સરકારના ઉચ્ચ હોદ્દાઓ ઉપર આદિવાસી ભાગ્યે જ જોવા મળે છે
નવીદિલ્હી: ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે પ્રચાર માટે ગયેલા વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે દેશમાં આજે બે વિચારધારાઓ વચ્ચે લડાઈ ચાલી રહી છે. ઇન્ડિયા ગઠબંધન અને જેએમએમ જેવા પક્ષો બંધારણ બચાવવા માટે લડી રહ્યા છે, જ્યારે ભાજપ, આરએસએસ અને એમના સાથી પક્ષો બંધારણ બદલવા માંગે છે. ઝારખંડની જમીન અને જંગલો પર પ્રથમ હક્ક આદિવાસીઓનો છે. ભાજપ સરકારે હંમેશા આદિવાસીઓને પછાત રાખ્યા છે અને એમને મહત્વના હોદ્દાઓ પર આવવા દીધા નથી.
હેમંત સૌરેનની નજીકની વ્યક્તિઓ પર ઝારખંડમાં ઇન્કમટેક્સના દરોડા
ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના થોડા દિવસો પહેલા જ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સૌરેનના અંગત સચીવ સુનિલ શ્રીવાસ્તવના રાંચી ખાતેના નિવાસસ્થાને કેન્દ્રીય એજન્સીઓએ દરોડા પાડયા છે. હેમંત સૌરેનની નજીક ગણાતી બીજી વ્યક્તિઓને ત્યાં પણ કેન્દ્રીય એજન્સીઓએ દરોડા પાડયા છે. રાંચી અને જમસેદપુરમાં ૯ જગ્યાઓએ ઇન્કમટેક્સ સહિત કેન્દ્રની બીજી એજન્સીઓ છાપામારી કરી રહી છે. રાજ્યમાં ગેરકાયદેસર રીતે થતા દારૂના વેપાર તેમ જ ખાણ માફિયાઓના નામે કેન્દ્ર સરકાર વિરોધીઓને હેરાન કરી રહી હોવાના આક્ષેપ જેએમએમના નેતાઓએ કર્યા છે. દિલ્હીમાં કેટલાક કહી રહ્યા છે કે, ચૂંટણી નજીક હોય છે ત્યારે મોદી સરકારને એજન્સીઓનો દુરઉપયોગ કરવાનું યાદ આવે છે.
જસ્ટીન ટ્રુડોનું બેવડું વલણ ફરીથી સામે આવ્યું
કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો સામે ઘણા વખતથી આક્ષેપ થઈ રહ્યા છે કે તેઓ ખાલિસ્તાની આતંકવાદીઓને આશરો આપી રહ્યા છે. અત્યાર સુધી ટ્રુડો ખાલિસ્તાનવાદીઓ પ્રત્યે કુણુ વલણ રાખતા હોવાના આક્ષેપોને નકારતા રહ્યા હતા. ચોર કોટવાળને દંડે એ રીતે ટ્રુડોએ ઉલટાના ભારત પર આક્ષેપ કર્યા હતા કે, ભારત કેનેડાના નાગરીકોની હત્યા કરાવે છે.
હવે ટ્રુડોએ એક કાર્યક્રમમાં કબુલ કર્યું છે કે કેનેડામાં ખાલિસ્તાનવાદીઓની હાજરી છે. જોકે જીભ કચરાઈ હોવાનું લાગતાં એમણે તરત જ ફેરવી તોળ્યું હતું કે, આવા ખાલિસ્તાની આતંકવાદીઓ શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ નથી કરતા. ટ્રુડોએ ડંફાસ મારી હતી કે કેનેડામાં હિંસા, અસહિષ્ણુતા કે ધમકી માટે કોઈ જગ્યા નથી. આંતરરાષ્ટ્રીય વિશ્લેષકો માની રહ્યા છે કે વિશ્વના વિવિધ દેશોના દબાણ પછી ટ્રુડો કૂણા પડયા છે.
