Get The App

દિલ્હીની વાત : ગડકરીની દરખાસ્તથી મોદી સરકાર મૂંઝવણમાં

Updated: Aug 13th, 2021


Google NewsGoogle News
દિલ્હીની વાત : ગડકરીની દરખાસ્તથી મોદી સરકાર મૂંઝવણમાં 1 - image


નવીદિલ્હી : મોદી સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસે પડી રહેલાં વધારાનાં નાણાં હાઈવે સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ટર પ્રોજેક્ટ્સ માટે આપવાની માગણી કરીને મોદી સરકારને મૂંઝવણમાં મૂકી દીધી છે.

ગડકરીની દલીલ છે કે, ઈન્ફ્રાસ્ટ્રક્ટર પ્રોજેક્ટ્સ માટે સસ્તા દરની લોન જરૂરી છે. માર્કેટમાં ઓછા વ્યાજે લોન મળવી શક્ય નથી ત્યારે રીઝર્વ બેંકના વધારાના ભંડોળનો ઉપયોગ કરવો જોઈએ.  ગડકરીએ તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા માટે અલગ નાણાં સંસ્થા ઉભી કરવાની માગ પણ કરી છે. ઉર્જા ક્ષેત્ર માટે પાવર ફાયનાન્સ કોર્પોરેશન છે એ રીતે હાઈવે માટે પણ ફાયનાન્સ કોર્પોરેશન હોવું જોઈએ એવી ગડકરીની માગણી છે. મોદીને ગડકરીની દલીલ સાચી લાગે છે પણ મૂંજવણ એ વાતની છે કે, એક મંત્રાલયને રીઝર્વ પાસે પડી રહેલું વધારાનું ભંડોળ આપવાની મંજૂરી અપાશે તો બીજાં મંત્રાલય પણ એ માગણી કરશે. મોટા ભાગનાં મંત્રાલયો લોન પેટે મળેલી રકમ પાછી આપી શકતાં નથી તેથી રીઝર્વ બેંકનાં નાણાં ડૂબી જવાનો ખતરો છે.

ભ્રષ્ટાચારીઓને બચાવવા પક્ષે પેનલ બનાવી !

એક અભૂતપૂર્વ ઘટનામાં તમિલનાડુમાં એઆઈએડીએમકેએ પોતાના નેતાઓને ભ્રષ્ટાચારના કેસોમાં કાનૂની મદદ કરવા છ વરિષ્ઠ નેતાની પેનલ બનાવી છે. પક્ષના પ્રવક્તા અને ભૂતપૂર્વ પ્રધાન ડી. જયકુમારના અધ્યક્ષપદે બનાવાયેલી આ પેનલ પક્ષના તમામ નેતાઓને કાનૂની મદદ કરશે.

કોઈ રાજકીય પક્ષે ભ્રષ્ટાચારના કેસોમાં નેતાઓના બચાવ માટે ખાસ પેનલ બનાવી હોય એવું પહેલી વાર બન્યું છે. કોઈમ્બતુરના નેતા એસ.પી. વેલુમણીને ત્યાં દરોડા પડયા પછી પક્ષે આ નિર્ણય લીધો છે. એઆઈએડીએમકેનો દાવો છે કે, ડીએમકે સરકાર રાજકીય કિન્નાખોરી દાખવીને પક્ષના નેતાઓને નિશાન બનાવી રહી છે અને દરોડા પાડીને પરેશાન કરી રહી છે તેથી આ પગલું લેવું પડયું છે.

બીજી તરફ ડીએમકેનો દાવો છે કે, આ પેનલ બનાવીને એઆઈએડીએમકેએ નફ્ફટાઈની તમામ હદો વટાવી દીધી છે. તેમના નેતાઓએ સત્તામાં હતા ત્યારે બેફામ ભ્રષ્ટાચાર કર્યો હતો તેનો આડકતરો સ્વીકાર પેનલ બનાવીને કરી લેવાયો હોવાનો દાવો પણ તેમણે કર્યો છે. ડીએમકેએ એઆઈએડીએમકેના નેતાઓના ભ્રષ્ટાચારના કેસો ચલાવવા ખાસ કોર્ટની રચનાનું એલાન પણ કર્યું છે.

ભાજપમાં નવા લોકોને પ્રવેશ માટે સ્ક્રીનિંગ કમિટી

ઉત્તર પ્રદેશમાં બસપાના ભૂતપૂર્વ ધારાસભ્ય જીતેન્દ્રસિંહ બબલુના મુદ્દે થયેલા આબરૂના ધજાગરાને પગલે ભાજપે સ્ક્રીનિંગ કમિટી બનાવવી પડી છે. પાંચ સભ્યોની આ કમિટી નવા લોકોને પક્ષમાં લેતાં પહેલાં તેમના ભૂતકાળ અને વિશ્વસનિયતાની ચકાસણી કરશે. હાઈકમાન્ડને તેનો રીપોર્ટ મોકલશે અને હાઈકમાન્ડ મંજૂરી આપે પછી જ પક્ષમાં પ્રવેશ અપાશે.

