Get The App

દિલ્હીની વાત : નાણામંત્રાલયમાં મોટા ફેરફાર, તુહીન કાંત પાંડે મુખ્ય સચિવ બન્યા

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
દિલ્હીની વાત : નાણામંત્રાલયમાં મોટા ફેરફાર, તુહીન કાંત પાંડે મુખ્ય સચિવ બન્યા 1 - image


નવીદિલ્હી : બજેટ પહેલા નાણામંત્રાલયના બે મુખ્ય વિભાગોના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તુહીન કાંત પાંડેની મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેબિનેટ કમિટીએ પાંડેની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. પાંડે હવે ફાઇનાન્સ સેક્રેટરી ઉપરાંત ડીઆઇપીએએમના સચિવ તરીકે પણ કામ કરશે. પાંડે પહેલાં આ સ્થાન પર અરૂણિસ ચાવલા હતા. અરૂણિસ ચાવલાને હવે ડીઆઇપીએએમના સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. બિહાર કેડરના આઇએએસ ચાવલાની નિમણૂક નાણામંત્રાલયમાં ૨૫મી ડિસેમ્બરે થઈ હતી. થતી ચર્ચા પ્રમાણે કોઈ વિવાદ થયાથી નાણામંત્રાલયમાં એમને સ્થાને તુહીન કાંત પાંડેને મુકવામાં આવ્યા છે. 

સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ નવી પ્રથા શરૂ કરી

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ સંજીવ ખન્નાએ સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં પહેલી વખત ૨૫ જજો અને એમના જીવનસાથીઓને પિકનીક ટ્રીપ પર લઈ જવાનું નક્કી કર્યું છે. ૧૧ અને ૧૨ જાન્યુઆરીએ તમામ ન્યાયાધિશો વિશાખાપટ્ટનમ અને એની આસપાસના વિસ્તારોમાં ફરવા જશે. આ યાત્રાનો ઉદ્દેશ તાંણવાળા વાતાવરણથી ન્યાયાધિશોને રિલેક્સ કરવાનો છે. આ આખી ટ્રીપ ખાનગી હશે અને એ માટે સરકારી સાધનો કે પૈસાનો ઉપયોગ કરવામાં નહીં આવે. દિલ્હીના ન્યાયીક વર્તુળોમાં થતી ચર્ચા પ્રમાણે આ પિકનીકમાં ન્યાયાધિશોના જીવનસાથી હશે, પરંતુ એમના બાળકો નહીં હોય. સુપ્રિમ કોર્ટના પાંચ મુખ્ય જજોમાંથી જસ્ટીસ અભય ઓકાને બાદ કરતા તમામ ન્યાયાધિશો પિકનીકમાં સામેલ થશે.

અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ સામે સંજય રાઉતના ગંભીર આક્ષેપ

મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બની ત્યાર પછી થોડા દિવસો સુધી સંજય રાઉતે આક્રમક રીતે સરકારની ટીકા કરી હતી. જોકે થોડા દિવસો પહેલા એમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના વખાણ પણ કર્યા હતા. જોકે હવે એમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ પર કેટલાક ગંભીર આક્ષેપો કર્યા છે. રાઉતનું કહેવું છે કે અમિત શાહ અને ફડણવીસ મળીને શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદો અને ધારાસભ્યોને તોડવા માટે ઇડીનો ડર બતાવી રહ્યા છે. રાઉતે એમ પણ કહ્યું હતું કે એનસીપી (અજીત પવાર) શરદ પવારની એનસીપીના ધારાસભ્યો તોડવાની કોશિષ કરે છે. એનસીપી (અજીત પવાર)ના એક નેતાએ થોડા દિવસ પહેલા નિવેદન આપ્યું હતું કે એનસીપી (શરદ પવાર)ના કેટલાક ધારાસભ્યો અજીત પવારના સંપર્કમાં છે. રાઉતે એવો પણ આક્ષેપ કર્યો છે કે અજીત પવારને એમના સાંસદ માટે કેન્દ્રીય પ્રધાન મંડળમાં સ્થાન જોઈએ છે. આ બાબતે અમિત શાહે અજીત પવારને કહ્યું છે કે તમારી પાસે એક જ સાંસદ છે, શરદ પવારગ્રુપના છ સાંસદો તોડી લાવો તો તમને મંત્રીપદ આપીએ.

