દિલ્હીની વાત : વાયનાડમાં પ્રિયંકાનો છેલ્લાં દિવસે ધૂંવાધાર પ્રચાર
નવી દિલ્હી : વાયનાડમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ૧૧મીએ પ્રચારનો છેલ્લો દિવસ હતો. છેલ્લાં દિવસે વાયનાડમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીની હાજરીમાં ધૂંવાધાર પ્રચાર કર્યો હતો. રાહુલ ગાંધી તો આઈ લવ વાયનાડ લખેલું વ્હાઈટ ટી-શર્ટ પહેરીને આવ્યા હતા. બંને ભાઈ-બહેનની કેમેસ્ટ્રી જોઈને કોંગ્રેસના કાર્યકરો ફોર્મમાં જણાતા હતા. પ્રિયંકાએ છેલ્લાં દિવસે શક્તિ પ્રદર્શન કરીને રાજ્યના તમામ કાર્યકરો અને નેતાઓને એકઠા કર્યા હતા. કાર્યકરોએ સૌથી રેકોર્ડ માર્જિનથી પ્રિયંકાને વિજયી બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ૧૩મી નવેમ્બરે ચૂંટણી થશે અને ૨૩મી નવેમ્બરે પરિણામ આવશે. રાહુલ ગાંધીએ રાયબરેલીથી જીત્યા પછી વાયનાડની બેઠક ખાલી કરી હતી.
રાહુલ, હેમંત સોરેન અને તેજસ્વી યાદવ આદિવાસી વિરોધી
ઝારખંડમાં કોંગ્રેસે ભાજપ વિરૂદ્ધ ચૂંટણી કમિશનને લેખીતમાં ફરિયાદ આપી છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને રાજદના નેતા તેજસ્વી યાદવની એક જાહેરાત બાબતે કોંગ્રેસ નારાજ છે. કોંગ્રેસે આરોપ મુક્યો છે કે, ભાજપએ પ્રકાશિત કરેલી જાહેરખબરમાં ત્રણે નેતાઓ વિરુદ્ધ બદનક્ષીકારક આરોપો લગાડવામાં આવ્યા છે. ભાજપ જૂઠો પ્રચાર કરી રહ્યું છે. જયરામ રમેશે ચૂંટણી કમિશનને અપીલ કરી છે કે, ભાજપની આ જાહેરાત તાત્કાલીક ફેસબુક પરથી દુર કરવામાં આવે.
સંસદીય પ્રસારણ સમિતિ ફેક ન્યૂઝ પર અંકુશ લાવશે
સંસદની સૂચના અને પ્રસારણ સમિતિએ મોડે મોડેથી નક્કી કર્યું છે કે, મીડિયામાં પ્રસારીત થતા જૂઠા સમાચારો પર હવે લગામ કસવામાં આવશે. આ બાબતે સમિતિએ ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજિટલ એસોસીએશન તેમ જ એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા પાસેથી સૂચનો પણ મંગાવ્યા છે. ૨૧મી નવેમ્બરે આ માટે બેઠક બોલાવવામાં આવી છે. સંસદીય સમિતિના પ્રમુખ ભાજપના સાંસદ નિશિકાંત દુબે છે. નિરીક્ષકો એવી ટીપ્પણી કરી રહ્યા છે કે, સંસદીય સમિતિ કઈ રીતે સોશિયલ મીડિયા પર અંકુશ મૂકી શકશે. સમિતિએ ઓટીટી પ્લેટફોર્મ પર પણ અંકુશ મુકવાનું નક્કી કર્યું છે. ઇન્ટરનેટનો વ્યાપ વધ્યા પછી વિશ્વની કોઈપણ સરકાર માટે સોશિયલ મીડિયા કે ઓટીટી પ્લેટફોર્મ પર અંકુશ મુકવો અઘરો છે.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસે 16 બળવાખોરોને પક્ષમાંથી હાંકી કાઢયા
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઘણાં નેતાઓને ટિકિટ નહી મળતા એમણે બળવો કરીને અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલે આ બળવાખોરો સામે પગલા લેવા માંગતા હતા. કોંગ્રેસ હાઇકમાન્ડે એમને મંજૂરી આપતા આ તમામ બળવાખોર ઉમેદવારોને પક્ષમાંથી હાંકી કાઢયા છે.
