દિલ્હીની વાત : પી.વી.-ચૌધરીને ભારતરત્ન, આંધ્ર-યુપીમાં ભાજપને ફાયદો
નવીદિલ્હી : નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાનો પી.વી. નરસિંહરાવ અને ચૌધરી ચરણસિંહને ભારતરત્ન આપવાની જાહેરાત કરીને વધુ એક રાજકીય દાવ ખેલી નાંખ્યો. નરસિહરાવને ભારતરત્ન આંધ્ર પ્રદેશમાં ભાજપ, ટીડીપી અને પવન કલ્યાણની જનસેનાને મોટો મુદ્દો આપવા અપાયો છે જ્યારે ચૌધરી ચરણસિંહને ભારતરત્ન જ્યંત ચૌધરીના રાષ્ટ્રીય લોકદળને ભાજપ તરફ ખેંચવા અપાયો છે. કૃષિવિજ્ઞાાની એમ. એસ. સ્વામીનાથનને ભારતરત્ન લાયકાતના ધોરણે અપાયો છે.
ઉત્તર પ્રદેશમાં જાટ મતદારો પર પ્રભુત્વ ધરાવતા જ્યંતે પોતાના દાદા ચૌધરી ચરણસિંહને ભારતરત્ન આપવાની માગ મૂકી હોવાનું કહેવાય છે. મોદીએ આ માગ સ્વીકારીને ભાજપ-આરએલડીનું જોડાણ કરવાનો રસ્તો ખોલી દીધો છે. ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, જ્યંત ચૌધરીને ભાજપે માત્ર બે બેઠકો ઓફર કરેલી તેથી જ્યંત આઘાપાછા થતા હતા. જ્યંતની પાર્ટીની માગણી ૧૨ બેઠકોની હતી પણ હવે દાદાને ભારતરત્ન અપાતાં એ ચાર બેઠકો સ્વીકારીને પણ માની જશે.
આપ કોંગ્રેસ સાથે બેઠકો કરી કરીને થાક્યો
આમ આદમી પાર્ટીએ આસામમાં લોકસભાની ચૂંટણી માટે વધુ ત્રણ નામોની જાહેરાત કરીને ભાજપ વિરોધી મોરચા ઈન્ડિયામાંથી ખસી જવાના સંકેત આપ દીધા છે. આમ આદમી પાર્ટીએ દિબુ્રગઢ, ગુવાહાટી અને સોનિતપુર-તેઝપુર એ ત્રણ બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા છે. ૨૦૧૯માં આ ત્રણેય બેઠકો ભાજપે બે લાખ કરતાં વધારે માર્જિનથી જીતી હતી.
આ જાહેરાત કરતી વખતે આપના રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકે કરેલા નિવેદનને સૂચક માનવામાં આવે છે. પાઠકે કહ્યું કે, અમે કોંગ્રેસ સાથે બેઠકો કરી કરીને થાકી ગયા પણ કોઈ નિવેડો જ આવતો નથી તેથી અમે અમારી રીતે તૈયારી શરૂ કરી દીધી છે પણ અમે ભાજપ વિરોધી મોરચા ઈન્ડિયા પ્રત્યે સમર્પિત છીએ.
કોંગ્રેસને નેતા સ્વીકારે છે કે, આપ જેવી જ હાલત બધા ભાજપ વિરોધી પક્ષોની છે. કોંગ્રેસે સાથીઓ સાથે ચર્ચા માટે ત્રણ સભ્યોની સમિતી બનાવી પણ તેની પાસે કોઈ સત્તા નથી. બધું સોનિયા-રાહુલને પૂછીને કરવું પડે છે તેની આ મોંકાણ છે.
અકાલી દળ પણ ભાજપ સાથે બેસવા તૈયાર
લોકસભાની ચૂંટણી પહેલાં પંજાબમાં શિરોમણી અકાલી દળ અને ભાજપ વચ્ચેનું જોડાણ પાકું થઈ જશે એવું મનાય છે. કૃષિ કાયદા મુદ્દે એનડીએ છોડનારા અકાલી દળના નેતાઓ સાથે બે રાઉન્ડની વાત થઈ ગઈ છે અને હવે સત્તાવાર જાહેરાત જ બાકી છે એવો ભાજપનાં સૂત્રોનો દાવો છે.