આ સ્ક્રીનિંગ કમિટીના વડા તરીકે યુપી ભાજપના સંગઠન મહામંત્રી સુનિલ બંસલ હોવાનું કહેવાય છે. બાકીના ચાર સભ્યોનાં નામ પણ બે-ચાર દિવસમાં નક્કી કરી દેવાશે.

ભાજપે યુપી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બબલુને પક્ષમાં પ્રવેશ આપી દેતાં સાંસદ રીટા બહુગુણ જોશી ભડકી ગયાં હતાં. બબલુ સામે જોશીના ઘરને આગ લગાવવાનો કેસ નોંધાયો હતો અને આ કેસમાં તેની ધરપકડ પણ થઈ હતી. જોશીએ આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી.

ભાજપના ઘણા ટોચના નેતાઓએ જોશીની વાતમાં સૂર પુરાવતાં હાઈકમાન્ડે  બબલુનું સભ્યપદ છ દિવસમાં જ રદ કરી દીધું હતું. હવે ફરી આ સ્થિતી ના સર્જાય એટલે ભાજપે ફૂંકી ફૂંકીને આગળ વધવાનું નક્કી કર્યું છે.

મમતા પછી માયાવતી પણ ભત્રીજાવાદને રસ્તે

મમતા બેનરજીએ પોતાના ભત્રીજા અભિષેક બેનરજીને રાજકીય વારસ તરીકે આગળ કરવા માંડયો છે. બસપાનાં માયાવતી પણ એ જ રસ્તે જઈ રહ્યાં છે અને પોતાના ભત્રીજા  આકાશ આનંદને રાજકીય વારસ તરીકે આગળ કરવા માંડયાં છે.

અક્ષય આનંદ હાલમાં બસપાના કો-ઓર્ડિનેટર છે અને બસપાના નેતાઓએ માયાવતી સાથે વાત કરવી હોય તો પહેલાં આકાશનો સંપર્ક કરવો પડે છે. બસપામાં માયાવતી પછી સૌથી શક્તિશાળી નેતા મનાતા સતિષચંદ્ર મિશ્રાએ પણ અક્ષય આનંદનો દબદબો વધી રહ્યો હોવાની કબૂલાત કરી છે. મિશ્રાએ કબૂલ્યું કે, આનંદ અક્ષય જ બસપાના નેતાઓ સાથે બેઠકો કરે છે અને મહત્વના નિર્ણયો લે છે. મિશ્રાનો દાવો છે કે, યુપીના યુવાનો અત્યારે અક્ષય સાથે પણ એ માયવતીના ભત્રીજા હોવાના કારણે મહત્વ અપાય છે એ વાત ખોટી છે.

સૂત્રોનો દાવો છે કે, માયાવતીએ અક્ષયને વિધાનસભાની ચૂંટણીમાં ઉતારવાનું પણ નક્કી કરી દીધું છે. માયાવતીએ સતિષ ચંદ્ર મિશ્રા સહિતના નેતાઓને અક્ષય માટે એકદમ સલામત બેઠક નક્કી કરવા કહી દીધું છે.

રાહુલની કૂચથી વિપક્ષી એકતામાં ભંગાણ

સંસદનું સત્ર બે દિવસ વહેલું સમાપ્ત કરવાના વિરોધમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાયેલી સંસદ કૂચમાં તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ના જોડાયાં. એટલું જ નહીં પણ બંનેએ આ કૂચના મુદ્દે નારાજગી પણ વ્યક્ત કરી તેના કારણે વિપક્ષી એકતામાં અત્યારથી જ પંક્ચર પડી ગયું હોવાની ચર્ચા છે.

રાહુલે તૃણમૂલના કોઈ નેતાને ફોન કરીને કૂચમાં જોડાવા કહ્યું નહોતું તેથી તૃણમૂલ કૂચથી દૂર રહી હોવાનું કહેવાય છે. તૃણમૂલ કોંગ્રેસે કહ્યું કે, વિપક્ષી એકતા બતાવવાનો પણ રસ્તો હોય ને આ રીતે કૂચ કાઢવી એ રસ્તો નથી. બંગાળમાં તૃણમૂલે એકલા હાથે ભાજપને હરાવીને સરકાર બનાવી છે એ કોઈએ ન ભૂલવું જોઈએ અને તૃણમૂલને ટેકન ફોર ગ્રાન્ટેડ ગણી લેવાય એ નહીં ચલાવી લેવાય.