રાજ ઠાકરેએ પહેલી વખત શરદ પવાર વિરૂદ્ધ નિવેદન આપ્યું
મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરે પરિવાર અને શરદ પવાર રાજકીય રીતે વિરોધી હોવા છતાં કદી જાહેરમાં એક બીજા સામે આક્ષેપો કર્યા નથી. બાળા સાહેબ ઠાકરે હયાત હતા ત્યાં સુધી શરદ પવાર સાથે એમની મિત્રતા રહી છે. હવે મનસેના નેતા રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર ચૂંટણીના પ્રચારમાં એકાએક શરદ પવાર પર શાબ્દીક પ્રહારો કરતા મહારાષ્ટ્રમાં ઘણાને નવાઈ લાગી છે. એક રેલીમાં રાજ ઠાકરેએ આક્ષેપ કર્યો કે ૧૯૯૯થી મહારાષ્ટ્રમાં જાતીવાદ વધી રહ્યો છે જેને માટે શરદ પવાર જવાબદાર છે. પોતાના રાજકીય ફાયદા માટે શરદ પવારે રાજ્યમાં નફરત ફેલાવી છે. પહેલાં પવારે બ્રાહ્મણો અને મરાઠાઓ વચ્ચે જાતીવાદના બીજ રોપ્યા. હવે તેઓ મરાઠા અને ઓબીસી વચ્ચે વૈમનસ્ય ફેલાવી રહ્યા છે. રાજ ઠાકરેના આવા નિવેદનોને કારણે રાજકીય નીરિક્ષકો પણ અંચબામાં પડી ગયા છે.
બંગાળમાં વિદ્યાર્થીઓના ટેબલેટ ખરીદવાના ફંડનો દુરપયોગ
પશ્ચિમ બંગાળમાં વિદ્યાર્થીઓને મદદરૂપ થતી સંસ્થા 'એડવાન્સ સોસાયટી ફોર હેડમાસ્ટર્સ એન્ડ હેડમિસ્ટ્રેસ' (એએસએફએચએમ)એ આક્ષેપ કર્યો છે કે, વિદ્યાર્થીઓ માટે ટેબલેટ ખરીદવા માટેના ફંડનો મોટી માત્રામાં દુરપયોગ થયો છે. એએસએફએચએમએ માંગણી કરી છે કે, સાયબર ક્રાઇમના અધિકારી પણ આ બાબતે તપાસ કરે. રાજ્યમાં ૧૨માં ધોરણમાં અભ્યાસ કરતા બાળકો માટે પ્રતિ ટેબલેટ દીઠ દસ હજાર રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, આમ છતાં વિદ્યાર્થીઓને ટેબલેટ મળ્યા નથી. આ કૌભાંડમાં બેંકના કેટલાક કર્મચારીઓ પણ સંડોવાયા હોવાના આક્ષેપ થયા છે.
