દિલ્હીની વાત : મોદી-સોનિયા પાસપાસે બેઠાં, તબિયતના હાલચાલ પૂછયા
નવીદિલ્હી : સંસદનું સત્ર બે દિવસ વહેલું સમાપ્ત કરી દેવાયું એ પછી લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પોતાની ચેમ્બરમાં બોલાવેલી બેઠકમાં નરેન્દ્ર મોદી અને સોનિયા ગાંધી પાસપાસે બેઠાં હોય એવું અનોખું દ્રશ્ય જોવા મળ્યું. મોદી અને બિરલા એક સોફા પર બેઠા હતા જ્યારે બીજા સોફા પર સોનિયા અને લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી બેઠા હતા. સંસદનું સત્ર સમાપ્ત થાય પછી સ્પીકર દ્વારા બેઠક બોલાવવાની પરંપરા છે. સૂત્રોનો દાવો છે કે, મોદી પહેલાં આવી ગયાં હતાં જ્યારે સોનિયા પછી આવ્યાં હતાં. મોદીએ આગ્રહ કરીને સોનિયાને પાસેના સોફા પર બેસવા કહ્યું હતું. અમિત શાહ સહિતના અન્ય નેતા સામે ખુરશી પર બેઠા હતા. મોદીએ સોનિયાનું હાથ જોડીને અભિવાદન કરીને તેમની તબિયતના હાલચાલ પણ પૂછયા હતા.
સ્પીકરે બોલાવેલી બેઠકમાં લોકસભાથી અલગ દ્રશ્ય જોવા મળ્યું હતું. લોકસભામાં દરરોજ સામસામે લડતા નેતા આ બેઠકમાં શાંતિથી બેઠા હતા. તમામ પ્રકારની ઉગ્રતા છોડીને એકબીજાના ખબરઅંતર પૂછીને તેમણે મજાકમસ્તી પણ કરી લીધી હતી.
ભાગવતનું નિવેદન વાયરલ, સંઘે સ્પષ્ટતા કરવી પડી
ભાજપ ઉત્તર પ્રદેશની ચૂંટણી જીતવા પૂરી તાકાત લગાવી રહ્યો છે ત્યારે ભાજપની પિતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વંયસંવેક સંઘના સહ-સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ સ્પષ્ટતા કરી છે કે, સંઘ અનામતની વિરૂધ્ધ નથી પણ અનામત પ્રથાનું પૂરી તાકાતથી સમર્થન કરે છે. હોસબોલેએ કહ્યું કે, સમાજનો એક વર્ગ જ્યાં સુધી અસમાનતાનો અનુભવ કરતો હોય ત્યાં સુધી અનામત પ્રથા ચાલુ રાખવી જોઈએ.
સંઘે અચાનક અનામત પ્રથાની તરફેણ કરી તેનું મોહન ભાગવતનું જૂનું નિવેદન છે. ભાગવતે ૨૦૧૫ની બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં કહેલું કે, અનામત નીતિની સમીક્ષા થવી જોઈએ. આ નિવેદનના કારણે ભારે હોહા થઈ ગઈ હતી અને ભાજપની કારમી હાર થઈ હતી.
ભાગવતનું નિવેદન વાયરલ કરાઈને પ્રચાર કરાઈ રહ્યો છે કે ભાજપ અને સંઘ તો અનામત પ્રથા નાબૂદ કરી નાંખવા માગે છે. સમાજવાદી પાર્ટીએ તો એવો પ્રચાર શરૂ કર્યો છે કે, યુપીમાં યોગી સરકાર યાદવ, ગુર્જર અને કુર્મીઓને ઓબીસી લિસ્ટમાંથી કાઢી નાંખશે. આ પ્રચારની અસર ચૂંટણી પર ના પડે એટલે સંઘે સ્પષ્ટતા કરવી પડી છે.
નીતિશે ભાજપથી છૂટા પડવાનો તખ્તો ઘડયો ?
જ્ઞાાતિ આધારિત વસતી ગણતરીના મુદ્દે આક્રમક વલણ અપનાવીને નીતિશ કુમાર ભાજપથી છેડો ફાડવાનો તખ્તો તૈયાર કરી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. સૂત્રોનો તો એવો પણ દાવો છે કે, નીતિશ ફરી લાલુ પ્રસાદ સાથે હાથ મિલાવી લેશે.
