આરોપીની ધરપકડ માટે કારણ બતાવવું બંધારણીય રીતે જરૂરી : સુપ્રિમ કોર્ટ
નવીદિલ્હી: સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે કોઈપણ આરોપીની ધરપકડ વખતે કયા કારણસર એની ધરપકડ થાય છે એ બતાવવું જરૂરી છે. આ કોઈ ઔપચારીકતા નથી, પરંતુ વ્યક્તિનો બંધારણીય હક છે. જો પોલીસ તરફથી આ બાબતે અમલ નહી થાય તો બંધારણની કલમ ૨૨ હેઠળ મૂળભૂત અધિકારનો ભંગ ગણાશે. જસ્ટીસ અભય એસ ઓકા અને જસ્ટીસ એન કોટીશ્વર સિંહની બેન્ચે ટીપ્પણી કરી છે કે, જેમની ધરપકડ થઈ હોય એવી દરેક વ્યક્તિને જાણવાનો અધિકાર છે કે કયા ગુના હેઠળ એમને પકડવામાં આવ્યા છે. આર્થિક કૌભાંડના મામલે વિહાનકુમારની ધરપકડ થઈ હતી અને એ બાબતે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થઈ રહી હતી. બેન્ચે વિહાનકુમારની ધરપકડને ગેરબંધારણીય ગણાવી છે.
મંત્રી ધનંજયના સાથી કરાડનો નાર્કોટેસ્ટ કરાવો : ભાજપના ધારાસભ્ય
ભાજપના ધારાસભ્ય સુરેશ ઘસએ વાલ્મીક કરાડનો નાર્ર્કોટેસ્ટ કરાવવાની માંગણી કરી છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લાના મસાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યા અને ખંડણી વસુલ કરવાના આરોપમાં જેલમાં છે. મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડે અને કરાડ વચ્ચે અંગત સંબંધ હોવાનું કહેવાય છે. અન્ન અને પુરવઠા મંત્રી મુંડે બીડ જિલ્લાના ધારાસભ્ય છે. તેઓ એનસીપી (અજીત પવાર)ની ટીકીટ પર ચૂંટણી લડયા હતા. સરપંચની હત્યા પછી એમની સતત ટીકા થઈ રહી છે. વિપક્ષના નેતાઓ સરપંચની હત્યાની નિષ્પક્ષ તપાસ કરાવવા માટે મુંડેના મંત્રીપદેથી હટાવવાની માંગણી કરી રહ્યા છે.
મહાકુંભ માટે આજથી ત્રણ હજાર વધારાની બસો દોડાવાશે
મહાકુંભમાં સ્નાન કરવા આવનાર શ્રદ્ધાળુઓની સુવિધા માટે યુપી રોડવેઝે બસ સુવિધામાં વધારો કર્યો છે. જે રીતે શ્રદ્ધાળુઓનો ધસારો વધી રહ્યો છે એ જોતા આજથી ૨૬ ફેબુ્રઆરી સુધી ત્રણ હજારથી વધુ બસો દોડાવવામાં આવશે. આ બસો કોઈ ચોક્કસ સ્ટેશનેથી નહીં, પરંતુ જરૂરીયાત પ્રમાણે ચલાવાશે. ૧૨ અને ૨૬ ફેબુ્રઆરીએ અમૃત સ્નાન હોવાથી વધારાના ધસારાને પહોંચી વળવા ઉત્તર પ્રદેશ સરકાર ખાનગી વાહનોનો ઉપયોગ પણ વધારી શકે છે. મહાકુંભના ૨૬ દિવસમાં ૪૦ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું છે. મહાકુંભ હજી ૧૮ દિવસ સુધી ચાલવાનો છે.