ભાજપમાં જૂથવાદ, અમિત શાહ પોસ્ટર્સમાંથી ગાયબ : કોંગ્રેસનો કટાક્ષ
કોંગ્રેસના નેતા પવન ખેડાએ એક નિવેદનમાં કહ્યું હતું કે એક તરફ ભાજપ બટેંગે તો કટેંગે એવો નારો આપે છે, પરંતુ ભાજપમાં અંદરો અંદર જ જૂથવાદ છે. કોંગ્રેસના નેતાના દાવા પ્રમાણે મહારાષ્ટ્રમાં પ્રચાર દરમિયાન તેમના ધ્યાનમાં આવ્યું કે ઘણી જગ્યાએ પોસ્ટર્સમાંથી અમિત શાહ ગાયબ હતા. તેના બદલે બધે જ દેવેન્દ્ર ફડનવીસ છવાયેલા છે. જૂથવાદના કારણે આવું થયું છે. પવન ખેડાએ સવાલ કર્યો હતો કે દેવેન્દ્ર ફડનવીસના પોસ્ટર્સમાંથી અમિત શાહ ગુમ છે એનો તેને ક્યાંથી નિર્દેશ મળ્યો છે?કોની સૂચનાથી આવું થયું છે? એનો અર્થ એ થયો કે ભાજપ ભલે બહાર સૂત્રોચ્ચાર કરે કે બટેંગે તો કટેંગે, પરંતુ આપસમાં જ બેંટાયેલા છે.
હરિયાણા સરકારના એક આદેશથી હજારો મુસાફરો પરેશાન
હરિયાણાના માર્ગ અને પરિવહન મંત્રી અનિલ વીજે થોડા દિવસ પહેલાં એવો આદેશ આપ્યો હતો કે હરિયાણાની સરકારી બસો ચા-નાસ્તા કે ભોજન માટે કોઈ ખાનગી રેસ્ટોરન્ટ કે ઢાબા પર રોકાઈ શકશે નહીં. માત્ર સરકારી બસ સ્ટેન્ડમાં ચાલતી કેન્ટિનમાં જ ચા-નાસ્તા માટે બસ રોકવાની રહેશે. હરિયાણા સરકારના આ આશ્વર્યજનક નિર્ણયથી લોકો પરેશાન થઈ ગયા છે. હરિયાણાથી દિલ્હીના રસ્તામાં ઠેર-ઠેર સસ્તું અને વૈવિધ્યપૂર્ણ ભોજન પીરસતા અનેક ખાનગી રેસ્ટોરાં અને ઢાબા છે. સ્પર્ધાના કારણે મુસાફરોને એમાં ભોજન કરવાનું સસ્તું પડે છે, પરંતુ હવે સરકારના આદેશ બાદ બસ સ્ટેન્ડમાં ચાલતી કેન્ટિનોમાં ભાવ વધારો ઝીંકી દેવાયો છે એટલે મુસાફરો પાસે કોઈ વિકલ્પ રહ્યો નથી.
'અમારા પૂર્વજો અંગ્રેજો સામે લડયા, તમારા પૂર્વજો પ્રેમપત્રો લખતા હતા'
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે એક ચૂંટણી સભામાં એવું કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં વોટજેહાદ શરૂ થઈ ગઈ છે. આ એક પ્રકારનું ધર્મ યુદ્ધ છે. આ બાબતે એઆઇએમઆઇએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ ફડણવીસ પર પ્રહાર કરતા કહ્યું છે કે, ફડણવીસના પૂર્વજો અંગ્રેજોની સામે લડવાને બદલે એમને પ્રેમ પત્ર લખતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમ કહે છે કે, 'એક હૈ તો સૈફ હૈ', આ સૂત્ર દેશના ભાગલા પડાવે એવું છે. અસદુદ્દીનને એમ પણ કહ્યું હતું કે, મોદી, અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ એક સાથે જો મારી સાથે ડિબેટ કરે તો પણ મને હરાવી નહીં શકે.