નીતિશે પોતાના સાંસદોને મોકલીને અમિત શાહ સમક્ષ સ્પષ્ટ કર્યું છે કે, જ્ઞાાતિ આધારિત ગણતરીની જેડીયુની માગ જૂની છે અને ભાજપ આ માગ નહીં સ્વીકારે તો જેડીયુએ ભાજપ સાથેના જોડાણ અંગે ફેરવિચારણા કરવી પડશે. શાહે મોદી સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપીને જેડીયુ સાંસદોને શાંત પાડયા હતા પણ મોદી કોઈ પણ સંજોગોમાં આ માગણી સ્વીકારવા તૈયાર નથી તેથી નીતિશ ખપા છે.
સૂત્રોનો દાવો છે કે, બિહાર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પછી જેડીયુમાં એવી લાગણી છે કે, ભાજપ જેડીયુના ભોગે તાકાતવર બની રહ્યો છે. જેડીયુ લાંબો સમય ભાજપ સાથે રહેશે તો ખતમ થઈ જશે. નીતિશના ગળે આ વાત ઉતરી હતી પણ નીતિશ તકની રાહ જોઈ રહ્યા હતા ને હવે એ તક મળી છે.
સિબ્બલની બર્થડે પાર્ટીમાં પ્રિયંકા-રાહુલ નહીં
રાજકીય વર્તુળોમાં કપિલ સિબ્બલની બર્થ ડે પાર્ટીની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. સિબ્બલની બર્થ ડે પાર્ટીમાં વિપક્ષના ટોચના નેતાઓ હાજર હતા પણ નહેરૂ-ગાંધી ખાનદાનમાંથી કોઈ હાજર નહોતું.
સૂત્રોનું કહેવું છે કે, સિબ્બલે જાણી જોઈને પાર્ટી માટે એવો દિવસ પસંદ કર્યો કે જેથી નહેરૂ-ગાંધી ખાનદાનની કોઈ વ્યક્તિ હાજર ના રહી શકે. સોનિયા ગાંધી બિમાર રહે છે તેથી એ નહોતાં આવવાનાં પણ સિબ્બલના બર્થ ડે પર એટલે કે ૮ ઓગસ્ટે રાહુલ અને પ્રિયંકા ગાંધી દિલ્હીમાં જ હતાં તેથી સિબ્બલે એ દિવસે પાર્ટી ના રાખી. પ્રિયંકા બીજા દિવસે વિદેશ જવા રવાના થયાં ને રાહુલ ૧૦ ઓગસ્ટે કાશ્મીર ગયા એ દિવસે જ સિબ્બલે પાર્ટી રાખી કે જેથી કોઈ હાજર ના રહી શકે.
સિબ્બલના ભાજપમાં પણ ઘણા મિત્રો છે પણ સિબ્બલે કોઈને પાર્ટીમાં નહોતા બોલાવ્યા. તેના કારણે એવી ચર્ચા ચાલી રહી છે કે, બર્થડેના બહાને સિબ્બલ કોંગ્રેસ અને ભાજપ વિરોધી મોરચાની હિલચાલ તો નથી કરી રહ્યા ?
ઓબીસી અનામત મુદ્દે યાદવની આકરી ટીકા
મોદી સરકારના મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઓબીસીને અનામતનો લાભ ભાજપને કારણે મળ્યો એવી કોમેન્ટ કરી તેના પગલે સોશિયલ મીડિયા પર સૌ તૂટી પડયાં છે. ભાજપે ઓબીસીને અનામત આપનારી સરકારને ગબડાવી દીધી હતી એ પણ યાદ કરો એવી કોમેન્ટ લોકો કરી રહ્યાં છે.
યાદવે કહેલું કે, કોંગ્રેસે ૪૦ વર્ષ સુધી ઓબીસીને અનામતનો લાભ નહોતો આપ્યો અને ભાજપના ટેકાથી બનેલી સરકારના કારણે છેવટે ઓબીસીને અનામતનો લાભ મળ્યો. વી.પી. સિંહે ૧૯૯૦માં મંડલ પંચની ભલામણોનો અમલ કરવાની જાહેરાત કરી હતી તેના સંદર્ભમાં આ યાદવે આ કોમેન્ટ કરી હતી. વી.પીના આ મંડલ કાર્ડ સામે ભાજપે કમંડળ કાર્ડ ખેલીને સોમનાથથી અયોધ્યાની રથયાત્રા કાઢી હતી. રથયાત્રા દરમિયાન લાલુ પ્રસાદે અડવાણીની ધરપકડ કરતાં ભાજપે વી.પી. સરકારને ટેકો પાછો ખેંચી લીધો હતો.