રાહુલે કૂચ પહેલાં બોલાવેલી બેઠકમાં આમ આદમી પાર્ટીએ હાજરી આપી હતી પણ કૂચમાં આપ તરફથી કોઈ ના આવ્યું. આપના સંજયસિંહે કહ્યું કે, આપ સંસદમાં વિપક્ષી એકતાના સમર્થનમાં છે પણ સંસદ બહાર વિરોધનો કાર્યક્રમ કોંગ્રેસે આપેલો તેથી અમે નથી જોડાયા.

નવિને નીતિશની માગમાં સૂર પૂરાવતા કેન્દ્ર દબાણમાં

નીતિશ કુમારની જ્ઞાાતિ આધારિત વસતી ગણતરીની માગમાં હવે નવિન પટનાઈક પણ જોડાતાં મોદી સરકાર પર દબાણ વધ્યું છે. નવિનની બીજુ જનતા દળના સાંસદોએ અમિત શાહને મળીને જ્ઞાાતિ આધારિત મત ગણતરી માટે આવેદનપત્ર આપ્યું.

સાંસદોએ રજૂઆત કરી કે, સામાજિક અને આર્થિક રીતે પછાત જ્ઞાાતિઓનાં લોકોની વસતી અંગે ચોક્કસ ડેટા ઉપલબ્ધ નથી તેના કારણે આ સમુદાયનાં લોકોના વિકાસ માટેની ખાસ યોજનાઓ બનાવી શકાતી નથી. પરિણામે સંખ્યાબંધ સરકારી યોજનાઓ હોવા છતાં તેનો લાભ તેમને મળતો નથી. આ સાંસદોએ અનામતનું પ્રમાણ ૫૦ ટકાથી વધારવા માટે કાયદો ઘડવા પણ રજૂઆત કરી છે.

વિશ્લેષકોના મતે, મોદી સરકારે મરાઠા અનામત મુદ્દે પોતાની ચામડી બચાવવા માટે ઓબીસી અનામતની યાદીમાં નવી જ્ઞાાતિઓનો ઉમેરો કરવાનો અધિકાર રાજ્યોને આપ્યો તેની આ અસર છે. હવે દરેક પક્ષ જ્ઞાાતિ આધારિત વસતી ગણતરી માટે દબાણ કરશે.  તેના આધારે નવી જ્ઞાાતિઓનો ઓબીસી લિસ્ટમાં સમાવેશ કરીને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં અને પોતાના રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો ઉઠાવવાની સૌની ગણતરી છે.

***

વિપક્ષની એક્તાઃ બધાની નજર સોનિયાના ડિનર પર

કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી વિપક્ષના નેતાઓ સાથે ડિનર યોજે તેવી સંભાવના છે. આ અંગેની તારીખ હજી સુધી નક્કી થઈ નથી, પણ તેનો આધાર દિલ્હીમાં નેતાઓની ઉપલબ્ધતા પર છે. જો કે તે વિપક્ષના નેતાઓ સાથે ૨૦મી ઓગસ્ટે વર્ચ્યુઅલ મીટિંગ યોજશે. સીપીએમના વરિષ્ઠ નેતા આ બેઠકને સફળ બનાવવા કામ કરી રહ્યા છે. સોનિયા ગાંધીની પહેલ સૂચવે છે કે ભાજપની સામે ૨૦૨૪ની ચૂંટણીમાં ટકરાવવા માટે વિપક્ષની એક્તામાં કોંગ્રેસ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. આ હિલચાલ ત્યારે થઈ છે જ્યારે સંસદનું ચોમાસુ સત્ર નિયમિત શેડયુલ કરતા બે દિવસ અગાઉ વિવાદો સાથે પૂરુ થયું છે. લાંબા સમયથી સંસદીય કાર્યવાહી અને જાહેર જનજીવનથી દૂર રહેલા સોનિયા ગાંધીએ મંગળવાર અને બુધવારે ગૃહની કાર્યવાહીમાં હાજરી આપી હતી. રાહુલ ગાંધીની નેતાગીરી સામે શંકા સેવાઈ રહી છે ત્યારે સવાલ એ ઉઠે છે કે કોંગ્રેસ ખરેખર વિપક્ષની એક્તાની આગેવાની કરવા માટે સમર્થ છે. તાજેતરમાં જ જી-૨૩ નેતામાં એક કોંગ્રેસના કપિલ સિબલે યોજેલી બેઠકમાં વિપક્ષના મોટાભાગના સભ્યોએ હાજરી આપી હતી. સિબલની બેઠકને વિપક્ષમાં રાહુલ ગાંધીની બેઠક કરતા વ્યાપક માન્યતા મળતા કેટલાય લોકોના ભવા વંકાયા હતા. 

