દિલ્હીની વાત : દિલ્હીમાં અખિલેશ-ઉદ્ધવે આપને ટેકો આપતા કોંગ્રેસને આંચકો
નવીદિલ્હી : દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન થયું નથી. હવે લગભગ પડી ભાંગેલા ઇન્ડિયા ગઠબંધનના બે પક્ષોએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને બદલે આપને ટેકો આપવાનું નક્કી કર્યું છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તેમ જ સાંસદ સંજય રાઉતે વારંવાર કહ્યું હતું કે, દિલ્હીમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસ અને આપે સાથે મળીને ચૂંટણી લડવી જોઈએ. જોકે આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નહીં થતા સંજય રાઉતે કોંગ્રેસની ટીકા કરી છે અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે)નો ટેકો આપને જાહેર કર્યો છે. બીજી તરફ સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવે પહેલી વખત જાહેરમાં કહ્યું છે કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસને ટેકો નહીં આપે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને સપાના વલણથી દિલ્હી કોંગ્રેસના નેતાઓ નારાજ થઈ ગયા છે.
દિલ્હીના રોહિણી મતવિસ્તારમાં ભાજપને હેટ્રિકની આશા
દિલ્હીમાં રોહિણી વિધાનસભા સીટનો ઇતિહાસ બહુ જૂનો નથી. ૨૦૦૮થી જ રોહિણી વિધાનસભાની બેઠક અસ્તિત્વમાં આવી છે. ૨૦૦૮ની ચૂંટણીમાં આ બેઠક પર સાત ઉમેદવારો હતા. કુલ ૮૯,૧૯૨ મતદાતાઓએ મતદાન કર્યું હતું. એ વખતે ભાજપના જય ભગવાન અગ્રવાલ અહીંથી જીત્યા હતા. કોંગ્રેસના વિજેન્દ્ર જીન્દાલ બીજા નંબરે રહ્યા હતા. બસપાના ઓપી મલ્હોત્રા ત્રીજા નંબરે રહ્યા હતા. ૨૦૧૩ની ચૂંટણીમાં આપના ઉમેદવાર રાજેશ ગઢ અહીંથી જીત્યા હતા. ૨૦૧૫માં ભાજપને રોકડી ત્રણ બેઠકો મળી હતી જેમાંથી એક બેઠક રોહિણીની પણ હતી. ૨૦૨૦માં પણ આ બેઠક પર ભાજપનો વિજય થયો હતો. આ વખતે રોહિણી બેઠક પર ભાજપના વિજેન્દ્ર ગુપ્તાને ટીકીટ આપવામાં આવી છે. સ્થાનીક મતદારો માની રહ્યા છે કે આ બેઠક પર ભાજપ અને આપ વચ્ચે સીધી ટક્કર થશે.
સ્થાનિક પક્ષોને મળેલા 216 કરોડ ચૂંટણી ફંડમાંથી બીઆરએસના ૧૫૪ કરોડ
વર્ષ ૨૦૨૨-૨૩માં દેશના સ્થાનિક રાજકીય પક્ષોને ૨૧૬ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. સૌથી વધુ દાન મેળવનાર સ્થાનિક પક્ષ ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) છે. બીઆરએસને ફક્ત ૪૭ દાતાઓ પાસેથી ૧૫૪.૦૩ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. ત્યાર પછી વાયએસઆર કોંગ્રેસને પાંચ દાતાઓ પાસેથી ૧૬ કરોડ મળ્યા હતા. આ માહિતી એસોસીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મ્સ (એડીઆર)એ કરેલા વિશ્લેષણમાં જાણવા મળી છે. એડીઆરના રીપોર્ટ પ્રમાણે ઝારખંડ મુક્તિ મોરચા, જન નાયક જનતા પાર્ટી, તેલુગુ દેશમ પાર્ટી અને તૃણમુલ કોંગ્રેસને મળેલા દાનમાં સતત વધારો થયો છે.