લોકો એવી પણ કોમેન્ટ કરી રહ્યાં છે કે, ભાજપના નેતા તો એક સમયે અનામત નાબૂદ કરી દેવાની વાતો કરતા હતા. હવે અનામત માટે જશ ખાટવા નિકળ્યા છો.
કોંગ્રેસની ચૂંટણી સમિતીમાં હારેલા નેતાઓની ભરમાર
ઉત્તર પ્રદેશ માટે સોનિયા ગાંધીએ બનાવેલી ચૂંટણી સમિતી સામે કોંગ્રેસમાં જ ગણગણાટ શરૂ થઈ ગયો છે. સોનિયાએ સમિતીમાં ૩૮ સભ્યો ભરી દીધા છે તેના કારણે ઝાઝા રસોઈયા રસોઈ બગાડે જેવો ઘાટ થશે એવી ટીકા થઈ રહી છે.
આ ઉપરાંત કમિટીમાં બહુમતી સભ્યો જૂના જોગીઓ છે. યુપીમાં કોંગ્રેસની કમાન પ્રિયંકા ગાંધીના હાથમાં છે તેના કારણે યુવા નેતાઓને વધારે તક મળશે એવી શક્યતા હતી પણ આ શક્યતા ઠગારી નિવડી છે. સલમાન ખુરશીદ, રાજીવ શુકલા, નિર્મલ ખત્રી, પી.એલ. પુનિયા, વિવેક બંસલ, રાશિદ અલવી, બેગમ નૂરબાનો, આર.પી.એન. સિંહ વગેરે જૂના નેતાઓને સોનિયાએ ચૂંટણી સમિતીમાં ભરી દીધા છે. આ નેતાઓ પોતે જ લોકસભા ને વિધાનસભાની ચૂંટણીમાં જીતી શકતા નથી ત્યારે કોંગ્રેસને શું જીતાડી શકશે એવી ટીકા થઈ રહી છે.
પ્રિયંકાની નજીકના નેતાઓનું કહેવું છે કે, જૂના નેતાઓની ચૂંટણી સમિતી શોભાના ગાંઠિયા જેવી છે કેમ કે ઉમેદવારોની પસંદગી પ્રિયંકા જ કરશે. પ્રિયંકા નવા અને યુવા ઉમેદવારોને જ તક આપશે તેથી કોંગ્રેસ સારો દેખાવ કરશે.
***
સિધુએ પ્રદેશ પ્રમુખ બન્યા પછી પણ કેપ્ટનની ટીકા જારી રાખી
કેપ્ટન અમરિન્દર અને સિધુ વચ્ચે બધુ સમુસૂતરુ થઈ ગયું હોવાનું મનાતું હતું, પરંતુ હજી પણ તેવું નથી. કેપ્ટન તેમની મરજી વિરુદ્ધ સિદ્ધુને પ્રમુખ બનાવાયા પછી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળ્યા હતા. સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે પક્ષ અને સરકારે જોડે રહીને તાલમેળપૂર્વક કામ કરવું જોઈએ. તેમણે સિદ્ધુ અને અમરિન્દર વચ્ચેના તાલમેળની જવાબદારી એઆઇસીસીના જનરલ સેક્રેટરી અને પંજાબના ઇનચાર્જ હરીશ રાવતને સોંપી હતી. પણ અહેવાલો જે રીતના મળી રહ્યા છે તે મુજબ સ્થિતિ સાવ ઉલટી છે. પીસીસીના વડા બન્યા પછી પણ સિધુએ અમરિન્દરસિંઘની સરકારની ટીકા કરવાનું જારી રાખ્યું છે.
તેમણે સરકારની વીજ ખરીદીની નીતિની ટીકા કરી છે અને તેને લોકવિરોધી ગણાવી છે. આ ઉપરાંત તેમણે કોટકપુરા ફાયરિંગના બનાવમાં જવાબદારીઓનક્કી ન કરવા બદલ કેપ્ટન અમરિન્દરની આકરી ટીકા કરી છે. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે સરકારમાં માફિયા રાજ ચાલે છે. આમ સિધુ પોતાની જ સરકારની આકરી ઝાટકણી કાઢતા રહ્યા છે. રાજ્યના મુખ્ય વિપક્ષ આ તાલ જોઈ રહ્યા છે. તેઓનું કહેવું છે કે શાસક પક્ષના પોતાના જ પ્રમુખ જો વિપક્ષની કામગીરી બજાવી રહ્યા હોય તો તેમને સરકારની કામગીરીના નિરીક્ષક બનવાની કોઈ જરુર રહી નથી.