યુપી સરકારે અધિકારીઓ પાસે જ ભ્રષ્ટ અધિકારીઓની યાદી માંગી
ઉત્તર પ્રદેશની સરકારે રાજ્યના સૌથી ભ્રષ્ટ અધિકારીઓની યાદી માંગી છે. આ બાબતે મુખ્ય સચિવ એમ દેવરાજે રાજ્યના દરેક જિલ્લાના કલેક્ટરોને આદેશ આપ્યો છે.
રાજ્યના દરેક જિલ્લાની આઇબીને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ ભ્રષ્ટ અધિકારીઓના નામની યાદી તૈયાર કરે. નવાઈની વાત એ છે કે, જે અધિકારીઓ આવી યાદી તૈયાર કરશે તેઓ કયા આધારે નક્કી કરશે કે ભ્રષ્ટ અધિકારી કોણ છે. કેટલાકને કદાચ બલીના બકરા બનાવવામાં આવે એવી પણ શક્યતા છે. આ વાત બહાર આવ્યા પછી રાજ્યમાં વિવિધ અધિકારીઓ વચ્ચે તડ પડી ગઈ છે.
મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, ઠાકરે પરિવારની બેઠકો પર નજર
મહારાષ્ટ્રની ચૂંટણીમાં સામાન્ય લોકોનો રસ મુખ્યમંત્રી એકનાથ શિંદે, ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમ જ ઠાકરે કુટુંબના સભ્યોની બેઠકો પર વધુ છે. થાણે જિલ્લાની કોપરી - પાંચપા ખાડી વિધાનસભા બેઠક પરથી એકનાથ શિંદે લડી રહ્યા છે.
૨૦૦૯થી આ બેઠક પર તેઓ જીતતા આવ્યા છે. શિંદેના પ્રતિસ્પર્ધી તરીકે આનંદ દીઘેના ભત્રીજા કેદાર દીઘે ઉભા રહ્યા છે.
પૂણે જિલ્લાની બારામતિ બેઠક પર એનસીપી (અજીત પવાર)ના નેતા અજીત પવાર ચૂંટણી લડી રહ્યા છે. ૨૦૧૯માં તેઓ જ્યારે શરદ પવાર સાથે હતા ત્યારે એમણે ભાજપના ઉમેદવારને ૧૬ લાખ કરતા વધુ મતોથી હરાવ્યા હતા. અજીત પવારની સામે એમના જ ભત્રીજા યોગેન્દ્ર પવાર ઉભા રહ્યા છે.
મતદારો આંગળી પર લગાડેલી શાહી બતાવે અને ૨૦ ટકા ડિસ્કાઉન્ટ મેળવે
સામાન્ય રીતે ચૂંટણી સમયે વિવિધ રાજકીય પક્ષો મતદારો માટે લોભામણી જાહેરાત કરતા હોય છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી કમિશને હવે રાજકારણીઓ જેવી જાહેરાત કરી છે.
મહારાષ્ટ્રના ચૂંટણી કમિશનરે મરાઠીમાં એક સૂત્ર તૈયાર કરાવ્યું છે જેનો અર્થ થાય છે, 'ચૂંટણીનો તહેવાર, મહારાષ્ટ્રનું ગૌરવ'. ચૂંટણી કમિશનરના કહેવા પ્રમાણે મતદાનમાં વધારો થાય એ માટે જેમણે મતદાન કર્યું હશે તેઓ આંગળી પર લગાડેલી શાહી બતાવીને મુંબઈની કેટલીક દુકાનો, રેસ્ટોરાં અને મલ્ટિપ્લેક્સમાં જઈને ૨૦ ટકા જેટલું કમિશન મેળવી શકશે. રાજકીય નીરિક્ષકોને ચૂંટણી કમિશનની આ જાહેરાત જાણીને આશ્ચર્ય થયું છે.
