દિલ્હીની વાત : યુપીની ચૂંટણી માટે મોદી પોતે મેદાનમાં
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ભાજપને જીત અપાવવા માટે મોદી પોતે મેદાનમાં આવ્યા છે. મોદીએ પોતાની મોબાઈલ એપ્લિકેશન પર આ ચૂંટણીમાં ક્યા મુદ્દા મહત્વના છે તે અંગે લોકો પાસેથી સીધો ફીડબેક માંગ્યો છે. આ પ્રકારના રાજકીય સર્વે વચ્ચે વડાપ્રધાને ઈલેક્શનનો એજન્ડા સેટ કરી દીધો છે.
મોદીએ કોરોના સામે લડવામાં સરકારની કામગીરી, કલમ ૩૭૦ અને રામમદિરના નિર્માણ જેવા પોતાની સરકારે લીધેલાં પગલાં અંગે તો લોકોના અભિપ્રાય માંગ્યા જ છે પણ રાજકીય બાબતો અંગે પણ અભિપ્રાય માંગ્યા છે. વિપક્ષી એકતાની તમારા મતવિસ્તાર પર અસર પડશે એવા મુદ્દે પણ ફીડબેક માંગ્યા છે.
સૌથી મોટી વાત એ છે કે, મોદીએ સીધો સવાલ પૂછયો છે કે, તમે નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય નેતૃત્વના આધારે મતદાન કરશો કે પછી રાજ્ય કક્ષાના કે સ્થાનિક મુદ્દાને આધારે મતદાન કરશે ? આ સિવાય ઉમેદવારો નક્કી કરવામાં મદદરૂપ થાય એવા સવાલો પણ પૂછયા છે.
કેન્દ્રનાં ઘોડા છૂટયા પછી તબેલાંને તાળાં
દેશની ટોચની ખાનગી ટેલીકોમ ઓપરેટર કંપની ડૂબવાના આરે આવીને ઉભી રહેતાં સફાળી જાગેલી મોદી સરકારે ટેલીકોમ ક્ષેત્રને બેઠું કરવા રીવાઈવલ પેકેજ જાહેર કરવાની ક્વાયત શરૂ કરી છે.
પીએમઓ દ્વારા ટેલીકોમ્યુનિકેશન ડીપોર્ટમેન્ટને આ પેકેજની દરખાસ્તો તૈયાર કરીને ઝડપથી રજૂ કરવા કહી દેવાયું છે. સરકારે રેવન્યુ શેર લાયસંસ ફીમાં ઘટાડાને આધાર બનાવીને ભલામણ કરવાની સ્પષ્ટ સૂચના આપી છે.
એકાદ અઠવાડિયામાં આ દરખાસ્તો આવી જાય પછી ઈન્ટર-મિનિસ્ટરીયલ ગ્રુપને દરખાસ્તો આપી દેવાશે. ગ્રુપ આ દરખાસ્તોને અંતિમ સ્વરૂપ આપે પછી કેબિનેટ તેને મંજૂરી આપશે. ઓગસ્ટના અંત સુધીમાં આ પ્રક્રિયા સમેટી લેવા કહી દેવાયું છે.
આર્થિક નિષ્ણાતોના મતે, સરકારની આ ક્વાયત ઘોડા છૂટી ગયા પછી તબેલાંને તાળાં મારવા જેવી છે. ટ્રાઈએ છેક જાન્યુઆરી ૨૦૧૫માં કેન્દ્રને આ પ્રકારની ભલામણો કરી હતી પણ તેના પર કોઈ પગલાં ના લેવાયાં. હવે ખાનગી કંપની ડૂબવાથી સરકાર તથા બેંકોને અબજો રૂપિયાનો ફટકો પડવાનો છે ત્યારે સરકાર રઘવાયી થઈ છે ત્યારે બહુ મોડું થઈ ગયું છે.
ભાજપના નાયબ દંડકોમાં પણ જ્ઞાાતિનાં સમીકરણ
ઉત્તર પ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે લોકસભામાં છ નવા નાયબ દંડક નિમી દીધા છે. આ છ નાયબ દંડકોમાંથી ચાર તો ઉત્તર પ્રદેશના છે. સતિષ ગૌતમ, ડો. સંઘમિત્ર ગૌતમ, અનુરાગ શર્મા અને પુષ્પેન્દ્રસિંહ ચંદેલ યુપીના ચાર અલગ અલગ વિસ્તારોની લોકસભા બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે. આ નિમણૂકમાં ભાજપ દ્વારા યુપીના ચારેય ઝોનનું ધ્યાન રખાયું છે.
