દિલ્હીની વાત : હરિયાણા મંત્રી મંડળમાં સમાવેશ માટે લોબિંગ શરૂ, NDA છોડવા નીતિશને સલાહ, મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા લહાણી
Politics News : દેશમાં હાલ હરિયાણા, ઝારખંડ, બિહાર, મહારાષ્ટ્રથી લઈને જમ્મુ કાશ્મીર સુધીની રાજરમતોની ખબરો ચર્ચામાં આવતી રહે છે. ત્યારે રાજનીતિની કેટલીક મહત્વની ખબરો વાંચો....
હરિયાણા મંત્રી મંડળમાં સમાવેશ માટે લોબિંગ શરૂ
હરિયાણામાં ત્રીજી વખત ભાજપ સરકાર બનાવવા જઈ રહ્યું છે, રાજકીય સૂત્રોના કહેવા પ્રમાણે મુખ્યમંત્રી તરીકે નાયબસિંહ સૈનીને ચાલુ રાખવામાં આવશે અને એમના મંત્રી મંડળમાં 12 જેટલા મંત્રીઓનો સમાવેશ થશે. આમ તો ચૂંટાયેલા ઘણા ધારાસભ્યોએ મંત્રી બનવા માટે લોબિંગ શરૂ કરી દીધું છે, પરંતુ જે 12 જણાના નામો મંત્રી તરીકે નક્કી છે તે આ પ્રમાણે છે.
અનિલ વિજ, કૃષ્ણ બેદી, કૃષ્ણલાલ પવાર, અરિવંદ શર્મા, કૃષ્ણ મીડ્ડા, મહિપાલ ઢાડા, મૂલચંદ શર્મા, સ્તુતિ ચૌધરી, લક્ષ્મણ યાદવ, રાવ નરબિર, સુનિલ સાંગવાન અને સાવિત્રી જિંદલ. હરિયાણામાં એવી ચર્ચા થઈ રહી છે કે, વડાપ્રધાન હમણા વિદેશ ગયા હોવાથી મંત્રીમંડળના નામની યાદી અમિત શાહને મોકલવામાં આવી છે, જે મંજૂરી માટે છેવટે વડાપ્રધાન પાસે જશે અને ત્યાર પછી જ આખરી નિર્ણય લેવામાં આવશે.
જેપીએનઆઇસી મુદ્દે નીતિશને એનડીએ છોડવા અખીલેશની અપીલ
લોકનાયક જય પ્રકાશ નારાયણના જન્મ દિવસે સપાના નેતા અખિલેશ યાદવે જય પ્રકાશ નારાયણ નેશનલ કન્વેન્શન સેન્ટર (જેપીએનઆઇસી) ખાતે જઈ પુષ્પાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ બનાવ્યો હતો. અખિલેશ યાદવને જેપીએનઆઇસી જવા રોકવા માટે યોગી આદિત્યનાથની સરકારે સેન્ટરની સામે બેરીકેટ મુકી દીધી હતી. અખિલેશને રોકવા માટે ઉત્તર પ્રદેશની સરકારે એવું વાહિયાત કારણ આપ્યું હતું કે જેપીએનઆઇસીમાં જીવજંતુઓ હોઈ શકે છે જેથી માળા અર્પણ કરવી સલામત નથી. જોકે અખિલેશ યાદવે પોતાના ઘરમાં સ્થાપેલી જય પ્રકાશ નારાયણની મૂર્તિ બહાર લાવીને પુષ્પાંજલી અર્પિત કરી હતી. આ મામલે અકળાયેલા અખિલેશ યાદવે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશની સરકાર વિનાશકારી છે. સરકાર દરેક સારા કામને રોકે છે. સપા સરકારની દાદાગીરીથી દબાવાની નથી. અખિલેશ યાદવે બિહારના મૂખ્યમંત્રી નિતિશકુમારને પણ એનડીએનો સાથ છોડી દેવા વિનંતી કરી હતી. યાદ રહે કે જય પ્રકાશ નારાયણ નિતિશકુમારના પણ રાજકીય ગુરુ રહી ચૂક્યા છે.