દિલ્હીની શકુરબસ્તીની બેઠક સત્યેન્દ્ર જૈનનું ભાવિ નક્કી કરશે

દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે શકુરબસ્તી મતવિસ્તારની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. આ બેઠક પર આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન ફરીથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે અહીં સતિષ લુથરાને ટીકીટ આપી છે. શકુરબસ્તી બેઠક પર પહેલી ચૂંટણી ૧૯૭૨માં થઈ હતી. એ વખતે ભાકપાના ઉમેદવારે ભારતીય જનસંઘના ઉમેદવારને આસાનીથી હરાવ્યા હતા. ૧૯૭૭માં જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા હતી. એ વખતે જનતા પાર્ટીના ઉમેદવાર રામગોપાલ સિસોદિયા જીતી ગયા હતા. ૨૦૧૩ પછી દિલ્હીનું રાજકારણ બદલાઈ ગયું છે. ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન પછી સ્થપાયેલી આમ આદમી પાર્ટી છેલ્લી ત્રણ ટર્મથી સતત જીતી રહી છે. શકુરબસ્તીની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર સતત જીતી રહ્યા છે.

શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગણી વચ્ચે ભારતે વિઝાની મુદત લંબાવી

બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસિના તેમ જ અન્ય ૯૬ લોકોના પાસપોર્ટ રદ કરી દીધા છે. આ તમામ પર હત્યાનો આરોપ મુકવામાં આવ્યો છે. બાંગ્લાદેશમાં સત્તા બદલાયા પછી શેખ હસિના પાંચમી ઓગસ્ટે ભારત આવી ગયા હતા. બાંગ્લાદેશની આઇસીટીએ શેખ હસિના સહિત કેટલાક ભૂતપૂર્વ મંત્રીઓ અને સલાહકારો સામે નરસંહારની ફરિયાદ દાખલ કરી હતી. શેખ હસિના સામે ધરપકડ વોરંટ પણ કાઢવામાં આવ્યું છે. ૨૩મી ડિસેમ્બરે શેખ હસિનાના પ્રત્યાર્પણ માટે ભારતને રજુઆત કરી હતી. જોકે ભારત સરકારે આ બાબતે કોઈ પ્રત્યુઉત્તર આપ્યો નથી અને શેખ હસિનાના વિઝાની મુદત લંબાવી દીધી છે.

પ્રમોદ મહાજનના ભાભીએ ધનંજય મુંડે પર ગંભીર આરોપ મૂક્યા

મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડેની મુશ્કેલી વધી રહી છે. ભાજપના મરહુમ નેતા પ્રમોદ મહાજનના ભાભીએ મુંડે પર આક્ષેપ મુક્યો છે કે બીડ જિલ્લામાં એમણે ૧.૫ એકર જમીન પચાવી પાડી છે. આ જમીનની બજાર કિંમત ૩.૫ કરોડ રૂપિયાથી વધુ છે. દબાણ લાવીને મંત્રીએ આ જમીન માત્ર ૨૧ લાખ રૂપિયામાં ખરીદી છે. આ બાબતે શારંગી મહાજને ધનંજય મુંડેનું રાજીનામું પણ માંગ્યું છે. થોડા દિવસો પહેલા બીડ જિલ્લાના એક સરપંચની હત્યા બાબતે પણ મુંડે પર આક્ષેપો થઈ રહ્યા છે. શારંગી મહાજન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા અને કહ્યું હતું કે ધનંજય મુંડેના એક સાથીદારે એમને જમીન મુંડેના નામે કરી દેવા ધમકાવ્યા હતા. એમની જમીનને સસ્તા ભાવે પડાવી લેવામાં આવી છે. 

