દિલ્હીની વાત : પંજાબના આપના 88 નેતાઓ સાથે બેઠક 30 મિનિટમાં પૂરી
નવીદિલ્હી : દિલ્હીની વિધાનસભામાં પરાજય પછી અરવિંદ કેજરીવાલે પંજાબના આપના નેતાઓની બેઠક બોલાવી હતી. આપના ૮૮ ધારાસભ્યો સાથેની બેઠક માત્ર ૩૦ મિનિટ ચાલી હતી. આ મીટિંગ પછી સવાલ એટલે ઉઠયો છે કે કેજરીવાલે એક નેતાની વાત સરેરાશ ૨૦ સેકન્ડ પણ સાંભળી નથી. જો તેમની સાથે ચર્ચા કરવી હતી તો આટલી ઉતાવળે મીટિંગ કેમ પૂરી થઈ ગઈ? પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મીટિંગ પછી કહ્યું હતું કે આ એક રૂટિન પ્રક્રિયાના ભાગરૂપે થતી બેઠક હતી. કોંગ્રેસ કહે છે કે પંજાબમાં નવા જૂની થશે એ વાતમાં કોઈ તથ્ય નથી. પંજાબ કોંગ્રેસે દાવો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બની જશે અને ભગવંત માનને હટાવી દેવામાં આવશે. કોંગ્રેસે વધુ એક વખત દાવો કર્યો હતો કે આપના ૩૦ ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે.
લોકશાહીમાં કોઈપણ પક્ષની સ્વતંત્રતા કચડવાની મંજૂરી નહીં અપાય : સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે એક અગત્યનો ચૂકાદો આપતા કહ્યું છે કે, લોકશાહીમાં કોઈક એક રાજકીય પક્ષના અધિકારોને કચડી નાખવાની માન્યતા આપવામાં નહીં આવે. તેલંગાણાના બીઆરએસ પક્ષના ધારાસભ્યોની એક અરજી પર સુનાવણી કરતી વખતે ઉચ્ચ અદાલતે આ ટીપ્પણી કરી હતી. તેલંગાણા વિધાનસભાના અધ્યક્ષે કોંગ્રેસમાં જોડાઈ ગયેલા બીઆરએસના ધારાસભ્યોને અમાન્ય ઠેરવ્યા હતા. અધ્યક્ષના આ ચૂકાદા સામે ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. જસ્ટીસ બી આર ગવઈ અને જસ્ટીસ વિનોદચંન્દ્રનની બેન્ચે કહ્યું હતું કે, લોકશાહીમાં અમે બીજા બે પક્ષોનું પણ પુરેપુરુ માન જાળવીએ છીએ એનો અર્થ એ નથી થતો કે સંસદે બનાવેલા નિયમોની અવગણના કરવામાં આવે.
કોંગ્રેસ સાથે કોઈપણ સમજૂતી કરવા મમતા બેનર્જીનો ઇનકાર
એમ લાગે છે કે, તૃણમુલ કોંગ્રેસ અને કોંગ્રેસ વચ્ચે પડેલી તિરાડ વધુ મોટી થઈ રહી છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે, પશ્ચિમ બંગાળની ૨૦૨૬ની ચૂંટણી તૃણમુલ કોંગ્રેસ એકલે હાથે લડશે. કોંગ્રેસ કે બીજા કોઈ પક્ષ સાથે ગઠબંધન કરવામાં નહીં આવે. પશ્ચિમ બંગાળ તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્યો સાથેની બેઠક પછી મમતા બેનર્જીએ આ જાહેરાત કરી હતી. મમતા બેનર્જીને વિશ્વાસ છે કે આવતા વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીમાં ટીએમસીને ૨/૩ બહુમતી મળશે. દિલ્હીની ચૂંટણીમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીને મદદ નહીં કરી હોવાથી મમતા નારાજ થયા છે. એક તરફ મમતા કોંગ્રેસને સાથે રાખવા માંગતા નથી અને બીજી તરફ એમ કહે છે કે, બધા વિરોધપક્ષોએ સાથે રહેવું જોઈએ.