ભાજપ દ્વારા યુપીનાં જ્ઞાાતિનાં સમીકરણોને પણ ધ્યાનમાં રખાયાં છે. સતિષ ગૌતમ જાટ છે જ્યારે સંઘપ્રિયા દલિત, અનુરાગ શર્મા બ્રાહ્મણ અને પુષ્પેન્દ્રસિંહ ઠાકુર છે.
ભાજપ સવર્ણો અને દલિત મતબેંક પર આધારિત હોવાથી તેમને મહત્વ અપાયું છે. આ છ દંડકને મદદ કરવા બે-બે સાંસદોની પસંદગી કરાઈ છે ને તેમાંથી છ સાંસદ પણ યુપીના જ છે.
ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, યુપીમાં ફરી જીતવામાં ભાજપ કોઈ કસર નથી છોડવા માગતો. યુપીને ધ્યાનમાં રાખીને હજુ બીજી પણ નિમણૂકો થશે કે જેથી યુપીમાં ભાજપના વફાદાર મતદારોમાં કોઈ પ્રકારનો અસંતોષ ના રહે અને મતદારો બીજા પક્ષો તરફ ના વળે.
રમતવીરોને આવકારવા કોઈ પ્રધાન ના આવ્યો
ઓલિમ્પિક્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપરા સહિતના રમતવીરોને આવકારવા ભાજપે તેજસ્વી સૂર્યાને મોકલ્યા તેની ભારે ટીકા થઈ રહી છે. સરકાર દેશને ગૌરવ અપાવનારા રમતવીરોને ભાજીમૂળા સમજીને તેમની સાથે વર્તી રહી હોવાની કોમેન્ટ્સ થઈ રહી છે.
ચોપરા સહિતના રમતવીરો યશસ્વી દેખાવ પછી સોમવારે દિલ્હી એરપોર્ટ પર આવ્યા ત્યારે તેમને આવકારવા કેન્દ્ર સરકારના કોઈ પ્રધાન કે સ્પોર્ટ્સ મંત્રાલયમાંથી કોઈ ઉચ્ચ અધિકારી હાજર નહોતા. ગોલ્ડ મેડાલિસ્ટ નીરજનું સ્વાગત ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ સૂર્યાએ કર્યું હતું.
સૂર્યા સરકારમાં કોઈ હોદ્દા પર નથી ને સામાન્ય સાંસદ છે. રમતવીરોને આવકારવા એક સાંસદને કઈ રીતે મોકલી શકાય એવો સવાલ લોકો કરી રહ્યા છે. રમતગમત મંત્રીના માથે પણ માછલાં ધોવાઈ રહ્યાં છે.
પાસવાન કાકા-ભત્રીજા વચ્ચે બંગલા માટે જંગ
લોક જનશક્તિ પાર્ટી પર કબજા માટે લડી રહેલા ચિરાગ પાસવાન અને કાકા પશુપતિ પારસ વચ્ચે હવે સરકારી બંગલાના મુદ્દે લડાઈ જામી છે. ચિરાગના પિતા રામવિલાસ પાસવાન કેન્દ્રીય મંત્રી હોવાથી પોશ વિસ્તાર લ્યુટ્ટન્સમાં બંગલો ફાળવાયો હતો. પાસવાનના નિધન પછી ચિરાગ આ બંગલામાં રહેતો હતો.
મોદી સરકારે બંગલો ખાલી કરાવવા કોઈ પગલાં નહોતાં લીધાં પણ એલજેપીમાં ભંગાણ પડયું ને પારસ કેન્દ્રીય મંત્રી બનતાં જ ચિરાગને બંગલો ખાલી કરવા નોટિસ મળી ગઈ છે. આ નોટિસ પાછળ પશુપતિ પારસ હોવાનું કહેવાય છે. કેન્દ્રીય હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મિનિસ્ટ્રીએ પારસને બીજો બંગલો આપવા કહેલું પણ પારસને આ જ બંગલો જોઈએ છે.
બીજી તરફ ચિરાગ હાલમાં બંગલો ખાલી કરવા તૈયાર નથી. ચિરાગે પોતે બિહારમાં યાત્રા કરી રહ્યો હોવાથી બંગલો ખાલી કરવા ઈન્કાર કરી દીધો હતો. તેના પગલે બીજી નોટિસ મળતાં ચિરાગે રામવિલાસની પહેલી પુણ્યતિથી ૮ ઓક્ટોબર સુધી એક્સટેન્શન આપવા અરજી આપી છે પણ પારસનું દબાણ જોતાં અરજી મંજૂર થવાની શક્યતા નહિવત છે.