એન્જેલામાંથી અંજનાગીરી બનેલા ઇટલીના મહિલા કુંભમેળાનું આકર્ષણ

પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભમાં સાધુસંતોનું આગમન થઈ રહ્યું છે. શ્રી પંચદર્શનામ શંભુ અટલ અખાડા સાથે જોડાયેલા ઇટલીના એન્જેલા ઉર્ફે અંજનાગીરી પ્રયાગરાજ આવી ગયા છે. અંજના ૧૪ વર્ષના હતા ત્યારે એમની માતાના કબાટમાંથી મળેલા હઠયોગનું પુસ્તક વાંચ્યા પછી એમનું જીવન બદલાઈ ગયું હતું. સાધ્વીના જણાવ્યા પ્રમાણે પુસ્તક સંસ્કૃતમાં હતું અને એ વાંચતા એમને બે વર્ષ થયા હતા. આ પુસ્તક વાચ્યા પછી એમની વિચારધારા સંપૂર્ણપણે બદલાઈ ગઈ. દર રવિવારે ચર્ચમાં જનાર એન્જેલાએ સનાતન ધર્મવિશે વાંચ્યું. ત્રણ વર્ષ સુધી એમણે સનાતન ધર્મનો અભ્યાસ કર્યો. ૧૯૯૪માં તેઓ પહેલી વાર ભારત આવ્યા અને વિવિધ ધાર્મિક સ્થળોની યાત્રાએ ગયા. ૨૪ વર્ષની ઉંમરે એન્જેલાએ પોતાનું નામ બદલીને અંજનાગીરી કર્યું અને હિન્દુધર્મ અંગીકાર કર્યો હતો.

અખિલેશને કૃષ્ણના વંશજ, ભાજપ કૌરવસેના : સપા સાંસદ

સમાજવાદી પાર્ટીના સાંસદ વીરેન્દ્ર સિંહે મિલ્કીપુર વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર વખતે હિન્દુત્વનું કાર્ડ આગળ કરીને અખિલેશ યાજવને કૃષ્ણના વંશજ ગણાવ્યા હતા. સપા સાંસદે કહ્યું કે અખિલેશ યાદવ પાસે કૃષ્ણના ડીએનએ છે. બીજી તરફ ભાજપની સરખામણી કૌરવો સાથે કરીને મહાભારતમાં કૃષ્ણના નેતૃત્વમાં પાંડવોની જીત થઈ હતી એમ કહીને સાંસદે દાવો કર્યો હતો કે મિલ્કીપુરની પેટાચૂંટણીમાં સપાના ઉમેદવારનો જ વિજય થશે. ઉલ્લેખનીય છે કે મિલ્કીપુરમાં ૫મી ફેબુ્રઆરીએ પેટાચૂંટણીનું મતદાન થશે. કોંગ્રેસે સપાના ઉમેદવારને સમર્થન આપ્યું છે. 

૨૫ વર્ષની યુવતીઓ બાળકોને જન્મ આપે, લાખોનું ઈનામ મેળવે : રશિયા

રશિયામાં જન્મદર ઘટયો છે. જાપાનની જેમ એક તબક્કે વસતિનો મોટો ભાગ વૃદ્ધ ન થઈ જાય તે માટે રશિયા અત્યારથી પ્લાનિંગ કરે છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને થોડા સમય પહેલાં જાહેરાત કરી હતી કે જે કપલ પહેલી ડેટ પર જશે એનો ખર્ચ સરકાર ઉઠાવશે. હવે નવી જાહેરાત સરકારના પ્રવક્તા દિમિત્રી પેસકોવે જાહેરાત કરી કે જે રશિયન યુવતી ૨૫ વર્ષની નીચેની વયે સ્વસ્થ બાળકને જન્મ આપશે તેને સરકાર એક લાખ રૂબલ (અંદાજે લાખ રૂપિયા)નું ઈનામ આપશે. આ યુવતીઓ કોલેજ સ્ટૂડન્ટ્સ હોવી જોઈએ. રશિયાની સરકાર માને છે કે કોલેજ સ્ટૂડન્ટ્સને બાળકો પેદા કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે તો રશિયાને સ્વસ્થ અને ફિટ ભાવિ પેઢી મળશે.

