Get The App

અજીતના મોદી અંગેના નિવેદનથી મહાયુતિમાં ફૂટનો કોંગ્રેસનો ટોણો

Updated: Nov 10th, 2024


Google NewsGoogle News
અજીતના મોદી અંગેના નિવેદનથી મહાયુતિમાં ફૂટનો કોંગ્રેસનો ટોણો 1 - image


નવીદિલ્હી: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી (અજીત પવાર)ના પ્રમુખ અજીત પવાર બારામતિથી ચૂંટણી લડી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બારામતિમાં ચૂંટણી રેલી કરવાના નથી. આ બાબતે જ્યારે અજીત પવારને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી જેવા નેતાઓ ફક્ત મોટા જિલ્લાઓમાં જ રેલી કરે છે. તાલુકા સ્તરે રેલી કરવામાં એમને કોઈ રસ નથી. અજીત પવારે એમ પણ કહ્યું કે પોતાના મત વિસ્તારમાં રેલી કરવા માટે એમણે નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું નથી. અજીત પવારના આ નિવેદન પછી કોંગ્રેસે કટાક્ષ કર્યો છે કે, મહાયુતિ ગઠબંધનમાં ગરબડ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાજપના અગત્યના નેતાઓ માટે જ રેલીઓ કરે છે અને સાથી પક્ષોની એમને પડી નથી. 

પ.બંગાળની પેટા ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન

પશ્ચિમ બંગાળમાં ૧૩મી નવેમ્બરે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. પશ્ચિમ બંગાળ ભાજપના પ્રમુખ સુકાન્ત મજમુદારના કહેવા પ્રમાણે ભાજપની લડાઈ ફક્ત તૃણમુલ કોંગ્રેસ સાથે નથી, પરંતુ પોલીસ વિરુદ્ધ પણ છે. સુકાન્ત મજમુદારે એવું વિચિત્ર નિવેદન કર્યું છે કે, જો પશ્ચિમ બંગાળમાંથી પોલીસને હટાવી દેવામાં આવે તો ટીએમસી ૧૫ મિનિટ પણ ટકી નહીં શકે. પશ્ચિમ બંગાળના બાકુરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય નીલાદ્રી શેખર દાનાએ એવું વિવાદાસ્પદ નિવેદન કર્યું છે કે, જો વિરોધીઓ હિંસા કરે તો ભાજપના કાર્યકરોએ પણ આત્મરક્ષા માટે પ્રતિહિંસા કરવી જોઈએ. આ બાબતે જ્યારે હોબાળો થયો ત્યારે ભાજપે ફેરવી તોળ્યું કે પક્ષ કોઈપણ પ્રકારની હિંસાને સમર્થન આપતો નથી.

ડોનાલ્ડ ટ્રમ્પના બને પુત્રો આગલા વર્ષની શરૂઆતમાં ભારત આવશે

અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કંપનીઓનું ભારતમાં પણ રોકાણ છે. ટ્રમ્પની કંપનીઓએ બાંધકામ ક્ષેત્રમાં રોકાણ કર્યું છે. મુંબઈ, પૂણે, ગુરુગ્રામ, બંગ્લુરુ, હૈદ્રાબાદ અને નોઇડામાં ટ્રમ્પ ટાવર બની રહ્યા છે. ટ્રમ્પના ભારતીય ભાગીદારના કહેવા પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રો ટ્રમ્પ જુનિયર તેમ જ એરીક ટ્રમ્પ આવતા વર્ષે ભારત આવવાના છે. એમના હાથે ટ્રમ્પ ટાવર પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવશે. જાણકારોના કહેવા પ્રમાણે અમેરિકા કરતા ભારતમાં ટ્રમ્પ ટાવરની સંખ્યા વધુ હશે. 

