દિલ્હીની વાત : સંજય સિંહની જીદ, 'જનતાને વડાપ્રધાનનો રાજમહેલ બતાવો'
નવીદિલ્હી : દિલ્હી વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે અરવિંદ કેજરીવાલે બનાવેલા 'શીશમહલ' બાબતે રાજકારણમાં ગરમી વધી છે. અરવિંદ કેજરીવાલે ૪૫ કરોડના ખર્ચે બનાવેલા મુખ્યમંત્રી આવાસ બાબતે ભાજપના નેતાઓ ટોણો મારી રહ્યા છે. હવે આપના નેતા સંજય સિંહે વળતો ઘા કર્યો છે. સંજય સિંહનું કહેવું છે કે, ૨૭૦૦ કરોડ રૂપિયે બનાવવામાં આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આલિશાન રાજમહેલ કેવો છે એ જોવા માટે ખુલ્લો મૂકવામાં આવે. સંજય સિંહે કહ્યું છે કે મીડિયાને લઈને તેઓ પહેલા મુખ્યમંત્રી નિવાસસ્થાને જશે. ત્યાર પછી વડાપ્રધાનનું નિવાસસ્થાન જોવા જશે. સંજય સિંહ અને આપના મંત્રી સૌરભ ભારદ્વાજ મુખ્યમંત્રી આવાસે ગયા ત્યારે પોલીસે એમને અંદર જતા રોક્યા હતા. ત્યાર પછી સંજય સિંહ અને ભારદ્વાજ વડાપ્રધાનના નિવાસસ્થાને જવા નિકળ્યા ત્યારે પોલીસ સાથે એમને તૂતૂ મેંમેં થઈ હતી.
આતિશી મારલેનાની ઉમેદવારીથી દિલ્હીની કાલકાજી બેઠક ચર્ચામાં
દિલ્હી વિધાનસભાના કાલકાજી મતવિસ્તારની બેઠક પર બધાની નજર છે. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી આતિશી મારલેના અહીંથી ચૂંટણી લડશે. આતિશીની સામે કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય અલકા લાંબા તો ભાજપે ભૂતપૂર્વ સાંસદ રમેશ બિઘૂડીને ઉતાર્યા છે. કાલકાજી બેઠક પર વિધાનસભાની પહેલી ચૂંટણી ૧૯૭૨માં લડાઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને જનસંઘ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. કોંગ્રેસના વીપીસિંહે આ ચૂંટણી જીતી હતી. દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા પછી ૧૯૯૩માં થયેલી ચૂંટણીમાં કાલકાજી બેઠક પરથી ભાજપને જીત મળી હતી. ૧૯૯૮ની ચૂંટણીમાં કાલકાજી બેઠક પરથી કોંગ્રેસે જીત મેળવી હતી. અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન પછી થયેલી ૨૦૧૩ની ચૂંટણીમાં ભાજપ જીત્યું હતું.
ભારતમાં એચએમપીવી વાયરસ નબળો : બીજા પાંચ વાયરસ સક્રિય
ચીનમાં હાહાકાર મચાવનાર એચએમપીવી વાયરસ ભારતમાં નબળો પડી ગયો છે. જોકે એચએમપીવી વાયરસ કરતા વધુ ખતરનાક પાંચ વાયરસ છેલ્લા ત્રણ મહિનાથી દેખાઈ રહ્યા છે. આ જાણકારી આઇએસએમઆરએ બહાર પાડેલા રીપોર્ટમાં આપી છે. રીપોર્ટ પ્રમાણે દર વર્ષની જેમ આ વખતે પણ ભારતમાં એચ-૧ એન-૧ એટલે કે સ્વાઇન ફલૂ, એચ-૩ એન-૨, વિકટોરીયા, કોરોના અને આરએસ વાયરસના કેસ વધુ મળી રહ્યા છે. આ તમામ વાયરસથી સંક્રમિત થતા લોકોમાં એક સરખા લક્ષણો જોવા મળે છે. સંક્રમિત દર્દીને શરદી, ખાંસી અને તાવની તકલીફ જોવા મળે છે.
દિલ્હીની ચૂંટણી જાહેર થતાં જ કોંગ્રેસે સ્થાનિક મુદ્દા ચગાવવાનું શરૂ કર્યું
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ લડાઈ રહ્યો છે. છેલ્લી ત્રણ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જીત મેળવી હતી. જોકે આ વખતે વિધાનસભાની ચૂંટણી રસીક બનશે એમ મનાય છે. આપ સામે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે અને એન્ટી ઇન્કમબન્સી ફેક્ટર પણ આપને નડી શકે એમ છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં કોંગ્રેસે આક્રમક પ્રચાર શરૂ કર્યો છે. કોંગ્રેસના ઉમેદવારો હવે સ્થાનીક મુદ્દા પર વધુ ભાર આપી રહ્યા છે. પ્રદૂષણ ઉપરાંત અસ્વચ્છ પાણી અને શિક્ષણ વ્યવસ્થાની ખામી તેમ જ નબળી આરોગ્ય વ્યવસ્થા બાબતે કોંગ્રેસ પ્રચાર કરી રહી છે. કોંગ્રેસનો દાવો છે કે કોંગ્રેસ સત્તામાં આવશે તો આપની જેમ કામચલાઉ મુખ્યમંત્રી નહીં પરંતુ કાયમી મુખ્યમંત્રી દિલ્હીને મળશે.