ચંદીગઢના ચીફ એડવાઈઝરનું પદ નાબુદ થતાં વિપક્ષે કેન્દ્રની ટીકા કરી

ચંદીગઢમાં ચીફ એડવાઈઝરની પોસ્ટ કેન્દ્ર સરકારે નાબુદ કરી દીધી છે. તેના બદલે ચીફ સેક્રેટરીની પોસ્ટ રિપ્લેસ કરી દીધી છે. એ મુદ્દે રાજકારણ શરૂ થયું છે. ચંદીગઢમાં ૪૦ વર્ષથી ચીફ એડવાઈઝર યાને પ્રશાસકનું પદ હતું. ચંદીગઢમાં ચીફ એડવાઈઝરને બદલે મુખ્ય સચિવના પદને પંજાબ સરકારે પંજાબ વિરોધી ગણાવ્યું હતું. પંજાબની આમ આદમી પાર્ટી ઉપરાંત કોંગ્રેસ અને અકાલી દળે પણ આનો વિરોધ કર્યો હતો. ચંદીગઢ પંજાબ અને હરિયાણાની સંયુક્ત રાજધાની છે એટલે એમાં મુખ્ય સચિવને બદલે ચીફ એડવાઈઝરની જ નિમણૂક થતી આવે છે.

બ્રિટનના વિખ્યાત પત્રકારે મનમોહન સિંહને ભારતના શિલ્પી ગણાવ્યા

બ્રિટનના જાણીતા પત્રકાર અને અર્થશાસ્ત્રના નિષ્ણાત માર્ટિન વૂલ્ફે મનમોહન સિંહ પર વિશેષ લેખ લખ્યો હતો. બ્રિટનના આ પત્રકારે મનમોહન સિંહને દેશના અર્થતંત્રના શિલ્પી ગણાવીને લખ્યું કે મનમોહન સિંહ મોડર્ન સમયના સૌથી શ્રેષ્ઠ પોલિસીમેકર હતા. તેમણે મનમોહન સિંહને બુદ્ધિશાળી નેતા અને સન્માનનીય અર્થશાસ્ત્રી ગણાવ્યા હતા. તેમણે લખ્યું કે હું જેટલા લોકોને ઓળખું છું એમાંથી મનમોહન સિંહ સૌથી મહાન ઈન્સાન હતા.

પંજાબના રાજકીય સમીકરણો બદલાશે : મોટા પરિવર્તનના સંકેતો

પંજાબના રાજકારણમાં શિરોમણી અકાલી દળનો દબદબો રહેતો આવ્યો છે, પરંતુ થોડા સમયથી અકાલી દળનો કરિશ્મા પહેલા જેવો રહ્યો નથી. તેના વિકલ્પમાં પંજાબમાં કટ્ટરવાદી વિચારધારાના નેતાઓ લોકપ્રિય થઈ રહ્યા છે. જેમાં અમૃતપાલ સિંહ જેવાનો સમાવેશ થાય છે. અલગતાવાદી વિચારધારા ધરાવતા અમૃતપાલને લોકસભાના સાંસદ તરીકે ચૂંટાવામાં સફળતા મળી પછી એક શિરોમણી અકાલી દળ (આનંદપુર સાહિબ) નામની પાર્ટી બનાવવાની તજવીજ શરૂ થઈ છે. તેને શિરોમણી અકાલી દળના વિકલ્પે અકાલ તખ્તનો પણ ટેકો મળશે એવું કહેવાય છે. 

- ઈન્દર સાહની


Google NewsGoogle News