બ્રેકફાસ્ટ અને ડિનર મીટિંગથી રાજકીય વર્તુળોમાં ગણગણાટ
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ચોથી ઓગસ્ટે વિપક્ષ માટે બ્રેકફાસ્ટ મીટિંગનું આયોજન કર્યુ હતુ. તેના પછી ૯મી ઓગસ્ટે કોંગ્રેસના જ નેતા કપિલ સિબલે વિપક્ષના નેતાઓ માટે ડિનર મીટિંગ યોજી હતી. પરંતુ સિબલના ડિનરમાં મોટા માથાઓની હાજરીના લીધે રાજકીય વર્તુળોમાં ગણગણાટ વધવા માંડયો છે. તેના કારણો છે. એનસીપીના નેતા શરદ પવારે અને તેમની પુત્રી સુપ્રિયા સુળેએ રાહુલની બ્રેકફાસ્ટ મીટિંગમાં હાજરી આપી ન હતી અને પ્રફુલ પટેલે તેમનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ. પરંતુ સિબલના ડિનરમાં પવારે હાજરી આપી હતી. સૂત્રોનું કહેવું છે કે ચૂંટણી વ્યૂહકાર પ્રશાંત કિશોર પવારને આગામી રાષ્ટ્રપતિ બનાવવા લોબીઇંગ કરી રહ્યા છે.
સિબલના ડિનરમાં ૨૦૨૪ના એજન્ડા પર ચર્ચા થઈ હતી. પવારે ૨૦૨૪ની ચૂંટણીની આસપાસ વ્યૂહરચના નક્કી કરવા કિશોર સાથે ચર્ચા કરી હતી. સૌથી મહત્ત્વની વાત એ છે કે સિબલ ગુ્રપ ૨૩ સાથે સંલગ્ન છે. આ જૂથના કેટલાક નેતાઓ પણ હાજર હતા. આ ઉપરાંત બીજેડી અને વાયએસઆર પણ હાજર હતા. આ બંને પક્ષો વિપક્ષની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી નથી. સિબલે જણાવ્યું છે કે તેમના રાજશેખર રેડ્ડી (જગન રેડ્ડીના પિતા) સાથે વ્યક્તિગત સંબધ છે. બીજેડી અંગે સિબલે જણાવ્યું હતું કે તે બીજેડીના સાંદ પિનાકી મિશ્રા સાથે ગાઢ સંબંધ ધરાવે છે, જે ચેમ્બરમાં તેમના જુનિયર છે.
ચોમાસુ સત્રનો અંત ધાંધલધમાલ સાથે અંત આવશે
સંસદના ચોમાસુ સત્રનો અંત ૧૩ ઓગસ્ટે આવશે, આજે સંસદ અચોક્કસ મુદત માટે બંધ રહી હતી. રાજ્યસભાના ચેરમેન વેન્કૈયા નાયડુએ આંચકાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ રાજ્યસભામાં આ સ્થિતિના લીધે રાત્રે ઊઘી શક્યા ન હતા. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે ગૃહ તેમની અપેક્ષા મુજબ ચાલ્યું ન હોવાથી તેમણે આંચકો અનુભવ્યો છે, પરંતુ તેમણે જણાવ્યું હતું કે આમ છતાં પણ ૨૩ બિલમાંથી ૨૦ બિલ પસાર થઈ ગયા હતા. આ ઉપરાંત જે બિલની બહુ રાહ જોવાતી હતી તે ક્રિપ્ટોકરન્સી બિલ સંસદમાં આવ્યું જ ન હતુ. લોકસભામાં એક જ બિલ વ્યવસ્થિત રીતે પસાર થયું હતું અને તે ઓબીસી બિલ હતું. રાજ્યસભા ટીવીમાં પણ ધાંધલધમાલ દેખાઈ હતી. વિપક્ષના સભ્યોએ આ ઇવેન્ટ્સ રેકોર્ડ કરી હતી અને પોતાના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરી હતી.