પંજાબમાં અકાલી દળ અને ભાજપ વચ્ચે વરસોથી બેઠકોની ફાળવણી અંગેની સમજૂતી અમલમાં છે તેથી ત્યાં કોઈ સમસ્યા નહોતી પણ અકાલી દળે દિલ્હીમાં પણ એક બેઠકની માગણી કરતાં વાતચીત બીજા રાઉન્ડ સુધી પહોંચી હતી. જો કે ભાજપે દિલ્હીમાં અકાલી દળને કોઈ બેઠક નહીં મળે એ સ્પષ્ટ કરી દીધું છે. પંજાબમાં પહેલાંની ફોર્મ્યુલા પ્રમાણે ભાજપ ૩ અને અકાલી દળ ૧૦ બેઠકો પર લડશે.
ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, પંજાબમાં અકાલી દળને ભાજપના સાથની વધારે જરૂર છે. ભાજપ તો હિંદુઓના વર્ચસ્વવાળી ત્રણ બેઠકો પોતાના જોરે જીતવાનો જ છે.
કમલનાથ 'પંજા'માં 'કમળ'નું ફૂલ પકડવાની વેતરણમાં
ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયને થોડા દિવસ પહેલાં પૂછવામાં આવ્યું: 'શું કમલનાથ ભાજપમાં જોડાશે?' જવાબમાં વિજયવર્ગીયે કહ્યું: 'કોઈ વાસી ફળ શું કામ ખરીદે? કમલનાથ માટે ભાજપના દરવાજા બંધ છે.' આ નિવેદનની પેલે પાર દૃશ્યો કંઈક જુદું બયાન કરી રહ્યાં છે. કમલનાથ કૈલાશ વિજયવર્ગીય કરતાં મોટા નેતાઓ સાથે મુલાકાત કરવા માંડયા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સહિતના નેતાઓને મળી રહ્યા છે. વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે ગૃહમાં પણ કમલનાથ બહુ ઉષ્માભારે ભાજપના નેતાઓને મળી રહ્યા છે. ત્યારે એવી અટકળોએ જોર પકડયું છે કે કમલનાથ કમળનું ફૂલ સૂંઘવાની વેતરણમાં છે. લોકસભાની ચૂંટણી પહેલાં કમલનાથ અને તેમનો પુત્ર નકુલનાથ બંને ભાજપમાં એક સાથે આવી જાય તે માટે ફોર્મ્યુલા તૈયાર થઈ ગઈ હોવાનું પણ જાણકારો કહે છે. જો એમ થશે તો મધ્યપ્રદેશ કોંગ્રેસને મોટો ઝટકો લાગશે.
વિશ્વાસના મત પહેલાં માઝીનું ભાજપને અલ્ટિમેટમ
બિહારમાં ૧૨ ફેબુ્રઆરીએ નીતિશ કુમાર વિશ્વાસનો મત લેવાના છે ત્યારે જીતનરામ માંઝી ખેલ કરવાના મૂડમાં હોવાની વાતોથી જેડીયુ-ભાજપ કેમ્પમાં ચિંતા છે. નવી સરકારમાં મંત્રીપદની ફાળવણીના મુદ્દે માંઝી સ્પષ્ટ રીતે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. સૂત્રોનું કહેવું છે કે, માંઝીએ વિશ્વાસના મત પહેલાં પોતાની બે મંત્રીપદની માગણી અંગે નિર્ણય લેવા ભાજપ હાઈકમાન્ડને અલ્ટિમેટમ આપ્યું છે.
માંઝીએ લોકસભાની ચૂંટણીમાં પણ ચાર બેઠકોથી ઓછું પોતાને કંઈ ખપે નહીં એ સ્પષ્ટ કરી દીધું છે. માંઝીની નજીકનાં સૂત્રોના કહેવા પ્રમાણે, ભાજપે માંઝીને ચાર બેઠકો આપવાનું વચન આપ્યું હતું. નીતિશ કુમારના આગમન પછી ભાજપ તેમાં કાપ મૂકવા વિચારી રહ્યો છે એ ખોટું છે. ભાજપે પોતાનું વચન પાળીને પોતાના ક્વોટામાંથી પણ બેઠકો આપવી જોઈએ એવો માંઝીનો દાવો છે.
ભાજપના નેતા માને છે કે, માંઝીને દુ:ખે છે પેટ અને કૂટે છે માથું. મૂળ તેમનો વાંધો નીતિશ સામે છે તેથી કૂદાકૂદ કરે છે.