મોદી-સોનિયાએ એકબીજાનું અભિવાદન કર્યુ પરંતુ વાતચીત ન કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સોનિયા ગાંધી અને બીજા નેતાઓ લોકસભાના સ્પીકરની ચેમ્બરમાં મળ્યા હતા. બે વર્ષમાં તેમની આ પ્રથમ બેઠક હતી. તેઓએ અકબીજાનું અભિવાદન કર્યુ હતું, પરંતુ વીસ મિનિટ ચાલેલી બેઠક દરમિયાન કોઈપણ પ્રકારની વાતચીત કરવાનું ટાળ્યું હતું, એમ આ બેઠકમાં આવેલા બે નેતાઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. 

સચીન ભવિષ્યમાં ભાજપમાં જોડાશે

ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ એ પી અબ્દુલ કુટ્ટીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના સચીન પાયલોટ સારા નેતા છે અને તે માને છે કે તેો ભવિષ્યમાં ભાજપ જોડાઈ જશે. આ અટકળોએ ત્યારે વેગ પકડયો હતો જ્યારે ગયા વર્ષે મુખ્યપ્રધાન અશોક ગેહલોત સામે તેમણે અને તેમના વફાદારોએ બળવો ફૂંક્યો હતો. જો કે પાયલોટે જણાવ્યું હતું કે તે ભાજપ સાથે નહી જોડાય. તેઓ આકરી મહેનત કરી રાજસ્થાનમાં પક્ષને ફરીથી સત્તા અપાવશે. તાજેતરમાં કોંગ્રેસના નેતાઓ અને  એઆઇસીસીના જનરલ સેક્રેટરી અજય માકેને રાજસ્થાનમાં લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે કેબિનેટ ફેરફાર પર ચર્ચા કરી હતી. પાયલોટ કેમ્પના અસંતોષના અહેવાલના પગલે રાજસ્થાનમાં કેબિનેટ વિસ્તરણ અને રાજકીય નિમણૂકોની માંગે વેગ પકડયો હતો. ગયા મહિને પાયલોટે નિર્દેશ આપ્યો હતો કે કોંગ્રેસે તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર યોગ્ય પગલાં લેવા જોઈએ. પરંતુ સૂત્રોનું કહેવું છે કે આ મુદ્દે ખાસ પ્રગતિ થઈ નથી. 

પોસ્ટર વિવાદઃ તેજપ્રતાપની પત્રકારોને કેસ કરવાની ધમકી

તેજપ્રતાપ યાદવે પટણામાં રવિવારે આરજેડીના સ્ટુડન્ટ વિંગની બેઠક યોજી હતી. આરજેડીના પટણા ખાતેના મુખ્યમથક પર કેટલાક મોટા બેનરોે અને પોસ્ટરો મૂકવામાં આવ્યા હતા. તેમા આરજેડીના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવ, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન રબડી દેવી અને પક્ષના નેતા તેજપ્રતાપ યાદવના ફોટા હતા. પણ નાના ભાઈ તેજસ્વી યાદવના ફોટા ન હતા. તેના પગલે બિહારના રાજકીય વાતાવરણ ગરમાયુ હતુ તેની સાથે બંને ભાઇઓ વચ્ચે પક્ષમાં પ્રભુત્વ સ્થાપવા માટે જંગ ખેલાઈ રહ્યો હોવાનું કહેવાવા માંડયુ છે. તેજપ્રતાપે આ વિવાદને ચગાવનારા પત્રકારો સામે એફઆઇઆર દાખલ કરવાની અને કોર્ટ કેસ કરવાની ધમકી આપી છે. તેજપ્રતાપે જણાવ્યું હતું કે વિરોધીઓને લાગ્યું છે કે ભાઈ તેજ અને તેજસ્વી બિહારમાં પક્ષને સફળ બનાવવામાં જરા પણ કચાશ નહી રાખ, તેના પગલે તેઓ અફવા ફેલાવી રહ્યા છે. 

ટ્વિટરે પાંચ સિનિયર નેતાઓના હેન્ડલ બ્લોક કર્યાનો કોંગ્રેસનો આક્ષેપ

રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ક કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું તેના પછી કોંગ્રેસે બુધવારે દાવો કર્યો હતો કે તેના બીજા પાંચ વરિષ્ઠ નેતાઓનું ટ્વિટર એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તેમા મીડિયા હેડ રણદીપ સુરજેવાલાનો પણ સમાવેશ થાય છે. એઆઇસીસીના જનરલ સેક્રેટરી અને ભૂતપૂર્વ પ્રધાન અજય માકન અને લોકસભામાં પક્ષના વ્હીપ માણિકમ ટાગોર, આસામના ઇન-ચાર્જ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર પ્રસાદસિંઘ અને મહિલા કોંગ્રેસના પ્રમુખ સુષ્મિતા દેવનું ટ્વિટર એકાઉન્ટ લોક થઈ ગયું હોવાનું પક્ષે જણાવ્યું હતું. 

- ઇન્દર સાહની


Google NewsGoogle News