દિલ્હીની વાત : 26 જાન્યુઆરીના સમારંભમાં આતંકવાદી પન્નુના હુમલાની ભીતિ
નવીદિલ્હી : ખાલિસ્તાની આતંકવાદી ગુરુપથવંત સિંહ પન્નુ ૨૬મી જાન્યુઆરીના સમારંભમાં આતંકવાદી હુમલો કરાવી શકે છે. આ ઉપરાંત દિવાલો પર દેશ વિરોધી પોસ્ટરો લગાડવાનું આયોજન પણ થયું છે. આ જાણકારી દિલ્હીના પોલીસ કમિશનર સંજય અરોરાની અધ્યક્ષતામાં બોલાવવામાં આવેલી મીટીંગમાં ઇન્ટેલિજન્સ વિભાગના અધિકારીઓએ આપી છે.
ઇન્ટેલિજન્સ વિભાગની આ માહિતી પછી અને વિધાનસભા ચૂંટણી પણ નજીક હોવાથી દિલ્હી પોલીસે સુરક્ષા વધારી દીધી છે. દિલ્હીના બસ સ્ટેશનો, રેલવે સ્ટેશનો તેમ જ મેટ્રો સ્ટેશનો અને ઐતિહાસિક સ્મારકોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને મેટ્રોની સુરક્ષા વધારવાનો હુકમ કરવામાં આવ્યો છે.
દિલ્હી ભાજપના નેતાઓએ આતિશીના બંગલાનો ઘેરાવ કર્યો
દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન અને દિલ્હીના મુખ્યમંત્રીના બંગલા બાબતનો વિવાદ વધી રહ્યો છે. વડાપ્રધાન મોદીનો બંગલો જોવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ જવાના હતા. આ નેતાઓ નિકળ્યા તો રસ્તામાં પોલીસે એમને અટકાવી દીધા. આ જ વખતે ભાજપના નેતાઓ પણ બંગલાના વિવાદમાં કુદી પડયા હતા અને મુખ્યમંત્રી આતિશી મારલેનાના બંગલા પર પહોંચી ગયા હતા. ભાજપના કાર્યકરોએ આતિશીને બંગલા દેવી તરીકે સંબોધ્યા હતા. આ જાણીને રાજ્યસભાના સાંસદ સંજય સિંહ અને મંત્રી સૌરભ ભારદ્વાજ સહિત કેટલાક નેતાઓ સિવિલ લાઇન્સ ખાતે આવેલા સીએમ હાઉસ પહોંચી ગયા હતા. જોકે પોલીસે એમને પણ રોકી લીધા હતા. ત્યાર પછી આ નેતાઓ વડાપ્રધાનના રહેઠાણે જવા નીકળ્યા હતા ત્યારે પોલીસે એમની કામચલાઉ અટક કરી હતી.
શક્તિશાળી પાસપોર્ટ મામલે ભારત 85મા નંબરે
વૈશ્વિક મહાસત્તા બનવાની વાતો કરતું ભારત પાસપોર્ટ મામલે પાંચ નંબર નીચે ઉતર્યું છે. દુનિયાના શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ભારત ૮૦માં નંબરેથી ૮૫માં નંબરે પહોંચી ગયું છે. ભારતના પાસપોર્ટધારક ૫૭ દેશોમાં વિસા વગર યાત્રા કરી શકે છે. કુલ ૨૭૦માંથી સિંગાપોરનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી ગણાય છે. સિંગાપોરના પાસપોર્ટધારકો ૧૯૩ દેશોમાં વિસા વગર યાત્રા કરી શકે છે. જે તે દેશના પાસપોર્ટ વડે કેટલા દેશોમાં વિસા વગર યાત્રા કરી શકાય એને આધારે શક્તિશાળી પાસપોર્ટનું ઇન્ડેક્સ રેંકીંગ નક્કી થાય છે. સિંગાપોર પછી બીજા નંબરે જાપાન છે. જાપાનના પાસપોર્ટધારકો ૧૯૩ દેશોમાં વિસા વગર મુસાફરી કરી શકે છે.