આતંકી હુમલા કરાવનાર પાકિસ્તાન સાથે સંવાદ અસંભવ : થરૂર
મુંબઈ અને પઠાણકોટ પર થયેલા આતંકી હુમલા સંદર્ભે કોંગ્રેસના નેતા શશી થરૂરે કડક વલણ અપનાવ્યંફ છે. થરૂરે કહ્યું છે કે પાકિસ્તાને ભારત સાથે વિશ્વાસઘાત કર્યો છે. પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારની વાતચીત થઈ શકે નહીં. આવા સંવેદનશીલ સમયે પાકિસ્તાન સાથે ચર્ચા શક્ય નથી. જોકે એમણે બંને દેશના સામાન્ય લોકો વચ્ચે સંવાદીતા વધારવા બાબતે ભાર આપ્યો હતો. થરૂર એક કાર્યક્રમમાં વિદેશના પત્રકારોને સંબોધીત કરી રહ્યા હતા. થરૂરે એમ પણ કહ્યું હતું કે એમણે આજીવન પાકિસ્તાન સાથે શાંતિ વાર્તાની વકીલાત કરી હતી, પરંતુ એ એમની ભૂલ હતી.
સરકાર આંગણવાડીની બહેનોને સન્માન આપે : રાહુલ ગાંધી
લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી આંગણવાડીના કર્મચારીઓને મળ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી આંગણવાડીના કર્મચારીઓ એમની વિવિધ માગણી સંદર્ભે આંદોલન કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ સરકારને અપીલ કરી છે કે, આંગણવાડીના કર્મચારીઓની તકલીફ સરકારે સાંભળવી જોઈએ. આંગણવાડીની બહેનો દિવસભર મહેનત કરે છે એટલે એમને માન આપવું જોઈએ. આંગણવાડીના કર્મચારીઓ યોગ્ય ગ્રેજ્યુઇટી મેળવવા તેમ જ નોકરી કાયમી કરવા માટે માંગણી કરી રહ્યા છે. રાહુલ ગાંધીનું કહેવું છે કે, આંગણવાડીના કર્મચારીએ ભૂખ અને કુપોષણ સામેની લડાઈમાં અગત્યની ભૂમિકા ભજવી છે.
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રીના પુત્રનું 'અપહરણ'
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી તાનાજી સાંવતના પુત્રનું પૂણે એરપોર્ટ પરથી અપહરણ થઈ ગયું છે. સાંવતના કહેવા પ્રમાણે એમના પુત્રને બે માણસો બેંગકોક જનારી ફલાઇટમાં જબરજસ્તીથી લઈ ગયા છે. પોલીસે આ બાબતે અપહરણની ફરિયાદ નોંધી છે. પૂણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારના કહેવા પ્રમાણે પોલીસે ફલાઇટની માહિતી ડીજીસીએ પાસે માગી છે. ફલાઇટને ડાઇવર્ટ કરીને ફરીથી પૂણે એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી છે. તાનાજી સાંવત શિવસેના (ઉદ્ધવ ઠાકરેના) નેતા છે. અહીં નવાઈની વાત એ છે કે, અપહરણની ફરીયાદ નોંધાવનાર તાનાજી સાંવતે પલ્ટી મારીને એવું કહ્યું છે કે એમનો પુત્ર તો મિત્રો સાથે ગયો હતો અને એનું અપહરણ થયું નહોતું.
સાઇકલ સવારો માટે અલગ ટ્રેક બનાવવાની માંગણી સુપ્રીમે નકારી
દેશભરમાં સાઇકલ સવારો માટે બીજા દેશોની જેમ અલગ ટ્રેક નથી. સાઇકલ સવારો માટે અલગ ટ્રેક બનાવવાની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ માંગણી નકારી કાઢી છે. કોર્ટનું કહેવું છે કે, રાજ્યો પાસે લોકોને વ્યાજબી કીંમતે ઘર આપવાના બજેટ નથી. લોકો પાસે પીવા માટે શુદ્ધ પાણી નથી અને તમે સાઇકલ ટ્રેક બનાવવાના સપના જોઈ રહ્યા છો. અરજીકર્તા દવિન્દર સિંહ નેગી સાઇકલિંગને પ્રોત્સાહન આપવા માંગે છે. ન્યાયાધિશ અભય એસ મોકા અને ઉજ્વલ ભૂઇયાની બેન્ચ સમક્ષ આ અરજી કરવામાં આવી હતી. બેન્ચના કહેવા પ્રમાણે અરજીકર્તાએ પ્રાથમિકતા જાણવી જરૂરી છે. વધુ જરૂરી મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ.