ગોગોઈને મનાવવા મમતાએ પી.કે.ને જવાબદારી સોંપી
આસામમાં ભાજપને હરાવવા માટે અખિલ ગોગોઈનો સાથ લેવા મમતા બેનરજીએ પ્રશાંત કિશોરને મેદાનમાં ઉતાર્યા છે. પી.કે. છેલ્લા એક અઠવાડિયામાં જ ગોગોઈને ત્રણ વાર મળ્યા છે પણ ગોગોઈએ કોઈ ખાતરી આપી નથી. ગોગોઈને પોતાની તરફ ખેંચવા કોંગ્રેસે પણ બે નવા વરાયેલા કાર્યકારી પ્રમુખ રાણા ગોસ્વામી અને ઝાકીર હુસૈન સિકદારને ગોગોઈ પાસે મોકલ્યા હતા. ગોગોઈએ કોંગ્રેસ સાથે બેસવાની તો ઘસીને ના પાડી દીધી છે.
સૂત્રોનું કહેવું છે કે, મમતા ઈચ્છે છે કે, અખિલની પાર્ટી રાઈજોર દોલનું તૃણમૂલ કોંગ્રેસમાં વિલીનીકરણ કરીને ગોગોઈ તૃણમૂલ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીપદનો ચહેરો બને પણ ગોગોઈને આ વાત મંજૂર નથી.
ગોગોઈએ તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડાણની તૈયારી બતાવી છે. અલબત્ત તેના માટે પણ શરત મૂકી છે કે, ૨૦૨૪માં લોકસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર પોતે કહે તેમને જ જોડાણના ઉમેદવાર બનાવવાના રહેશે. તૃણમૂલની સ્થાનિક નેતાગીરીને આ શરત સામે વાંધો છે તેથી કોકડું ગૂંચવાયું છે. પી.કે. ગોગોઈને નરમ પાડીને વચલો રસ્તો કાઢવા સમજાવશે.
* * *
લાલુના પુત્રો વચ્ચેના જંગથી બિહારમાં રાજકારણ ગરમાયું
લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ યાદવ વચ્ચે પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ બનવા વચ્ચે જંગ ખેલાઈ રહ્યો છે. આરજેડીના વિદ્યાર્થી શાખાએ મહત્ત્વની બેઠક બોલાવી ત્યારે તેના પોસ્ટરોમાંથી તેજસ્વી યાદવનો ચહેરો ગાયબ હતા. આ બેઠકના ચીફ ગેસ્ટ તરીકે તેજપ્રતાપ હતા.
પટણામાં આરજેડીના હેડક્વાર્ટર પર કેટલાક મોટા બેનરો અને પોસ્ટરો મૂકવામાં આવ્યા હતા તેમા લાલુપ્રસાદ યાદવ, બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન રબડી દેવી અને પક્ષના નેતા તેજપ્રતાપ યાદવનો ફોટો હતો. આરજેડીના ઓફિસ હોદ્દેદારો, જિલ્લા પ્રમુખો સ્ટુડન્ટ વિંગની બેઠકમાં હાજર હતા.
સૂત્રોનું કહેવું છે કે તેજપ્રતાપ અંગે અટકળો વધી રહી છે, જે રાજ્યના પ્રદેશ પ્રખુખ જગદાનંદની સતત ટીકા કરી રહ્યા છે અને તેઓ પક્ષની અંદર વધારે મહત્ત્વની ભૂમિકા ભજવવા આતુર છે. તેની સાથે તે નાના ભાઈ તેજસ્વી સાથે સ્પર્ધા કરવા પ્રયત્ન કરી રહ્યા છે જેને મહદ અંશે પક્ષના સ્વીકાર્ય ચહેરા તરીકે માન્યતા મળી ગઈ છે.
આગામી યુપી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કૃષિ કાયદા રદ થઈ શકે
ભાજપના નેતાએ ખેડૂતોના ત્રણ કૃષિ કાયદા સામેના આંદોલનને સમર્થન આપતા જણાવ્યું હતું કે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ કાયદા પાછા ખેંચી શકે છે. ખેડૂતો દ્વારા કરવામાં આવેલી માંગ સાચી છે.
