'હું મોદીને નફરત નથી કરતો બસ...' અમેરિકાની મુલાકાતે રાહુલ ગાંધીનો જવાબ સાંભળી બધા ચોંક્યા

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
'હું મોદીને નફરત નથી કરતો બસ...' અમેરિકાની મુલાકાતે રાહુલ ગાંધીનો જવાબ સાંભળી બધા ચોંક્યા 1 - image


Rahul Gandhi News |  અમેરિકા પ્રવાસે ગયેલા વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારતીય સમુદાયના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. રાહુલ ગાંધીએ જ્યારે કહ્યું કે ભારત અલગ અલગ ભાષાઓ, પરંપરાઓ અને ધર્મનો એક સંઘ છે, ત્યારે શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી એમને વધાવી લીધા હતા. રાહુલએ એમ પણ કહ્યું કે ભારતીયો જ્યારે ધાર્મિક સ્થળોએ જાય છે ત્યારે પોતાના દેવી-દેવતાની પૂજામાં મગ્ન થઈ જાય છે. આ ભારતની પ્રકૃતિ છે. રાષ્ટ્રીય સેવક સંઘની વિભાજનકારી નીતિની રાહુલ ગાંધીએ ટીકા કરી હતી. જ્યારે એમને પૂછવામાં આવ્યું કે શું તેઓ નરેન્દ્ર મોદીને નફરત કરે છે, ત્યારે એમણે શાંતિથી જવાબ આપ્યો કે, નરેન્દ્ર મોદીની ઘણી વાતો સાથે તેઓ સહમત નથી પરંતુ એમના મનમાં મોદી માટે નફરત પણ નથી. રાહુલ ગાંધીની આ ઉદારતા જોઈને બધા પ્રભાવિત થઈ ગયા હતા. 

ફડણવીસ મારી ધરપકડ કરાવશે : અનિલ દેશમુખ

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી તેમ જ એનસીપી (શરદ પવાર)ના નેતા અનિલ દેશમુખને શંકા છે કે, સીબીઆઇનો ઉપયોગ કરીને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ એમની ધરપકડ કરાવશે. જલગાંવના એક ચાર વર્ષ જુના બનાવ બાબતે સીબીઆઇએ દેશમુખ સામે એફઆઇઆર દાખલ કરી છે. દેશમુખ જ્યારે ગૃહમંત્રી હતા ત્યારે જલગાંવના ભાજપના નેતા ગીરીશ મહાજન સામે ખોટી કાર્યવાહી કરવાનો આરોપ એમના પર છે. ફડણવીસ કોઈપણ સમયે દેશમુખના ઘર પર દરોડા પણ પડાવી શકે છે. જોકે અનિલ દેશમુખે કહ્યું હતું કે તેઓ ધરપકડથી ડરતા નથી અને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર છે. 

નિતિશની મુંઝવણ, ભાજપના રંગે રંગાવું કે જુની વિચારધારા જાળવવી

લોકસભાની ચૂંટણી પછી જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)માં તડ પડવાની શરૂઆત થઈ ગઈ છે. જદયુના કેટલાક નેતાઓ પક્ષની મૂળ વિચારધારા એટલે કે બિનસંપ્રદાયીકતાને વળગી રહેવા માંગે છે. બીજી તરફ કેટલાક નેતાઓ સાથીપક્ષ ભાજપને નારાજ કરવા માંગતા નથી. કેન્દ્રીય મંત્રી રાજીવ રંજનએ વક્ફ બીલને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું, જ્યારે જેડીયુની મૂળ વિચારધારાને વરેલા પ્રવક્તા કે. સી. ત્યાગીએ અલગ સ્ટેન્ડ લીધુ હોવાથી એમની પાસેથી રાજીનામુ લઈ લેવામાં આવ્યું હતું.  બે અલગ અલગ વિચારધારાના નેતાઓ વચ્ચે સમતુલા જાળવતા નિતિશકુમારનો દમ નિકળી જાય છે. બિહારના ૧૮ ટકા મુસ્લિમ મતદારોમાંથી નિતિશને વફાદાર એવા કેટલાક મુસ્લિમ મતદારો પણ છે. નિતિશકુમાર આ મતદારોને ગુમાવવા માંગતા નથી, જેને કારણે નિતિશની મુશ્કેલી વધી રહી છે અને માનસિક સંતુલન બગડી રહ્યું છે.