કોરોનામાં થયેલા કૌભાંડની તપાસ કરવા કર્ણાટક સરકારે કમિટી બનાવી
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને કેન્દ્ર સરકાર વચ્ચે એક બીજાને નાથવાનો પ્રયત્ન ઘણા સમયથી થઈ રહ્યો છે. સિદ્ધારમૈયાના કહેવાતા જમીન કૌભાંડોની તપાસ કેન્દ્ર સરકાર કરાવી રહ્યું છે ત્યારે હવે કર્ણાટકમાં ભાજપની સરકાર હતી ત્યારે કોરોના સમયે થયેલા કૌભાંડની તપાસ કરવા માટે રાજ્ય સરકારે એક કમીટી બનાવી છે. કોરોના કાળ દરમિયાન કર્ણાટક રાજ્યમાં દવાઓ અને મેડિકલ સાધનોની ખરીદીમાં મોટા પાયે ગોલમાલ થઈ હતી. આ બાબતે જસ્ટીસ માઇકલ ડી કુન્હાના રીપોર્ટને આધારે હવે સિદ્ધારમૈયાએ એસઆઇટીની રચના કરી છે. રીપોર્ટ પ્રમાણે કર્ણાટકની ભાજપ સરકારે 7,223.64 કરોડ રૂપિયાની ગોલમાલ કરી હતી. હવે કર્ણાટકની રાજ્ય સરકાર કહે છે કે, ભાજપના કૌભાંડીઓએ ખાધેલા દરેક રૂપિયા વસૂલ કરવામાં આવશે.
ઝારખંડની ચૂંટણીમાં માઝીએ 10 બેઠકો માંગતા એનડીએને મુશ્કેલી
મોદી સરકારના કેન્દ્રીય મંત્રી અને પાર્ટી હિન્દુસ્તાની આવામ મોરચાના પ્રમુખ જીતનરામ માઝીએ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં 10 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાનું નક્કી કર્યું છે. આ માંગણી સાભળીને ભાજપ ચોંકી ગયો છે. માઝી એમ તો ડાહી ડાહી વાતો કરે છે કે, તેઓ ગઠબંધનમાં રહીને જ ચૂંટણી લડશે, પરંતુ રાજકીય નીરિક્ષકોને કઈ અલગ જ ગંધ આવી રહી છે. ઝારખંડની એક રેલીમાં પણ માઝી આ વાત જાહેરમાં કહી ચૂક્યા છે. જીતનરામ માઝી દલિત હોવાથી ઝારખંડના દલિત મતદારોને ખૂશ કરવા માટે ભાજપએ એમને સાથે રાખવા પડે એમ છે. હવે જો માઝીને 10 બેઠકો ભાજપ ફાળવે તો ભાજપમાં જ બળવાની પરિસ્થિતિ ઉભી થાય એવું છે.
લાલુના પુત્ર તેજપ્રતાપના પટણા ઇસ્કોન મંદિર સામે ગંભીર આરોપો
લાલુ પ્રસાદ યાદવના રાજકારણી પૂત્ર તેજસ્વી યાદવને બધા ઓળખે છે, પરંતુ ઘણાને ખબર નથી કે લાલુ પ્રસાદના બીજા એક પુત્ર તેજપ્રતાપ યાદવ પણ છે. તેજપ્રતાપ યાદવ કુટુંબમાં સૌથી જુદા છે. તેઓ હંમેશા કૃષ્ણભક્તિમાં તલ્લીન હોય છે. એમ કહેવાય છે કે, તેજપ્રતાપને કુટુંબમાં કોઈ સાથે બનતું નથી. તેજપ્રતાપ યાદવએ હવે પટણા ઇસ્કોન મંદિરના પ્રમુખ કૃષ્ણ કૃપા દાસ સામે ગંભીર આરોપો મૂક્યા છે. તેજપ્રતાપનું કહેવું છે કે, કૃષ્ણ કૃપા દાસ બાળકોનું શોષણ કરે છે. કૃષ્ણ કૃપા દાસને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. મંદિરમાં જે યુવાનો ધર્મ વિશે શિક્ષણ લેવા જાય છે એમના પર લાઠી ચાર્જ કરાવવામાં આવે છે. તેજપ્રતાપ યાદવે મંદિરના પ્રમુખને હટાવવા માટે ઘણી રજૂઆતો કરી છે અને તેઓ કહે છે કે, હવે તેઓ પ્રમુખને હટાવવા માટે આંદોલન પણ કરશે.