આતંકવાદી તહવ્વુર રાણાનું પ્રત્યાર્પણ ફરીથી ઘોંચમાં
થોડા દિવસો પહેલાં ભારતના વિદેશ મંત્રાલયે જોરશોરથી ઘોષણા કરી હતી કે, મુંબઈ આતંકવાદી હુમલા માટે જવાબદાર આતંકવાદી તહવ્વુર રાણાને અમેરીકાથી ભારત લાવવામાં આવશે. જોકે હજી સુધી અમેરીકાએ તહવ્વુર રાણાને ભારતને સોંપ્યો નથી. હવે વિદેશ મંત્રાલયના અધિકારીઓ કહી રહ્યા છે કે, તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની વ્યવસ્થા કરવા માટે ભારતના અધિકારીઓ અમેરીકાના અધિકારીઓ સાથે સંપર્કમાં છે. એક તરફ વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિક્રમ મીસ્ત્રી કહી રહ્યા છે કે, તહવ્વુર રાણાએ અમેરીકામાં તમામ કાનૂની દાવપેચ ખેલ્યા, પરંતુ એને હાર મળી છે. બીજી તરફ તેઓ જવાબ આપી શકતા નથી કે, તહવ્વુર રાણા અમેરીકાની ઉચ્ચ અદાલતમાં હારી ગયા હોય તો હજી સુધી એને ભારત લાવીને એના પર ખટલો શા માટે ચલાવવામાં આવતો નથી.
મહેબુબા મુફતી ફરીથી નજર કેદ કેમ
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતીના પુત્રી ઇલ્તીઝા મુફતીએ કહ્યું છે કે, એમને અને એમની માતાને ફરીથી નજર કેદ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ એમના ઘર તાળાથી બંધ કરી દીધા છે. ઇલ્તીઝાએ સોશિયલ મીડિયા એક્સ પર ઘર બહાર લાગેલા તાળાના ફોટોગ્રાફ્સ પણ શેર કર્યા છે. ઇલ્તીઝાનું કહેવું છે કે ચૂંટણી પછી પણ કાશ્મીરની પરિસ્થિતિ બદલાઈ નથી. પીડિતોના પરીવારને આશ્વાસન આપવું પણ ગુનો બની ગયું છે. લશ્કર સાથેના એન્કાઉન્ટરમાં મરનાર વસીમ મીરના કુટુંબીઓને આશ્વાસન આપવા માટે પીડિપીના ચીફ મહેબુબા સોપોર જવાના હતા. મહેબુબાનું માનવું છે કે, વસીમ મીરની હત્યા ભારતીય લશ્કરે કરી છે. જમ્મુ-કાશ્મીરની સરકારે આગોતરા પગલાં તરીકે મા-બેટીને નજર કેદ કર્યા છે.
વધતી ગરમીને કારણે પક્ષીઓના જીવવાની શક્યતા ૬૩ ટકા ઘટી ગઈ
ગ્લોબલ વોર્મિંગની અસર વિશ્વના દરેક ક્ષેત્રમાં જોવા મળી રહી છે. પૃથ્વી ગરમ થઈ રહી છે એને કારણે પક્ષીઓના અસ્તિત્વ સામે ખતરો ઉભો થયો છે. ગ્લોબલ વોર્મિંગને કારણે પક્ષીઓના જીવવાની શક્યતા ૬૩ ટકા ઘટી ગઈ છે. સંશોધકોએ દૂરના જંગલોમાં રહેતા પક્ષીઓ પર અભ્યાસ કર્યો છે. સંશોધકોનું કહેવું છે કે, જે વિસ્તારોમાં ગરમીમાં વધારો થયો છે ત્યાં વનસ્પતિ અને જનાવરોની જિંદગીમાં ફેરફાર દેખાઈ રહ્યો છે. પક્ષીઓ માટે પણ વાતાવણ બગડી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગને કારણે પક્ષીઓની ૨૯ પ્રજાતીઓમાંથી ૨૪ પ્રજાતીઓની જીવવાની ક્ષમતામાં ઘટાડો થઈ ગયો છે. દુનિયાભરમાં સરેરાશ ૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થતા પક્ષીઓની જીવવાની શક્યતા ૬૩ ટકા ઘટી ગઈ છે.
