દિલ્હીની વાત : ભારત જોડો યાત્રા કાઢવાનો વિચાર રાહુલ ગાંધીને કઈ રીતે આવ્યો

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
દિલ્હીની વાત : ભારત જોડો યાત્રા કાઢવાનો વિચાર રાહુલ ગાંધીને કઈ રીતે આવ્યો 1 - image


નવી દિલ્હી : વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી હમણા અમેરિકા પ્રવાસે છે. રાહુલ ગાંધીએ ડલાસની ટેક્સાસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે એમને ભારત જોડો યાત્રા કરવાનો વિચાર કઈ રીતે આવ્યો હતો. આના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારતમાં લોકો સુધી વાત પહોંચાડવાના તમામ રસ્તાઓ બંધ હતા. અમે અમારી વાત કોઈ રીતે કરી શકતા નહોતા. અમને સંસદમાં પણ બોલવા દેવામાં આવતા નહોતા. અમે જે કઈ કહીએ એને ટેલિવઝન પર બતાવવામાં આવતું નહોતું. અમે મીડિયા પાસે જતા હતા તો મીડિયા પણ અમારી વાત સાંભળતું નહોતું. અમે સત્તાધિશો પાસે પૂરાવા લઈને જતા હતા તો પણ અમને સાંભળવામાં આવતા નહોતા. લાંબા વિચાર પછી અમે નક્કી કર્યું કે દેશભરમાં પગે ચાલીને યાત્રા કરવી અને અમારી વાત લોકો સુધી પહોંચાડવી.

યુપીના એન્કાઉન્ટર મુદ્દે રાજકારણ ગરમાયું, માયાવતી નારાજ

ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં પોલીસે મંગેશ યાદવ નામની એક વ્યક્તિને એન્કાઉન્ટરમાં ઠાર મારી હતી. આ બાબતે સમાજવાદી પાર્ટીએ કહ્યું હતું કે, આ એન્કાઉન્ટર બનાવટી છે. આની સામે ભાજપએ જવાબ આપ્યો હતો કે, સપા ગુનેગારોને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ એક્સ પર એક પોસ્ટ લખીને ભાજપ અને સપા બંનેની ટીકા કરી છે. માયાવતીએ લખ્યું છે કે, ભાજપ અને સપા બંને સુલતાનપુર એન્કાઉન્ટર બાબતે એક બીજા પર આક્ષેપ કરે છે. આ બંને પક્ષો જાતિગત રાજનીતી કરી રહ્યા છે. ભાજપ સરકારની માફક જ સપાની સરકાર હતી ત્યારે પણ ઉત્તર પ્રદેશમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ જ હતી. માયાવતીના હિસાબે ઉત્તર પ્રદેશમાં જ્યારે બસપાનું શાસન હતું ત્યારે કોઈપણ જાતિ કે ધર્મના ભેદભાવ વગર ન્યાયને આધારે કાર્યવાહી થતી હતી. 

રાજનાથસિંહનું તર્કહિન નિવેદન પીઓકેને ભારત સાથે જોડી દો

રક્ષામંત્રી રાજનાથસિંહે એક ચૂંટણી રેલીને સંબોધન કરતા એવું નિવેદન કર્યું હતું કે, જો પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં આંતકવાદીઓને મદદ કરવાનું બંધ કરી દે તો ભારત એની સાથે વાત કરવા તૈયાર છે. મને એટલી ખબર છે કે તમે મિત્રો બદલી શકો છો, પરંતુ પડોશી નહીં. રાજનાથસિંહે આવી ડાહી ડાહી વાતો કરી ત્યાં સુધી તો ઠીક પરંતુ ત્યાર પછી એમણે કહ્યું કે, 'પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (પીઓકે)ના લોકો પાકિસ્તાન સાથે રહેવા માંગતા નથી તો પાકિસ્તાને પીઓકે ભારતને સોંપી દેવું જોઈએ.' રાજનાથસિંહની આ તર્કહિન વાત સાંભળીને શ્રોતાઓ ચોંકી ગયા હતા. સુરક્ષા બાબતના નિષ્ણાતો માની રહ્યા છે કે, પીઓકેને ભારતમાં જોડવાની વાત બેહુદી છે, કારણ કે ભારત હમણા પણ વસ્તી વધારાની સમસ્યાથી ઘેરાયેલુ છે તેમ જ પીઓકે જેવા સત્વહિન પ્રદેશને ભારત સાથે જોડવામાં આવે તો ભારતને કોઈ ફાયદો નથી અને મુશ્કેલીમાં વધારો થઈ શકે એમ છે.