મહારાષ્ટ્રમાં ચૂંટણીને કારણે દિવાળી પહેલા ભેટ-સોગાદની લહાણી
મહારાષ્ટ્રમાં બે ઉત્સવ આવી રહ્યા છે, દિવાળી અને ચૂંટણી! દિવાળીના બમ્પર સેલ ચૂંટણીની જાહેરાતો સામે ફિક્કા લાગી રહ્યા છે. મહારાષ્ટ્રની શિંદે સરકાર મતદારોને ખૂશ કરવા માટે જાતભાતની યોજનાઓ લાવી રહી છે. એનસીબીસીએ ભલામણ કરી છે કે, મહારાષ્ટ્રની મુખ્ય 7 જાતિઓને અને ઉપજાતિઓને ઓબીસીની યાદીમાં સમાવેશ કરવામાં આવે. લોઢી, લોઢા, લોઢ, સૂર્યવંશી ગુજર, રેવે ગુજર, લેવે ગુજર, ભોયર પવાર, ડંગરી, કપેવાર, મૂન્નાર કપૂર, મૂન્નાર કપેવાર, તેલંગી, તેલંગા, બુકેકારી અને પેન્ટર રેડ્ડી જાતિઓનો સમાવેશ ઓબીસીમાં કરવાનું વચન આપવામાં આવ્યું છે. નોન ક્રિમિલેયરની મર્યાદા 8 લાખ રૂપિયાથી વધારીને 15 લાખ રૂપિયા કરવાનું વચન પણ આપવામાં આવ્યું છે. ગ્રેજ્યુએટીની મહત્તમ રકમ 14 લાખથી વધારીને 20 લાખ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના હોંશિયાર મતદારો કહી રહ્યા છે કે આ બધુ તો મુગેરીલાલના હસીન સપના જેવું છે.
ઉદ્ધવના ભાભીને મહારાષ્ટ્ર સરકારે ફિલ્મ આયોગના પ્રમુખ બનાવ્યા
શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના મોટા ભાઈ જયદેવ ઠાકરેના પત્ની સ્મિતા ઠાકરે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. બાલા સાહેબ ઠાકરે જ્યાં સુધી હયાત હતા ત્યા સુધી સ્મિતા ઠાકરેનો દબદબો મહારાષ્ટ્રના રાજકારણમાં હતો. બાલા સાહેબના નિધન પછી રાજ ઠાકરેની જેમ સ્મિતા ઠાકરેને પણ સાઇડ ટ્રેક કરી દેવામાં આવ્યા. ઉદ્ધવ ઠાકરે જ્યારે ભાજપ સાથે જોડાયેલા હતા ત્યારે સ્મિતા ઠાકરેએ કોંગ્રેસમાં જવાનો પ્રયત્ન પણ કર્યો હતો. હવે મહારાષ્ટ્રની યુતિ સરકારે એકાએક સ્મિતા ઠાકરેને મહારાષ્ટ્ર ફિલ્મ આયોગ કમિટિના ચેરમેન બનાવી દીધા છે. આ કમિટિમાં 22 સભ્યો છે. મહારાષ્ટ્રના રાજકીય નીરિક્ષકો એવી ચર્ચા કરી રહ્યા છે કે, સ્મિતા ઠાકરે કદાચ ભાજપ અથવા તો શિવસેના (એકનાથ શિંદે)માં પણ જોડાઈ શકે છે.