ખેડૂત નેતા દલ્લેવાલના ઉપવાસ મુદ્દે પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાનને ટકોર્યાં
પંજાબની બોર્ડર પર આમરણાંત ઉપવાસ પર બેઠેલા જગજીતસિંહ દલ્લેવાલની તબિયત દીનપ્રતિદીન બગડી રહી છે આ બાબતે સુપ્રિમ કોર્ટે પણ પંજાબ સરકારને ઠપકો આપીને દલ્લેવાલની તબિયત બાબતે કાળજી રાખવા કહ્યું છે. કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ દલ્લેવાલના ધરણા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વીટ કરી છે. પ્રિયંકાએ લખ્યું છે કે જગજીતસિંહ દલ્લેવાલ ૪૫ દિવસથી ભૂખ હડતાળ પર છે અને એમની તબિયત બગડી રહી છે, પરંતુ ભાજપ સરકારને ચિંતા નથી. ભાજપ સરકારની નફ્ફટાઇને કારણે ૭૫૦ ખેડૂતોના મૃત્યુ થયા છે. વડાપ્રધાન આટલા નિષ્ઠુર કઈ રીતે થઈ શકે છે. મારી મોદીને અપીલ છે કે અભિમાન છોડીને ખેડૂતો સાથે વાત કરે.
દિલ્હીમાં કોંગ્રેસનો ગઢ મનાતી ઓખલા બેઠક પર શું થશે
દિલ્હી વિધાનસભાની ચૂંટણી પાંચમી ફેબ્રુઆરીએ નક્કી થઈ છે. આ ચૂંટણીની કેટલીક બેઠકો વિશે સતત ચર્ચા થઈ રહી છે. ઓખલા વિધાનસભાની બેઠક પણ ખૂબ અગત્યની ગણાય છે. અહીંથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનને ટીકીટ આપવામાં આવી છે. ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. એક જમાનામાં ઓખલા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. ઓખલા બેઠક પર પહેલી ચૂંટણી ૧૯૭૭માં થઈ હતી અને કોંગ્રેસ અને જનતા પાર્ટીના ઉમેદવારો વચ્ચે મુકાબલો થયો હતો. આ ચૂંટણીમાં જનતા પાર્ટીના ઉમેદવાર લલીત મોહન ગૌતમની જીત થઈ હતી. એમણે કોંગ્રેસના દિવાન દ્વારકા ખોલસાને હરાવ્યા હતા. આ બેઠક પરથી કોંગ્રેસના પરવેઝ હાઝમી સૌથી વધુ વખત ચૂંટાયા છે. ઓખલાની બેઠક માટે એમ મનાય છે કે આપના નેતા અમાન તુલ્લાહ ખાનને હરાવવા ભાજપ અને કોંગ્રેસ માટે અઘરા છે. ફરીથી અહીં આપ જીતે એવા એંધાણ છે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં રામદાસ આઠવલેની એન્ટ્રી
રીપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના વડા રામદાસ આઠવલે લોકસભામાં તમામ પક્ષના સભ્યોને મનોરંજન પૂરુ પાડતા રહે છે. જોડકણા જેવી બનાવેલી કવિતાઓ વડે તેઓ બધાને હસાવે છે. રામદાસ આઠવલેએ જાહેર કર્યું છે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કેટલીક બેઠકો પર તેઓ પોતાના ઉમેદવાર ઉભા રાખશે. એમને જ્યારે પૂછવામાં આવ્યું કે ભાજપ એમને કોઈ બેઠક આપશે કે નહીં ત્યારે આઠવલેએ નિખાલસતાથી કહ્યું હતું કે, ભાજપ એમને દિલ્હીમાં કોઈ બેઠક આપશે નહીં પરંતુ રીપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના કાર્યકરો ભાજપ માટે કામ કરશે અને કોઈ બેઠક પરથી આરપીઆઇનો ઉમેદવાર જીતશે તો ભાજપને ટેકો આપશે. આઠવલેએ એવી પણ કબુલાત કરી કે મહારાષ્ટ્રમાં આરપીઆઇ ભાજપનો સાથી પક્ષ હોવા છતા એમને એક પણ બેઠક આપવામાં આવી નહોતી. જોકે એમને આ બાબતનો અફસોસ નથી. એમ મનાય છે કે દિલ્હીની કેટલીક બેઠકો પર તેઓ આપ અને કોંગ્રેસના કેટલાક દલીત મતો તોડી શકે છે.