હેમંત સોરેનના છેડા ધીરજ સાહુ સુધી પહોંચ્યા
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના તાર કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુ સુધી પહોંચતાં સોરેનની સાથે સાથે સાહુની મુશ્કેલી પણ વધે એવાં એંધાણ છે. થોડા મહિના પહેલાં સાહુને ત્યાંથી ૩૫૧ કરોડ રૂપિયા રોકડા મળતાં ખળભળાટ મચ્યો હતો.
હવે હેમંત સોરેનના ઘરેથી મળેલી લક્ઝુરીયસ કાર સાહન કંપનીની હોવાનું બહાર આવતાં બંને વચ્ચેના સંબંધો સ્થાપિત થઈ ગયા હોવાનું ઈડી માને છે. આ સ્થિતીમાં સાહુને ત્યાંથી મળેલી રોકડ સાથે સોરેનને કોઈ લેવાદેવા છે કે નહીં તેની તપાસ શરૂ કરાઈ હોવાનું કહેવાય છે. ઈડી આ મુદ્દે સાહુની પણ પૂછપરછ કરી શકે છે. સોરેને કરેલાં જમીન કૌભાંડમાં સાહુની સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ કરાશે.
સાહુની નજીકનાં સૂત્રોનું કહેવું છે કે, સોરેન ઝારખંડના મુખ્યમંત્રી હતા એ જોતાં સાહુની કંપનીની કાર સીએમ હાઉસમાંથી મળી એ મોટી વાત નથી. તેના કારણે સોરેન-સાહુ મળેલા છે એવું સાબિત થતું નથી.
વ્હાઈટ વર્સીસ બ્લેક પેપર, કોંગ્રેસ નબળી સાબિત થઈ
કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બ્લેક એન્ડ વ્હાઈટ પેપરનું યુધ્ધ જામ્યું છે. ભાજપે કોંગ્રેેસના નેતૃત્વ હેઠળા યુપીએ શાસનના દસ વર્ષમાં આર્થિક મોરચે લેવાયેલા નિર્ણયો અને ભ્રષ્ટાચારને મુદ્દો બનાવ્યો છે જ્યારે કોંગ્રેસે ભાજપના કાર્યકાળમાં લોકશાહીની હત્યા કરાઈ હોવાના મુદ્દાને ચગાવ્યો છે.
કોંગ્રેસના નેતા માને છે કે, કોંગ્રેેસ નેતાગીરી ભાજપ સામેની વ્યૂહરચનામાં ફરી નબળી સાબિત થઈ છે. ભાજપે ભ્રષ્ટાચારના મુદ્દાને ઉઠાવ્યો છે કે જે લોકોને વધારે સ્પર્શે છે. ટેલીકોમ, કોલસા, કોમનવેલ્થ ગેમ્સ વગેરેનાં કૌભાંડોમાં લાખો કરોડ રૂપિયાના આંકડા આપીને ભાજપે કોંગ્રેેસે બેફામ ભ્રષ્ટાચાર કરેલો એવું ચિત્ર ઉભું કર્યું છે. સામે કોંગ્રેસના બ્લેક પેપરમાં એવા કોઈ નક્કર આંકડા જ નથી. ભાજપે ૪૦૦ કરતાં વધારે ધારાસભ્યોને તોડયા એવી ઉપરછલ્લી વાતો છે. કોંગ્રેસે ભાજપ સામે લડવું હોય તો નક્કર મુદ્દા સાથે ઉતરવું પડે પણ કોંગ્રેસ પાસે એવો મુદ્દો જ નથી એ બ્લેક પેપરે સાબિત કરી દીધું છે.
***
ડો. મનમોહનસિંઘની નિવૃત્તિની શકયતા
૯૧ વર્ષના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંઘ માટે નાજુક તબિયતના પગલે સંસદીય પ્રતિનિધિ તરીકેની કામગીરી ખૂબ મૂશ્કેલ બની રહી હોવાથી તેઓ પાંચ દાયકા લાંબી કારકિર્દી પછી જાહેર જીવનમાંથી નિવૃત્તિ લે એવી શકયતા છે. ૧૯૯૧ થી રાજયસભાના સભ્ય બની રહેલા ડો. સિંઘની વર્તમાન મુદત આગામી એપ્રિલ મહિનામાં પૂર્ણ થશે. છેલ્લે, સંસદના શિયાળુ સત્રમાં એક દિવસ માટે તેઓ ગૃહમાં આવી શકયા હતા. તેઓ માનસિક સ્વસ્થ છે, પરંતુ હલનચલનમાં મુશ્કેલી અનુભવે છે. કોંગ્રેસે ડો. મનમોહનસિંઘની સંભવિત નિવૃત્તિ વિષે કંઇ કહેવાનું ટાળ્યું છે.