શરદ પવારે કરેલા આરએસએસના વખાણ દેવેન્દ્ર ફડણવીસને પચ્યા નહીં
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી સફળતાનો યશ શરદ પવારે આરએસએસના કાર્યકરોને આપ્યો હતો. આરએસએસના ગ્રાઉન્ડ વર્કની પ્રશંસા પણ શરદ પવારે કરી હતી. જોકે એમ લાગે છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પવારે કરેલી સંઘની પ્રશંસા ગમી નથી. આ બાબતે ફડણવીસે ટોણો માર્યો છે કે, ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી દરમિયાન વિપક્ષ દ્વારા કરવામાં આવેલા કુપ્રચારને આરએસએસએ કંઈ રીતે પલ્ટાવ્યો એની જાણ થતા પવારે સંઘના વખાણ કરવા પડયા છે. લોકસભાની ચૂંટણીમાં વિરોધ પક્ષોએ એવો પ્રચાર કર્યો હતો કે ભાજપને ૪૦૦ બેઠકોની જરૂર એટલા માટે છે કે એણે બંધારણ બદલવું છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી ઓછી બેઠકો માટે સંઘની નિષ્ક્રીયતા પણ જવાબદાર ગણવામાં આવી હતી. ફડણવીસે કહ્યું હતું કે, શરદ પવારે સંઘના વખાણ કર્યા એ એમની મજબૂરી હતી.
બસપા, અયોધ્યાની મિલ્કીપુર વિધાનસભા પેટા ચૂંટણી નહીં લડે
બહુજન સમાજ પાર્ટી અયોધ્યાની મિલ્કીપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી નથી લડવાની. પહેલાં પક્ષે રામગોપાલ પુરીને પેટા ચૂંટણી લડાવવાનું નક્કી કર્યું હતું, જેમણે પ્રચાર પણ શરૂ કરી દીધો હતો. જોકે ઉત્તર પ્રદેશની ૯ બેઠકો પર જે પેટા ચૂંટણી થઈ હતી એમાં મળેલી હાર પછી બસપાએ હવે નિર્ણય લીધો છે કે મિલ્કીપુરની પેટા ચૂંટણી નહીં લડવી. થોડા સમય પહેલાં યોજાયેલી પેટા ચૂંટણીમાં સરકારી મશીનરીનો દુરઉપયોગ થયો હોવાનો આરોપ માયાવતીએ લગાડયો હતો. ત્યાર પછી એમણે નક્કી કર્યું હતું કે તેઓ કોઈપણ પેટાચૂંટણી નહીં લડે. જોકે બસપા દિલ્હી વિધાનસભાની ચૂંટણી પૂરી તાકાતથી લડવા માંગે છે. બહુજન સમાજ પાર્ટીએ ચૂંટણી મેદાન છોડી દીધા પછી હવે મિલ્કીપુર પેટા ચૂંટણીનો મુકાબલો ભાજપ અને સપા વચ્ચે થશે.
સર્જરી પછી ચેપનું પ્રમાણ વધી રહ્યું છે : આઈસીએમઆરનો રિપોર્ટ
સર્જરી પછી થતા ઇન્ફેક્શન મતલબ કે એસએસઆઇનો ભોગ દરવર્ષે ૧૫ લાખ દર્દીઓ બને છે. ચેપનું કારણ ખતરનાક સુપરબગ છે. દેશમાં થતા કુલ ઓપરેશન પછી દર્દીઓને લાગતા ચેપની સંખ્યા ૫.૨ ટકા છે. દરવર્ષે દેશમાં ત્રણ કરોડથી વધુ લોકો સર્જરી કરાવે છે. આમાંથી દર વર્ષે ચેપથી પીડીંત દર્દીઓની સંખ્યા ૧૫ લાખ જેટલી હોય છે. હાડકાનું ઓપેરશન કરાવનાર દર્દીઓને ચેપ લાગવાનું પ્રમાણ સૌથી વધુ એટલે કે ૫૪.૨ ટકા છે. આઇસીએમઆરના અહેવાલ પ્રમાણે સર્જરી દરમિયાન ચેપ લાગવાનું કારણ બેક્ટેરિયા છે. આઇસીએમઆરએ ત્રણ હજાર દર્દીઓ પર અભ્યાસ કર્યો હતો. સામાન્ય રીતે બે કલાકથી વધુ ચાલતા ઓપરેશનના દર્દીઓમાં ચેપનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ ચિંતાજનક છે.