ડરી ગયેલા ભાજપએ બ્રિજભૂષણને મોઢુ બંધ રાખવા કહ્યું

ભારતીય કુસ્તીસંઘના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહ પહેલવાન વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા વિરુદ્ધ નિવેદન આપી રહ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા અને બીજા નેતાઓ બ્રિજભૂષણના નિવેદનો સાંભળીને ડરી ગયા. એમને લાગ્યું કે હરિયાણા વિધાનસભાની ચૂંટણી માથા પર છે ત્યારે બ્રિજભૂષણના નિવેદનો બુમરેંગ થાય એમ છે. હરિયાણામાં વિનેશ ફોગાટની લોકપ્રિયતા ટોચ પર છે. મતદારોને વિનેશ માટે સહાનુભૂતિ ઉભી થઈ શકે છે. જે રીતે ગુજરાતમાં સાંસદ પુરુષોત્તમ રૂપાલાના બફાટને કારણે ક્ષત્રિય સમાજના મતદારો નારાજ થઈ ગયા હતા એ રીતે હરિયાણાની ચૂંટણીમાં પણ થઈ શકે. છેવટે જે પી નડ્ડાએ કડક શબ્દમાં બ્રિજભૂષણને મોઢુ બંધ રાખવા કહ્યું.

ફોગાટ અને પુનિયાને પક્ષમાં લાવીને કોંગ્રેસે અરધો જંગ જીતી લીધો

હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે પહેલવાન વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને પક્ષમાં દાખલ કરીને રાજ્યની મહિલાઓ, યુવાઓ અને જાટ વોટબેન્કને પોતાના તરફ કરી લીધી છે. મહિલા પહેલવાનોના શારીરિક શોષણ બાબતે આંદોલન કરનાર વિનેશ ફોગાટ પ્રત્યે હરિયાણામાં સહાનુભૂતિનું મોજુ છે. ઓલમ્પિકમાં જે રીતે વિનેશને અમાન્ય ઠેરવવામાં આવ્યા હતા એને કારણે પણ હરિયાણામાં એમના પ્રત્યે લોકોને હમદર્દી છે. વિનેશ  જાટ જ્ઞાાતિના છે. વિધાનસભાની છેલ્લી બે ચૂંટણી પહેલા જાટ મતદારો કોંગ્રેસને વફાદાર હતા. હવે આ ચૂંટણીમાં વિનેશને ટિકિટ આપવાને કારણે હરિયાણાની જાટ  ખાપ પંચાયતોએ કોંગ્રેસ સાથે રહેવાનું નક્કી કર્યું છે.

વિવાદાસ્પદ બીટ્ટુ બજરંગી હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડશે

નુંહ હિંસાના આરોપી વિવાદાસ્પદ બીટ્ટુ બજરંગી હરિયાણા વિધાનસભાની એનઆઇટી ૮૬ બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડશે. બીટ્ટુ બજરંગીએ પોતાનું બજરંગ દલ સંગઠન શરૂ કર્યું છે. જુલાઈ મહિનામાં બીટ્ટુ સામે ફરીદાબાદમાં ત્રણ દિવસમાં ત્રણ કેસ દાખલ થયા હતા. ભૂતકાળમાં પણ કોમવાદી તોફાનો કરાવવાના ગુનાઓ બીટ્ટુ બજરંગી સામે નોંધાયા છે. સોશિયલ મીડિયા પર હેટ સ્પિચ સંદર્ભે પણ બીટ્ટુ સામે કેસ નોંધાયા છે. આ બીટ્ટુ બજરંગી હવે અપક્ષ ઉમેદવાર તરીકે ઉભો રહીને ભાજપના મત તોડશે. બીટ્ટુ બજરંગીને ચૂંટણી નહીં લડવા માટે ભાજપના નેતાઓએ ઘણો સમજાવ્યો હતો, પરંતુ ભાજપથી નારાજ બીટ્ટુ બજરંગી હવે ધરાર ચૂંટણી લડવાના છે.

ભાજપને કારણે વધુ એક રાજકીય પરીવારમાં ભંગાણ પડયું

મહારાષ્ટ્રમાં ભાજપએ અજીત પવારને કાકા શરદ પવારથી અલગ કરીને એનસીપીમાં ભંગાણ કરાવ્યું હતું. હવે હરિયાણામાં પણ ભાજપ ભૂતપૂર્વ મુખ્યમંત્રી બંસીલાલના કુટુંબને તોડી રહ્યું છે. હરિયાણાની તોશામા વિધાનસભા બેઠક બંસીલાલ કુટુંબનો ગઢ ગણાય છે. આ બેઠક પરથી બંસીલાલના કુટુંબીજનો ૧૯૬૭ થી અત્યાર સુધી ૧૪ વાર ચૂંટણી લડયા છે. બંસીલાલ પોતે અહીંથી ૭ વાર ચૂંટણી લડયા હતા. બંસીલાલના પુત્ર સૂરેન્દ્રસિંહ પણ અહીંથી ૪ વાર ચૂંટણી લડયા હતા. હવે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં બંસીલાલના પૌત્ર અને પૌત્રી બંને સામે સામે ટકરાશે. કોંગ્રેસે અનિરૂદ્ધ ચૌધરીને આ બેઠક પરથી ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા છે. આની સામે ભાજપએ અનિરૂદ્ધ ચૌધરીના કાકાની દીકરી તેમ જ પૂર્વ સાંસદ શ્રુતિ ચૌધરીને લડાવવાનું નક્કી કર્યું છે. દિલ્હીમાં ચર્ચા થઈ રહી છે કે મહારાષ્ટ્રની જેમ હરિયાણામાં પણ ભાજપએ ચૌધરી કુટુંબ વચ્ચે ખટરાગ ઉભો કર્યો છે.