લોકદળના ધારાસભ્યો રામલલ્લાના દર્શને જશે
ઉત્તર પ્રદેશનો રાષ્ટ્રીય લોકદળ (આરએલડી) પક્ષ ભાજપ સાથે સંભવિત ચૂંટણી જોડાણ માટે ચર્ચા યોજે એવી ધારણા વચ્ચે લોકદળે ભગવાન રામલલ્લાના દર્શનના કાર્યક્રમ સંદર્ભે એના વર્તમાન સહયોગી પક્ષ સમાજવાદી પક્ષ કરતાં ચીલો ચાતર્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ૨ ફેબુ્રઆરીએ રાજયના બધા ધારાસભ્યોને ભગવાનના દર્શનાર્થે તા.૧૧ ફેબુ્રઆરીએ અયોધ્યાની મુલાકાત માટે નિમંત્રણ આપ્યું છે. સમાજવાદી પક્ષે આમંત્રણનો અસ્વીકાર કર્યો છે, જયારે લોકદળે આમંત્રણ સ્વીકારી અયોધ્યાની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે.
ઇડીનો મારી સાથે ત્રાસવાદી જેવો વ્યવહાર : કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર નવેસરથી કરેલા હુમલામાં જણાવ્યું કે પોતે જાણે ખૂંખાર ત્રાસવાદી હોય એ રીતે કેન્દ્ર એના ઇડી, સીબીઆઇ અને દિલ્હી પોલીસ જેવા બધા સત્તા-સાધનોનો મારી સામે છૂટથી દુરુપયોગ કરી રહ્યું છે. એમણે દિલ્હી સ્થિત દ્વારકામાં એક કાર્યક્રમમાં જણાવ્યું કે કેન્દ્ર દ્વારા તાજેતરમાં મારી સામે અનેક આક્ષેપો કરાયા છે, ઢગલાબંધ કેસ નોંધાયા છે. ઇડી અને દિલ્હી પોલીસ જેવી એજન્સીઓ મારી પાછળ પડીગઇ છે- જાણે હું ખતરનાક ત્રાસવાદી ના હોઉઁ, એમ આપ નેતાએ ઉમેર્યું.
આપના ઉમેદવારો ઘોષિત, ઇન્ડિયાને આકરો ઝટકો
આસામમાં લોકસભા ચૂંંટણી માટે કોંગ્રેસ સાથે કરાયેલી બેઠક- વહેંચણી સંબંધી વાટાઘાટોનું કોઇ ફળદાયી પરિણામ નહિ આવતા, ચૂંટણીની તૈયારી માટે ઘણો ઓછો સમય બચ્યો હોવાનું જણાવીને આપ મહામંત્રી (સંગઠન) સંદીપ પાઠકે ગુરુવારે દિબુ્રગઢ, ગુવાહાટિ, અને સોનિતપુર સંસદીય બેઠકો માટે પોતાના પક્ષના ઉમેદવારોના નામ જાહેર કરતા ઇન્ડિયા વિપક્ષી મોરચાને વધુ એક ફટકો પડયો છે. હાલમાં ઉપરોકત ત્રણ બેઠકો રાજયના શાસક પક્ષ ભાજપ પાસે છે.
સલમાન ખુરશિદના પત્ની સામે પકડ- વોરંટ
ઉત્તર પ્રદેશના બરેલીસ્થિત સાંસદ- ધારાસભ્ય કોર્ટે સરકારી ભંડોળના દુરુપયોગઅંગે થયેલા કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુરશિદના પત્ની લુઇસ ખુરશિદ સામે ધરપકડનું વોરંટ કાઢયું છે, જેની સુનાવણી ૧૬ ફેબુ્રઆરીએ થશે. લુઇસ ઉપરાંત અન્ય એક વ્યકિત સામે પણ આવું વોરંટ નીકળ્યું છે. દેશના તૃતીય રાષ્ટ્રપતિ અને ખુરશિદના દાદાજી ડો. ઝાકિર હુસેનની યાદમાં રચાયેલા ડો. ઝાકિર હુસેન મેમોરિયલ ટ્રસ્ટ સામે આક્ષેપ છે કે એણે૭૧ લાખ રૂપિયા જેટલી સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કર્યો છે.
- ઇન્દર સાહની