મહાકુંભમાં પાંચ દેશોની સંસ્કૃતિનું મિલન થશે
પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભમાં પહેલી વખત દુનિયાના પાંચ દેશોની સંસ્કૃતિનું મિલન થશે. જાપાન ઉપરાંત રશિયા અને યુક્રેનના ભક્તો પણ પોતાના દેશની સંસ્કૃતિઓની જાણકારી શ્રદ્ધાળુઓને આપશે. આ પાંચ દેશોના ટેન્ટ સેક્ટર ૧૮માં બનાવવામાં આવ્યા છે. જાપાનથી ૨૦૦થી વધુ બૌદ્ધ ધર્મના અનુઆયીઓ સનાતનીઓ સાથે સત્સંગ કરશે. જાપાનના સંતોને યોગમાતા કેકોઆઇકાવા ઉર્ફે નંદગીરી માર્ગદર્શન આપશે. એ જ રીતે રશિયાની સાથે યુક્રેનના ધાર્મિક સંતો તેમ જ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. યુક્રેનથી આવનારા શ્રદ્ધાળુઓ માટે પણ રહેવાની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ વિદેશી શ્રદ્ધાળુઓ માટે યજ્ઞાવૈદી પણ બનીને તૈયાર થઈ ગઈ છે. કુળદેવીઓની સાથે પૂર્વજોના આત્માઓની પૂજા પણ થશે. ૧૦ વિંઘા જેટલી વિશાળ જમીન પર આ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
કર્ણાટકમાં ડીકે શિવકુમારનો ફરી સિદ્ધારામૈયા સામે મોરચો
કર્ણાટકમાં ડીકે શિવકુમાર અને સિદ્ધારામૈયા વચ્ચે સત્તાનું ઘર્ષણ ચાલતું રહે છે. ડીકે શિવકુમાર મુખ્યમંત્રી બનવા માગતા હતા, પરંતુ કોંગ્રેસે તેમને ડેપ્યુટી સીએમ બનાવ્યા અને જૂના જોગી સિદ્ધારામૈયાને સીએમ બનાવ્યા હતા. કહેવાય છે કે ત્યારે સિદ્ધારામૈયાને ધરપત અપાયેલી કે બે વર્ષ પછી તેમને સીએમ બનાવાશે. પરંતુ હવે બે વર્ષ થવા આવ્યા છે ને સિદ્ધારામૈયા સત્તા છોડવા તૈયાર નથી. એ વચ્ચે ડીકે શિવકુમારે એક નિવેદન આપ્યું હતું કે મને મારા ગુરુ એસએમ કૃષ્ણાએ શીખવ્યુેં હતું કે સત્તા ન મળે તો છીનવી લેવાય. આ નિવેદનનો ભાજપે એવો અર્થ કાઢ્યો છે કે ડીકે શિવકુમાર હવે ગમે ત્યારે સિદ્ધારામૈયા સામે મોરચો માંડશે. આમેય ઘણાં સમયથી સિદ્ધારામૈયા વિવિધ મોરચે ઘેરાયેલા છે. ડીકે શિવકુમારના સમર્થકો વારંવાર તેમને સીએમ બનાવવા માગણી કરે છે.