દિલ્હીની ચૂંટણીમાં આપના પરાજયમાં કોંગ્રેસની ભૂમિકા
દિલ્હી વિધાનસભાના પરિણામોના વિશ્લેષણથી જણાય છે કે ૧૩ બેઠકો પર કોંગ્રેસે આમ આદમી પાર્ટી (આપ)ના પરાજયના તફાવતથી વધુ મતો મેળવ્યા હતા જ્યારે એક બેઠકમાં તો તેણે આપને ત્રીજા સ્થાને ધકેલી દીધી હતી જેના પરિણામે ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ, ભૂતપૂર્વ ડેપ્યુટી મુખ્ય મંત્રી મનિષ સિસોદિયા તેમજ સૌરભ ભારદ્વાજ સહિત આપના અન્ય દિગ્ગજોએ પરાજયનો સામનો કરવો પડયો. દિલ્હીના પરિણામો પછી સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સહિત ઈન્ડી ગઠબંધનના અન્ય ઘટકોએ કેજરીવાલની મહત્વની લડાઈમાં આપને લક્ષ્યાંક બનાવવાની કોંગ્રેસની નીતિની ટીકા કરી છે. સપાના પ્રવક્તા ફખરુલ હસન ચાંદે જણાવ્યું કે ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ પક્ષ ભાજપની ભાષા બોલી રહ્યો હતો અને તેને ભાજપને પરાજિત કરવામાં કોઈ રસ નહોતો, તે દિલ્હીમાં માત્ર પોતાનું ખોવાયેલું સ્થાન પાછું મેળવવામાં વ્યસ્ત રહ્યો.
આપના પરાજયથી પંજાબ અને ભગવંત માનને ઈશારો
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આપના રકાસની અસર પંજાબમાં પણ થઈ શકે છે જે હવે આપ શાસિત એકમાત્ર રાજ્ય રહ્યું છે. નિષ્ણાંતોના મતે ભગવંત માનનું ભાવિ નક્કી કરતા નિર્ણયો અને આપના ટોચના નેતાઓની દખલગીરી પંજાબમાં આગામી દિવસોમાં રાજકીય ઉથલપાથલ સર્જી શકે. ઈન્સ્ટિટયુટ ઓફ ડેવલપમેન્ટ એન્ડ કોમ્યુનિકેશન (આઈડીસી)ના ડાયરેક્ટના મતે પંજાબ હવે પછી ઈલેક્શન મોડમાં આવી જશે. દિલ્હીના પરિણામ પછી આપએ હવે પંજાબમાં ૨૦૨૭ની ચૂંટણી માટે પોતાની વ્યૂહરચના બદલવી પડશે. પંજાબમાં તેમણે દિલ્હી મોડલનું વચન આપ્યું હતું પણ દિલ્હી મોડલ નિષ્ફળ ગયું હોવાથી આપ માટે નવા પડકાર સર્જાયા છે.
પરવેશ વર્માની પુત્રીઓએ મતદારોનો આભાર માન્યો
આપના સુપ્રીમો કેજરીવાલને પરાજિત કરીને ભાજપના પરવેશ વર્મા જાયન્ટ કિલર તરીકે ઊભરી આવ્યા છે. આ ઐતિહાસીક વિજય પછી વર્માની પુત્રી સનિધિએ ઉત્સાહિત થઈને પોતાની ખુશી વ્યક્ત કરતા દિલ્હીના મતદારોનો આભાર માનતા જણાવ્યું કે અમે પાર્ટીએ સોંપેલી તમામ જવાબદારી નિષ્ઠાથી નિભાવશું. વર્માની અન્ય પુત્રી ત્રિશાએ પણ મતદારોનો આભાર માનતા આપ સામે કટાક્ષ કર્યો હતો કે દિલ્હીના લોકો જૂઠુ બોલનારને ફરી તક નહિ આપે.
સ્વાતિ માલીવાલે આતિશીની ઉજવણીની ઝાટકણી કાઢી
રાજ્ય સભાની સાંસદ સ્વાતિ માલીવાલએ આપના પરાજય છતાં દિલ્હીની ભૂતપૂર્વ મુખ્ય મંત્રી આતિશીએ કાલકાજી મતદાર સંઘમાં વિજય પછી ઉજવણી કરવા બદલ જોરદાર ટીકા કરી હતી. સ્વાતિ માલીવાલે ટેકેદારો સાથે નૃત્ય કરતી આતિશીનો વીડિયો શેર કરીને તેને શર્મજનક પ્રદર્શન તરીકે ગણાવ્યો હતો. સ્વાતિએ સવાલ ઉપસ્થિત કર્યો હતો કે પક્ષ પરાજિત થયો, તમામ અગ્રણી નેતા પરાજિત થયા ત્યારે આતિશી મારલેના આવી રીતે વિજયની ઉજવણી કરી રહી છે?
- ઈન્દર સાહની