અમિત શાહના સંકેત પછી મહાયુતિમાં કચવાટ
મહારાષ્ટ્રની મહાયુતિ સરકારમાં મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદે છે. ચૂંટણીમાં જીત મેળવે તો મુખ્યમંત્રી કોણ બનશે એની જાહેરાત મહાયુતિ સરકારે કરી નથી. જોકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાંગલી જિલ્લામાં એક ચૂંટણી સભા સંબોધીત કરતી વખતે આડકતરી રીતે હવે પછીના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ લીધું હતું. રાજકીય નીરિક્ષકોનું માનવું છે કે, જો ભાજપ વધુ સંખ્યામાં બેઠકો મેળવશે તો દેવેન્દ્ર ફડણવીસને ફરીથી મુખ્યમંત્રી બનાવવાનું મન ભાજપ હાઇકમાન્ડે બનાવી લીધું છે. આ બાબતે એનસીપી (અજીત પવાર)ના પ્રમુખ અજીત પવારે થોડી કડવાશ સાથે કહ્યું છે કે, કોઈ એક પક્ષ નહીં પરંતુ ત્રણે પક્ષ સાથે બેસીને મુખ્યમંત્રીનું નામ નક્કી કરાશે. અમિત શાહના ઇશારા પછી મહાયુતિ સરકારના સાથી પક્ષોમાં પણ ગણગણાટ ચાલુ થઈ ગયો છે.
આદિત્ય ઠાકરેએ યોજનાઓના નામે શિંદે સરકારને ઘેરી
મહારાષ્ટ્રની ચૂંટણી નજીકમાં છે ત્યારે મહાયુતિ સરકારની લડકી બહન યોજનાનો વિવાદ વધી રહ્યો છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા આદિત્ય ઠાકરેએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું છે કે, ૨૦૧૪ના વર્ષમાં ભાજપએ લોકોને ૧૫ લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. હવે લડકી બહન યોજના હેઠળ સરકાર ફક્ત ૧૫૦૦ રૂપિયા આપે છે. જો ભાજપ ફરીથી સત્તા પર આવશે તો આ ૧૫૦૦ રૂપિયાની રકમ ઘટીને ૧૫૦ રૂપિયા થઈ જશે. સરકારે તીજોરી ખાલી કરી નાખી છે. જો અમે સત્તા પર આવશું તો મહિલાઓને દર મહિને ૩૦૦૦ રૂપિયા આપીશું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ૩૦૦ રૂપિયાના ચેકનું વિતરણ કર્યું એના પર પણ આદિત્ય ઠાકરેએ કટાક્ષ કરીને કોમેન્ટ કરી હતી કે, આ ૩૦૦ રૂપિયાની રકમ એટલી મોટી છે કે કોઈ એનાથી કંપની ખરીદી શકે?
મહારાષ્ટ ભાજપમાં આંતરિક ઘર્ષણ વચ્ચે સંઘે મોરચો સંભાળવો પડયો
મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધનમાં આંતરિક સંઘર્ષ છે. શિંદેની શિવસેનાના નેતાઓ ભાજપમાં આવી રહ્યા છે. ભાજપના નેતાઓ અજીત પવારની એનસીપીમાં આવી રહ્યા છે. એનસીપીના નેતાઓ શિંદે સાથે જોડાઈ રહ્યા છે. અજીત પવાર અને મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે પણ મનમેળ નથી. દેવેન્દ્ર ફડનવીસ અલગ સૂરમાં વાત કરે છે. આવી સ્થિતિમાં ભાજપમાંય વળી આંતરિક અસંતોષ ફેલાયો છે. ટિકિટ વહેંચણીથી કેટલાય સિનિયર નેતાઓ નારાજ છે. પરિસ્થિતિ બગડતી જોઈને સંઘે મોરચો સંભાળ્યો છે. સંઘે ભાજપને જીતાડવા માટે ૬૫થી વધુ સહયોગી સંગઠનોને પ્રચારનું કામ સોંપ્યું છે. યોગીના બટેંગે તો કટેંગેના સૂત્ર પ્રમાણે સંઘ મહારાષ્ટ્રમાં પ્રચાર કરે છે.