તેથી વિધાનસભા ચૂંટણી અને ખેડૂતોના આક્રોશને ધ્યાનમાં રાખતા મોદી સરકાર નવા કૃષિ કાયદા પાછા ખેંચી શકે છે, એમ યુપીની ભાજપની કાર્યકારી સમિતિના સભ્ય રામ ઇકબાલસિંહે જણાવ્યું હતું.
કૃષિ કાયદા સામેના વિરોધમાં ભાજપના નેતાઓ પશ્ચિમી ઉત્તરપ્રદેશના ગામડામાં પ્રવેશી શકતા નથી. તેમણે ઉમેર્યું હતું કે ભવિષ્યમાં પણ ખેડૂતો આવા ઘેરાવ કરી શકે છે. સંસદમાં પેગાસસ જાસૂસી મુદ્દે ચાલતી મડાગાંઠ અંગે સિંઘે જણાવ્યું હતું કે લોકશાહી દેશમાં વિપક્ષની માંગ અંગે વિચાર કરવો જોઈએ.
સાંસદો અને વિધાનસભ્યો સામેના ફોજદારી કેસમાં 17 ટકા વધારો
વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદો અને વિધાનસભ્યો સામે છેલ્લા બે વર્ષ દરમિયાના પડતર કેસોમાં ૧૭ ટકા વધારો થયો છે. આ દર્શાવે છે કે ગુનો અને રાજકારણ વચ્ચે કેવી સાંઠગાંઠ છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા પાંચ વર્ષથી તેમની સામેની ટ્રાયલને ઝડપી બનાવવાના પ્રયત્નો વચ્ચે કેસો વધ્યા છે. આ ગુનાખોર ઇતિહાસ ધરાવતા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ તેમની પાસેના નાણા અને બાહુબળના જોરે તેમની સામેના કેસની ગતિ ધીમી પાડી દીધી છે.
સાંસદો અને વિધાનસભ્યો માટે સ્પેશ્યલ કોર્ટ, એમિકસ ક્યુરીની સ્થાપના કરીને કેસોની પ્રક્રિયા ઝડપી કરવા અશ્વની ઉપાધ્યાયે અરજી કર્યાને નવ મહિના પછી તેની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ એન વી રમણે હાથ ધરી છે. વરિષ્ઠ વકિલ વિજય હંસારિયાઓ સુપ્રદ કરેલો રિપોર્ટ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે કાર્યવાહીના મોરચે પ્રવર્તતી ખરાબ સ્થિતિને દર્શાવે છે.
અહેવાલ દર્શાવે છે કે નેતાઓ સામેના ટ્રાયલમાં વિલંબ થાય છે. તેમણે જણાવ્યું હતું કે ડિસેમ્બર ૨૦૧૮ના અંતે સાંસદો અને વિધાનસભ્યો સામે પડતર કેસ ૪,૧૨૨ હતા. અપ્કેસ સપ્ટેમ્બર ૨૦૨૦ના અંતે વધીને ૪,૮૫૯ થઈ ગયા હતા. આમ તેમા બે વર્ષમાં ૧૭ ટકાનો વધારો નોંધાયો હતો.
ભારતમાં 2024 સુધીમાં એક હજારની વસ્તીએ એક ડોક્ટર હશે
ભારત ૨૦૨૪ સુધીમાં દર હજારની વસતીએ એક ડોક્ટરની સ્થિતિએ પહોંચી જવાના યોગ્ય માર્ગ પર છે, એમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (હુ)એ વસ્તીના રેશિયો મુજબ આ ભલામણ કરી છે. નીતિ આયોગના સભ્ય ડો. વિનોદ પોલે જણાવ્યું હતું કે આ જ સમયે બેડની સંખ્યા પણ ૧૧ લાખથી વધીને ૨૨ લાખ થઈ જશે.
છેલ્લા ૭૫ વર્ષમાં ભારતે આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ સાધી છે. સ્વતંત્રતા સમયે વ્યક્તિનું સરેરાશ જીવન માંડ ૨૮ વર્ષનું હતું. હવે તે ૭૦ વર્ષની નજીક પહોંચી ગયું છે. જો કે હજી પણ આરોગ્ય સેવામાં લોકોની અપેક્ષાના ધારાધોરણો પૂરા કરવામાં આપણે ઘણા પાછળ છીએ, આ મોટો પડકાર છે એમ પૌલે જણાવ્યું હતું.
- ઇન્દર સાહની