ગ્રામ્ય વિસ્તારમાં ૮૦ ટકાથી વધુ સર્જનો અને બાળરોગ નિષ્ણાતો નથી

દેશમાં આરોગ્ય સેવા સુધરી રહી હોવાના પોકળ દાવા વચ્ચે હવે એક ચોંકાવનારી વાત બહાર આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ડોક્ટરોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ૮૨ ટકા ફિઝિશ્યન, ૮૩ ટકા સર્જન અને ૮૦ ટકા બાળરોગ નિષ્ણાંત ડોક્ટરોની જગ્યા ખાલી છે. પાંચ હજારથી વધુ સ્વાસ્થ્ય કેન્દ્રો પર દવા લખવા માટે ફિઝિશ્યન ડોક્ટરો નથી. દવા આપનાર ફાર્મસિસ્ટની સંખ્યા ૭ હજાર કરતા પણ ઓછી છે. કેન્દ્ર સરકારે જ જાહેર કરેલા એચએમઆઇએસના રીપોર્ટમાં આ માહિતી જણાવવામાં આવી છે. છેલ્લા ૧૮ વર્ષમાં ડોક્ટરોની સંખ્યા ત્રણ ગણી ઘટી છે. નિષ્ણાંતો પૂછી રહ્યા છે કે, મોટી મોટી વાતો કરનાર કેન્દ્રીય આરોગ્ય મંત્રી ઊંઘી રહ્યા છે કે શું? 

રાહુલે કદી ભારતનું અપમાન કર્યું નથી અને કરશે પણ નહીં ઃ ખડગે

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર પ્રહાર કર્યો છે. ખડગેનું કહેવું છે કે, વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ કદી ભારતનું અપમાન કર્યું નથી અને કરશે પણ નહીં. અમેરિકાના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધી પર ભાજપએ આક્ષેપ કર્યો હતો કે, રાહુલ ગાંધી ભારતનું અપમાન કરી રહ્યા છે. ખડગેના કહેવા પ્રમાણે ભાજપને તો આવા મુદ્દે ખોટા નિવેદનો કરવાની આદત છે. ખડગેએ કહ્યું હતું કે, મોદી કે ભાજપની ટીકા એ ભારતની ટીકા નથી. આરએસએસની ટીકા થાય ત્યારે પણ ભાજપના પ્રવક્તાઓને લાગે છે કે, દેશની ટીકા થઈ છે.

કૃષિમંત્રી શિવરાજસિંહ મહારાષ્ટ્રના અસરગ્રસ્તોને ભૂલી ગયા

મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણને સાણસામાં લીધા છે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આંધ્રપ્રદેશના પૂરગ્રસ્તોને મળવા માટે ગયા હતા. આંધ્રપ્રદેશની ઇડીપી સરકાર કેન્દ્રમાં ભાજપને ટેકો આપે છે. ભાજપ માટે ઇડીપીને સાચવવી જરૂરી હોવાથી શિવરાજસિંહને આંધ્રપ્રદેશ જવાનું યાદ આવ્યું પરંતુ મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત ગરીબોની ખબર કાઢવાનું એમને યોગ્ય લાગ્યું નથી. શિવરાજસિંહ ચૌહાણે આંધ્રપ્રદેશને ૩,૪૪૭ કરોડ રૂપિયાની મદદ જાહેર કરી છે. પરંતુ મહારાષ્ટ્રને એક ફદિયુ પણ આપ્યું નથી.

સાઉદી પાકિસ્તાનની સોનાની ખાણમાં રોકાણ કરવા તૈયાર

પાકિસ્તાન પર જીડીપીના ૪૨ ટકાનું દેવું છે. વિશ્વભરની મદદના સહારે પાકિસ્તાનનું અર્થતંત્ર ચાલી રહ્યું છે. છેલ્લે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની લોન મળી હોવાથી પાકિસ્તાન દેવાળિયું બનતા બચી ગયું હતું. પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક સોનાની ખાણ છે. રેકો દિક નામની આ ખાણમાં ૧૫ ટકા સુધી રોકાણ કરવાની સાઉદીએ તૈયારી બતાવી છે. ટૂંકમાં ૧૫ ટકા હિસ્સો સાઉદી ખરીદવા માંગે છે. રેકો દિક દુનિયાની સૌથી મોટી સોનાની ખાણો પૈકીની એક છે એટલે સાઉદીને એમાં રસ પડયો છે.

