18 વર્ષ પછી પ્રમોદ મહાજનના પુત્રીએ હત્યાની તપાસની માગ કરી
નવીદિલ્હી: ભાજપના કદાવર નેતા અને અટલબિહારી વાજપેયના જમણા હાથ ગણાતા પ્રમોદ મહાજનની હત્યા ૨૦૦૬ના વર્ષમાં થઈ હતી. પ્રમોદ મહાજન સવારે મુંબઈના એમના નિવાસસ્થાને બેઠા હતા ત્યારે એમના સગા ભાઈ પ્રવિણ મહાજને એમના પર ગોળીઓનો વરસાદ વરસાવ્યો હતો. પ્રવિણ મહાજનનું મૃત્યુ જેલમાં જ થઈ ગયું હતું. પ્રમોદ મહાજનના પુત્રી પુનમ મહાજન ભાજપના સાંસદ રહી ચૂક્યા છે. પૂનમ મહાજનની હવે ભાજપ હાઇકમાન્ડ અવગણના કરે છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે પૂનમ મહાજને ધડાકો કર્યો છે કે એમના પિતાની હત્યા મોટું કાવતરું હતું. પ્રમોદ મહાજનની હત્યાના કાવતરાની નવેસરથી તપાસ કરવા એમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. મહારાષ્ટ્રમાં લોકોને નવાઈ લાગી રહી છે કે ૧૮ વર્ષ સુધી શાંત બેઠા પછી હવે પુનમ મહાજન શા માટે ફેર તપાસની માગણી કરી રહ્યા છે.
'લાલ કિતાબ' પર ફડણવીસની ટીકાનો જવાબ કોંગ્રેસે આપ્યો
થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેર્ન્ય ફડણવીસે એવો પ્રશ્ન કર્યો હતો કે રાહુલ ગાંધી ભારતના બંધારણની લાલ રંગવાળી કોપી બતાવીને કયો સંદેશો આપવા માંગે છે? કોંગ્રેસના નેતા દેશમાં અરાજકતા ફેલાવનારાઓને સાથ આપવાનો આરોપ પણ ફડણવીસે લગાડયો હતો. રાજકારણમાં સામાન્ય રીતે લાલ રંગની સરખામણી સામ્યવાદી વિચારધારા સાથે થાય છે. ફડણવીસના આ આક્ષેપ સામે કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે કડક જવાબ આપતા કહ્યું છે કે, ફડણવીસને જે પુસ્તક બાબતે તકલીફ થઈ રહી છે એ પુસ્તક હકીકતમાં ભારતનું બંધારણ છે. જેને ડો. ભીમરાવ આબંડેકરે લખ્યું છે. આ એજ પુસ્તક છે જેના ઉપર આરએસએસએ ૧૯૪૯માં હુમલો કર્યો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પુસ્તકને બદલવા માંગે છે. ફડણવીસને ખબર હોવી જોઈએ કે લાલ કવરવાળા આ પુસ્તકની પ્રસ્તાવના કે કે વેણુગોપાલે લખી છે, જેઓ ભારતના એટર્નીજરનલ પણ રહી ચૂક્યા છે.
અજીત પવારના નેતા સામે કરોડોની જમીન પચાવી પાડયાનો આક્ષેપ
ભાજપના નેતા સ્વ. પ્રમોદ મહાજનના ભાઈ પ્રવિણ મહાજનના પત્ની સારંગી મહાજને અજીત પવારના નેતા ધનંજય મુંડે અને ભાજપના ધારાસભ્ય પંકજા મુંડે પર કરોડો રૂપિયાની જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ કર્યો છે. સારંગીનું કહેવું છે કે, બંને ભાઈ બહેને મળીને એમની સાથે છેતરપીંડી કરી છે. સારંગી પાસે બીડ જિલ્લાના પરલી ગામે ૬૩.૫૦ વાર જમીન હતી. આ જમીનમાંથી ૩૬ વાર જમીન નોકર ગોવિંદ બાલાજી મુંડેનો ઉપયોગ કરીને પચાવી પાડવામાં આવી છે. સારંગી મહાજનનું કહેવું છે કે, એમને પરેલની અનસુયા હોટલમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાંથી રજીસ્ટાર પાસે લઈ જઈ એમની સહિ લઈ લેવામાં આવી હતી. કેટલાક કોરા કાગળો પર પણ એમની સહિ લેવામાં આવી હતી.