કોંગ્રેસના નારાજ મતદારો આ વખતે ઘરવાપસી કરશે : સંદીપ દીક્ષિત
દિલ્હીમાં ૨૦૨૦ની વિધાનસભાની ચૂંટણીમાં આપે ૬૨ બેઠકો પર વિજય મેળવ્યો હતો. ભાજપે બાકીની ૮ બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસનું ખાતુ ખૂલી શક્યુ નહોતું. દિલ્હીના ત્રણ વાર મુખ્યમંત્રી રહી ચૂકેલા શિલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિત વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. જે બેઠક પરથી શિલા દીક્ષિત ચૂંટણી લડતા હતા ત્યાંથી જ સંદીપ દીક્ષિત લડી રહ્યા છે. સંદીપ દીક્ષિતના કહેવા પ્રમાણે આ વખતની ચૂંટણી જુદી હશે. કોંગ્રેસના વફાદાર મતદારો ફરીથી કોંગ્રેસ તરફ વળ્યા છે. કોંગ્રેસના ૨૦ ટકા જેટલા મતદારો આપ તરફ વળ્યા હતા એ બધા હવે આપના બેવડા ધોરણને સમજી ગયા છે. કોંગ્રેસના મતદારોએ ૨૦૧૩ પછી દિલ્હીની શું હાલત થઈ છે એ જોઈ લીધું છે. ૨૦૧૩માં દિલ્હીનું વાતાવરણ અલગ હતું. લોકપાલ અને ભ્રષ્ટાચાર મુદ્દે લોકોને ઘેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. હવે મતદારોની આંખો ખૂલી ગઈ છે.
કર્ણાટકમાં 8 અધિકારીઓના સ્થાનો પર લોકાયુક્તના દરોડાં
છેલ્લા કેટલાક મહિનાઓથી કર્ણાટકમાં લોકાયુક્ત અને સરકાર વચ્ચે ઠંડુ યુદ્ધ ચાલી રહ્યું છે. સરકારને દબાવવા માટે લોકાયુક્તએ સરકારના માનીતા ૮ અધિકારીઓના સ્થાનો પર દરોડા પાડયા છે. જે અધિકારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે એમની સામે આવકથી વધારે મિલ્કત હોવાના આરોપ મૂકવામાં આવ્યા છે. બંગલુરુના વાહન વ્યવહાર કમિશનર શોભાને ત્યાં પણ દરોડો પાડવામાં આવ્યો છે. એ સિવાય કદુરના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ સચિવ ડો. એસ એન ઉમેશ, બસવ કલ્યાણના લઘુસિંચાઇ સચીવ રવિન્દ્ર જેવા શક્તિશાળી અધિકારીઓનો સમાવેશ પણ થાય છે. દરોડામાં શું મળ્યુ એ બાબતે લોકાયુક્ત તરફથી કોઈ જાણકારી મળી નથી. એમ મનાય છે કે આ દરોડા પછી હવે સિદ્ધારમૈયાની સરકાર પણ ભાજપના નેતાઓ પર વળતો ઘા કરે એવી શક્યતા છે.
મહાકુંભમાં મહાકાલની લીલા આકર્ષણનું કેન્દ્ર બનશે
પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ખાતે યોજાઈ રહેલા મહાકુંભમાં કાશીના કલાકારોની કળા પ્રદર્શિત થશે. એક તરફ કલાકાર મંડળીઓ જાતભાતના વેશ ધારણ કરીને કળા પ્રદર્શિત કરશે તો બીજી તરફ અઘોરીઓ ભસ્મથી હોળી રમશે. મહાકુંભમાં મુખ્ય આકર્ષણ મહાકાલની લીલા હશે. કાશીના કલાકારોની ટોળી આ લીલા પ્રદર્શિત કરશે. 'તન પર ભસ્મ રમાયે ભોલા ખેલ રહે હૈ હોરી'ની થીમ પર મહાકાલ અને માતા પાર્વતિના સ્વરૂપો પહેલીવાર મહાકુંભમાં રજૂ કરવામાં આવશે. કાશીની શીવબારાત, બાબા વિશ્વનાથની શોભાયાત્રા, સ્મશાનની હોળી અને મહાશિવરાત્રીને દિવસે શીવબારાત કાઢનાર કલાકારો પ્રયાગરાજ જવા રવાના થઈ ગયા છે.