વિશ્વમાં મધ્યસ્થીની લાઈમલાઈટથી ભારતે દૂર રહેવું હિતાવહ

રશિયા-યુક્રેન યુદ્ધ રોકવામાં ભારત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે એવું રશિયાએ કહ્યું એ પછી હવે બીજા મોરચેથી પણ એવી ડિમાન્ડ થઈ છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હોવાથી ઈઝરાયલ-ઈરાનના સંબંધોમાં તંગદિલી આવી છે. હવે ઈઝરાયલની થિંક ટેંકે કહ્યું કે ભારત ધારે તો ઈરાન-ઈઝરાયલ વચ્ચે દોસ્તી કરાવી શકે. કારણ કે ભારતને બંને દેશો સાથે સારાસારી છે. આ નિવેદન પછી ભારતની મધ્યસ્થીની ભૂમિકા અંગે ફરીથી સવાલો થઈ રહ્યા છે. ઘણાં લોકો કહે છે કે ભારતે લવાદીની ભૂમિકામાં આવીને લાઈમલાઈટ બટોરવાથી દૂર રહેવું જોઈએ. તેનાથી ચોક્કસ ભારતની વૈશ્વિક મંચો પર ચર્ચા થશે. પરંતુ એનાથી ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધો પર પણ અસર થઈ શકે છે. કોઈ એક પક્ષને લવાદી માફક ન આવે તો ભારત ટ્રેપમાં ફસાઈ શકે છે.

બિહારમાં તેજસ્વી યાદવનું નવું સોશિયલ એન્જિનિયરિંગ

લાલુ પ્રસાદ યાદવે એક જમાનામાં જુદા રાજકીય સમીકરણો બેસાડયા હતા. યાદવ અને મુસ્લિમ મતદારો પર ધ્યાન કેન્દ્રિત કરીને પાર્ટીએ બિહારમાં સત્તા મેળવી હતી. હવે આ બંને ઉપરાંત બિહારની અન્ય જાતિઓને પોતાની તરફ કરવા માટે તેજસ્વીએ નવા સમીકરણો બેસાડવા માંડયા છે. તેજસ્વીએ બિહારની આવતા વર્ષે થનારી ચૂંટણીમાં એમવાયકે સમીકરણ પર ભાર આપ્યો છે. એમવાયકે એટલે મુસ્લિમ યાદવ કુશવાહા. બિહારમાં કુશવાહા સમાજની ૪.૨૭ ટકા મતબેંક છે. બિહારની ૭૦ બેઠકોમાં આ સમાજ નિર્ણાયક છે. અત્યારે આ સમાજ નીતિશ સાથે હોવાનું કહેવાતું હતું, પરંતુ છેલ્લાં ઘણાં સમયથી નારાજ છે એટલે તેજસ્વીએ લોકસભામાં પણ આ સમાજના નેતાઓને ટિકિટ આપી હતી. તેજસ્વી લોકસભામાં ૪૦ ટિકિટ કુશવાહા સમાજને આપવા ધારે છે.

ઓડિશાના ગવર્નરનો ઝારખંડના સક્રિય રાજકારણમાં આવવાનો ઈરાદો

ઝારખંડના મુખ્યમંત્રી રહી ચૂકેલા રઘુબર દાસને ભાજપે રાજ્યના રાજકારણથી દૂર રાખવા માટે ગયા વર્ષે ઓડિશાના ગવર્નર બનાવી દીધા હતા. બાબુલાલ મરાંડીને ઝારખંડ ભાજપના વડા  બનાવ્યા પછી બાબુલાલ મરાંડી ઈચ્છતા ન હતા કે રઘુબર દાસ તેમના નિર્ણયોમાં દખલ કરે. ભાજપે આંતરિક કલહ ન થાય તે માટે રઘુબર દાસને ગવર્નર તો બનાવી દીધા, પરંતુ ઝારખંડની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રઘુબર દાસે ફરીથી સક્રિય રાજકારણમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરીને ભાજપ હાઈકમાન્ડ માટે મુશ્કેલી સર્જી દીધી છે. રઘુબર દાસે જમશેદપુરમાં સક્રિયતા બતાવી છે. જમશેદપુર તેમની પરંપરાગત બેઠક છે અને પાંચ વખત તેઓ આ બેઠક પરથી ચૂંટાયા છે.

- ઈન્દર સાહની


Google NewsGoogle News