રાહુલ ગાંધી અંગેના પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસમાં કલહ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાએ રાહુલ ગાંધીને રાજીવ ગાંધી કરતાં પણ વધુ સારા વ્યૂહરચનાકાર ગણાવ્યા હતા. એ નિવેદનથી કોંગ્રેસમાં જ આંતરિક કલહ થયો હતો. એમપીના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહના ભાઈ અને એમપી સરકારના પૂર્વ મંત્રી લક્ષ્મણ સિંહે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે પિત્રોડા જ કોંગ્રેસના સૌથી મોટા દુશ્મન છે. એ બાપ-દીકરા વચ્ચે પણ તફાવત કરી રહ્યા છે. લક્ષ્મણ સિંહે આ પોસ્ટ કરતાં તો કરી દીધી પણ પછી કોણ જાણે શું થયું કે તરત ડિલિટ પણ કરી દીધી, પણ ત્યાં સુધીમાં એના સ્ક્રીનશોટ વાયરલ થયા હતા. ભાજપે કોંગ્રેસનો જૂથવાદ ગણાવ્યો હતો.

દોભાલ રશિયાની મુલાકાતે : યુદ્ધ વિરામ માટેના પ્રયાસોની ચર્ચા

રશિયામાં ઓક્ટબર માસમાં બ્રિક્સ સમિટ યોજાવાની છે. બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકાના બનેલા આ સંગઠનના વાર્ષિક સંમેલનમાં રશિયા-યુક્રેન યુદ્ધને અટકાવવાની ચર્ચા થાય એવી શક્યતા છે. એ પહેલાં આ દેશોના નેશનલ સુરક્ષા સલાહકારો અને વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ૧૦મી અને ૧૧મીએ બેઠક થશે. એમાં ભાગ લેવા માટે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ રશિયા પહોંચ્યા છે. એવી ચર્ચા ચાલી છે કે રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ થાય તે માટે શું કરવું જરૂરી છે તેની ચર્ચા માટે દોભાલ રશિયા ગયા છે. ભારત-ચીન અને બ્રાઝિલ યુદ્ધવિરામ માટે મધ્યસ્થી કરી શકે એવું નિવેદન પુતિને કર્યું ત્યારથી બ્રિક્સની તમામ હિલચાલ પર વિશ્વની નજર છે.

ટીએમસી સાંસદ જવાહર સરકારને મનાવવા મમતાના પ્રયાસો

જવાહર સરકાર ટીએમસીના રાજ્યસભાના સાંસદ છે. રાજકારણમાં આવ્યા તે પહેલાં આઈએએસ અધિકારી રહી ચૂક્યા છે. કેન્દ્ર સરકારના મહત્ત્વના પોસ્ટિંગ પર કામ કર્યું છે. તેમની ટર્મ પૂરી થાય તે પહેલાં જ ૨૦૧૬માં તેમણે રાજીનામું આપી દીધું હતું. ભાજપની ટીકા કરવા માટે તેઓ જાણીતા હતા. ૨૦૨૧માં ટીએમસીએ તેમને રાજ્યસભાના સાંસદ બનાવ્યા હતા. આ જવાહર સરકાર કોલકાત્તા રેપના કેસથી નારાજ હતા. તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી અને ટીએમસી ઉપરાંત સાંસદ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી. તેમણે જિલ્લા-તાલુકા પંચાયતોમાં ટીએમસીના સ્થાનિક નેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આરોપ પણ મૂક્યો. તેમને મનાવવા માટે મમતા બેનર્જીએ પ્રયાસો શરૂ કર્યા હતા.

યુપીમાં આદમખોર વરૂઓને પકડવાનું મિશન અસફળ

ઉત્તર પ્રદેશના બહરાઈચમાં આદમખોર વરૂઓના હુમલામાં નવ બાળકો સહિત કુલ ૧૦ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આદમખોર વરૂઓને પકડવા માટે એક મહિનાથી ઓપરેશન ભેડિયા શરૂ કરાયું છે, પરંતુ વન વિભાગને હજુ સુધી એમાં સફળતા મળી નથી. બે આદમખોર વરૂઓએ આસપાસના ૩૫ ગામમાં દહેશત ફેલાવી દીધી છે. એક તરફ વન વિભાગે તેને પકડી લેવા કે ઠાર કરવાની કવાયત આદરી છે, પરંતુ એમાં કોઈ જ અપડેટ ન હોવાથી સ્થાનિક લોકોમાં વન વિભાગના અધિકારીઓ તરફ આક્રોશ છે. સીએમઓ સુધી આ વરૂઓના ત્રાસની વાત પહોંચ્યા બાદ સરકારે સ્થાનિક પોલીસ કર્મચારીઓને પણ આ કામમાં જોતર્યા છે. પોલીસ જવાનો જંગલમાં વનવિભાગના કર્મચારીઓ સાથે ફરી રહ્યા છે અને અંદરો અંદર આ નવા કામની અકળામણ વ્યક્ત કરી રહ્યા છે.

- ઈન્દર સાહની


Google NewsGoogle News