Get The App

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાય તે પહેલા જ મહાયુતિમાં મહાભંગાણની શક્યતા, શિંદે નારાજ થયા

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાય તે પહેલા જ મહાયુતિમાં મહાભંગાણની શક્યતા, શિંદે નારાજ થયા 1 - image


નવીદિલ્હી: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી જાહેર નથી થઈ એ પહેલા જ મહાયુતિ સરકારના ત્રણે પક્ષો એક બીજા સામે તલવાર કાઢી રહ્યા છે. એક તરફ જ્યારે વિરોધી એમવીએ ગઠબંધન ચૂંટણીની સ્ટ્રેટજી બનાવી રહી છે ત્યારે મહાયુતિમાં ભંગાણ પડવાની શક્યતા વધી રહી છે. મહારાષ્ટ્ર સરકારે 'લડકી બહન યોજના'ની જાહેરાત કરી ત્યારથી ડખો શરૂ થયો છે. આ યોજનાની જાહેરાતમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની તસવીર હતી. એનસીપી (અજીત પવાર)ના પક્ષે આ જાહેરાતમાંથી મુખ્યમંત્રી શિંદેની તસવીર હટાવી દીધી હતી. આ જોઈને શિવસેનાના એક મંત્રીએ અજીત પવાર સામે એલફેલ નિવેદનો કર્યા. આ યોજનાની ક્રેડીટ લેવા માટે ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ પ્રયાસ કર્યો જેનાથી એકનાથ શિંદે નારાજ થઈ ગયા છે. ત્રણે પક્ષો આટલી નાની બાબતે પણ એકમત સાધી શકતા નથી ત્યારે રાજકીય નીરિક્ષકો પૂછી રહ્યા છે કે આ સંઘ કાશીએ પહોંચશે કે નહીં. 

આપે ચૂંટણી લડવા રોકડા લીધા તો ભાજપ ક્યાં દુધે ધોયેલો છે

દિલ્હી લીકર કાંડમાં તપાસ કરી રહેલી સીબીઆઇએ એવો આક્ષેપ કર્યો છે કે, આમ આદમી પક્ષ તરફથી ૨૦૨૨ની ગોવા વિધાનસભા ચૂંટણી લડેલા બે પૂર્વ વિધાનસભ્યોએ ચૂંટણી લડવા રોકડા લીધા હતા. સાઉથ ગુ્રપ દ્વારા ૯૦ થી ૧૦૦ કરોડ રૃપિયા માંથી ૪૪.૫ કરોડ રૃપિયા ગોવાના ધારાસભ્યોને રોકડા આપવામાં આવ્યા હતા. આ આક્ષેપ સામે દિલ્હીના રાજકીય નીરિક્ષકો વળતો ઘા કરીને કહી રહ્યા છે કે, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાં જ્યારે વિધાનસભા કે લોકસભાની ચૂંટણી થાય છે ત્યારે ભાજપના ઉમેદવારો શું ચૂંટણી લડવા માટેનું ફંડ ચેકથી જ લે છે ? જો તટસ્થ એજન્સી તપાસ કરે તો ખબર પડે કે ભાજપ કરોડો રૃપિયાનું ચૂંટણી ફંડ રોકડેથી મેળવીને ઉમેદવારને ચૂંટણી લડવા માટે રોકડી રકમ જ આપે છે, જેનો કોઈ હિસાબ હોતો નથી. 

કોંગ્રેસને કારણે ઉત્તર પ્રદેશમાં માયાવતીએ રણનીતિ બદલવી પડી

ઉત્તર પ્રદેશમાં દલિત મતદારોનું ધુ્રવીકરણ કરીને સત્તા પર આવેલા બહુજન સમાજ પક્ષનો દેખાવ છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ નબળો રહ્યો છે. પક્ષને ફરીથી લોકપ્રિય બનાવવા માટે પક્ષ પ્રમુખ માયાવતી ખૂબ મહેનત કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં જ્યારે કોંગ્રેસ પણ વિવિધ યોજનાઓ દ્વારા દલિતોને રીઝવવાનો પ્રયાસ કરે છે ત્યારે નવા દલિત નેતા ચંદ્રશેખર આઝાદને કારણે પણ માયાવતીની મુશ્કેલી વધી રહી છે. છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન બસપાની મતની ટકાવારી ૧૭ ટકા ઘટી છે. યુવા દલિતો ચંદ્રશેખર આઝાદને સમર્થન આપી રહ્યા છે. હવે માયાવતીએ નક્કી કર્યું છે કે, એમના રાજકીય ગુરુ કાશીરામની નિતિનો અમલ કરવો. 'સર્વજન હિતાય ઔર સર્વજન સુખાય'નું સૂત્ર બદલીને એમણે 'બહુજન હિતાય ઔર બહુજન સુખાય' ના સૂત્રનો અમલ કરવાનું નક્કી કર્યું છે. 