મહાકુંભમાં એકાએક શ્રદ્ધાળુઓની સંખ્યા શા માટે વધી ગઈ
મહાકુંભમાં અમૃત સ્નાન દરમિયાન શ્રદ્ધાળુઓની સંખ્યા વધવી સામાન્ય વાત છે. જોકે આ વખતે મહાકુંભમાં અમૃત સ્નાન પછી પણ પ્રયાગરાજમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. પ્રયાગરાજની અંદર અને બહારના રસ્તાઓ પર અઢીસોથી ત્રણસો કીલોમીટર જેટલો ટ્રાફીક જામ થઈ રહ્યો છે. શરૂઆતમાં મહાકુંભમાં દરરોજ આશરે સવાર કરોડ લોકો સ્નાન કરવા માટે આવતા હતા. આઠમી ફેબ્રુઆરી પછી પ્રયાગરાજને બીજા જિલ્લાઓથી જોડતા હાઇવે પર સતત ખાનગી વાહનોની સંખ્યા વધી રહી છે. ૨૯ જાન્યુઆરીએ જે ભાગદોડ થઈ હતી ત્યાર પછી કેટલાક શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં જવાનો વિચાર બદલ્યો હતો. જેને કારણે ભીડ કાબુમાં રહી હતી. એમ મનાય છે કે, હવે આ શ્રદ્ધાળુઓએ ફરીથી વિચાર બદલીને મહાકુંભમાં જવાનું નક્કી કર્યું હોવાથી એક સાથે લાખો વાહનો પ્રયાગરાજ તરફ જઈ રહ્યા છે. થોડા દિવસો જ બચ્યા હોવાથી લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
દિલ્હીના મુખ્યમંત્રી પદ માટે રેખા ગુપ્તાને લોટરી લાગવાની શક્યતા
રેખા ગુપ્તા ભાજપની મહિલા પાંખના રાષ્ટ્રીય ઉપપ્રમુખ છે. ૨૯ હજાર મતોથી શાલીમાર બાગની બેઠક પરથી જીતનારા રેખા ગુપ્તાના નામની વિચારણા ભાજપ હાઈકમાન્ડે શરૂ કરી છે. દિલ્હીમાં રેખા ગુપ્તા ઉપરાંત શિખા રોય પણ એક મજબૂત મહિલા ઉમેદવાર છે. ગ્રેટર કૈલાશથી ચૂંટાયેલા શિખા રોયે સૌરભ ભારદ્વાજને હરાવ્યા છે. દિલ્હી ભાજપના ઘણાં નેતાઓ તો બાંસૂરી સ્વરાજનું નામ પણ આગળ કરે છે. સુષ્મા સ્વરાજની દીકરી બાંસૂરી ગત લોકસભામાં સાંસદ બન્યા હતા. સુષ્મા સ્વરાજ થોડો વખત દિલ્હીના સીએમ બન્યા હતાં.
સીએમ સૈનીની ટીકા કરવા બદલ ભાજપે અનિલ વીજને નોટિસ ફટકારી
હરિયાણા ભાજપમાં આંતરિક ડખા ચરમસીમાએ છે. અનિલ વીજે એકથી વધુ વખત નાયબ સિંહ સૈનીની ટીકા કરી છે. એટલું જ નહીં, ગેંગરેપના આરોપમાં ફસાયેલા મોહનલાલ બાડોલી સામેય નિવેદનો કર્યા હતા. એટલું ઓછું હોય એમ પોતાનું ધાર્યું કરાવીને સૈની પાસે અનિલ વીજે આઈએએસ-આઈપીએસની સામુહિક બદલી કરાવી હતી. આ ઘટનાક્રમ પછી ભાજપ હાઈકમાન્ડ અનિલ વીજથી નારાજ છે. ભાજપે અનિલ વીજને શોકોઝ નોટિસ ફટકારી છે. નોટિસનો જવાબ નહીં મળે તો કાર્યવાહી કરાશે એવી તાકીદ થઈ છે.
રણવીર અલ્હાબાદિયા સામે કાર્યવાહીની કોંગ્રેસની માંગણી
કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને મેસેજ આપ્યો કે યુટયૂબર રણવીર અલ્હાબાદિયા સામે યોગ્ય પગલાં ભરવા જોઈએ. તેણે દેશના લોકોની લાગણીને ઠેંસ પહોંચાડી છે. જાહેરમાં અશ્લિલતા ફેલાવવા બદલ રણવીર ઉપરાંત અન્ય લોકો જેવા કે સમય રૈના વગેરે પર પણ કાર્યવાહી કરવી જોઈએ. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધપક્ષના ડેપ્યુટી નેતાએ કટાક્ષ કર્યો કે પીએમની પબ્લિસિટી કરી આપતા આવા યુટયૂબર્સ પર નજર રાખવી જરૂરી છે. આવા પ્લેટફોર્મ પરથી ખોટી માહિતી ફેલાવતા અને લોકોને ગેરમાર્ગે દોરતા, સાંસ્કૃતિક રીતે ઘાત પહોંચાડવાનું વલણ બિલકુલ ચલાવી લેવાય નહીં.
- ઈન્દર સાહની