દિલ્હી કોંગ્રેસ શિલા દિક્ષિતના મોડેલને કેમ આગળ કરતું નથી
દિલ્હીની ચૂંટણીમાં ભાજપ અને આપ જેટલો આક્રમક પ્રચાર કોંગ્રેસે શરૂઆતમાં કર્યો ન હતો, પરંતુ હવે કોંગ્રેસે પણ વેગ પકડયો છે. કોંગ્રેસે પોસ્ટર્સથી લઈને સરકાર બનશે તો યોજનાઓ કેવી હશે એની જાહેરાત કરવા માંડી છે, પરંતુ કોઈ કારણથી દિલ્હીના પૂર્વ સીએમ શિલા દિક્ષિતના નામથી કોંગ્રેસે કોઈ ક્રેડિટ લીધી નથી. શિલા દિક્ષિત ત્રણ-ત્રણ વખત દિલ્હીના સીએમ બન્યા હતાં. પાર્ટીએ પોસ્ટર્સમાંથી પણ તેમને અલગ રાખ્યા છે. શિલા દિક્ષિતનું નિધન ૨૦૧૯માં થયું હતું. ૨૦૨૦ની ચૂંટણીમાં કોંગ્રેસે તેમને પોસ્ટર્સમાં સ્થાન આપ્યું હતું. એક કારણ એવુંય ચર્ચાય છે કે શિલા દિક્ષિતને આગળ કરવાથી તેમના દીકરા સંદીપ દિક્ષિતની દાવેદારી મજબૂત થાય છે. એવું દિલ્હી યુનિટના અન્ય નેતાઓ ઈચ્છતા નથી. કદાચ એ કારણથી જ શિલા દિક્ષિતના દિલ્હી મોડલની ખાસ ક્રેડિટ લેવાતી નથી.
બાદલ પરિવારના 30 વર્ષના રાજકીય દબદબાનો અંત
શિરોમણી અકાલી દળમાં બાદલ પરિવારનો દબદબો રહ્યો છે. પ્રકાશ સિંહ બાદલ અકાલી દળના પ્રમુખ હતા. પંજાબના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા હતા. ૨૦૦૮ સુધી પ્રકાશ સિંહ બાદલ અકાલી દળના પ્રમુખ હતા. ૨૦૦૮થી તેમના દીકરા સુખબીર સિંહ બાદલ પ્રમુખ હતા. સુખબીર સિંહ બાદલ સામે આંતરિક અસંતોષ વધ્યો પછી તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી. તેમનું રાજીનામું આખરે પાર્ટીની વર્કિંગ સમિતિએ સ્વીકારી લીધું છે. ૩૦ વર્ષથી બાદલ પરિવારનો પાર્ટીમાં અને પંજાબના રાજકારણમાં દબદબો હતો. એ દબદબાનો અંત આવ્યો છે. તેમના સમર્થકો ઘટયા છે. જનસમર્થન પણ ઘટતું જાય છે.
દિલ્હી રમેશ બિધૂડીના નામે આપનો ભાજપને ઘેરવાનો વ્યૂહ
દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ એવો દાવો કર્યો હતો કે રમેશ બિધૂડી ભાજપના સીએમપદના ઉમેદવાર હશે અને જો કદાચ ભાજપની સરકાર આવી જશે તો બિધૂડી મુખ્યમંત્રી બની જશે. આ દાવાની સાથે આપ એવો પ્રચાર કરે છે કે બિધૂડી મહિલાઓનું સન્માન કરતા નથી. કટ્ટર માનસિકતા ધરાવે છે અને અગાઉ સપાના સાંસદને લોકસભામાં અપશબ્દો કહી ચૂક્યા છે. ભાજપના નેતાઓ ખુલાસામાં પડયા છે. આપે અત્યાર પૂરતા તો ભાજપના નેતાઓને એમાં વ્યસ્ત કરી દીધા છે. બિધૂડી આક્રમક નિવેદનો આપવા માટે કુખ્યાત છે.
- ઈન્દર સાહની