બિહારની વિધાનસભાની ચૂંટણી પહેલાં ગિરિરાજ સિંહ પદયાત્રા કરશે
બિહારમાં એક તરફ તેજસ્વી યાદવની પદયાત્રા ચાલી રહી છે. તેજસ્વીની પદયાત્રાને હુંફાળો પ્રતિસાદ મળી રહ્યો છે. એવા સમયે ભાજપના નેતા ગિરિરાજ સિંહ પણ પદયાત્રા કરશે. ગિરિરાજ સિંહ આક્રમક અને કટ્ટર નિવેદનો આપવા માટે કુખ્યાત છે. ભાજપે ગિરિરાજની કટ્ટર હિન્દુત્વની ઈમેજને ધ્યાનમાં રાખીને હિન્દુ મતદારોને એક કરવાનું કામ ગિરિરાજ સિંહને સોંપ્યું છે. ગિરિરાજ સિંહ 18મી ઓક્ટોબરથી ભાગલપુરમાંથી હિન્દુ સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરશે. ગિરિરાજને હાઈકમાન્ડમાંથી ટાસ્ક મળ્યો છે એ પ્રમાણે બાંગ્લાદેશી ઘૂસણખોરોનો અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારનો મુદ્દો ઉઠાવવાનો છે. વળી, ગિરિરાજ હિન્દુઓની વસતિ બાબતે કાયમ આક્રમક નિવેદનો આપે છે, યાત્રા દરમિયાન ભાષણોમાં એવા નિવેદનો પણ સાંભળવા મળશે.
આતિશીના બંગલાના મુદ્દે દિલ્હીના લોકોમાં આપ તરફી વાતાવરણ
દિલ્હીનાં મુખ્યમંત્રી આતિશીએ રાતોરાત બંગલો ખાલી કરવો પડયો એ બાબતે રાજકીય આરોપો થયા. એક તરફ ભાજપ કહે છે કે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ બંગલામાં રિનોવેશનના નામે ગેરકાયદે ખર્ચ કર્યો હોવાથી એની તપાસ થવી જોઈએ. બીજી તરફ આપ વળતો દાવો કરે છે કે ભાજપના ઈશારે ઉપરાજ્યપાલ આપ સરકારને કામ કરવા દેતી નથી અને આવા મુદ્દે પરેશાન કરે છે.
આ મુદ્દો વધ્યો એટલે લોકોમાં પણ ભારે ચર્ચા થઈ. આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયામાં આતિશીના કામ કરતાં જે ફોટો મૂક્યા તેનાથી વાતાવરણ આપની તરફેણમાં બન્યું હતું. બધી બાજું સામાન હોવા છતાં આતિશી કામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આતિશીને બંગલો ખાલી કરાવ્યો તેનો લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. આપને આ વિવાદથી ફાયદો થતો જોઈને પીડબલ્યુડી વિભાગે આતિશી માટે તુરંત બીજા બંગલાની વ્યવસ્થા થઈ રહી હોવાનું કહ્યું હતું.
કાશ્મીરમાં ઉમરને અપક્ષોનો સાથ મળતા કોંગ્રેસનું મહત્ત્વ ઘટ્યું
નેશનલ કોન્ફરન્સને 42 બેઠકો મળી એ સાથે જ જમ્મુ-કાશ્મીરમાં ઉમર અબ્દુલ્લા મુખ્યમંત્રી બનશે એ નક્કી હતું. કોંગ્રેસને છ બેઠકો મળી છે. બંને વચ્ચે ચૂંટણી પહેલાં જ ગઠબંધન હતું, પરંતુ ચાર અપક્ષ ઉમેદવારોએ ઉમર અબ્દુલ્લાને સમર્થન જાહેર કરી દેતા હવે નેશનલ કોન્ફરન્સ પાસે આંકડો 46 થઈ ગયો છે.
બહુમતી માટે 48 જોઈએ છે, પરંતુ એ તો ઉપરાજ્યપાલ જ્યારે પાંચ ધારાસભ્યોની નિમણૂક કરશે ત્યારે. એ પહેલાં અત્યારે તો 4૬ની સંખ્યા પર્યાપ્ત છે. ચર્ચા એવી છે કે જો કોંગ્રેસે અપક્ષોને પોતાની તરફેણમાં લીધા હોત તો કોંગ્રેસને વધુ ફાયદો થાત. હવે ઉમરને કોંગ્રેસના ટેકાની નામ માત્રની જરૂર પડવાની છે એટલે ખાસ મહત્ત્વ મળશે નહીં.