જ્યોતિરાદિત્યની કોમેન્ટ પર કોંગ્રેસનો પ્રતિ હુમલો
થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ દેશના કેટલાક જાણીતા અખબારો માટે લેખ લખ્યો હતો. આ લેખની ટીકા કરતા ભાજપના કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે, જે લોકો દેશમાં નફરત ફેલાવે છે એમને ભારતના ગૌરવ અને ઇતિહાસ પર ઉપદેશ આપવાનો કોઈ હક નથી. રાહુલ ગાંધીની માનસિકતા વિકાસ વિરોધી છે. સિંધિયાની આ કોમેન્ટ વાંચીને કોંગ્રેસના નેતા પવન ખેડા ઉકળી ઉઠયા છે. વળતો જવાબ આપતા એમણે કહ્યું છે કે, 'મહામહિમ સિંધિયાજી, રાહુલ ગાંધીએ કંપનીઓની મોનોપોલી વિશે જે લખ્યું હતું એનું તમને અંગત રીતે લાગી આવ્યું છે. આવી જ કંપનીઓએ ભારતના નવાબો તેમ જ રાજાઓને ડરાવીને ગુલામ બનાવી એમને લૂટયા હતા. ઇતિહાસ પ્રમાણે ૧૮૫૮ના સ્વતંત્રતા સંગ્રામમાં ગ્વાલિયરના સિંધિયા પરીવારે અંગ્રેજને સાથ આપ્યો હતો.'
મા બાળકની સંભાળ રાખે છે એ રીતે હું વાયનાડની સંભાળ રાખીશ ઃ પ્રિયંકા
પ્રિયંકા વાડ્રા વાયનાડના અલગ અલગ વિસ્તારમાં ફરીને ચૂંટણી સભા સંબોધી રહ્યા છે. પ્રિયંકાના લાગણીશીલ સંબોધનને કારણે મતદારો પ્રભાવિત થઈ રહ્યા છે. પ્રિયંકાએ કહ્યું હતું કે, જો ચૂંટણી જીતીને તેઓ લોકસભામાં જશે તો તેઓ વાયનાડની સેવા ફક્ત સાંસદ તરીકે તો કરશે જ પરંતુ વાયનાડના લોકોના તમામ પ્રશ્નો માટે તેઓ લડત આપશે. પ્રિયંકા વાડ્રા વાયનાડમાં ઘરે ઘરે ફરીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
રશિયા પાસેથી તેલ ખરીદી મુદ્દે કેન્દ્ર સરકારનો બચાવ
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે રશિયા પાસેથી તેલ ખરીદવાના ભારતના નિર્ણયથી તેલની જાગતિક કિંમતમાં સંભવિત ઉછાળો ટાળી શકાયો હોવાનો દાવો કેન્દ્રના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંઘ પુરીએ સોશિયલ મીડિયા પર કર્યો હતો. ભારતે તેલની ખરીદી ન કરી હોત તો તેલનો ભાવ પ્રતિ બેરલ બસો ડોલરને વટાવી ગયો હોત. કેન્દ્રિય મંત્રીએ સ્પષ્ટતા કરી કે રશિયન તેલ પર કોઈ પ્રતિબંધ નહોતા, માત્ર કિંમતની મર્યાદા નક્કી કરાઈ હતી. કેટલાક ટીકાકારો રશિયા પાસેથી તેલની ખરીદી માટે ભારત પર નિયંત્રણની ભલામણ કરી રહ્યા છે જ્યારે યુરોપ અને એશિયાના અનેક દેશોએ વધુ પ્રમાણમાં કાચું તેલ, ડીઝલ, એલએનજી અને દુર્લભ ખનિજોની ખરીદી કરી હતી.
કેરળ ભાજપને પલક્કડ પેટાચૂંટણીમાં જૂથવાદ અને આંતરકલહ નડશે
કેરળ ચૂંટણીમાં અઠવાડિયાથી ઓછો સમય બાકી છે ત્યારે રાજ્યનું ભાજપ યુનિટ જૂથવાદ અને અસંતોષથી પરેશાન છે જેના કારણે પલક્કડ વિધાનસભાની ચૂંટણીમાં તેના માટે રહીસહી તક પણ ગુમાવવાની સંભાવના છે. નવી કટોકટી પ્રચારથી દૂર રહેનાર તેના લોકપ્રિય નેતા સંદીપ વારિયર દ્વારા સર્જાઈ છે. વારિયરના આરએસએસ સાથે ગાઢ સંબંધ છે પણ ભાજપના અન્ય નેતા થિરુર સથીશે ૨૦૨૧નો કોડાકરા હવાલા કૌભાંડ કેસ ઊભો કરીને કેરળ ભાજપ ચીફ કે. સુરેન્દરન પર કાદવ ઉછાળ્યા પછી વારિયરે પ્રચારથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો.