યુપીના પોસ્ટર વોરમાં અલી અને બજરંગ બલીની એન્ટ્રી
યુપીમાં પેટા ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ ૧૦ બેઠકો જીતી લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. બીજી તરફ સપાએ પણ મહત્ત્વ બેઠકો મેળવીને લોકસભાની જેમ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ પ્રદર્શન સુધારવાનો લક્ષ્યાંક સેટ કર્યો છે. માયાવતી પાર્ટીમાં જાન ફૂંકવા કોશિશ કરે છે. એ બધાના કારણે યુપીમાં પોસ્ટર વોર ચાલે છે. યોગીના બટેગેં તો કટેંગે પછી સપાએ સૂત્રો લખીને પોસ્ટર્સ લગાવ્યા છે. અગાઉ સપાએ ભાજપ પર નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. હવે સપાએ નવું સૂત્ર રજૂ કર્યું છે. જેમાં લખ્યું છે ઃ અલી ભી હૈ, બજરંગ બલી ભી હૈ, સંગ પીડીએ કે એકતા કી ટોલી ભી હૈ. જિસસે વિરોધીઓ મેં મચી ખલબલી ભી હૈ...
મરોરા ગામનું નામ ટ્રમ્પ કરવા માગણી ઉઠી
હરિયાણાના મરોરા નામના ગામમાં દિલ્હીની એક સ્વૈચ્છિક સંસ્થાએ ટોઈલેટ બનાવી આપ્યા હતા. નૂહ જિલ્લાનું આ ગામ આર્થિક રીતે ખૂબ જ પછાત છે. દિલ્હીના એનજીઓને ટ્રમ્પની સંસ્થાએ ફંડ આપ્યું હતું. સંસ્થાએ ત્યારે હોર્ડિંગ્સમાં ને જાહેરાતોમાં ટ્રમ્પ સુલભ વિલેજ એવું નામ લખવાનું શરૂ કર્યું હતું. હવે ટ્રમ્પ ફરીથી અમેરિકાના પ્રમુખ બન્યા છે ત્યારે ઘણાં લોકો ગામનું નામ મોરારા બદલીને ટ્રમ્પ કરવા માગણી કરી રહ્યા છે. ગામના લોકોને એવી અપેક્ષા છે કે ટ્રમ્પ નામ કરી દેવાથી ગામમાં હજુય પાણી અને સડક જેવી સુવિધા વધશે અને ગામનો વિકાસ થશે. અગાઉ થોડા સમય પહેલાં આવો પ્રસ્તાવ રજૂ થયો ત્યારે જિલ્લા અધિકારીએ અરજી અમાન્ય રાખી હતી. સોશિયલ મીડિયામાં આ ગામના નામની નામ બદલવાની ઈચ્છા અંગે એવો પણ કટાક્ષ થયો હતો કે ગામના લોકોને સ્થાનિક સરકાર કરતાં વિદેશી સરકાર પર વિકાસનો વધુ ભરોસો છે!
તેજસ્વી સૂર્યા અને ખડગેના પુત્ર પ્રિયાંક સામ-સામે
ભાજપના યુવા સાંસદ તેજસ્વી સૂર્યાએ થોડા દિવસ પહેલાં દાવો કર્યો હતો કે હાવેરી જિલ્લાના એક ખેડૂતની જમીન વકફ બોર્ડને આપી દેવાઈ હોવાથી એ ખેડૂતે આપઘાત કર્યો હતો. આ સમાચાર ફેક હોવાનું જણાતા કર્ણાટકના આઈટી મંત્રાલયે તેજસ્વી સામે પોલીસ ફરિયાદ કરી છે. એ મુદ્દે હવે તેજસ્વી સૂર્યા અને કર્ણાટકના આઈટી મંત્રી પ્રિયાંક ખડગે વચ્ચે જામી પડી છે. પ્રિયાંક ખડગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર છે. તેજસ્વીએ આરોપ લગાવ્યો હતો કે પરિવારવાદના કારણે મંત્રી બનેલા પ્રિયાંક સરકારી મશીનરીનો દુરુપયોગ કરે છે. એનામાં કોંગ્રેસના પરિવારવાદની માનસિકતા દેખાય છે. પ્રિયાંક કહે છે કે તેજસ્વી સૂર્યા જૂઠાણા ચલાવીને ભાજપની જૂઠાણાની ફેક્ટરીનું મોડેલ રાજ્યમાં આગળ વધારે છે.
- ઈન્દર સાહની