છગન ભૂજબળની શેખી, ઇડીથી બચવા એનડીએમા નથી જોડાયો

હાલમાં જ પ્રકાશિત થયેલા એક પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે, મહારાષ્ટ્ર સરકારના મંત્રી છગન ભૂજબળ એનડીએ સાથે એટલા માટે જોડાયા હતા કે, એમની સામે ઇડીની તપાસ ચાલી રહી હતી. એનડીએના સાથી પક્ષ સાથે જોડાયા પછી ભૂજબળ સામેની ઇડીની તપાસ બંધ થઈ ગઈ છે. જોકે છગન ભૂજબળે આ વાતને રદીયો આપીને એવી શેખી મારી છે કે, એમની સામેની તપાસ તો વર્ષો પહેલા જ બંધ કરી દેવામાં આવી હતી. પોતાના મત ક્ષેત્રનો વિકાસ થાય એ માટે તેઓ એનડીએમાં જોડાયા છે. જોકે છગન ભૂજબળનો આ ખુલાસો  કોઈ માની રહ્યું નથી એ અલગ વાત છે. 


મોદી પર શરદ પવારના આક્રમક હુમલાથી કેટલાકને આશ્ચર્ય

છેલ્લા કેટલાક વર્ષોથી દિલ્હીના રાજકીય વર્તુળોમાં એવી વાત ચાલી રહી છે કે, એનસીપી (શરદ પવાર)ના પ્રમુખ શરદ પવાર અને વડાપ્રધાન નરેન્દ્ર  મોદી વચ્ચે કોઈ પ્રકારની ખાનગી સાંઠગાંઠ છે. મોદી સરકારે જ શરદ પવારને દેશનો શ્રેષ્ઠ પુરસ્કાર આપ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી શરદ પવાર અને નરેન્દ્ર મોદી એકબીજાની ટીકા કરતા નહોતા. હવે મહારાષ્ટ્ર  વિધાનસભાની ચૂંટણી વખતે શરદ પવારે એકાએક નરેન્દ્ર મોદી સામે પ્રહાર શરૂ કરી દીધા છે. પવારે એક ચૂંટણી સભામાં કહ્યું છે કે, નરેન્દ્ર મોદીની સરકારનો એક માત્ર ઉદ્દેશ ભ્રષ્ટાચારીઓને બચાવવાનો છે. સત્તા મેળવવા માટે અને ટકાવવા માટે મોદી સરકાર કોઈની પણ સાથે હાથ મેળવી શકે એમ છે. છગન ભૂજબળ જેલ જવાથી બચવા માટે એનડીએમાં જોડાઈ ગયા અને મોદીએ એમને પ્રેમથી આવકાર્યા પણ ખરા.

હવે પ્રમોદ મહાજનની હત્યાની નવેસરથી 

તપાસની ભાઈ પ્રકાશની માગ

થોડા દિવસો પહેલા પ્રમોદ મહાજનના પુત્રી પુનમ મહાજને ૧૮ વર્ષ પહેલા થયેલી પિતાની હત્યા બાબતે નવેસરથી તપાસ કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો. હવે પ્રમોદ મહાજનના ભાઈ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા પ્રકાશ મહાજને પણ પોતાના ભાઈની હત્યાની તટસ્થ તપાસ કરાવવા સરકારને અપીલ કરી છે. પ્રકાશ મહાજનનું કહેવું છે કે એમના ભાઈની હત્યા શા માટે થઈ એનું કારણ હજી સુધી બહાર આવ્યું નથી. આ બાબતે હવે ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે. પ્રમોદ મહાજનની હત્યા નાના ભાઈ પ્રવિણ મહાજને જ કરી હતી. પ્રકાશનું કહેવું છે કે હત્યાના કાવતરાખોરોને તેઓ છોડશે નહીં. 