નોકરી-ધંધામાંથી રજા રાખો, આપનો પ્રચાર કરો ઃ કેજરીવાલ
દિલ્હીની વિધાનસભાની ચૂંટણી આડે હવે ત્રણેક મહિના બાકી રહ્યા છે. દિલ્હીમાં સત્તા જાળવી રાખવા આમ આદમી પાર્ટીએ એડીચોટીનું બળ લગાવવાનું શરૂ કર્યું છે. ભાજપે લોકસભાની તર્જ પર વિધાનસભામાં આપ-કોંગ્રેસ ફાવે નહીં એ માટે વ્યૂહ ઘડવાનું શરૂ કર્યું છે.
કોંગ્રેસ પણ દિલ્હી ન્યાય યાત્રા શરૂ કરીને એક્ટિવ મોડમાં છે એટલે દિલ્હીમાં લગભગ ત્રિકોણિયો જંગ જામશે એ નક્કી છે. આવી સ્થિતિ વચ્ચે કેજરીવાલે આપના કાર્યકરોને જે અપીલ કરી છે એ વાયરલ થઈ છે.
કેજરીવાલે કહ્યું કે નોકરી-ધંધા કરતા હોય તો થોડો વખત રજા રાખી દેજો, પરંતુ આપનો પ્રચાર કરજો. કેજરીવાલની આ અપીલ અંગે ભાજપના સમર્થકોએ વ્યંગ કર્યો હતો કે કેજરીવાલ નોકરી અપાવવાની વાત તો કરતા નથી, જેની પાસે નોકરી છે એને પણ પાર્ટી પાછળ કુરબાન કરવાનું કહે છે
જેપી નડ્ડાની બે મહિનામાં બિહારની ત્રીજી મુલાકાત
એનડીએની ત્રીજી ટર્મનો આધાર ગઠબંધનના મહત્ત્વના સાથીઓ નીતીશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ પર છે. જો બેમાંથી કોઈ એક સાથી ગઠબંધનમાંથી હટી જાય તો સરકાર મુશ્કેલીમાં આવી જાય તેમ છે.
ચંદ્રાબાબુ નાયડુની ડેવલપમેન્ટ પ્રોજેક્ટની માગણી હતી અને એ માટે જરૂરી ફંડ બજેટમાં આપી દેવાયું છે. પણ અત્યારે નાયડુ કરતાં વધુ ફોકસ નીતીશ પર રહે છે એનું કારણ એ છે કે બિહારમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી છે. તેને ધ્યાનમાં રાખીને ભાજપ બિહારમાં સક્રિય છે. જેપી નડ્ડા વિવિધ કાર્યક્રમોના નામથી બિહારની યાત્રાઓ કરી રહ્યા છે અને દરેક વખતે નીતીશ કુમારને મળી રહ્યા છે. બે મહિનામાં નડ્ડા બિહાર જઈને ત્રણ વખત નીતીશ કુમારને મળ્યા છે.
હરિયાણામાં કોંગ્રેસ હજુ સુધી વિપક્ષના નેતા નક્કી કરી શકતી નથી
કોંગ્રેસે હરિયાણામાં જીતની બાજી ગુમાવી દીધી. બધી સ્થિતિ કોંગ્રેસને અનુકૂળ હતી છતાંય કોંગ્રેસને જોઈએ એવી સફળતા મળી નહીં. હરિયાણા કોંગ્રેસમાં ચાલી રહેલો વિખવાદ પાર્ટીને બરાબર નડી ગયો.
પરાજય પછીય હજુ એ વિખવાદ શમ્યો નથી. એક મહિનો થવા આવ્યો છતાં કોંગ્રેસના ૩૭ ધારાસભ્યોમાંથી કોઈ એક નેતાની પસંદગી વિધાનસભામાં પાર્ટીના નેતા તરીકે થઈ નથી.