રાજ્યો પોતે પણ ઓક્સિજનના અભાવથી થયેલા મોત સ્વીકારવા તૈયાર નથી
વિપક્ષે સંસદમાં મોદી સરકારે આપેલા જવાબ બદલ ઝાટકણી કાડી હતી કે ઓક્સિજનની ગેરહાજરીના લીધે કોઈના મોત થયા નથી, પરંતુ કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકારો પણ આ વાત સ્વીકારતી નથી. સંસદમાં કેન્દ્ર સરકારની ટીકા થયા પછી પણ ૧૩ રાજ્યોએ કોઈના મોત ઓક્સિજનના અભાવના લીધે થયા નથી તેમ કહ્યુ છે. પંજાબે જ જણાવ્યું છે કે કેટલાક શંકાસ્પદ મોત ઓક્સિજનના અભાવના લીધે થયા છે.
કોઈપણ રાજ્યએ સ્પષ્ટ જણાવ્યું નથી કે તેમને ત્યાં મોત ઓક્સિજનની અછતના લીધે થયા છે, એમ જોઇન્ટ સેક્રટરી લવ અગરવાલે જણાવ્યું હતું. કેન્દ્રએ ગયા મહિને સંસદમાં જણાવ્યું હતું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોઈપણ મોત ઓક્સિજનના અભાવના લીધે થયા નથી.
16 વર્ષની વયને પુખ્ત વય ગણવાના વિચારને સરકારે નકાર્યો
સરકારે ગૃહ વિભાગની સંસદીય પેનલનું બાળક પર જાતીય હુમલાના કેસમાં ૧૬ વર્ષની વયને પુખ્ત વય ગણવાના સૂચનને નકારી કાઢ્યું છે, એમ સમિતિએ સંસદમાં ટેબલ પર મૂકેલા રિપોર્ટમાં જણાવાયું હતું. ભારતમાં ૧૮ વર્ષ સુધીની વયની વ્યક્તિને સગીર ગણવામાં આવે છે. મહિલા અને બાળ કલ્યાણ વિભાગે પેનલને જણાવ્યું હતું કે જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ, (જેજે એક્ટ), ૨૦૧૫ બાળકોની કેર એન્ડ પ્રોટેક્શન (સીએનસીપી)ની જરુરિયાત માટે મહત્ત્વનો કાયદો છે અને સૂચનના લીધે આ કાયદામાં વિસંગતિ આવે છે.
પોસ્કો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ) એક્ટ હેઠળ બાળ આરોપીને જેજે એક્ટ ૨૦૧૫ની જોગવાઈઓ હેઠળ રાહત મળી છે. જેજે એક્ટ ૨૦૧૫ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડને આ પ્રકારના કાયદાકીય સંઘર્ષના સંદર્ભમાં નિર્ણય કરવા અધિકાર આપે છે, એમ સરકારે પેનલને તેના જવાબમાં જણાવ્યું હતું.
રસીકરણ સર્ટિફિકેટ પર પીએમના ફોટોનો સરકારે બચાવ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રસીકરણ સર્ટિફિકેટ પર ફોટોગ્રાફ અને સંદેશો કોવિડ-૧૯ના રસીકરણ પછીની વર્તમૂક માટે મહત્ત્વનો છે તથા જાહેર હિતમાં છે તેમ દસ્તાવેજોમાં બતાવાયું છે.
સરકારે આમ ત્યારે જણાવ્યું જ્યારે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને ભૂતપૂર્વ પત્રકાર કુમાર કેતકરે સંસદમાં આ અંગે સવાલ પૂછ્યો કે કોવિડ-૧૯ રસીકરણ સર્ટિફિકેટ પર વડાપ્રધાનનો ફોટો અને સંદેશો છાપવો જરુરી છે. કેતકરે આ નિર્ણય માટેના કારણ પૂછ્યા હતા અને કોણે તે ફરજિયાત બનાવ્યું તે જાણવા માંગ્યુ હતુ. આ અંગે રાજ્યકક્ષાના કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ભારતી પ્રવીણ પવારે જણાવ્યું હતું કે રોગચાળો અને તેની આગવી લાક્ષણિકતાને જોતા કોવિડ સાનુકૂળ વર્તણૂક તે રોગના ફેલાવવાને અટકાવવા માટેનું અત્યંત મહત્ત્વનું પગલું છે. ફોટોગ્રાફની સાથે સર્ટિફિકેટ પરવડાપ્રધાનનો સંદેશો રસીકરણ પછી પણ કોવિડ-૧૯ યોગ્ય વર્તણૂક માટેના મહત્ત્વને દર્શાવે છે અને તેના અંગેની જાગૃતિ ફેલાવે છે જે વ્યાપક હિતમાં છે.
- ઇન્દર સાહની