મહાકુંભમાં સ્નાન મુદ્દે ઉત્તર પ્રદેશના નેતાઓમાં નિવેદનબાજી
મહાકુંભની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. તેની તૈયારી પૂરી થઈ ગઈ હોવાનો દાવો યોગીની સરકાર કરી રહી છે. તેની સામે વિપક્ષ કહે છે કે પૂરતી તૈયારી થઈ નથી એટલે શ્રદ્ધાળુઓ પરેશાન થશે. અખિલેશ યાદવને પૂછવામાં આવ્યું કે તમે મહાકુંભમાં સ્નાન કરવા જશો? એના જવાબમાં સપાના વડાએ કહ્યું કે હું ચોક્કસ પુણ્ય કમાવવા માટે મહાકુંભમાં સ્નાન કરીશ. યોગીની સરકારના મંત્રીઓ પણ આ મહાકુંભમાં ડૂબકી લગાવે કે જેથી તેમના પાપ ધોવાઈ જાય. એ પછી યોગીના મંત્રી ઓમ પ્રકાશ રાજભરે કહ્યું કે જો અખિલેશ યાદવ મહાકુંભમાં સ્નાન કરવા જવાના હોય તો હું તેમને કંપની આપવા સાથે જઈશ.
કોંગ્રેસનું નાક દબાવીને વધુ બેઠકો મેળવવાનો તેજસ્વી યાદવનો વ્યૂહ
તેજસ્વી યાદવને દિલ્હીના સંદર્ભમાં પૂછાયું કે દિલ્હીમાં ગઠબંધનના બે સહયોગી દળો - કોંગ્રેસ અને આપ સામ-સામે ચૂંટણી લડે છે, તો શું ગઠબંધન હવે તૂટી ગયું છે. એના જવાબમાં તેજસ્વી યાદવે કહ્યું કે ઈન્ડિયા ગઠબંધનનો મૂળ હેતુ લોકસભામાં સાથે ચૂંટણી લડવાનો હતો. ગઠબંધન બનતું હતું ત્યારે જ નક્કી થયું હતું કે આ ગઠબંધન લોકસભાની ચૂંટણી પૂરતું હશે. એના પછી જો સહયોગી દળો વચ્ચે રાજ્યોમાં વાત બને તો સારી વાત છે. નહીંતર બધા પોત-પોતાની શક્તિ અજમાવી શકે છે. તેજસ્વીના આ નિવેદન પછી અટકળો ચાલી રહી છે કે તેજસ્વી કોંગ્રેસથી અલગ થઈને બિહાર વિધાનસભાની ચૂંટણી લડવા માગે છે. એમ નહીં હોય તો આ રીતે કોંગ્રેસને આડકતરી ધમકી આપીને બિહારમાં સીટશેરિંગની વાત આવે ત્યારે વધુ બેઠકો મેળવવાનો તેજસ્વીનો વ્યૂહ લાગે છે.
આંબેડકરના જન્મસ્થળેથી રાહુલની જય બાપુ, જય ભીમ યાત્રા નીકળશે
કોંગ્રેસે થોડા દિવસ પહેલાં જ જાહેરાત કરી હતી કે દેશભરમાં જય બાપુ, જય ભીમ અને જય સંવિધાન નામથી યાત્રા કાઢશે. તેના ભાગરૂપે ઘણાં કોંગ્રેસ યુનિટે આ યાત્રાની શરૂઆત કરી છે. એ યાત્રામાં મહત્ત્વનો પડાવ આવશે રાહુલ ગાંધીની યાત્રાથી. રાહુલ ગાંધી ડૉ. ભીમરાવ આંબેડકરના જન્મસ્થળ મહૂથી આ યાત્રાનો ૨૬મી જાન્યુઆરીએ પ્રારંભ કરશે. મધ્યપ્રદેશના મહૂથી શરૂ થયેલી યાત્રા ક્યા સ્થળે સમાપ્ત થશે એ હજુ નક્કી નથી. એ બાબતે કોંગ્રેસના નેતાઓ રૂપરેખા ઘડી રહ્યા છે.
બંગાળમાં ભાજપના સદસ્યતા અભિયાન પર મમતા બેનર્જીની નજર
પશ્વિમ બંગાળમાં ભાજપે સદસ્યા અભિયાન આદર્યું હતું, પરંતુ એમાં ખાસ સફળતા મળી નથી. સદસ્યા અભિયાનમાં પાર્ટી સત્તાવાર આંકડાં પ્રમાણે માત્ર ૪૦ લાખ સભ્યોને જ જોડી શકી છે. બીજા બધા રાજ્યોમાં આ આંકડાં કરોડોમાં છે. તેનાથી ભાજપ યુનિટ બચાવની સ્થિતિમાં છે. હાઈકમાન્ડે આ સદસ્યા અભિયાનનો અહેવાલ દિલ્હી મંગાવ્યો છે. બીજી તરફ મમતા બેનર્જીએ ખાસ વિશ્વાસુ નેતાઓને આ સદસ્યા અભિયાન પર નજર રાખવાનું કામ સોંપ્યું હતું. મમતા દીદી જાણવા માગતા હતા કે રાજ્યના ક્યા વિસ્તારોમાં આ સદસ્યા અભિયાનનો સારો પ્રતિસાદ મળે છે. તેના આધારે ટીએમસી એ વિસ્તારોમાં વિશેષ કેમ્પેઈન ચલાવશે. અભિયાનને ખાસ ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો નથી એટલે મમતા બેનર્જી આશ્વાસ્ત છે.