મહિલા નાગા સાધુઓની રહસ્યમય દુનિયા
ઉત્તર પ્રદેશની સંગમનગરી પ્રયાગરાજમાં ૧૩મી જાન્યુઆરીથી મહાકુંભ શરૂ થઈ રહ્યો છે. આ મહાકુંભ ૨૬મી ફેબ્રુઆરી સુધી ચાલશે. આ મહાકુંભમાં ૪૦ કરોડ શ્રદ્ધાળુઓ સ્નાન માટે આવે એવો અંદાજ છે. કુંભમાં આવનારા નાગા સાધુઓ વિશે સામાન્ય લોકોમાં ભારે કુતુહલ હોય છે. પુરુષોની જેમ મહિલા નાગા સાધુઓ પણ હોય છે. મહિલા નાગા સાધુઓ પોતાનું જીવન ઇશ્વર પ્રતિ સમર્પિત કરી દે છે. મહિલા નાગા સાધુઓ ગૃહસ્થ જીદંગી જીવતા નથી. એમના દિવસની શરૂઆત અને અંત પૂજાપાઠથી થાય છે. મહિલા નાગા સાધુ બન્યા પછી તમામ ભક્તો એમને માતા કહીને બોલાવે છે. માઇ બાળા મા મહિલા નાગા સાધુ હોય છે જેનું નામ હવે દશનામ સન્યાસીની અખાડા કરી દેવામાં આવ્યું છે. સાધુસંતોમાં નાગા એક પદવી હોય છે. પુરુષ નાગા સાધુ નગ્ન રહી શકે છે, પરંતુ મહિલા નાગા સાધુને નગ્ન રહેવાની પરવાનગી નથી હોતી. તમામ મહિલા નાગા સાધુઓ કપડા પહેરે છે. આ કપડા સિલાઈ વગરના હોવા જોઈએ.
ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ પુતિનની મુલાકાતનો તખ્તો તૈયાર
અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર વખતે રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવી દેવાનો વાયદો કર્યો હતો. ચૂંટાયા પછી વારંવાર તેમણે આ યુદ્ધ રોકવા માટે પુતિન અને ઝેલેન્સ્કીને વાટાઘાટો કરાવવાની ભલામણ કરી છે. હવે ટ્રમ્પે વધુ એક વખત નિવેદન આપીને દુનિયાભરમાં ચર્ચા જગાવી છે. તેમણે કહ્યું કે હું શપથ ગ્રહણ કરીશ એટલે પહેલું કામ રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા માટે કરીશ. તેમણે એવોય દાવો કર્યો કે પુતિન મને મળવા માગે છે. એક તરફ ટ્રમ્પે આ દાવો કર્યો તો બીજી તરફ રશિયન સરકારના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે પુતિન ટ્રમ્પ સહિત તમામ આંતરરાષ્ટ્રીય નેતાઓ સાથે મુલાકાત કરવા તૈયાર છે.
જાટ સમાજને અનામત આપો : કેજરીવાલ
ચૂંટણી ટાણે જ કેમ યાદ આવ્યું : ભાજપ
દિલ્હીમાં જાટ સમાજ નિર્ણાયક ભૂમિકામાં છે એવી બેઠકોની સંખ્યા છે આઠ. ૨૦૨૦ની ચૂંટણીમાં કેજરીવાલને પાંચ બેઠકો મળી હતી અને ભાજપને ત્રણ બેઠકો. આ ચૂંટણીમાં કેજરીવાલે આ બેઠકોમાં આપનો દબદબો વધારવા માટે જાટ કાર્ડ રમતું મૂક્યું છે. કેજરીવાલે વડાપ્રધાન મોદીને પત્ર લખીને કહ્યું કે ૨૦૧૯માં તમે જાટ સમાજને ઓબીસીમાં સમાવવાની વાત કરી હતી, પરંતુ પછી કશું થયું નથી. વડાપ્રધાને તો કોઈ જવાબ આપ્યો નથી, પરંતુ ભાજપે કેજરીવાલને વળતા સવાલ કર્યો કે તમે ચૂંટણી ટાણે જ કેમ જાગ્યા? પાંચ વર્ષથી કેમ કશું બોલ્યા નહીં?