એ નેતા જ હરિયાણા વિધાનસભામાં વિપક્ષના નેતા બનશે અને કેબિનેટ સ્તરનો દરજ્જો મળશે. હરિયાણા કોંગ્રેસના ધારાસભ્યોમાંથી મોટાભાગના તો ભૂપેન્દ્ર સિંહ હૂડાના નામે સહમત છે, પરંતુ કુમારી શૈલજાનું ગુ્રપ બીજા કોઈ નેતાને આ જવાબદારી મળે તેવી તરફેણ કરે છે.
ટ્રમ્પ તેમની મશ્કરી કરનારા જસ્ટિન ટ્રૂડોને નિશાન બનાવશે
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ૨૦૧૯માં ડોનાલ્ડ ટ્રમ્પની મશ્કરી કરી હતી. ટ્રમ્પની બેઈજ્જતી કરતી વખતે જસ્ટિન ટ્રૂડોને અંદાજ ન હતો કે ટ્રમ્પ ફરીથી સત્તામાં આવશે. ટ્રમ્પના વિજયથી કેનેડામાં ચિંતા વ્યાપી ગઈ છે. ટ્રમ્પ કેનેડાના પીએમ સાથે બદલો લેશે. સત્તા સંભાળશે તે સાથે જ કેનેડા સામે ટ્રમ્પ આક્રમક પગલાં ભરશે. કેનેડામાંથી જે નિવેદનો આવી રહ્યા છે એ પરથી લાગે છે કે કેનેડાએ ટ્રમ્પના વિજયની કલ્પના કરી ન હતી. જસ્ટિન ટ્રૂડોના સમર્થક અને ખાલિસ્તાની અલગતાવાદી નેતા જગબીર સિંહે ચિંતાભર્યું નિવેદન આપ્યું કે કેનેડાના લોકો ઉઠયા ત્યારે ચિંતિત હતા અને ડરેલા હતા. ટ્રમ્પના વિજયથી અર્થતંત્ર પર અસર પડશે. ટ્રમ્પ કેનેડાને નિશાન બનાવશે. ટેકનિકલ જોબને ફટકો પડશે. નિજ્જર અને પન્નુની હત્યા બાબતે બાઈડેનની સરકાર કેનેડા સાથે હતી અને એમાં ભારતની ભૂમિકાને શંકાસ્પદ ગણાવતી હતી. પરંતુ હવે અમેરિકામાં સરકાર બદલાઈ જતાં કેનેડાનો દાવ ઊંધો પડશે. ભારત તરફ કેનેડાના વલણમાં પણ મોટું પરિવર્તન આવશે.
ટ્રમ્પ પ્રમુખ બનતાં અમેરિકન હિન્દુઓની તરફેણના નિર્ણયો લેવાશે
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા તે સાથે જ જેડી વાન્સ ઉપપ્રમુખ બનશે એ નક્કી છે. ટ્રમ્પે જ વિજયી ડાન્સ કર્યો તે પછી જેડી વાન્સનો પરિચય કરાવ્યો હતો અને તેને ખૂબ વિશ્વાસુ સાથી ગણાવ્યા હતા.
જેડી વાન્સ ભારતના જમાઈ તરીકે જાણીતા છે. તેમનાં પત્ની ઉષા ભારતીય મૂળના છે. જેડી વાન્સ ઈસ્લામિક આતંકવાદનો વિરોધ કરે છે અને ઈઝરાયલના આક્રમણનો પણ એટલો જ વિરોધ કરે છે. ટ્રમ્પ અને વાન્સ માને છે કે તુરંત બધા મોરચે ચાલતા યુદ્ધો બંધ થવા જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પ હિન્દુ સંગઠનોના સમર્થક છે. હિન્દુ મતદારોએ પણ ટ્રમ્પને મત આપ્યા હોવાથી હિન્દુઓને ફાયદો થાય એવી પોલિસી બનશે એવી અટકળો ચાલી રહી છે.
- ઈન્દર સાહની