હાર પછી હરિયાણા કોંગ્રેસમાં હવે મોટા ફેરફારો

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને અનપેક્ષિત હાર મળી હતી. આ બાબતે કોંગ્રેસ હાઇકમાન્ડે ઘણું મનોમંથન કર્યું છે. છેલ્લા ૧૦ વર્ષથી કોંગ્રેસ હરિયાણામાં યોગ્ય સંગઠન બનાવી શક્યું નથી. હવે કોંગ્રેસ હાઇકમાન્ડ હરિયાણા કોંગ્રેસમાં મોટું પરિવર્તન કરશે. પ્રદેશ પ્રભારી અને શક્તિશાળી નેતા દિપક બાબરીયાની હકાલપટ્ટી નક્કી છે. વર્તમાન પ્રદેશ પ્રમુખ ચૌધરી ઉદયમાનને પણ બદલવામાં આવશે. આ બંને નેતાઓ કોંગ્રેસના અલગ અલગ જૂથોને એક રાખી શક્યા નહોતા તેમ જ ચૂંટણી સમયે પણ નિષ્ક્રિય રહ્યા હતા. કોંગ્રેસ હાઇકમાન્ડ ભૂપેન્દ્રસિંહ હુડ્ડાથી પણ નારાજ છે અને એમને વિરોધપક્ષના નેતા બનાવવામાં નહીં આવે એમ પણ મનાઈ રહ્યું છે.

***

હિમાચલના સીએમના ખોવાયેલા સમોસાએ રમૂજ સાથે વિવાદ સર્જ્યો

સમોસા અને પેસ્ટ્રીના ત્રણ ગેરવલ્લે થયેલા બોક્સ, નાસ્તા સંબંધિત તોડફોડના આરોપ અને સીઆઈડીની તપાસ હિમાચલ પ્રદેશમાં રાજકીય વર્તુળમાં છવાઈ ગઈ છે અને વિપક્ષો તેની ભરપૂર મજાક કરી રહ્યા છે. મુખ્ય મંત્રી સુખવિંદર સિંઘ સુકુ માટે તેમની ૨૧ ઓક્ટોબરે સીઆઈડી મુખ્યાલય ખાતેની મુલાકાત માટે મંગાવાયેલો નાસ્તો ગેરવલ્લે થતા આ સમગ્ર નાટકની શરૂઆત થઈ. આખરે જાણ થઈ કે નાસ્તો સુરક્ષા સ્ટાફને આપી દેવાયો હતો. નાસ્તા કૌભાંડ ગાજતા સીઆઈડીએ તપાસ હાથ ધરી અને પછી ત્રણ પાનાનો રિપોર્ટ પણ રજૂ કર્યો જે રમૂજ અને આક્રોશનો મુદ્દો બની ગયો. વિપક્ષ ભાજપે કોંગ્રેસની સરકારે રાજ્ય પ્રશાસનને મજાક બનાવી દીધુ હોવાનો આરોપ કર્યો હતો.

ભાજપ-આરએસએસની સહમતિથી યોગીના હાથમાં ફરી યુપીની લગામ

લોકસભાની ચૂંટણીમાં ભાજપના ખરાબ દેખાવના પાંચ મહિના પછી ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી આદિત્યનાથ યોગી ફરી મુખ્ય કેન્દ્ર બની ગયા છે. લોકસભાની ચૂંટણી પછી વિવિધ વિભાગો તરફથી તેમના પર દબાણ લાવવામાં આવ્યું હતું. પણ હવે ભાજપ હાઈ કમાન્ડ ફરી યોગી પર ભરોસો રાખી રહ્યું છે તે છેલ્લા કેટલાક મહિનાથી સ્પષ્ટ થઈ ચુક્યું છે. ગયા અઠવાડિયે પીએમ અને સીએમની મુલાકાતથી ચર્ચા શરૂ થઈ ગઈ હતી પણ પછી બે દિવસમાં જ યુપી સરકારે ડીજીઆઈની નિમણૂંક માટે નવા નિયમો ઘડતા સ્પષ્ટ થઈ ગયું કે તે આ બાબતમાં કેન્દ્રથી મુક્ત છે.

૨૦૧૪ પછી આવકવેરાના દરોડા સામાન્ય બાબત ઃ હેમંત સોરેન

ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેને તેમના સહયોગી પર આવકવેરાના દરોડાના સમય પર સવાલ ઉઠાવતા કહ્યું કે ૨૦૧૪ પછી આવી કાર્યવાહી સામાન્ય બાબત બની ગઈ છે. સોરેને દેશમાં ખાસ કરીને જે રાજ્યમાં ચૂંટણી હોય ત્યાં તપાસ એજન્સીઓની કામગીરી બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.

- ઇન્દર સાહની


Google NewsGoogle News