રાહુલ સંઘના પ્રખર ટીકાકાર છે ત્યારે શરદ પવારે સંઘની પ્રશંસા કરી
રાહુલ ગાંધી કોંગ્રેસની વિચારધારા અને ભાજપની વિચારધારાનો મુદ્દો ઉઠાવતા હોય છે ત્યારે હંમેશા સંઘ અને ભાજપનું નામ સાથે લઈને ટીકા કરે છે. સંઘની ટીકાની એક તક રાહુલ મૂકતા નથી, બીજી તરફ ઈન્ડિયા ગઠબંધનના શાણા-અઠંગ રાજકારણી શરદ પવારે તાજેતરમાં સંઘની પ્રશંસા કરીને સૌને ચોંકાવ્યા છે. દક્ષિણ મુંબઈમાં કાર્યકરોને સંબોધતી વખતે શરદ પવારે કહ્યું, સંઘની એક સારી બાબત એ છે કે તેમની પાસે પ્રતિબદ્ધ કાર્યકરોની ટીમ છે. આ કાર્યકરો હિન્દુત્ત્વની વિચારધારાને સમર્પિત છે. આપણી પાસે પણ આવી પ્રતિબદ્ધ ટીમ હોવી જોઈએ. જે કેડર બેઝ્ડ કાર્યરત હોય.
બંગાળમાં ભાજપને એક કરોડ સદસ્યોના ટાર્ગેટ પૂરો થતો નથી
બંગાળમાં ભાજપને ૨૦૧૯થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભાજપે સ્થાનિત સ્તરે કેડર બેઝ્ડ મજબૂત બનાવવાનું શરૂ કર્યું છે. પાર્ટીએ બંગાળ યુનિટને વધુ એક્ટિવ રાખવા માટે ફંડની કોઈ કમી આવવા દીધી નથી. તેમ છતાં બંગાળમાં હજુ સુધી જોઈએ એવી સફળતા મળી નથી. પશ્વિમ બંગાળમાં ભાજપે સદસ્યતા અભિયાન આદર્યું હતું, પરંતુ પાર્ટીના સત્તાવાર આંકડાં પ્રમાણે ૫૦ લાખ સભ્યોને જોડી શકાયા છે. હાઈકમાન્ડે યુનિટને ૧ કરોડ સદસ્યો બનાવવાનો લક્ષ્યાંક આપ્યો હતો. ત્યાં સુધી પહોંચવાનું ખૂબ અઘરું છે એવો પ્રાથમિક અહેવાલ બંગાળના બીજેપી યુનિટે હાઈકમાન્ડને આપ્યો છે.
પૂર્વ કોંગ્રેસી નેતા તરૂણ ભંડારી નાયબ સિંહ સૈનીના રાજકીય સચિવ બન્યા
૨૦૧૯ સુધી કોંગ્રેસમાં કાર્યરત તરૂણ ભંડારી ૨૦૧૯માં ભાજપમાં આવી ગયા હતા. તે પછી હરિયાણાની ગત વર્ષે થયેલી ચૂંટણી પહેલાં તેમણે કોંગ્રેસના ૧૦૦ જેટલા નેતાઓને ભાજપમાં લાવવામાં મદદ કરી હતી. કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરીને ભાજપમાં આવેલા એ નેતાઓએ હરિયાણાની ચૂંટણીમાં કોંગ્રેસનો ખેલ બગાડયો હતો. કોંગ્રેસને બળવાખારો બહુ નડયા હતા. આ મિશન પાર પાડીને ભાજપની નૈયા પાર કરાવવામાં ભાગ ભજવનારા તરૂણ ભંડારીને હવે ભાજપે જાણે શિરપાંવ આપ્યો હોય એમ તેમને નાયબ સિંહ સૈનીના રાજકીય સલાહકાર બનાવ્યા છે. ભંડારી ખટ્ટરના પણ પ્રચાર સલાહકાર રહી ચૂક્યા છે.
- ઈન્દર સાહની