ઝારખંડમાં ભાજપ પ્રચારમાં અગ્રેસર, ગઠબંધનમાં ઉત્સાહનો અભાવ
ઝારખંડમાં શાસક ઝારખંડ મુક્તિ મોરચા(જેએમએમ) અને ભાજપ વચ્ચે જોરદાર લડાઈ છે. પીએમ મોદી અને અમિત શાહ સહિત ભાજપના ટોચના નેતાઓ અહીં પ્રચાર કરશે જ્યારે કોંગ્રેસના અગ્રણી નેતાઓ મોટાભાગે પ્રચારમાં ગેરહાજર રહ્યા છે. જેએમએમના નેતા હેમંત સોરેન અને સ્ટાર પ્રચારક કલ્પના સોરેનએ ઝંઝાવાતી અભિયાન શરૂ કર્યું છે જ્યારે કોંગ્રેસ મોટાભાગે નિરુત્સાહ રહી છે.
દિલ્હીમાં પ્રદૂષણ પાછળ કારની વધતી સંખ્યા જવાબદાર
સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ (સીએસઈ) અનુસાર રાજધાનીમાં પરિવહનની કટોકટી છે અને તેનાથી શહેરમાં પ્રદુષણ પણ વધ્યું છે. રસ્તાઓ પર ખાનગી વાહનોની સંખ્યામાં બેફામ વધારા તેમજ બસ પ્રવાસીઓની સંખ્યામાં સતત ઘટાડાની શિયાળામાં થતા પ્રદુષણ પર અસર પડી રહી છે. ૨૦૨૨ અને ૨૦૨૩માં દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસોમાં દરરોજ સરેરાશ ૨૫ લાખ પ્રવાસીઓ પ્રવાસ કરતા હતા જે છેલ્લા દસ વર્ષમાં ૪૫ ટકાનો ઘટાડો સૂચવે છે. ૨૦૧૨ અને ૨૦૧૩ વચ્ચે શહેરના સૌથી પસંદગીપાત્ર પરિવહન બસ સેવામાં દરરોજ સરેરાશ ૪૬.૭૭ લાખ પ્રવાસીઓ મુસાફરી કરતા હતા.
બેંગલુરુમાં ૧૦ વર્ષના છોકરા પર મહિલાએ છેડતીનો આરોપ મૂક્યો
બેંગલુરુની એક ઈન્ફ્લ્યુએન્સર મહિલાના દાવાએ લોકોને આશ્ચર્યમાં મુકી દીધા છે. તેણે આરોપ કર્યો છે કે જ્યારે તે બીટીએમ લેઆઉટમાં વીડિયો બનાવી રહી હતી ત્યારે એક દસ વર્ષના છોકરાએ તેના સ્તનને સ્પર્શ કર્યો હતો. ત્યાર પછી પોલીસે છોકરાને ઓળખી કાઢીને વધુ તપાસ હાથ ધરી હતી. મહિલાના દાવા મુજબ જ્યારે તે રસ્તા પર ચાલી રહી હતી ત્યારે સાયકલ પર આવેલો આ છોકરો તેની છાતીને સ્પર્શ કરીને નાસી ગયો હતો. પોતાના વીડિયોમાં તેણે આ ઘટના પર પ્રકાશ પાડીને જણાવ્યું કે બેંગલુરુમાં મહિલાઓ સુરક્ષિત નથી. લોકો એવીય ચર્ચા કરતા હતા કે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મહિલાનો પબ્લિસિટી સ્ટંટ છે.
ટ્રમ્પના શાસનમાં કુશળ ભારતીયોને વધુ તક મળશે તેવી અટકળો
ટ્રમ્પના વિજયથી ભારતીય ટેક કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને વધારાની તક મળી શકે છે. પ્રમુખ તરીકે જૂન ૨૦૨૦ દરમ્યાન પોતાની આગલી ટર્મમાં ટ્રમ્પે ભારતીયો સહિત તમામ માટે એચ-૧બી વર્ક વિઝા સસ્પેન્ડ કર્યા હતા. ભારતમાં કેપીએમજીના શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટ પ્રેક્ટિસના પાર્ટનર અને હેડ નારાયણન રામાસ્વામીએ જણાવ્યું કે અમેરિકાને કુશળ ઈમિગ્રન્ટ કર્મચારીઓની જરૂર પડશે અને ચીન કરતા ભારત તેની આ જરૂરીયાત વધુ સારી રીતે પૂરી પાડી શકે છે. આ બાબત ખાસ કરીને ભારતીય આઈટી સેવા કંપનીઓ માટે વધુ લાગુ પડે છે જેમના માટે અમેરિકા સૌથી મોટુ બજાર છે. આ કંપનીઓ તેના કર્મચારીઓને ગ્રાહકોને સેવા આપવા નિયમિતપણે હંગામી વર્ક વિઝા પર અમેરિકા મોકલતી હોય છે.
- ઈન્દર સાહની