દેશની સૌથી પૈસાદાર મહિલાનો ભાજપ સામે બળવો

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપએ દેશના સૌથી પૈસાદાર મહિલા સાવિત્રી જિંદલને ટિકિટ નથી આપી. સાવિત્રી જિંદલે ભાજપ સામે બળવો પોકાર્યો છે. ભાજપએ હિસારની બેઠક પર ડો. કમલ ગુપ્તાને ટિકિટ આપી છે. આ બેઠક પર સાવિત્રી જિંદલને ટિકિટ જોઈતી હતી. હવે સાવિત્રી જિંદલ આ બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડશે. સાવિત્રીએ એમના સમર્થકોને કહ્યું છે કે, ભાજપનું સભ્યપદ છોડી દે. સાવિત્રી જિંદલ ભાજપના સાંસદ નવીન જિંદાલના માતા છે. 

હરિયાણાની ચૂંટણીમાં યુવાનો, મહિલાઓ અને જાટો કોંગ્રેસ સાથે રહેશે

વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને કોંગ્રેસે પક્ષમાં લીધા હોવાને કારણે હરિયાણાની મહિલાઓ, યુવાનો અને જાટો કોંગ્રેસ સાથે રહેશે એમ મનાય રહ્યું છે. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે, મહિલા પહેલવાનોના થતા યૌન શોષણ સામે વિનેશ ફોગાટે જે રીતે આંદોલન ચલાવ્યું હતું એને કારણે હરિયાણાની મહિલાઓ અને યુવાનોમાં વિનેશ લોકપ્રિય થઈ ગઈ છે. હરિયાણામાં વિધાનસભાની છેલ્લી બે ચૂંટણીઓમાં યુવાનો અને મહિલાઓના મત મોટી સંખ્યામાં ભાજપને મળ્યા હતા જેને કારણે ભાજપ હરિયાણામાં સરકાર બનાવી શક્યો હતો. આ વખતે પરિસ્થિતિ અલગ છે. કોંગ્રેસે વિનેશ અને બજરંગને પક્ષમાં સામેલ કર્યા હોવાથી ઝુલાના અને ચરખી દાદરી મત વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યાલય પર આવી રહી છે. 

કેરળના હિલ સ્ટેશનો પર પર્યટકો વધતા હાઈકોર્ટની ટીકા

કેરળના વાયનાડ જિલ્લાના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે મોટા પાયે નુકસાન થયું હતું. હવે કેરળ હાઇકોર્ટે કેરળના હિલ સ્ટેશનો પર વધતા પર્યટકોની સંખ્યા બાબતે ચિંતા વ્યક્ત કરી છે. રાજ્યના હિલ સ્ટેશનો કેટલા પર્યટકોને સમાવી શકે છે એ બાબતનો સંપૂર્ણ રિપોર્ટ ૨૫મી ઓક્ટોબર પહેલા હાઇકોર્ટે માંગ્યો છે. હાઇકોર્ટના કહેવા પ્રમાણે હિલ સ્ટેશનો પર પર્યટકોની સંખ્યા નિયંત્રિત કરવી જોઈએ. દરેક હિલ સ્ટેશનની ક્ષમતા જાણીને મર્યાદિત સંખ્યામાં પર્યટકોને પ્રવેશ આપવો જોઈએ. હિલ સ્ટેશનો પર જે રીતે બાંધકામો વધી રહ્યા છે અને ટૂરીસ્ટોને આકર્ષવા માટે ગેઇમઝોન્સ બની રહ્યા છે એ ચિંતાજનક છે. 

દિલ્હીમાં ઇલેક્ટ્રીક વાહનોની ખરીદીમાં ઘટાડો થઈ રહ્યો છે

દિલ્હીમાં ઇલેક્ટ્રીક વાહનો ખરીદવા હવે મોંઘા પડી રહ્યા છે. દિલ્હી સરકારે ઇલેક્ટ્રીક વાહનોનું માર્કેટ વધારવા માટે એક ખાસ પોલીસી બનાવી હતી. હવે આ પોલીસી બંધ કરી દેવામાં આવી છે. દિલ્હી સરકારની પોલીસી મુજબ ઇ-વાહનો ખરીદનારને રોડ ટેક્સમાં મોટી છૂટ આપવામાં આવતી હતી. જોકે હવે ઇ-વાહનો પર રોડ ટેક્સ ડીઝલ અને પેટ્રોલના વાહનો જેટલો જ થઈ ગયો હોવાથી ઇ-વાહનો ખરીદનારની સંખ્યા ઘટી રહી છે. શરૃઆતમાં કેન્દ્રીય વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ ઇ-વાહનો ખરીદનાર માટે કેટલીક છૂટછાટો જાહેર કરી હતી. એમ લાગે છે કે હવે નીતિન ગડકરીને પોલીસી લંબાવવામાં રસ નથી.


Google NewsGoogle News