી એન્જિનિયરિંગ સંસ્થાઓને ગયા વર્ષે  પ્રાદેશિક ભાષામાં એન્જિનિયરિંગ કરવાની ઈચ્છા ધરાવતો એક પણ સ્ટૂડન્ટ મળ્યો ન હતો. આ કોલેજોએ આખરે પ્રાદેશિક ભાષામાં શિક્ષણ આપવાનો પ્રોગ્રામ બંધ કર્યો હતો. આ રાજ્યોમાં ઘણી એન્જિનિયરિંગ કોલેજોની દલીલ એવી હતી કે સ્થાનિક ભાષામાં કોર્સ શરૂ કરવાથી વિદ્યાર્થીઓનો રસ વધશે. પરંતુ પ્રાદેશિક ભાષામાં ડિગ્રી મેળવ્યા પછી નોકરી મેળવવામાં મુશ્કેલી પડશે એમ ધારીને ઘણી કોલેજોમાં સ્થાનિક ભાષાની કોલેજોમાં એક પણ વિદ્યાર્થીએ નોંધણી કરાવી ન હતી. નેશનલ એજ્યુકેશન પોલિસીના ભાગરૂપે ટેકનિકલ કોર્સનું શિક્ષણ પ્રાદેશિક ભાષામાં આપવાની હિમાયત થઈ હતી. તેના ભાગરૂપે ઘણી કોલેજોએ આવા કોર્સ ઓફર કર્યા હતા.

તમિલનાડુમાં ભાજપના પ્રમુખની ગેરહાજરીમાં સંગઠન કોના હાથમાં

તમિલનાડુ ભાજપના પ્રમુખ કે અન્નામલાઈ યુકે ગયા છે. ફેલોશિપ માટે કદાચ તેમને પાર્ટીએ જ યુકે મોકલ્યા છે એવી ચર્ચા છે. આવી સ્થિતિમાં ભાજપમાં કોઈ એક વ્યક્તિને ઈન્ચાર્જ બનાવવાને બદલે ભાજપ હાઈકમાન્ડે છ નેતાઓની એક સમિતિ બનાવી છે. એ સમિતિ જ બધા નિર્ણયો બહુમતીથી કરશે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સભ્ય રહી ચૂકેલા અને સંઘના વિશ્વાસુ એચ રાજાને આ સમિતિમાં ખાસ ભૂમિકા આપવામાં આવી છે. 

- ઈન્દર સાહની


Google NewsGoogle News